Translate

શનિવાર, 21 જુલાઈ, 2018

ગેસ્ટ બ્લોગ : ફાતેમા ઈસ્માઈલ દિવ્યાંગોની જનેતા

  દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નહી હોય, જેને દુ:ખોનો સામનો ન કરવો પડ્યો હોય. ચોગમથી  ઘેરાએલામાનવીની મુંઝવણનો પાર નથી હોતો, તે સમયે શાંત ચિત્તે ઉકેલ શોધવાની આવડત બહુ  ઓછા લોકોમાં હોય છે તેઓ સંજોગોનો સ્વીકાર કરી ઝઝૂમે છે. સકારાત્મક વિચાર સાથે સંઘર્ષનો સામનો કરનાર વ્યક્તિ કવિવર રવીન્દ્રનાથ ટાગોર ની પંક્તિઓને સાકાર કરે છે "વિપત્તિમાં  કરો રક્ષા ન એ પ્રાર્થના મારી વિપત્તિથી ડરું નાં કદી બસ એ જ પ્રાર્થના મારી.” ફાતેમા ઈસ્માઈલ પણ આવી જ એકવિરલ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવનાર મહિલા હતા, જેમણે ટાગોરની કવિતાને અનુસરી અનેક મુશ્કેલીઓનોસામનો કરતાં કરતાં સમાજ ઉપયોગી સિધ્ધિ હાંસિલ કરી.
 ફાતેમા ઈસ્માઈલ સમર્પણની ભાવના ધરાવતી વિભૂતિ હતા, જેમાણે અપંગોના જીવનમાં અજવાળું પાથર્યું. આજથી બાસઠ વર્ષ પહેલાં તેમણે જે સંસ્થાની સ્થાપના કરી, તે “ધી ફેલોશીપ ઓફ ધી  ફિઝીકલી હેનડીકેપ” આજે પણ કાર્યરત છે દિવ્યાંગોને યોગ્ય શિક્ષણ આપી પગભર કરવાનો આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.
                                      ભારત સરકારે જેમને પદ્મશ્રીના ખિતાબથી નવાજ્યા, તે ફાતેમા ઈસ્માઈલને આ સંસ્થા સ્થાપવાનું શા માટે સૂઝ્યું, તો તેના કારણમાં તેણીના જીવનમાં અનાયાસે અનપેક્ષિત આવી પડેલી અગણિત મુશ્કેલીઓ છે. લગ્ન પછીના ટુકા ગાળામાં પતિનું મૃત્યુ, જુવાનજોધ પુત્રનું મૃત્યુ આ ઓછું હોય તેમાં નાની દિકરી પોલિયોનાં રોગનો ભોગ બની. આજે તો આખો દેશ પોલિયો મુક્ત છે, પરંતુ સાઠ વર્ષ પૂર્વે આ ભયંકર રોગની કોઈ દવા ન હતી. વિશ્વમાં કેટલાય બાળકો પોલિયોનો શિકાર બનતા હતા.
                                      અત્યંત કરૂણા સભર હ્રદય અને અમી દ્રષ્ટિ ધરાવતા ફાતેમાના મનમાં એક ઉમદા વિચાર સ્ફૂર્યો, કે માત્ર મારી જ પુત્રી નહીં, પણ દેશના અપંગ બાળકો મારા છે અને તેમનું પુન:વસન કરવાની મારી નૈતિક ફરજ તથા સામાજિક જવાબદારી છે. સમાજમાં આવા દિવ્યાંગ બાળકોને સમાન અધિકાર મળે, એ જ મારો મુખ્ય હેતુ છે.
આજે પણ હાજીઅલી સ્થિત, ઘૂઘવતા દરિયાની સામે આ સંસ્થા “ધી ફેલોશીપ ઓફ ધી ફિઝીકલી હેનડીકેપ” સક્રીય છે. વિવિધ પ્રકારનુ અપંગત્વ ધરાવતા દિવ્યાંગોને આ સંસ્થા દ્વારા હુન્નર ઉદ્યોગની તાલિમ અપાય છે તથા તેમને પગભર કરાય છે. આમ તેમનામા આત્મવિશ્વાસનો સંચાર થાય છે.
                                        બાસઠ પહેલા આ સંસ્થાનો પ્રારંભ કરવાના શ્રેષ્ઠ વિચારને અનેક પ્રસિધ્ધ વ્યક્તિઓએ બિરદાવ્યો અને પોતાનો સહકાર આપ્યો. મહારષ્ટ્રના રાજ્યપાલ માનનીય શ્રી વિદ્યાસાગર રાવ જેનું માનદ સભ્યપદ ધરાવે છે એવી આ સંસ્થાના પદ પર, એસ એન ડી ટી યુનીવર્સીટીના માજી કુલપતિ મધુરીબહેન શાહ, કલ્લોલીની હઝરત જાણીતા પાકશાસ્ત્રી તરલા દલાલ જેવી પ્રતિભાઓ રહી ચૂકી છે. આજે પણ વિવિધ ક્ષેત્રોની અગ્રગણ્ય વ્યક્તિઓ આ સંસ્થાના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે.જાણીતા આર્કિટેક શ્રી અતુલ દેસાઈ આ સંસ્થાના સ્થાપક પ્રમુખ છે. આ લખનાર પણ હાલ આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે કાર્યરત હોવાથી, ગૌરવની લાગણી અનુભવે છે.
                                         સમાજના નબળા વર્ગના લોકોનો વિકાસ કરવાનું કામ તો પ્રત્યેક વ્યક્તિનું છે. આવી સેવાભાવી વ્યક્તિઓથી જ સંસ્થાનું નિર્માણ થાય છે અને યોગ્ય વ્યક્તિને સહાય મળી રહે છે.” ધી ફેલોશીપ ઓફ ધી  ફિઝીકલી હેનડીકેપ”ની વિસ્તૃત માહિતી મેળવવા માટે તેની વેબસાઈટ www.fphmumbai.orgની મુલાકાત લેવા માટે જાણકારોને આ તબક્કે, હું  નમ્ર વિનંતિ કરું છું.

                                                                   નીતિન વિ મહેતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો