Translate

શનિવાર, 2 માર્ચ, 2019

ગેસ્ટ બ્લોગ - શું ભૂલી જવું, શું યાદ રાખવું?

  થોડા સમય પહેલાં એક વાક્ય વાંચવામાં આવ્યું હતું કે નાના હતા ત્યારે સૌ કહેતા કે યાદ રાખતાં શીખો, હવે મોટા થયા પછી બધા કહે છે, કે ભૂલી જતાં શીખો. આ વાક્ય વાંચ્યા પછી મન વિચારોમાં લીન થઈ ગયું. શું યાદ રાખવું ને શું ભૂલી જવું એ અવઢવમાં જીવનના આ અવિરત વહેતા પ્રવાહમાં કેટલી ય કડવી મીઠી યાદો ઝીલાતી જાય છે. ઘણા આરોહ અવરોહ વચ્ચે જીવવાનું હોય છે. આ જિંદગી અઢળક અનુભવોથી ભરેલી છે. દરેકનું જીવન અનુભાવોથી ઘડાય છે. એટલે જ તો જીવન એક વિધ્યાપીઠ છે એમ કહેવાય છે.વિદ્યાર્થી ન હોવા છતાં ડગલે ને ડગલે અનેક પરીક્ષાઓ આપવાની હોય છે અને નિષ્ફળતા સફળતાનો અનુભવ કરવાનો હોય છે.
                          પ્રિયજનના નિધન પછી તેની સાથે વિતાવેલી પળો વાગોળતા સ્વજન જાણે પ્રત્યક્ષ હાજર હોય તેવી પ્રતીતિ થાય છે. ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓ લાખ પ્રયત્નો કરવા પર પણ ભુંસાતી નથી. સુખદ કે દુખદ પ્રસંગો ભૂલી જવાને બદલે સતત યાદ આવ્યા કરે છે શાયર સૈફ પાલનપુરીની ગઝલનો એક શેર છે,
                           “હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
                           યાદ કઈ આવ્યું નહી, પણ આંસુઓ આવી ગયા”
                        આમ તો માણસના મગજના જ્ઞાનતંતુઓ બહુ સતેજ હોય છે, છતાં કેટલાકનો સ્વભાવ ભૂલકણો હોય છે. તેઓને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.કેટલાકની યાદ શક્તિ અતિ તીવ્ર હોય છે જે સંજોગ પ્રમાણે તેને તે ક્યારેક વરદાન રૂપ તો ક્યારેક શાપ રૂપ લાગે છે.ભૂલી જવા જેવી બાબતો કેમે ય ભૂલાતી નથી, યાદ રાખવા જેવી યાદ નથી રહેતી.
                          પોતાના કે પારકાઓએ ક્યારેક દુભવ્યા હોય તો ક્યારેક ખુશ પણ કર્યા હોય.દુભાયાના દુખને ભૂલી જવામાં જ સાર છે, ખુશી પામ્યાના સ્મરણને શાશ્વત કરવામાં જ શાણપણ છે. અતીત અતીતમાં વિલીન થઈ ગયો એ જાણવા છતાં તે કેટલાકને યાદ કરવું ગમે છે. દૂરનો ભૂતકાળ કદીક લાંબે ગાળે અચાનક સ્મૃતિ પટ પર છતો થાય છે, ત્યારે તે વાગોળવાનો આનંદ અત્યંત આહલાદક હોય છે.
                          પાકટ ઉંમરની વ્યક્તિ પણ પોતાના શૈશવ કે યુવાનીના દિવસો યાદ કરી ખુશ થાય છે અને તે આનંદનો લાભ અન્યને પણ આપે છે. તેમના ચહેરા પર જે કરચલીઓ દેખાય છે, તે હકીકતમાં તો તેમના જીવનમાં થએલા અનુભવોની રેખાઓ છે.વડીલો ઘણી વખત યુવાનોના પથ પ્રદર્શક બનતા હોય છે, તેનો કેટલે અંશે લાભ લેવો તે યુવાનો પર નિર્ભર છે. સારા નરસાનું પૃથકરણ કરવા વરીષ્ઠોનાં સલાહ સૂચનો અવશ્ય કામ લાગે છે.
                         માણસના મનમાં ઘણી વાર વેર વૃત્તિ જાગૃત થતી  હોય છે. પોતાને થએલા અન્યાયનો બદલો લેવાની ભાવના બળવત્તર થતી રહે છે. પરિણામે તેને માનસિક શાંતિ મળતી નથી ભૂતકાળમાં બનેલી ઘટના સતત યાદ રાખવાને કારણે વર્તમાનની પળ માણી શકાતી નથી આ સંદર્ભમાં. શાયર મનોજ ખંડેરિઆની ગઝલના કેટલાક શેરો નોંધવા જેવા છે,
                                   દુખ ભૂલી જા દીવાલ ભૂલી જા
                                   થઈ જશે તું ય ન્યાલ ભૂલી જા 
                                   જો સુખી થઈ જવું હો તારે તો 
                                    જે થતા તે સવાલ ભૂલી જા
                                    રાખમાં યાદ ઘા, કર્યો કોણે
                                   તું બન્યો કોની ઢાલ ભૂલી જા.  
                                  મૌન રહી મિત્રતાનું ગૌરવ કર
                                   કોણે ચાલી તી ચાલ ભૂલી જા
                             દુખદ ઘટનાઓને યાદ કરી વિચલિત થવાને બદલે સુખદ પળોની સ્મૃતિઓ વાગોળવાનો આનંદ લેવો એમાં જ સાર છે. જીવન જળની જેમ વહ્યા કરે છે. જે થવાનું હોય છે, તે થયા કરે છે. પ્રયત્ન બન્નેનો કરવાનો હોય છે, યાદ રાખવાનો અને ભૂલી જવાનો.

 નીતિન વિ મહેતા.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો