Translate

રવિવાર, 14 એપ્રિલ, 2019

બ્લોગ એટલે ઓનલાઈન ડાયરી


બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.
તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો. વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.
તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?
તમારો પોતાનો બ્લોગ બનાવવા માટે આજે અનેક 'વેબસાઇટ' ઉપલબ્ધ છે.તમે ગમે તે વિષય પર બ્લોગ બનાવી કે લખી શકો છો. તમે તમારા બ્લોગમાં ફોટા પણ મૂકી શકો છો.ફક્ત તસ્વીરોનાં પણ બ્લોગ કેટલાક કલાકારો બનાવે છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા કલાકારો પણ નિયમિત બ્લોગ લખે છે. રોજનાં લાખો નવા લોકો પોતાના બ્લોગ બનાવી બ્લોગ-વિશ્વમાં પ્રવેશે છે.

            અહિં કટારમાં છપાયેલ લેખો બ્લોગ http://blognezarookhethee.blogspot.com વેબ-એડ્રેસ પર પણ પ્રકાશિત થાય છે.
કટાર દ્વારા હું ફક્ત મારા વિચારો રજૂ કર્યા કરું છું એવું નથી. અહિં તમે વાચકો પણ સક્રિય ભાગ ભજવો છો. જે કામ બ્લોગના વાચકો 'કમેન્ટ' લખીને કરે છે તે કામ તમે  પ્રતિભાવ લખીને  કરો છો છે જે કટારમાં નિયમિત રીતે બ્લોગ સાથે છપાય છે. અહિં છપાયેલ બ્લોગ વિષે, તેના અનુમોદનમાં કે તેના વિરુદ્ધ કંઈક વિચાર આવે તો તરત જન્મભૂમિના સરનામે ટપાલ દ્વારા કે પછી મને મારા ઈમેલ - vikas.nayak@gmail.com પર લખી મોકલાવો તે અહિં પ્રતિભાવ તરીકે છપાય છે. તમે પણ કોઈ રસપ્રદ લેખ લખ્યો હોય અને તે તમને બીજા વાચકો સાથે વહેંચવાનું મન થાય તો તે મોકલી આપશો જે અહિં  'ગેસ્ટ-બ્લોગ' તરીકે છપાશે.

 - વિકાસ ઘનશ્યામ નાયક

***********************************

બ્લોગ વિશેનાં પ્રતિભાવો


થોડાં વર્ષોથી લખનારની વાંચનક્ષમતા ઓછી થતાં વાઈફ-સપોર્ટીંગ સિસ્ટમનો સહારો લેવો પડ્યો છે. પણ બ્લોગનો ઝરૂખેથીમાં ૧૭મી માર્ચ ૨૦૧૯ના પ્રકાશિત થયેલ લેખ 'મોટેથી વાંચો' બહુ વેળાસરનો અને ખાસ તો મારા પત્નીને જોમ પૂરું પાડનારો સાબિત થયો છે. લેખમાં લખેલ બાબતો અમે બંને અક્ષરશ: અનુભવી છે. દરરોજના દોઢ-બે કલાકનો મોટેથી વાંચવાનો વ્યાયામ અમારી વિચારધારાને પણ સંકલિત કરે છે.  નવા વિચારો, શબ્દો, નામો, ભાષાપ્રયોગો, શૈલી, અનુભવો વગેરે એક શૈક્ષણિક વર્ગનો આભાસ   એંસીના દાયકામાં જીવતા અમ દંપતિને કરાવે છે. અમારા પરિવારમાં મોટેથી વાંચવાનો આયામ ભારતને આઝાદી મળી પહેલાંનો છે જ્યારે પચાસ વર્ષની ઉંમરે મારા પિતાને મારા દાદી ગાંધીજી સંપાદિત હરીજનબંધુ  મોટેથી વાંચી સંભળાવતા, આઝાદી મળ્યાં પહેલાના પ્રસંગો ચર્ચતા. કિશોર વયે મેં સાંભળેલ એક સંવાદ મને આજે પણ યાદ છે. મારા દાદીએ કહેલું ઝીણો (મહમ્મદ અલી ઝીણા) ડોસાજી (ગાંધીજી)નું લોહી પીનારો પાક્યો છે! તો વળી કોઈક ચર્ચામાં બ્રિટીશ મધ્યસ્થીની વાત હોય - સ્ટેફોર્ડ ક્રીપ્સ સરળ છે પણ પેથિક લોરેન્સ ભારે લુચ્ચો છે. વગેરે. ખાસ તો બ્લોગલેખના લેખક સાથેનું અમારું સામ્ય મધુવન પૂર્તિના વાંચન વિષયના ઉલ્લેખમાં ગોરસ-આસવ સંબંધે સાનંદાશ્ચર્ય અનુભવ્યું. મોટેથી વાંચવાની અમારી તો જાણે જરૂરિયાત બની ગઈ છે ત્યારે તેને લગતો અભ્યાસપૂર્ણ લેખ ખૂબ સમયસરનો છે અને રોજ ગળું દુખાડતા મારા સહધર્મચારિણીને અત્યંત ઉત્સાહ પ્રેરક છે તેનું ખાસ કારણ પણ ખરું કે મારી શ્રવણ શક્તિ પણ ક્ષીણ હોઈ તેમને વધુ મોટા અવાજે વાંચવું પડે છે!
- રશ્મિકાંત વ્યાસ , મુંબઈ

નીતિનભાઈ મહેતા લિખિત ગેસ્ટબ્લોગ રેડિઓ - એક સશક્ત માધ્યમ લેખ વાંચવાની ખૂબ મજા આવી.આજે ૮૧ વર્ષે દિવસ-રાત મારે ઘેર રેડિઓ ચાલુ હોય છે. વિવિધભારતી પર ગીતો સાંભળવાની મજા આવે છે. સ્માર્ટફોન નથી એટલે ઘરમાં રેડિઓનો સ્વર ગૂંજ્યા કરે છે. લગભગ ૧૨-૧૩ વર્ષથી આજ સુધી રેડિઓ પર ગીત, સમાચાર, નાટક, માહિતી, જ્ઞાન, મનોરંજન વગેરે કાર્યક્રમો નિયમિત સાંભળું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મનકી બાત શ્રેણીના  ૪૨-૪૩ હપ્તા મેં ધ્યાનથી સાંભળ્યા - માણ્યાં છે. દર બુધવારે બિનાકા ગીતમાલા અચૂક સાંભળતો. મુંબઈ આકાશવાણી અને વડોદરા આકાશવાણી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને અમદાવાદ આકાશવાણી પર મારી ક્રિકેટ વિશેની વાત પ્રસારિત પણ થઈ છે. નીતિનભાઈનો સુખદ સ્મૃતિઓ તાજી કરાવવા બદલ આભાર!
-          રાજન પ્રતાપ, વડોદરા

રવિવાર એપ્રિલના બ્લોગમાં જે ઝાડ-છોડ સાથે વાત કરવા વિશેના વિચારો પ્રગટ થયાં તે વાંચી મને મારા પિયરના ઘરની વાત યાદ આવી ગઈ!  મારું પિયર મલાડમાં હતું અને મારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. ઘરની પૂર્વે એક લાંબો ઓટલો હતો જેની આસપાસ મેં જમીનમાં જાસૂદ, ગુલાબ , બારમાસી વગેરે ફૂલોના છોડ વાવ્યાં હતાં. સાથે એક કારેલાની વેલ પણ ઉગાડી હતી. એક ચોમાસામાં વેલ પર એટલાં બધાં કારેલા આવ્યાં હતાં કે મેં હરખઘેલી થઈ આસપાસનાં દરેક ઘરમાં ખુશી ખુશી વહેંચ્યા હતાં! રીતે પપૈયાના ઝાડ પર પણ જ્યારે પહેલવહેલાં ત્રણ નાના પપૈયા ઉગ્યાં ત્યારે પણ મારા હરખનો પાર નહોતો રહ્યો. પરણ્યાં પછી સાસરે આવી ત્યારે મારું નવું ઘર બીજે માળે હતું.પણ અહિં સુદ્ધા પ્રકૃતિ સાથેનો મારો નાતો જાળવી રાખવા મેં બાલ્કનીમાં તુલસી,જાસૂદ અને ઠાકોરજીને ગમતાં જાંબલી ફૂલોનો છોડ વાવ્યાં છે. તેમના પર ફૂલો આવે ત્યારે તેમને જોઈ મને અવર્ણનીય આનંદ મળે છે.
 - ઇલાક્ષી મર્ચન્ટ, મુંબઈ

ઝાડ-છોડ સાથે વાત  વિષય ખૂબ સુંદર રહ્યો . મને ફૂલ ઝાડ સાથે વાત કરવાનો જબરો  શોખ છે. મેં એમને મારી દરેક સંવેદનાઓના પડઘા પાડતાં જોયાં છેમારા અનુભવના આધારે  એટલું ચોક્કસ કહું કે ખરેખર જે કુદરત સાથે વાત કરી શકે છે તે જીવન ની દરેક ક્ષણ આનંદમાં વિતાવી જાણે છેફૂલ ઝાડ જેવા નિસ્વાર્થ મિત્રો બીજે શોધ્યા જડે.
- નીતા રેશમિયા, મુંબઈ

ઝાડ-છોડ સાથે વાત બ્લોગ લેખ વાંચી, મુંબઈના જીજામાતા ઉદ્યાન - પ્રાણીબાગની નજીક વિશાળ નર્સરી - છોડ-બી-ગાર્ડનિંગના સાધનો વેચતી શોપ ધરાવતાં શાંતિભાઈ રતનશીએ ભરપૂર ઓક્સિજન પૂરો પાડતો એક નાનો સુંદર છોડ નાનકડા સરસ કૂંડા સાથે મોકલી આપ્યો બદલ તેમનો હાર્દિક આભાર!
 -             વિકાસ ઘનશ્યામ નાયક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો