એક સમય હતો
જ્યારે મુંબઈ બહાર દેશમાં કે વિદેશમાં કોઈ
પણ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાતી એનું સીધું પ્રસારણ રેડિયો પરથી થતું. સર્વ શ્રી વિઝી, વિજય મર્ચન્ટ, ડી. કે. રત્નાકર, અનંત સેતલવાડ, દેવરાજ પૂરી, સુરેશ સરૈયા વગેરે જેવા દિગ્ગજ કમેંટરી કરનારાઓનું ક્રિકેટ મેચનું વર્ણન એટલું સચોટ અને ગહન રહેતું જાણે મેચના દ્રશ્યો આંખ સામે સાકાર થવા લાગે, એ સાંભળી એક
અનેરો આનંદ અનુભવાતો, એક અનેરા સંતોષની
લાગણી અનુભવાતી.
મને નાનપણથી ક્રિકેટની રમતમાં રુચિ કેળવી ત્યારથી આકાશવાણીની બોલ બાય બોલ કમેંટરી સાંભળવાની જાણે એક આદત પડી
ગયેલી. શાળા, કોલેજ, ઓફીસ, ક્લબ વતી ક્રિકેટ રમતાં રમતાં સમાચાર પત્રમાં લેખો લખવાની તક સાંપડી. સિત્તેરના
દાયકામાં અચાનક જ ભારતીય ક્રિકેટ
કમેંટરીના ભીષ્મ પિતામહ સમાન શ્રી બોબી તાલ્યારખાન, વિજય મર્ચન્ટ, ડી. કે. રત્નાકર, અનંત સેતલવાડ, સુરેશ સરૈયા, જશદેવ સિંઘ, સુશીલ દોષી વગેરે લગભગ બધાં ક્રિકેટ કમેંટેટર સાથે આણંદજી ડોસાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ 'સ્કોરર' તરીકે કાર્ય કરવાની તક સાંપડી અને
ઈશ્વર કૃપાથી આજ પર્યંત ક્રિકેટ
કમેંટરી બોક્સમાં હું કાર્યરત છું.
મારો ક્રિકેટ કમેંટરી બૉક્સનો સૌ પ્રથમ વેળાનો
અનુભવ યાદ આવે છે! સ્કોરર તરીકે હું પ્રથમ વખત બોક્સમાં દાખલ થયો ત્યારે બોબી તાલ્યારખાન લાઈવ કમેંટરી કરવાના હતાં. તેમની સાથે વિજય ભાઈ અને અનંત ભાઈને જોઈ ખાસ્સો રોમાંચ થયો હતો પણ સાથે થોડી
વ્યાકુળતા અને ડર પણ મનમાં
હતાં. રખે ને મારાથી કોઈ
ભૂલ થઈ ગઈ તો
આ બધાં મહારથીઓ શું કહેશે? મન્સૂર અલી ખાન પટૌડી બ્રેબોર્ન સ્ટેડિયમ પર ૧૯૭૨ - ૭૩ની
પાંચમી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચના બીજા દાવમાં ફક્ત પાંચ રનમાં આઉટ થઈ ગયા. બોબી
તાલ્યારખાને મને પટૌડીનો સ્કોર પૂછ્યો જે મેં તેમને
જણાવ્યો અને તેમણે અનાઉન્સ કર્યું “... એન્ડ નવાબ પટૌડી ગોટ આઉટ નાઇન્ટી ફાઇવ શોર્ટ ઓફ સેંચુરી... " એટલે કે
પટૌડી ફક્ત પંચાણુ રનથી સદી ચૂકી ગયા!
ક્રિકેટ કમેંટરી અંગ્રેજી અને હિન્દીમાં ૧૯૭૨થી આકાશવાણી પરથી શરૂ થઈ અને હિન્દી
મશહૂર કમેંટેટર સુશીલ દોષીના કહેવા પ્રમાણે ક્રિકેટની રમત હિન્દીમાં કમેંટરીના લીધે ગામેગામ ચૂલા પર રસોઇ કરતી
મહિલાઓ સુધી પહોંચી અને તે પણ એમાં
ઓતપ્રોત થવા લાગી! આકાશવાણીની અંગ્રેજી અને હિન્દી કમેંટરીને લીધે ક્રિકેટની રમત ભારતની જનતાની નસે નસ માં પ્રસરી
ગઈ એમ કહેવું અતિશયોક્તિ
ભર્યું નહીં ગણાય.
પણ અફસોસ સાથે
કહેવું પડે છે કે છેલ્લા
કેટલાક સમયથી ઘર આંગણે રમાતી
ક્રિકેટ મેચ પછી ભલે એ વન ડે
હોય, ટેસ્ટ શ્રેણી હોય કે ટ્વેન્ટી ટ્વેન્ટી
શ્રેણી - તેની જીવંત કમેંટરી આકાશવાણી પરથી પ્રસારિત થતી નથી. શું BCCI પાસે કે અન્ય કોઈ
ક્રિકેટ સંસ્થા પાસે એ પ્રશ્ન નો
જવાબ છે કે આકાશવાણી
પરથી આંખો દેખી ક્રિકેટ કમેંટરી બંધ થવાનું કારણ શું છે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો