આજના ટેક્નોલોજીના સમયમાં મોબાઈલ માનવી માટે અત્યંત આવશ્યક સાધન છે. વોટ્સ એપ, ટ્વીટર, યુ ટ્યુબ, ફેસબૂક જેવા સોસિયલ મિડીયાના અવિરત આક્રમણને લીધે વિશ્વ હવે નાનું થતું જાય છે. માહિતી સાથે મનોરંજન પણ પૂરું પાડતું આ નાનકડું રમકડું બાળકોથી માંડી મોટેરાં સૌ માટે હાથવગું સાધન બની ગયું છે. માહિતી તથા મનોરંજન આ બંન્ને માનવીની સનાતન જરૂરિયાત છે. આ મોબાઈલ,ટીવી કે કોમ્પ્યુટરનું જ્યારે અસ્તિત્વ જ ના હતું, ત્યારે એક માત્ર માધ્યમ અને તે પણ અત્યંત સક્ષમ હતું તે રેડિયો.
રેડિયોને એક સુંદર નામ મળ્યું “આકાશવાણી”. દેશના ખૂણે ખૂણે નાના મોટા ગામોમાં આ રેડિયો દ્વારા સૌ મનોરંજન પામતા. દેશને આઝાદી મળી, તે પૂર્વે સ્વંત્રતા મેળવવા માટે જે કંઈ પ્રવૃતી થતી, તેનો અક્ષરસ ચિતાર અને પ્રસાર રેડિયો દ્વારા થતો. દેશ વિદેશના સમાચારો સાથે માનવીની સંવેદનાને વાચા આપવાનું ઉત્કૃષ્ટ કાર્ય આ પ્રસારણ માધ્યમ થકી થતું હતું. અલબત્ત અખબારોની ભૂમિકા પણ એટલી જ મહત્વની હતી. વાંચન અને શ્રવણ દ્વારા મનુષ્યને જરૂરી માહિતી મળી રહેતી. ૧૯૩૫માં રેડિયોનું આગમન થયું. એ સદીનો ક્રાંતિકારી આવિષ્કાર હતો, રેડિયો.
શરૂઆતમાં ઈલેકટ્રીકથી ચાલતા રેડિયોનું ઉત્પાદન ફિલિપ્સ કે મરફી જેવી માતબર કંપની કરતી. તેની કિંમત પણ એટલી મોટી હતી કે ગરીબ કે મધ્યમ વર્ગ માટે રેડિયો ખરીદવો એ માત્ર સ્વપ્ન જ હતું. જે ઘરમાં રેડિયો હોય તે ઘર શ્રીમંત ગણાતું. મરફીની જાહેરાતમાં એક લીટી લખાતી “ યોર હોમ નીડ્સ રેડિયો”. આકાશવાણીમાં વર્ષો સુધી કાર્યરત રહેલા જાણીતા શાયાર બરકત વિરાણી “બેફામ” કહેતા, ‘માય રેડિયો નીડ્સ હોમ.”
ઉત્પાદન ક્ષેત્રે પરિવર્તન થવાને લીધે ઈલેક્ટ્રિક રેડિયોનું સ્થાન ટ્રાન્ઝીસ્ટ્રરે લીધું, બેટરીથી ચાલતા આ રેડિયોનું કદ પણ નાનું થતું ગયું, જે ખીસ્સામાં સમાઈ શકે અને આ સાધન પ્રમાણમાં સસ્તું તથા સૌને પોસાય એવું થઈ ગયું. રેડિયો સાંભળવાનો શોખ તો અનાયાસે કેળવાઈ ગયો તે પછી. ટીવી ના આગમન સુધી એ વ્યસન બની ગયો.
આકાશવાણીના મુંબઈ ‘એ’ કેન્દ્ર પરથી ત્યારે ગુજરાતી અને મુંબઈ ‘બી’ પરથી મરાઠી કાર્યક્રમોનું પ્રસારણ થતું. વિવિધ ભારતીનું એ સમયે અતિશય મહત્વ હતું. જૂના નવા ફિલ્મી ગીતો ઉપરાંત સરહદ પરના જવાનો માટેનો ખાસ કાર્યક્રમ ફૌજીભાઈઓકી પસંદ અત્યંત લોકપ્રિય હતો. બીનાકા ગીતમાલા અને અમીન સયાનીનો મધુર અવાજ, આજના હયાત વરિષ્ઠ નાગરિકોની સ્મૃતિમાં અવશ્ય ગૂંજતો હશે.
મુંબઈ કે મુંબઈની બહાર કે વિદેશમાં જ્યાં જ્યાં ટેસ્ટમેચ રમાતી, તેનું સીધું પ્રસારણ રેડિયો પરથી થતું. એ કોમેન્ટરી સાંભળવાનો પણ એક લ્હાવો હતો. આજે ટીવી પર મેચ જોતાં જે રોમાંચ થાય છે, તેવો જ આનંદ ત્યારે શ્રવણ દ્વારા થતો.વીઝી, વિજય મર્ચન્ટ, ડીકી રત્નાકર,અનંત સેટલવાડ,દેવરાજ પૂરી સુરેશ સરૈયાનું વર્ણન એટલું ગહન રહેતું, જાણે મેચના દ્રશ્યો આંખ સામે જ સાકાર થતાં લાગે.
મુંબઈ’એ’ કેન્દ્ર પરથી ગુજરાતી કાર્યક્રમનું વિશાળ ફલકમાં પ્રસારણ થતું. વિભિન્ન વિષયો પરના વાર્તાલાપો, સાહિત્યિક કાર્યક્રમો, નાટકો સાંભળવાનો પણ આનંદ અનેરો હતો. ગુજરાતી સુગમ સંગીત, જેનું પ્રસારણ આજે પણ થાય છે તેમાં જાણીતા કવિઓના ગેય કાવ્યો સુપ્રસિધ્ધ સંગીતકારો, ગાયક કલાકારો દ્વારા રેડિયો પરથી રજૂ થતાં. અને આમ આજ સુધી અનેક સુંદર કવિતાઓના સ્વરાંકનો શ્રોતાઓના આંતરમનને ડોલાવી રહ્યા છે. જે આજે એફ એમ રેડિયો પરથી પણ થાય છે.
મારા શૈશવ કાળથી જ મને રેડિયો સાંભળવાનું વ્યસન થઈ ચૂક્યું હતું. ત્યારે અનેક વખત ઉત્કંઠા થતી, કે જે સ્ટુડિયોમાથી આ પ્રસારણ થાય છે, તે સ્ટુડિયો જોવાનો લાભ ક્યારે મળશે? અને આ સુવર્ણ પળ મને હાથવગી થઈ. મારા એ કોલેજના દિવસોમાં ત્યારે ૧૯૬૯માં દેશમાં ગાંધી શતાબ્દીની ઉજવણી થતી હતી. તે સમયે યુવાનો માટેના એક કાર્યક્રમમાં “ગાંધીજીના આદર્શો” વિષય પર એક ચર્ચાના કાર્યક્રમમાં ભાગ લેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું ને આમ હું પહેલી વાર આકાશવાણીના પગથિયાં ચડ્યો. ત્યાર પછી તો અનેક વખત રેડિયો પર જવાનું થતું. કાવ્યપઠન, વિવિધ વિષયો પરના વાર્તાલાપો શિક્ષણ તથા સાહિત્યના કાર્યક્રમોની રજૂઆત કરી. એક, શક્તિશાળી માધ્યમના દર્શન અને અનુભવ થયા.
આકાશવાણી સાથેનો મારો સબંધ અતિ મૂલ્યવાન છે. મારા અવાજનું રેકોર્ડિંગ કરનારા અને બીજા પદાધિકારીઓનું પ્રોત્સાહન મારે મન અવિસ્મરણીય છે. આકાશવાણી માન્ય કવિને કારણે હું અનેક ઉદઘોષકોના સંપર્કમાં આવ્યો.
આજે ટેકનોલોજીએ અદભુત હરણફાળ ભરી છે. ટીવી, કોપમ્પુટ મોબાઈલ જેવા ઉપકરણોનો લાભ સૌને સહેલાઈથી ઉપલબ્ધ થયો છે, છતાં હું અંગત રીતે રેડિયોનું મહત્વ જરા ય ઓછું આંકતો નથી.
રેડિયો સાંભળનારો વર્ગ આજે ભલે નાનો હોય, હું એ વર્ગનો હિસ્સો છુ, તેનો મને સગર્વ આનંદ છે.
- નીતિન વિ મહેતા
રવિવાર, 7 એપ્રિલ, 2019
ગેસ્ટ બ્લોગ : “રેડિયો” એક સક્ષમ માધ્યમ”
લેબલ્સ:
'all india radio',
'blog ne zarookhe thee',
'guest blog',
'gujarati blogs',
'janmabhoomi pravasi',
'nitin mehta',
'vikas ghanshyam nayak',
'vikas nayak',
akashwani,
radio
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
હું વર્ષો સુધી રેડિઓ સાથે સ્પોર્ટ્સ કાર્યક્રમોને લઈને સંકળાયેલો રહ્યો છું આથી નીતિનભાઈનો રેડિઓ વિશેનો બ્લોગ વાંચી સુમધુર સ્મૃતિઓ તાજી થઈ ગઈ. જો કે દુ:ખ સાથે કહેવું પડે છે કે હવે રેડિઓ પર સ્પોર્ટ્સના કાર્યક્રમ સદંતર બંધ જ થઈ ગયાં છે.
જવાબ આપોકાઢી નાખોનીતિનભાઈના રેડિઓ વિશે લખેલા વિચારો વાંચી ખૂબ મજા આવી.
જવાબ આપોકાઢી નાખોનીતિનભાઈ મહેતાનો રેડિઓ વિશેનો બ્લોગ હ્રદયસ્પર્શી રહ્યો.અહિં એક વધુ રસપ્રદ માહિતી શેર કરવાનું મન થાય છે. નામ આકાશવાણી પહેલવહેલું નિષ્ણાત પ્રોફેસર શ્રી કસ્તૂરી દ્વારા શ્રી ગોપાલક્રિષ્ણનને સૂચવવામાં આવ્યું હતું જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો.શ્રી કસ્તૂરીની આત્મકથા 'લવિંગ ગોડ'માં આ વાતનો ઉલ્લેખ છે.
જવાબ આપોકાઢી નાખોનીતિનભાઈ મહેતા લિખિત ગેસ્ટબ્લોગ રેડિઓ - એક સશક્ત માધ્યમ લેખ વાંચવાની ખૂબ મજા આવી.આજે ૮૧ વર્ષે દિવસ-રાત મારે ઘેર રેડિઓ ચાલુ જ હોય છે. વિવિધભારતી પર ગીતો સાંભળવાની મજા આવે છે. સ્માર્ટફોન નથી એટલે ઘરમાં રેડિઓનો સ્વર ગૂંજ્યા કરે છે. લગભગ ૧૨-૧૩ વર્ષથી આજ સુધી રેડિઓ પર ગીત, સમાચાર, નાટક, માહિતી, જ્ઞાન, મનોરંજન વગેરે કાર્યક્રમો નિયમિત સાંભળું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મનકી બાત શ્રેણીના ૪૨-૪૩ હપ્તા મેં ધ્યાનથી સાંભળ્યા - માણ્યાં છે. દર બુધવારે બિનાકા ગીતમાલા અચૂક સાંભળતો. મુંબઈ આકાશવાણી અને વડોદરા આકાશવાણી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને અમદાવાદ આકાશવાણી પર મારી ક્રિકેટ વિશેની વાત પ્રસારિત પણ થઈ છે. નીતિનભાઈનો આ સુખદ સ્મૃતિઓ તાજી કરાવવા બદલ આભાર!
જવાબ આપોકાઢી નાખો