Translate

ગુરુવાર, 28 માર્ચ, 2019

ગેસ્ટ બ્લોગ : અમેરિકાની મારી નેચર ટ્રેઇલ

            આપણે કુદરતના અંગ છીએ. કુદરતના સાન્નિધ્યનો રોમાંચ કઈંક જુદો જ હોય છે. બહારગામ જઇએ ત્યારે પણ  નાની-મોટી નેચર ટ્રેઇલ કરવાનું અમે ચૂકતા નથી. હાલમાં મારી દીકરીને ત્યાં અમેરિકા જવાનું થયું.  તે શિકાગો રહે છે. શિકાગોથી બે કલાકને અંતરે યુટિકા નામનું ગામ છે જેમાં સ્ટાર્વ્ડ રૉક નેશનલ પાર્ક આવેલો છે. અહીંના પર્વતો ઘૂમવાનો લહાવો મળ્યો.  આ પાર્કનું મુખ્ય આકર્ષણ કુદરતી રીતે રચાયેલા પથ્થરોના આકારોનું છે.  
          અહીં નાનીમોટી ૧૮ ખીણો છે. ઉંચા પર્વતો પરનો હિમ જયારે ઓગળે છે ત્યારે તેમાંની હિમશિલાનું પાણી ધસમસતું નીચે વહે છે. ક્યાંક તે ધોધરૂપે છે તો ક્યાંક રમતા-કૂદતા ઝરણારૂપે. પરાપૂર્વથી આ રીતે વહેતા પાણીએ અહીંના પર્વતોને કાપી કાપીને સુંદર ખીણોનું સર્જન કર્યું છે. હું નાની હતી ત્યારે રાત્રે જમીન પર પથારીઓ થતી, પલંગો ઘરમાં બહુ ઓછા. દિવસ દરમ્યાન આ ગાદલાઓને વાળી એક ઉપર એક કબાટમાં ગોઠવવામાં આવતા. આ ખીણના કપાયેલા પર્વતને જોઈ મને બાળપણના ગાદલાઓનું કબાટ યાદ આવી ગયું. ખીણના પથ્થરોનો આકાર એ ગાદલા જેવો હતો. 
            આ પર્વતો, જે સેન્ડસ્ટોનના બનેલા છે, તેછિદ્રોવાળા હોવાથી  ઘણું પાણી જમીનની અંદર ઝમે છે જે અહીંની વનસ્પતિ માટે ઉપકારક છે. આ ખીણો સુધી પહોંચવાનો માર્ગ ઉતાર ચઢાવવાળો હતો. શરૂઆતમાં લાકડાના પગથિયાં હોવાથી ચઢાણ સરળ હતું પરંતુ પછી કેડી જેવો રસ્તો હતો. તેની બંને બાજુ ગીચ વૃક્ષો, ઉંચા, લીલાછમ અને અડીખમ. અહીં મુખ્યત્વે સફેદ, કાળા અને લાલ ઓક, પાઈન તથા ચેડરના વૃક્ષો છે. 
બે વર્ષ પૂર્વે ભારતના ઉત્તરાખંડમાં આવેલા બિનસરમાં આવી જ રીતે પર્વતોમાં રખડ્યા હતા. ત્યાં વૃક્ષો એટલા બધા કપાઈ ગયા હતા. પર્વત ખુલ્લો થઇ ગયો હતો. એ જોઈ આંતરડી કકળી ઉઠી હતી. 
અહીં અમેરિકામાં પર્વતો વચ્ચે  જંગલમાં ફરતાં હોઈએ તેવો અહેસાસ થયો. કુદરતી રીતે મૂળસોતા ઉખડેલા વૃક્ષો દેખાતા હતા. થોડે દૂર મને એક નાની દીવાલ જેવું દેખાયું. પાસે ગઈ ત્યારે ખબર પડી કે આતો મૂળસોતું ઉખાડેલું વૃક્ષ હતું. વૃક્ષ તેની નીચેની જમીન લઇને ઉખાડેલું. તેથી તે જમીન દીવાલ જેવી ભાસતી હતી. તે જમીનમાંથી  નાનામોટા મૂળ ઉપસી આવેલા હતા. તે આખી જમીન એટલી કલાત્મક લાગતી હતી કે મારા પગ ત્યાં અટકી ગયા. વૃક્ષો વચ્ચેથી ચળાઇને આવતા સૂર્ય કિરણોનું તેજ અને ઝાડની છાયા અનોખું મનોરમ દ્રષ્ય સર્જી રહ્યાં હતાં.
            ઉનાળાના દિવસો હોવાથી ગરમીને કારણે પરસેવો થતો હતો. મારી સાથે મારી દિકરીનો પરિવાર હતો. તેના બે નાના બાળકોને અમે વારેઘડીએ પાણી પીવડાવતા હતા. અહીં ઘણા પ્રવાસીઓ હતા તેમાંના ઘણા પાસે પાલતુ કૂતરાઓ હતા. નવાઈ લાગી કે આ કૂતરાઓ એક મેક સમે કે અન્ય પ્રવાસીઓ સામે ભસતા નહોતાં. માલિક સાથે ચૂપચાપ ચાલતા હોય. ક્યાંક ક્યાંક કેડી સાંકડી થતી ત્યારે સામેથી આવતા લોકોને જવા દેવા માટે પર્વતની ધારે ઉભા રહી જવું પડે. ક્યારેક સામેવાળા ઉભા રહી અમને માર્ગ આપે. આવે વખતે પણ કૂતરાઓ શિસ્તબદ્ધ ઉભા હોય તેમાંની પાસેથી શાંતિથી પસાર થઇ જવાય ખીણમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ આહલાદ્ક હતું. ચારે તરફ કપાયેલા પર્વત વચ્ચે ઠંડક લાગતી હતી. અમે ત્રણ ખીણો જોઈ, ફ્રેન્ચ, પોઇન્ટિયાક અને વાઈલ્ડ કેટ. વાઈલ્ડ કેટ માત્ર ઉપરથી જોઈ શક્યા કારણકે ત્યાં સુધી ઉતારવાનું અઘરું હતું. વળી, અમારી સાથે નાના બાળકો હતા. 
સ્ટાર્વ્ડ રૉક સ્ટેટ પાર્ક ઇલિનોઇસ રાજ્યમાં ઈલિનોઈસ નદીને દક્ષિણે આવેલો છે. ઈ. સ  ૧૫૦૦ થી ૧૭૦૦ સુધી અહીં અમેરિકાની મૂળ પ્રજા ઇન્ડિયનોની  વસાહતો હતી. આ ઇન્ડિયનોના જુદા જુદા કબીલાઓ હતા. તેમાં ઈલીનીવેક તથા પોટવાટોમી કબીલાઓ વચ્ચે લડાઇ થઇ. ઈલીનીવેકના લોકો સ્વબચાવ માટે એક ટેકરી ઉપર ચડી ગયા. પોટવાટોમી કબીલાએ તે ટેકરીનો ઘેરો ઘાલ્યો. આ લડાઇ લાંબી ચાલી છેવટે ઈલીનીવેક કબીલાના લોકો ભૂખમરાથી મરી ગયા તેથી આ જગ્યાનું નામ સ્ટાર્વ્ડ રૉક પડ્યું. તે પછી ફ્રેન્ચ લોકોએ ત્યાં પ્રથમ વસવાટ કર્યો. 
       યુટિકા ગામડું ગણાય પરંતુ આપણા દેશના ગામ જેવું નહિ. પાક્કા રસ્તા, વીજળી ઉપરાંત બધી સુવિધાઓ અહીં છે. માત્ર લોકોની વસ્તી ઘણી ઓછી છે. અહીં મકાઈની ખેતી થાય છે. ખેતરો ખૂબ વિશાળ આપણી નજરમાં ન સમાય તેટલા. અમેરિકામાં શેરડીનું ઉત્પાદન ન હોવાથી પ્રોસેસ્ડ ફૂડમાં ગળપણની જરૂર હોય ત્યાં મકાઈના ગળપણનો ઉપયોગ થાય છે મકાઈના ઉભા મોલથી ધરતી છવાઇ ગઈ હતી. 
     અમેરિકાની પ્રજાની શિસ્તની જેમ તેમની ચોખ્ખાઈ વધાવવા જેવી છે. પુષ્કળ પ્રવાસીઓ હોવા છતાં ક્યાંય માનવ સર્જિત કચરો ન હતો. પ્રકૃતિને એના શુદ્ધ સ્વરૂપે જોવા મળી

 - સુજાતા શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો