Translate

Thursday, March 21, 2019

વર્ષગાંઠની અનોખી ઉજવણીકોઇ પણ વ્યક્તિ માટે જન્મદિવસનું મહત્વ કંઈક અનેરું હોય છે. બાળકો માટે તો વળી ઓર વિશેષ. તેમના માટે વિશેષ એટલા માટે કારણકે તેમને કેક કાપવા અને ખાવા મળે! પાર્ટી, મિત્રો,ગિફ્ટ્સ,ચોકલેટ્સ,સરસ મજાનું ખાવાનું-પીવાનું વગેરે દરેક બાળક માટે જન્મદિવસને એક સ્પેશિયલ દિવસ બનાવી દે છે.
મારી ફિલોસોફી એવી છે કે બાળકોનો જન્મદિવસ રીતે ઉજવવો કે તેમને તો આનંદ મળે પણ સાથે અન્યોને પણ તેઓ આનંદ આપવામાં નિમિત્ત બને અને તેમનામાં નાનપણથી અન્યો વિશે વિચારવાની,અન્યો સાથે સુખ વહેંચવાની વૃત્તિ કેળવાય. મારી દિકરી નમ્યા આઠ વર્ષની થઈ અને પહેલા વર્ષને બાદ કરતાં તેના અત્યાર સુધીના દરેક બર્થડે ખાસ રીતે ઉજવ્યાં છે. પહેલી વાર તેની ડ્વિતિય વર્ષગાંઠના પ્રસંગે દયાવિહાર નામના અનાથાશ્રમમાં તો ત્યારબાદના વર્ષે એક કન્યાલયની બાળાઓ સાથે. તે પછી એકાદ વાર એઈડ્સથી પીડીત બાળકીઓના આશ્રમમાં તો અન્ય કેટલાક પ્રસંગોએ અમે રહીએ છીએ તેની આસપાસનાં વિસ્તારમાં આવેલ અનાથાશ્રમમાં.
કાજલ ઓઝા વૈદ્યના પેરેન્ટીંગ પરના એક વિડીઓમાં તેમની એક વાત મને ખૂબ ગમી.તેમણે કહેલું માબાપ નવા-નવા ભારે ભરખમ કપડાં બચ્ચાને પહેરાવે, ભવ્ય પાર્ટી યોજી કેક કપાવડાવે, મોંઘી ઉજવણી કરે એમાં બાળક ખરેખર ખુશ થતું નથી હોતું પણ મા-બાપની દેખાડો કરવાની મનોવૃત્તિ સંતોષાય છે, તેમનો અહં પંપાળાય છે વિચાર દ્વારા કે મેં મારા બાળક માટે અઢળક ખર્ચો કરી લોકોમાં વટ પાડી દીધો. પણ બાળકને જે ગમે છે તે કરીએ, તેને જ્યાં જવું છે ત્યાં લઈ જઈએ,તેની સાથે સમય પસાર કરીએ તો લેખે લાગે - તેના વર્ષગાંઠેની સાચી ઉજવણી થઈ કહેવાય
હું મારા સંતાનોનો જન્મદિવસ અન્ય ઓછા નસીબદાર કે ગરીબ બાળકો સાથે તેમને થોડીઘણી ખુશી આપી ઉજવવામાં માનું છું. મારા પુત્ર હિતાર્થનો પ્રથમ જન્મદિવસ પણ નમ્યાના પ્રથમ જન્મ દિવસની જેમ અન્ય પરીવારજનો, પાડોશના બાળકો અને ઓફિસના મિત્રો સાથે ઘેર ઉજવ્યો હતો. પણ ગત ડિસેમ્બરમાં તેનો દ્વિતિય જન્મદિવસ નમ્યાનો બીજો જન્મદિવસ જ્યાં ઉજવ્યો હતો તે દયાવિહાર આશ્રમમાં ઉજવ્યો અને થોડી જુદી રીતે. તેની વાત આજે બ્લોગ થકી તમારા સૌ સાથે શેર કરીશ.
                વર્ષ અગાઉ દયાવિહાર આશ્રમની જે સ્થિતી હતી તેના કરતાં વર્ષે તે, અમે જ્યારે ત્યાં હિતાર્થનો જન્મદિવસ ઉજવવા ગયા ત્યારે ઘણી સારી હતી. ચાકો દંપતિ જો કે હવે જરા વધુ ઉંમર વાળું થયું હતું અને તેમના માતુશ્રી રહ્યાં નહોતા જે વર્ષ અગાઉ નમ્યાના બર્થડેની ઉજવણીમાં સહભાગી થયા હતા. વખતે આશ્રમના સોળેક બાળકો સાથે તેમના બે યુવાન પુત્રો પણ હિતાર્થના બર્થડેની ઉજવણીમાં સહભાગી થયાં હતાં જેમાંના એક નો યોગાનુયોગ ૧૮મી ડિસેમ્બરે જન્મદિવસ હતો! હિતાર્થ ભેગી સેમ્યુઅલ નામના જોનના યુવાન પુત્રે પણ કેક કાપી.  હિતાર્થને ગાડીનું ખુબ આકર્ષણ હોવાથી ખાસ ગાડીના આકારની મોટો બગડો ઉપર લખેલો હોય તેવી લાલ રંગની કેક મેં બનાવડાવી હતી.
સેમ્યુઅલ પોતાનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ સમાજસેવા વિષય સાથે કરી હવે તેના પિતાની પ્રવૃત્તિમાં જોડાયો છે અને તેનો મોટો ભાઈ એન્જિનિયરીંગ કરી એક આઈટી કંપનીમાં જોડાયો છે. પણ મને જાણી ખુબ ખુશી થઈ કે હજી સેવાભાવી ચાકો પરીવાર હાલમાં સોળ અનાથ બાળકો સાથે એક છત નીચે એક મોટા પરીવારની જેમ રહે છે. હા, હવે છત નીચેનું ઘર સરસ બંગલા જેવું બની ગયું છે જે જોઈ મારો આનંદ બેવડાઈ ગયો.
બાળકોના મનોરંજન માટે વખતે ઉજવણી માટે હું સાગર પટેલ નામનાં એક યુવાન જાદુગરને અમારી સાથે દયાવિહાર આશ્રમમાં લઈ ગયો હતો.અમારી ઓફિસમાં થોડાં વર્ષ અગાઉ બાલદિન નિમિત્તે થોડાં એનજીઓ સાથે મળી કેટલાક અનાથ બાળકો માટે અમે એક કાર્યક્રમ યોજ્યો હતો ત્યાં સાગરે પરફોર્મ કર્યું હતું અને મને કાર્યક્રમ ખૂબ ગમ્યો હતો આથી મેં સાગરને યાદ કર્યો અને તેની હેરતસભર મનોરંજક જાદુઈ યુક્તિઓથી દયાવિહારના બાળકોની એક સાંજ આનંદમય અને યાદગાર બની રહે માટે હિતાર્થના દ્વિતિય જન્મદિવસની ઉજવણી સાથે કાર્યક્રમ વણી લીધો.
મારા પરીવાર સાથે પાડોશના બે બાળકો અને અન્ય કેટલાક મિત્રો-સ્નેહીજનોને પણ અમે સાથે લઈ ગયા હતાં. જાદુનો ખેલ અતિ મનોરંજક હતો અને કેટલીક ટ્રીક્સ તો બાળકોને નહિં પણ મોટાઓને પણ અચરજમાં મૂકી દે એવી હતી! વર્ષના ઇન્ડિઆ  હેઝ ગોટ ટેલેન્ટના વિજેતા બનેલા જાવેદ ખાન નામનાં જાદુગરે સેમિફાઈનલમાં જે ટ્રીક બતાવી જજ મલાઈકા અરોરા ખાનની વીંટી ગાયબ કરી દઈ ઠંડા પીણાની બોટલમાંથી કાઢી બતાવી હતી યુક્તિ સાગરે અમારી સાથે આવેલ વંદનાબેનની સોનાની વીંટી ગાયબ કરી દઈ દાબડીની અંદરની દાબડીની અંદરની ચોથી કે પાંચમી દાબડીમાંથી કાઢી બતાવી અમને સૌને આશ્ચર્યના સાગરમાં ગરકાવ કરી દીધાં! બાળકોતો કેટલીક જાદુની ટ્રીક્સ જોઈ ખુશી થી ઝૂમી ઉઠ્યાં! બર્થડે બોય એવો નાનકડો હિતાર્થ પણ અન્ય બાળકોને ખુશ જોઈ ખુશખુશાલ થઈ આમતેમ દોડાદોડ કરતો હતો!
 જાદુના ખેલ બાદ હિતાર્થ અને સેમ્યુઅલે સાથે કેક કાપી. ક્રિસમસ નજીક હોવાથી બધાં બાળકો માટે લીધેલી સાન્તા કેપ્સ તેમાં એક લખવાની પેનની ભેટ સાથે સૌ બાળકોને આપી અને પછી બાળકોને ભાવે તેવા પાવભાજી અને પુલાવ મેં એક ખાસ ઓળખીતાં કેટરીંગ ચલાવતાં મહિલા પાસે બનાવડાવ્યાં હતાં  જે બધાં બાળકો સાથે હિતાર્થ,નમ્યા અને અમે સૌએ ધરાઈને ખાધાં. ત્યારબાદ મેં ચાકો પરીવાર સાથે તેમની પ્રવૃત્તિઓ અંગે થોડી ઘણી વાતો કરી અને સાંજ અને મારા પુત્રની વર્ષગાંઠ અનોખી અને સુંદર રીતે ઉજવ્યાના સંતોષ સાથે ત્યાંથી વિદાય લીધી.
મલાડ પશ્ચિમમાં ઓરલેમ વિસ્તારમાં આવેલ દયાવિહાર આશ્રમ ખાતે વસતા ચાકો પરીવારનો સંપર્ક ૭૯૭૭૬૦૩૨૭૯ કે ૭૭૩૮૬૬૬૦૨૨ નંબર પર થઈ શકશે. તો યુવા જાદુગર સાગર પટેલનો તમે ૯૭૭૩૧૬૧૫૪૩ નંબર પર સંપર્ક કરી શકશો.


Videos :
No comments:

Post a Comment