Translate

લેબલ 'nitin mehta' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'nitin mehta' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 25 જુલાઈ, 2021

ગેસ્ટ બ્લોગ : કવિ અને સમાજ

                                 ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ હાસ્ય લેખક વિનોદ ભટ્ટે ઉત્તમ હાસ્ય નિબંધો આપ્યા છે. વિવિધ વિષયો પર તેમણે હાસ્ય સર્જન કર્યું છે, જેમાં કવિઓ અને લેખકો માટે પણ ઘણું લખ્યું છે. સમાજની નજરમાં કવિ નિમ્ન સ્તરનો કે બિન મહત્વની વ્યક્તિ હોય તેવું ફલિત થતું હતું. વિનોદ ભટ્ટે એક પ્રસંગ ટાંક્યો છે. એક વડીલે એક યુવાનને પૂછ્યું “ શું કરો છો?” યુવાને ઉત્સાહ પૂર્વક જવાબ દીધો,” કવિ છું.” વડીલે ફરી પૂછ્યું તો પેલા યુવાને પણ તે જ ઉત્તર આપ્યો. આખરે વડીલ અકળાઈને બોલ્યા, “એ તો સમજ્યા ભાઈ, પણ બીજું શું કરો છો?” વડીલનો સંકેત અર્થ ઉપાર્જન વિષે હતો. વડીલને એ કવિ છે એમાં જરા ય રસ ન હતો.     

                               આ પ્રસંગ પરથી એવું લાગે કે કવિ હોવું એ મહત્વનું નથી, એ કોઈ ખાસ ગુણ નથી, પણ આર્થિક રીતે સધ્ધર છે કે નહી તે મહત્વનું છે. વિનોદ ભટ્ટે બીજો પણ એક આ જ વિષયને લગતો પ્રસંગ લખ્યો છે. એક યુવક યુવતી એકમેકને પ્રેમ કરતા હતા. ને લગ્ન કરવાના હતા. એક દિવસ તે યુવકે આદ્ર સ્વરે યુવતીને પૂછ્યું, “તારા પપ્પાને તે જણાવ્યું છે કે હું એક સામાન્ય મધ્યમ વર્ગનો છું” યુવતિએ કહ્યું “ હા તેમાં તેમને કોઈ વાંધો નથી” યુવકે બીજો પ્રશ્ન કર્યો, “તારા પપ્પા જાણે છે કે હું કવિ છું?” અને યુવતી ઉછળીને બોલી,”ના હો તેમને ખબર પડે કે હું કવિને પરણવાની છું તો તેમનું હાર્ટ ફેલ થઈ જાય.” આ પ્રસંગો પરથી સમાજમાં કવિનું કેવું સ્થાન હશે તેની ખબર પડે છે.  

                                                  વ્યવસાઈક દ્રષ્ટિ ધરાવતા હોય તેમને એ જાણ નથી હોતી કે ભલે તેમાં કોઈ આર્થિક લાભ ન હોય, પણ કવિને મન તો નિજાનંદ માટે જે કંઈ સર્જન કર્યું હોય તેનું જ તેને વિશેષ મહાત્વ અને સંતોષ હોય છે.આજના વખતમાં તો એવા ઘણા કવિઓ લેખકો છે કે જેઓ કોઈ ને કોઈ આથિક ક્ષેત્રે કાર્યરત છે. કોઈ ડોક્ટર છે, કોઈ સી. એ. છે, કોઈ એન્જીનીયર છે, બેંક કે મલ્ટીનેશનલ કંપનીના કર્મચારી છે. આ બધા સાહિત્ય ક્ષેત્રે લોકપ્રિય છે. તેમને મન સર્જન એ તેમના જીવનનો એક અલગ ભાગ છે, પેશન છે. લખતા લખતા પોતાને થએલો આનંદ અન્યને વહેંચવામાં તે પરિતોષની લાગણી અનુભવે છે.આખરે સર્જન કરવું તે પણ એક કલા છે. 

                             નર્મદે કલમને ખોળે માથું મૂકી દીધું હતું તે સર્વને અભિપ્રેત છે. નર્મદ પછી પણ ગુજરાતી ભાષામાં ઘણા કલમનવેશ થઈ ગયા, ઉત્તમ સર્જન કર્યું પન્નાલાલ પટેલ, જયભીખ્ખું ધૂમકેતુ ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અનેક સર્જકોના દ્રષ્ટાંતો આપણી સામે છે. એ સમયમાં માત્ર કલમને સહારે જીવવું શક્ય હતું, પરંતુ આજે સમય બદલાયો છે. આજે માત્ર કલમના આધારે જીવવું અત્યંત કઠીન છે.બરકત વિરાણી ‘બેફામ’ની એક ગઝલનો મક્તા છે, 

                               “ કલમને વેચી દેવાનો ય આવે છે વખત ‘બેફામ’ 

                                 બહુ કપરું છે જીવન જીવવું, કરમાં કલમ લઈને.” 

                             રાજાઓના દરબારમાં કવિઓનો પ્રભાવ રહેતો. વિશ્વ સાહિત્યમાં પણ એવા ઘણા ઉદાહરણો છે, કે તે દેશની પ્રજાએ કવિઓને માન સન્માન આપ્યા છે.ઈતિહાસમાં નોંધાયું છે કે સમ્રાટ સિકંદર જે રાજ્ય પર ચડાઈ કરતો, તે રાજ્યમાં પ્રવેશતા પૂર્વે પોતાના સૈનીકોને હુકમ પછી આદેશ દેતો કે સર્વનાશ કરજો, પણ જોજો કોઈ કવિનું ઘર ન બાળતા. કવિને જરા ય આંચ ન આવે તેની કાળજી રાખજો. આમ અનેક રાજ્યો જીતનાર સમ્રાટ સિકંદરનાં હૃદયમાં પણ કવિઓ માટે ઉમદા આદર હતો.

                            કવિ હોવું એ વ્યક્તિનો વિશેષ ગુણ છે. તે તેની આગવી ઓળખ છે. માટે સમાજમાં કવિનું યોગ્ય મૂલ્યાંકન થાય તે અત્યંત આવશ્યક છે અને આવકાર્ય પણ છે. 


- નીતિન વિ મહેતા 


શનિવાર, 3 ઑક્ટોબર, 2020

ગેસ્ટ બ્લોગ : લોકડાઉન :શુંગુમાવ્યું/શું મેળવ્યું ?

                 શાયર ‘મરીઝે” એક ગઝલમાં લખ્યું છે,

                          “એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે 

                             આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.”   

                         ‘લાચારી’ આ શબ્દનો અનુભવ તો દરેક વ્યક્તિને થતો રહે છે, પણ માનવજાત માટે આ શબ્દ અણગમતો છે. કોઈને લાચારી ખપતી નથી.. કોઈ હોનારત કે કુદરતી આપત્તિ આવી પડે, ત્યારે માનવી તેની સામે ઝઝૂમે છે. જ્યાં સુધી આ મુસીબતનું નિરાકરણ ન થાય, ત્યાં સુધી તેને લાચાર જ રહેવું પડે છે, પછી તે રંક હોય કે રાય નબળો હોય કે તંદુરસ્ત. સમસ્યા નાની હોય કે મોટી તેની ગંભીરતાને લક્ષમાં રાખી સમયાનુસાર લાચાર રહેવું પડે છે, તેમાં છૂટકો નથી. 

                       આ વીસમી સદીમાં જગત આખાની માનવજાત કોરોના જેવી મહામારીનો સામનો કરી રહી છે. ક્યારે ય વિચાર્યું ન હોય, એવું સંકટ આવી પડ્યું છે માનવીને અકલ્પનીય લાચારીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશ અને દુનિયાના લોકો ચિંતાગ્રસ્ત છે, પીડાય છે. કોણ કોને દોષ દે? બધા જ એક જ નાવના મુસાફર છે. સૌ પોતાની જ જાતને પૂછી રહ્યા છે, શું આવું કઈ થાય? અને પછી પલભર પોતાને જ જવાબ આપે છે,કે હા, આવું પણ થાય. અનુભવની આ જ છે ઓળખ. 

                      જીંદગી માણસની પરીક્ષા લેતી હોય છે. કોરોનાએ આકરી કસોટી કરી છે. તેની સામે માનવી લાચાર રહ્યો છે, પણ હાર્યો નથી, કારણ ભારત સહીત વિશ્વના સમૃધ્ધ દેશોમાં આ જીવલેણ વિષાણુ વિરુધ રસીના સંશોધનનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે.ઈતિહાસ સાક્ષી છે કે ટી બી, પ્લેગ પોલિઓ જેવા રોગોને આંતરવા રસીની શોધ થઈ હતી, જે આશીર્વાદ સમ બની રહી છે. સાલ બેહજાર ચૌદ પૂર્વે ઘણા બાળકો પોલીઓનો ભોગ બન્યા હતા, પરંતુ ત્યાર પછી ભારત દેશ સંપૂર્ણ રીતે પોલિઓ મુક્ત થઈ ગયો. જે રસીને આભારી છે. આજના સંદર્ભમાં આ ઉદાહરણ પૂરતું છે. 

                    સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે “રાત્રિ ગમીષ્યતી, ભવિષ્યતી સુપ્રભાતમ” એમ આ સંકટ પણ કાયમી નથી રહેવાનું. આ દિવસો પણ ચાલ્યા જશે એવો સકારાત્મક અભિગમ આપણે અપનાવવો જ રહ્યો. દરેક મુસીબત આપણને કૈંઈક ને કૈંઈક શીખવી જાય છે. કોરોનાએ એ સંદેશ આપ્યો છે, કે હવે પરિવર્તન સાથે જીવવાનું છે. જીવન શૈલીમાં ઘણા બધા ફેરફારો અપનાવી રહેવાનું છે. 

                     દરેક વ્યક્તિ વિચાર કરે કે લોકડાઉન દરમિયાન કશુંક ગુમાવ્યું હશે તો સાથે કૈંઈક મેળવ્યું પણ હશે. રોજ અનેક લોકોને મળતા અને તેમની સાથે સંવાદ સાધતા, પણ ક્યારે ય આપણે ખુદને મળ્યા છીએ? જાત સાથે વાત કરવાનો અમૂલ્ય અવસર આ લોકડાઉને આપ્યો છે.એકાંતની મધુર પળો માણવાની તો આ સુંદર તક સાંપડી છે. કોરોનાના આ આક્રમણે સૌને આત્મ ચિંતન કરવા પ્રેર્યા છે. એકલતાને સ્મૃતિઓના શણગારથી સજાવવાનો કીમતી સમય મળ્યો છે. નવું નવું જાણવા, જોવા અને શીખવા મળ્યું છે.  

                    લોકડાઉનમાં એવા દાખલા પણ જોવા મળ્યા કે માનવીમાં રહેલી સુષુપ્ત શક્તિ  બહાર આવી. પોતાનામાં છૂપાએલી વિવિધ કલાઓને ઉજાગર કરવાનો મોકો મળ્યો. જ્યાં શૂન્ય હતું, ત્યાં નવું સર્જન થયું તો જ્યાં ઉત્તમ હતું તે બમણું થયું. થેંક્સ ટુ કોરોના. આમ લોકડાઉનમાં કશુંક ગુમાવ્યાનો રંજ ન રાખતાં કશુંક મેળવ્યાનો આનંદ અને પરિતોષ રાખવો ઉચિત લેખાશે. પરિસ્થિતીને સહર્ષ સ્વીકાર્યા સિવાય કોઈ આરો નથી. ગઝલકાર ‘સગીર’ની એક ગઝલનો મત્લા જીવનમાં ઉતારવા જેવો છે,

                     “ હું બધા સંજોગને અપનવતો ચાલ્યો ગયો 

                       જીંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો”. 

                  આમ સંજોગોની સામે ઝૂકવાને બદલે લડીને જીત પ્રાપ્ત કરવામાં જ શાણપણ રહેલું છે. 

   - નીતિન વિ મહેતા

રવિવાર, 19 એપ્રિલ, 2020

ગેસ્ટ બ્લોગ : આશાની જ્યોત ; લોકડાઉન દિવસ-૧૭


આશાની જ્યોત
-----------------------
        બીજા વિશ્વયુદ્ધનાં દારૂણ અનુભવ પછી આજે એકવીસમી સદીમાં જગત આખાને પરેશાન કર્યું કોરોના વાયરસે. મેડીકલ ટર્મીનોલોજીમાં કોવિદ-૧૯ તરીકે ઓળખાતો આ વાયરસ ચીનના ઉદભવ સ્થાનેથી ઝડપભેર પ્રસરી, ભારત સહીત બીજા અનેક દેશોમાં ફેલાઈ ગયો. સમગ્ર માનવજાતિ પર આ અદ્રશ્ય કીટાણું કેટલું મોટું સંકટ નાખશે, તેની તો કોઈએ કલ્પના પણ નહી કરી હોય. આનું ગંભીર પરિણામ એ આવ્યું કે પ્રગતિશીલ દેશોની ગતિ ઓચિંતાની રૂંધાઈ ગઈ, જાણે વિશ્વ આખું થંભી ગયું.
           આ વૈશ્વિક મહામારિએ લોકોને પોતાના જ ઘરમાં પોતાને કેદ કરવા માટે મજબુર કરી દીધા. સંક્રમણનાં ડરને લીધે માણસ માણસ વચ્ચેનું અંતર વધી ગયું. આત્મીયતા કે લાગણી ભર્યા સંબધોમાં ઓટ આવી ગઈ. સોશિયલ ડીસ્ટન્સ જેવો શબ્દ માણસના કાને પહેલી વાર અથડાયો. કોઈએ ધાર્યું ન હતું કે આ કાતિલ કોરોના આટલી મોટી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરશે.વગર ગુનાની સજા મળી દરેકને કે ઘરનો ઉંબર પણ ઓળંગી ન શકાય. 
         દરેક દેશની સરકારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અનેક પગલાં લીધા સરકારે લોકોને ઘરમાં જ રહેવાનું વિવિધ માધ્યમો દ્વારા એલાન કર્યું. એક કુશળ રાજ નેતા, અનુભવી, દીર્ઘ દ્રષ્ટા ગહન વિચારશીલ એવા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અદભૂત નૈતૃત્વને કારણે ભારતની જનતાને આ સંકટનો હિંમત ભેર સામનો કરવાનું બળ પૂરું પાડ્યું. લોકોના આત્મવિશ્વાસને મજબૂત કર્યો.
         બાવીસમી માર્ચે રવિવારે જનતા કરફ્યુનો અમલ કર્યો. આ મુશ્કેલ સંજોગોમાં પોતાના જીવના જોખમે સેવા ધર્મ બજાવતા ડોકટરો, પરિચારિકાઓ, પોલીસો, સફાઈ કામદારો પ્રત્યે કૃતઘ્નતા વ્યકત કરવા એ જ દીવસે સાંજે પાંચ વાગે થાળી ઘંટીના રણકાર કવાનું એલાન કર્યું, જેમાં પ્રજાએ ઉત્સાહ પૂર્વક વડા પ્રધાનના એલાંનને સમર્થન આપ્યું. ઋણ ચૂકવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયા સમક્ષ પ્રદર્શિત કર્યું.આ ઉપરાંત તારીખ પાંચમી એપ્રિલના રવિવારે રાત્રે નવ વાગે નવ મિનીટ માટે ઘરની બત્તી બંધ કરી મીણ બતી કે કોડીયાનો દીવો કરવાનું સૂચન કર્યું.સમગ્ર દેશની જનતાએ એકતા દ્વારા પ્રકાશની શક્તિનો પરિચય કરાવ્યો
               ઘેરા અંધકારને પણ એક કોડિયું છેદી શકે છે.એટલે સમસ્યા રૂપી અંધકારમાં સકારાત્મક જ્યોત સમાધાન તરફ દોરી જાય છે. આમ નરેન્દ્ર ભાઈએ દરેક માણસના હ્રદયમાં આશાની જ્યોત પ્રગટાવી હકારત્મક વિચારોનું પ્રસ્થાપન કર્યું કોરોના જેવી મહા ભયંકર મુસીબત સામે જીત શક્ય છે એવો આશાવાદ દર્શાવ્યો. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ આ તબક્કે સાંભરે છે,
                               અસ્ત જાતા રવિ પૂછતા અવનિને, “સારશે કોણ કર્તવ્ય મારા?”
                              સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળાં
                              તે સમે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું,
                               “મામૂલી જેટલી મારી ત્રેવડ,પ્રભુ,
                                એટલું સોંપજો તો કરીશ હું.”
          આવા સેંકડો કોડિયાં એક સૂરજનો પર્યાય બની શકે છે. એકતા હોય તો આશાનું એક કિરણ પૂરતું છે. ગંભીર સમસ્યાના નિવારણ માટે વડા પ્રધાને દેશના કરોડો લોકોના અંતરમાં સકારત્મક ઊર્જાનું અજવાળું પાથરી દીધું. સરકારને સહકાર આપવા માટે, આપણે આપણાં હ્રદયમાં પ્રગટેલી આશાની જ્યોતને અખંડ રાખવી જ રહી એ દીવસ જરૂર આવશે કે આપણે કોરોના સામેનો જંગ એક થઈ અવશ્ય જીતી લેશું.

 - નીતિન વિ મહેતા 

---------------------------------------------------
  લોકડાઉન દિવસ-૧૭
   - - - - - - - - - - - - - -
     રાતભરકા હૈ મહેમાં અંધેરા
     કિસકે રોકે રૂકા હૈ સવેરા
     રાત જીતની ભી ગમગીન હોગી
     સુબહ ઉતની હી રંગીન હોગી.
સમસ્ત વિશ્ચ આજે અંધકારનાં ઓછાયા હેઠળ છે. જિંદગીની અમૂલ્યતા જાણે મોતની સહજતા સામે ગૌણ બની ગઈ છે. સતત ફેલાઈ રહેલી મહામારી, સતત વધી રહેલાં મૃત્યુના આંકડા. માણસ જાણે સાવ લાચાર થઈ ગયો છે. ઉપરવાળાની ચાલ, કોઈ દાવ કે કોઈ ગણિત સમજમાં નથી આવતું.
ખેર! આ સમય જરૂરથી ખૂબ જ કપરો છે. પણ આ સમય હિંમત હારવાનો નથી કે ખુદમાં થી વિશ્વાસ ગુમાવવાનો નથી. રાત જેટલી અંધારી હશે સવાર એટલી જ પ્રકાશિત હશે. એ સવારને રંગીન બનાવવા આપણે સહુએ બદલાવું પડશે . પ્રકૃતિના સાદને સાંભળવો પડશે. પર્યાવરણની મહતાને સમજવી પડશે. ધર્મનું સાચું સ્વરૂપ જાણવું પડશે. માનવતાની મહેક પ્રસરાવતાં સાચા અર્થમાં માનવ બનવું પડશે. થઈ ગયેલી ભૂલોને સુધારવા હિંમત રાખીને ઉભા થવું પડશે. મહામારી ભૂતકાળમાં પણ આવી હતી. બબ્બે વિશ્ચ યુદ્ધનો કપરો કાળ પણ વિતી ગયો અને આ બધા માંથી માનવ ખુદમાં જ વિશ્વાસ રાખીને બહાર આવ્યો છે. આપણે પણ ડાહ્યા થઈ, સમજણા થઈ, અહંને ઓગાળીને અને ઉપરવાળાની સર્વોપરીતાને
સ્વીકારી બહાર આવવાનું છે.
એક એંસી વર્ષના વૃદ્ધ આંબાના ઝાડ માટે કેરીનો ગોટલો જમીનમાં રોપી રહ્યા હતાં. પસાર થતાં વટેમાર્ગુએ પૂછ્યું
"દાદા, તમે આંબો વાવી રહ્યા છો પણ એનાં ફળ તો તમને ખાવા નહીં મળે તો પછી શાના માટે મહેનત કરો છો?"
વૃદ્ધે હસીને કહ્યું "હું કદાચ એનાં ફળ ન ખાઈ શકું પણ મારા જ ગામનાં લોકો તો એ કેરીની મીઠાશ માણી શકશેને".
       આપણે પણ હવે પ્રકૃતિની સાથે એ રીતે કદમ મિલાવીને ચાલવાનું છે, પર્યાવરણની એ રીતે જાળવણી કરવાની છે, સરહદોને મિટાવી" વસુધૈવ કુટુમ્બકમ "ની ભાવના સાથે એ રીતે જીવવાનું છે કે આવનાર પેઢી શાંતિ, સલામતી અને સ્વસ્થતા સાથે જીવી શકે.
   રામ નવમી, મહાવીર જન્મ કલ્યાણક, હનુમાન જયંતી, ગઈકાલે શબે બરાત (કૃપાની રાત)
અને આજે 'ગુડ ફ્રાઈડે' જાણે આવનાર રંગીન દિવસોનો સંકેત આપી રહ્યાં છે.
આ મહામારી સામે જંગે ચઢેલા હરેક યોદ્ધાઓ અને એમનાં પરિવારને સલામ.

- રોહિત ખીમચંદ કાપડિયા

સોમવાર, 18 નવેમ્બર, 2019

ગેસ્ટ બ્લોગ : તે દિવસો....

             પરિવર્તન એ સંસારનો નિયમ છે, તે આવશ્યક તો છે સાથે આવકાર્ય પણ છે. આજે જે કઈ છે,તે ગઈ કાલે ન હતું ને તેમ છતાં વ્યક્તિનો, સમાજનો તથા દેશનો વિકાસ થતો રહ્યો છે અને થતો રહેશે જ. અતીત ક્યારે ય સ્મૃતિપટ પરથી વિલીન થતો નથી. અનાયાસે માનવી તે દિવસો ને આજના દિવસો વચ્ચે તફાવત નો અનુભવ કરતો રહે છે. કોમ્પુયટરનો ‘ક’ કે મોબાઈલનો ‘મ’ વિશે કોઈ જાણતું ન હતું, તો ય પ્રગતિનો પંથ સર્વને માટે ખુલ્લો હતો.
                     આજના જમાનામાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. વિવિધ ક્ષેત્રે સગવડતાઓનું પ્રમાણ વધતું જાય છે. માણસના અઘરા કામો પણ હવે સરળ થતાં જાય છે. દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ જોવા મળે છે, જે હકીકતમાં મોબાઈલ નથી, પણ આખ્ખુ વિશ્વ તેની મુઠ્ઠીમાં છે, એમ કહીએ તો તે સ્વીકાર્ય છે. મોબાઈલ કે કોમ્પ્યુટર આજે માનવી માટે આશીર્વાદ સમાન છે, જ્યાં સુધી તેનો સદુપયોગ કરવામાં આવે, નહીતર આ સાધનો દ્વારા પણ વ્યક્તિ છળ, કપટ ને છેતરપીંડી કરે છે તેવા અસંખ્ય દ્રષ્ન્ટાતો આપણી આંખ સામે મોજૂદ છે. આવા ગુનાઓને રોકવાના પણ પ્રયત્નો થતાં રહે છે, તે સુખદ બાબત છે.
                    મારા આ બ્લોગ દ્વારા આજની જનરેશનને ભૂતકાળના એ દિવસોની જાણકારી આપવાનો એક માત્ર ઉદ્દેશ છે. તે જમાનામાં જ્યારે નવી ફિલ્મોનું આગમન થતું, ત્યારે ટિકિટોના કાળા બજાર થતા. બધે જ હાઉસફૂલના પાટિયા જોવા મળતા. કાળાબજારને પ્રોત્સાહન ન આપવું જોઈએ, એવી વિચાર ધારા ધરાવતા લોકો ફિલ્મ જોયા વિના વિલે મોઢે પાછા ફરતા. આજે ઘેર બેઠા ઓનલાઈન થી સહેલાઈથી ટિકિટ મળે છે. થિયેટર સુધી જવાના શારીરિક શ્રમમાથી છુટકારો થાય છે.
                    લાંબા પ્રવાસ માટે પણ આ જ રીતે ટિકિટ મેળવવાનું શક્ય બન્યું છે. તો એ સમયે લોકોને આરક્ષણ માટે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, તે કોણ માનશે? પત્ર વ્યવહાર માટે પંદર પૈસાનું પોસ્ટકાર્ડ એક સસ્તું સાધન હતું. ઘણા ઘરોમાં આવા પીળા રંગના બાર પોસ્ટકાર્ડ કાયમ રહેતા. પોસ્ટકાર્ડનો જવાબ પણ પોસ્ટકાર્ડથી જ અપાતો. તેની નાની જગ્યામાં પણ ઘણી બધી વિગતોનો સમાવેશ થઈ શકતો. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ પોસ્ટકાર્ડ અતિ સુલભ પર્યાય હતો.
                    ઘેર ઘેર ટપાલની વ્હેંચણી કરનાર એ ટપાલીની આતુરતાપૂર્વક રાહ જોવાતી. યુવાન હૈયાને મન તો ટપાલી પરમેશ્વરનું સાક્ષાત સ્વરૂપ જ લાગતો. વિધ્યાર્થીઓ પણ ટપાલીની કાગડોળે પ્રતીક્ષા કરતા, કારણ કે એ સમયે શાળાઓની પરીક્ષા પછી પરિણામ ટપાલ દ્વારા મોકલવામાં આવતા. પ્રત્યક્ષ પોસ્ટ ઓફિસમાં જઈ  મની ઓર્ડરનું ફોર્મ ભરી પૈસા બહારગામ મોકલાતા, જ્યારે આજે કાચી સેકંડમાં સંદેશાઓની આપ લે થાય છે અને દુનિયાના કોઈ પણ ખૂણેથી નાણાનો વિનિમય સરળતાથી થઈ શકે છે, જે આજની ટેક્નોલોજીને આભારી છે.
                   આજના હયાત વરિષ્ઠોને આ બધુ  અભિપ્રેત હશે જ, તેમાં કોઈ શંકા નથી. જે કામો સાધનોની મદદથી આજે સરળ થયા છે, તે બધા એ દિવસોમાં સાધનો વિના થતાં હતા. તેમાં પરિશ્રમનો મહિમા હતો. મહેનતનુ મહત્વ હતું.
                    યુવા પેઢીને આ બધી બાબતોથી માહિતગાર કવાનું અત્યંત આવશ્યક છે. જે સુવિધાઓ આજે તેમણે મળી રહે છે, તે તેમના વડીલોને ન્હોતી મળતી, છતાં તેમના ચહેરા પર સંતોષ તથા ખુશીની રેખા જોવા મળે છે. યુવાનોએ આની નોંધ લેવાની જરૂર છે. યુવાનો આ આધુનિક ટેક્નોલોજીની વિસ્તૃત માહિતી આપી વડીલોને તેના વપરાશનું માર્ગદર્શન આપવાનું અભિયાન શરૂ કરે તો તે ખરેખર પ્રશંશાને પાત્ર લેખાશે.
                   ગઈ કાલ અને આજ વચ્ચે સરખામણી કરતાં અફસોસ કરવાને બદલે, આધુનિક સાધનો દ્વારા પ્રગતિ કરવામાં જ સાર છે. જૂના એ દિવસો સરસ હતાં, આજની આ ક્ષણો અતિ સુંદર છે તેને શાશ્વત સ્વરૂપ આપી ભવિષ્યને ઉજ્જવળ કવાના હકારાત્મક વિચારોનો અમલ કરવાનું ઉચિત ગણાશે.

                                 -   નીતિન વિ મહેતા.

રવિવાર, 7 એપ્રિલ, 2019

ગેસ્ટ બ્લોગ : “રેડિયો” એક સક્ષમ માધ્યમ”

                                   આજના ટેક્નોલોજીના સમયમાં મોબાઈલ માનવી માટે અત્યંત આવશ્યક સાધન છે. વોટ્સ એપ, ટ્વીટર, યુ ટ્યુબ, ફેસબૂક જેવા સોસિયલ મિડીયાના અવિરત આક્રમણને લીધે વિશ્વ હવે નાનું થતું જાય છે. માહિતી સાથે મનોરંજન પણ પૂરું પાડતું આ નાનકડું રમકડું બાળકોથી માંડી મોટેરાં સૌ માટે હાથવગું સાધન બની ગયું છે. માહિતી તથા મનોરંજન આ બંન્ને માનવીની સનાતન જરૂરિયાત છે. આ મોબાઈલ,ટીવી કે કોમ્પ્યુટરનું જ્યારે અસ્તિત્વ જ ના હતું, ત્યારે એક માત્ર માધ્યમ અને તે પણ અત્યંત સક્ષમ હતું તે રેડિયો. 
                                  રેડિયોને એક સુંદર નામ મળ્યું “આકાશવાણી”. દેશના ખૂણે ખૂણે નાના મોટા ગામોમાં આ રેડિયો દ્વારા સૌ મનોરંજન પામતા. દેશને આઝાદી મળી, તે પૂર્વે સ્વંત્રતા મેળવવા માટે જે કંઈ પ્રવૃતી થતી, તેનો અક્ષરસ ચિતાર અને પ્રસાર રેડિયો દ્વારા થતો. દેશ વિદેશના સમાચારો સાથે માનવીની સંવેદનાને વાચા આપવાનું ઉત્કૃષ્ટ કાર્ય આ પ્રસારણ માધ્યમ થકી થતું હતું. અલબત્ત અખબારોની ભૂમિકા પણ એટલી જ મહત્વની હતી. વાંચન અને શ્રવણ દ્વારા મનુષ્યને જરૂરી માહિતી મળી રહેતી. ૧૯૩૫માં રેડિયોનું આગમન થયું. એ સદીનો ક્રાંતિકારી આવિષ્કાર હતો, રેડિયો.
                                  શરૂઆતમાં ઈલેકટ્રીકથી ચાલતા રેડિયોનું ઉત્પાદન ફિલિપ્સ કે મરફી જેવી માતબર કંપની કરતી. તેની કિંમત પણ એટલી મોટી હતી કે ગરીબ કે મધ્યમ વર્ગ માટે રેડિયો ખરીદવો એ માત્ર સ્વપ્ન જ હતું. જે ઘરમાં રેડિયો હોય તે ઘર શ્રીમંત ગણાતું. મરફીની જાહેરાતમાં એક લીટી લખાતી “ યોર હોમ નીડ્સ રેડિયો”. આકાશવાણીમાં વર્ષો સુધી કાર્યરત રહેલા જાણીતા શાયાર બરકત વિરાણી “બેફામ” કહેતા, ‘માય રેડિયો નીડ્સ હોમ.”
                                  ઉત્પાદન ક્ષેત્રે પરિવર્તન થવાને લીધે ઈલેક્ટ્રિક રેડિયોનું સ્થાન ટ્રાન્ઝીસ્ટ્રરે લીધું, બેટરીથી ચાલતા આ રેડિયોનું કદ પણ નાનું થતું ગયું, જે ખીસ્સામાં સમાઈ શકે અને આ સાધન પ્રમાણમાં સસ્તું તથા સૌને પોસાય એવું થઈ ગયું. રેડિયો સાંભળવાનો શોખ તો અનાયાસે કેળવાઈ ગયો તે પછી. ટીવી ના આગમન સુધી એ વ્યસન બની ગયો. 
                                  આકાશવાણીના મુંબઈ ‘એ’ કેન્દ્ર પરથી ત્યારે ગુજરાતી અને મુંબઈ ‘બી’ પરથી મરાઠી કાર્યક્રમોનું પ્રસારણ થતું. વિવિધ ભારતીનું એ સમયે અતિશય મહત્વ હતું. જૂના નવા ફિલ્મી ગીતો ઉપરાંત સરહદ પરના જવાનો માટેનો ખાસ કાર્યક્રમ ફૌજીભાઈઓકી પસંદ અત્યંત લોકપ્રિય હતો. બીનાકા ગીતમાલા અને અમીન સયાનીનો મધુર અવાજ, આજના હયાત વરિષ્ઠ નાગરિકોની સ્મૃતિમાં અવશ્ય ગૂંજતો હશે.
                                  મુંબઈ કે મુંબઈની બહાર કે વિદેશમાં જ્યાં જ્યાં ટેસ્ટમેચ રમાતી, તેનું સીધું પ્રસારણ રેડિયો પરથી થતું. એ કોમેન્ટરી સાંભળવાનો પણ એક લ્હાવો હતો. આજે ટીવી પર મેચ જોતાં જે રોમાંચ થાય છે, તેવો જ આનંદ ત્યારે શ્રવણ દ્વારા થતો.વીઝી, વિજય મર્ચન્ટ, ડીકી રત્નાકર,અનંત સેટલવાડ,દેવરાજ પૂરી સુરેશ સરૈયાનું વર્ણન એટલું ગહન રહેતું, જાણે મેચના દ્રશ્યો આંખ સામે જ સાકાર થતાં લાગે.
                                મુંબઈ’એ’ કેન્દ્ર પરથી ગુજરાતી કાર્યક્રમનું વિશાળ ફલકમાં પ્રસારણ થતું. વિભિન્ન વિષયો પરના વાર્તાલાપો, સાહિત્યિક કાર્યક્રમો, નાટકો સાંભળવાનો પણ આનંદ અનેરો હતો. ગુજરાતી સુગમ સંગીત, જેનું પ્રસારણ આજે પણ થાય છે તેમાં જાણીતા કવિઓના ગેય કાવ્યો સુપ્રસિધ્ધ સંગીતકારો, ગાયક કલાકારો દ્વારા રેડિયો પરથી રજૂ થતાં. અને આમ આજ સુધી અનેક સુંદર કવિતાઓના સ્વરાંકનો શ્રોતાઓના આંતરમનને ડોલાવી રહ્યા છે. જે આજે એફ એમ રેડિયો પરથી પણ થાય છે.
                                મારા શૈશવ કાળથી જ મને રેડિયો સાંભળવાનું વ્યસન થઈ ચૂક્યું હતું. ત્યારે અનેક વખત ઉત્કંઠા થતી, કે જે સ્ટુડિયોમાથી આ પ્રસારણ થાય છે, તે સ્ટુડિયો જોવાનો લાભ ક્યારે મળશે? અને આ સુવર્ણ પળ મને હાથવગી થઈ. મારા એ કોલેજના દિવસોમાં ત્યારે ૧૯૬૯માં દેશમાં ગાંધી શતાબ્દીની ઉજવણી થતી હતી. તે સમયે યુવાનો માટેના એક કાર્યક્રમમાં “ગાંધીજીના આદર્શો” વિષય પર એક ચર્ચાના કાર્યક્રમમાં ભાગ લેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું ને આમ હું પહેલી વાર આકાશવાણીના પગથિયાં ચડ્યો. ત્યાર પછી તો અનેક વખત રેડિયો પર જવાનું થતું. કાવ્યપઠન, વિવિધ વિષયો પરના વાર્તાલાપો શિક્ષણ તથા સાહિત્યના કાર્યક્રમોની રજૂઆત કરી. એક, શક્તિશાળી માધ્યમના દર્શન અને અનુભવ થયા.
                               આકાશવાણી સાથેનો મારો સબંધ અતિ મૂલ્યવાન છે. મારા અવાજનું રેકોર્ડિંગ કરનારા અને બીજા પદાધિકારીઓનું પ્રોત્સાહન મારે મન અવિસ્મરણીય છે. આકાશવાણી માન્ય કવિને કારણે હું અનેક ઉદઘોષકોના સંપર્કમાં આવ્યો.
આજે ટેકનોલોજીએ અદભુત હરણફાળ ભરી છે. ટીવી, કોપમ્પુટ મોબાઈલ જેવા ઉપકરણોનો લાભ સૌને સહેલાઈથી ઉપલબ્ધ થયો છે, છતાં હું અંગત રીતે રેડિયોનું મહત્વ જરા ય ઓછું આંકતો નથી.
                               રેડિયો સાંભળનારો વર્ગ આજે ભલે નાનો હોય, હું એ વર્ગનો હિસ્સો છુ, તેનો મને સગર્વ આનંદ છે.

                                                                                                             -    નીતિન વિ મહેતા

શનિવાર, 2 માર્ચ, 2019

ગેસ્ટ બ્લોગ - શું ભૂલી જવું, શું યાદ રાખવું?

  થોડા સમય પહેલાં એક વાક્ય વાંચવામાં આવ્યું હતું કે નાના હતા ત્યારે સૌ કહેતા કે યાદ રાખતાં શીખો, હવે મોટા થયા પછી બધા કહે છે, કે ભૂલી જતાં શીખો. આ વાક્ય વાંચ્યા પછી મન વિચારોમાં લીન થઈ ગયું. શું યાદ રાખવું ને શું ભૂલી જવું એ અવઢવમાં જીવનના આ અવિરત વહેતા પ્રવાહમાં કેટલી ય કડવી મીઠી યાદો ઝીલાતી જાય છે. ઘણા આરોહ અવરોહ વચ્ચે જીવવાનું હોય છે. આ જિંદગી અઢળક અનુભવોથી ભરેલી છે. દરેકનું જીવન અનુભાવોથી ઘડાય છે. એટલે જ તો જીવન એક વિધ્યાપીઠ છે એમ કહેવાય છે.વિદ્યાર્થી ન હોવા છતાં ડગલે ને ડગલે અનેક પરીક્ષાઓ આપવાની હોય છે અને નિષ્ફળતા સફળતાનો અનુભવ કરવાનો હોય છે.
                          પ્રિયજનના નિધન પછી તેની સાથે વિતાવેલી પળો વાગોળતા સ્વજન જાણે પ્રત્યક્ષ હાજર હોય તેવી પ્રતીતિ થાય છે. ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓ લાખ પ્રયત્નો કરવા પર પણ ભુંસાતી નથી. સુખદ કે દુખદ પ્રસંગો ભૂલી જવાને બદલે સતત યાદ આવ્યા કરે છે શાયર સૈફ પાલનપુરીની ગઝલનો એક શેર છે,
                           “હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
                           યાદ કઈ આવ્યું નહી, પણ આંસુઓ આવી ગયા”
                        આમ તો માણસના મગજના જ્ઞાનતંતુઓ બહુ સતેજ હોય છે, છતાં કેટલાકનો સ્વભાવ ભૂલકણો હોય છે. તેઓને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.કેટલાકની યાદ શક્તિ અતિ તીવ્ર હોય છે જે સંજોગ પ્રમાણે તેને તે ક્યારેક વરદાન રૂપ તો ક્યારેક શાપ રૂપ લાગે છે.ભૂલી જવા જેવી બાબતો કેમે ય ભૂલાતી નથી, યાદ રાખવા જેવી યાદ નથી રહેતી.
                          પોતાના કે પારકાઓએ ક્યારેક દુભવ્યા હોય તો ક્યારેક ખુશ પણ કર્યા હોય.દુભાયાના દુખને ભૂલી જવામાં જ સાર છે, ખુશી પામ્યાના સ્મરણને શાશ્વત કરવામાં જ શાણપણ છે. અતીત અતીતમાં વિલીન થઈ ગયો એ જાણવા છતાં તે કેટલાકને યાદ કરવું ગમે છે. દૂરનો ભૂતકાળ કદીક લાંબે ગાળે અચાનક સ્મૃતિ પટ પર છતો થાય છે, ત્યારે તે વાગોળવાનો આનંદ અત્યંત આહલાદક હોય છે.
                          પાકટ ઉંમરની વ્યક્તિ પણ પોતાના શૈશવ કે યુવાનીના દિવસો યાદ કરી ખુશ થાય છે અને તે આનંદનો લાભ અન્યને પણ આપે છે. તેમના ચહેરા પર જે કરચલીઓ દેખાય છે, તે હકીકતમાં તો તેમના જીવનમાં થએલા અનુભવોની રેખાઓ છે.વડીલો ઘણી વખત યુવાનોના પથ પ્રદર્શક બનતા હોય છે, તેનો કેટલે અંશે લાભ લેવો તે યુવાનો પર નિર્ભર છે. સારા નરસાનું પૃથકરણ કરવા વરીષ્ઠોનાં સલાહ સૂચનો અવશ્ય કામ લાગે છે.
                         માણસના મનમાં ઘણી વાર વેર વૃત્તિ જાગૃત થતી  હોય છે. પોતાને થએલા અન્યાયનો બદલો લેવાની ભાવના બળવત્તર થતી રહે છે. પરિણામે તેને માનસિક શાંતિ મળતી નથી ભૂતકાળમાં બનેલી ઘટના સતત યાદ રાખવાને કારણે વર્તમાનની પળ માણી શકાતી નથી આ સંદર્ભમાં. શાયર મનોજ ખંડેરિઆની ગઝલના કેટલાક શેરો નોંધવા જેવા છે,
                                   દુખ ભૂલી જા દીવાલ ભૂલી જા
                                   થઈ જશે તું ય ન્યાલ ભૂલી જા 
                                   જો સુખી થઈ જવું હો તારે તો 
                                    જે થતા તે સવાલ ભૂલી જા
                                    રાખમાં યાદ ઘા, કર્યો કોણે
                                   તું બન્યો કોની ઢાલ ભૂલી જા.  
                                  મૌન રહી મિત્રતાનું ગૌરવ કર
                                   કોણે ચાલી તી ચાલ ભૂલી જા
                             દુખદ ઘટનાઓને યાદ કરી વિચલિત થવાને બદલે સુખદ પળોની સ્મૃતિઓ વાગોળવાનો આનંદ લેવો એમાં જ સાર છે. જીવન જળની જેમ વહ્યા કરે છે. જે થવાનું હોય છે, તે થયા કરે છે. પ્રયત્ન બન્નેનો કરવાનો હોય છે, યાદ રાખવાનો અને ભૂલી જવાનો.

 નીતિન વિ મહેતા.