Translate

રવિવાર, 1 જુલાઈ, 2018

બોરડી ખાતે ટુંકો પ્રવાસ

(ભાગ - ૧)
-------------

મુંબઈથી નજીક આવેલ ફરવાલાયક મુલાકાત લેવાના સ્થળોની મેં એક યાદી બનાવેલી છે. બકેટ લિસ્ટ કે વિશ લિસ્ટ હોય છે ને, એવું કંઈક. જેમાં એક નામ બોરડીનું હતું ઘણાં સમયથી. ગત સપ્તાહે તેના પર છેકો મારી શક્યો! સપરિવાર મુંબઈ થી માત્ર ત્રણેક કલાકની મુસાફરી કરી પહોંચી શકાય એવા સ્થળની ટૂંકી મુલાકાત યાદગાર રહી. ખાસ તો જ્યાં એક રાત અને દોઢ દિવસ રહ્યા 'હોમ સ્ટે' બંગલા અને તેના પ્રેમાળ પારસી માલિક ઈરાની પરિવારના ઉષ્માપૂર્ણ વ્યવહારને લીધે. આવી સરસ જગા સુઝાડવા બદલ મારા મિત્ર અને સહ -રેડીઓ -સમાચારવાચક મૈત્રેયીબેન યાજ્ઞિકનો ખાસ આભાર!
ગત સપ્તાહે સોમવારે દિકરીને સ્કૂલમાં અચાનક રજા જાહેર થતાં નક્કી કર્યું  કે રવિ - સોમ બે દિવસમાં ક્યાંક નજીક ફરવા જવું. બોરડી પર પસંદગી ઉતારી. મુંબઈથી હવે તો દહાણુ રોડ સુધી લોકલ ટ્રેન શરૂ થઈ છે. રવિવારે વહેલી સવારે અંધેરી - દહાણુ રોડ ની સીધી લોકલ ચૂકી જતાં, વિરાર પહોંચી ત્યાંથી બીજી ટ્રેન પકડી દહાણુ રોડ જવા અને દોઢ - બે કલાકમાં તો પહોંચી ગયા દહાણુ રોડ. સ્ટેશનેથી બોરડી બીચ જવા રીક્ષા પકડી. ત્યાંજ ઇરાની પરિવારનો સુંદર, સ્વચ્છ, ભવ્ય બંગલો આવ્યો હતોઅમને યજમાન શાહરૂખ ઈરાનીએ સસ્મિત, ભાવ પૂર્વક પોતાનું આખું ઘર બતાવ્યું. અહીં છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ પોતાના રહેઠાણનાં ઓરડા સહેલાણીઓ સાથે શેર કરે છે. શાહરૂખજીના મમ્મી શિરીનજી એટલા પ્રેમાળ અને વ્હાલા લાગે એવા ડોશી છે કે નમ્યા તો તેમને ભેટી પડી અને તેને પણ તેમણે બે - ચાર બચી કરી લીધી!
બંગલો ખુબ સુંદર હતોનીચે ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ હોલમાં આરામદાયી સોફ-ખુરશી વગેરે ગોઠવેલાં હતાં.  બેઠક વ્યવસ્થાની એક બાજુએથી બહાર પોર્ચ તરફ લઈ જતી દિશામાં ખુલ્લા વિશાળ દ્વાર હતાં અને બીજી તરફ ઉપર જવા માટે દાદરાઅને રસોડું હતાં. વિશાળ રસોડાની એક બાજુએ વિશાળ ગોળાકાર બારી હતીઅને એક બાજુએ નાનકડું પોન્ડ બનાવેલું હતું.હાલ તેમાં પાણી નહોતું પણ આસાપાસ ગોઠવેલી સુશોભનની ચીજ-વસ્તુઓને કારણે તે આંખોને ઠારતું હતું.બંગલામાં ઠેકઠેકાણે સુંદર તસવીરો,શિલ્પો,કલાક્રુતિઓ વગેરે શોભી રહ્યાં હતાં. અહિં આવ્યા બાદ એક અનેરી સુખ-શાંતિનો અનુભવ થતો હતો. જગા પોઝીટીવ વાઇબ્રેશન્સનો અનુભવ કરાવતી હતી.
ઉપર પહેલા માળે આવેલા રૂમ્સ પૈકી, મોટા ગોળાકાર બેડ અને લાલાશ પડતા રાખોડી રંગની લાદીઓ વાળા કક્ષને જોતાં જ તેણે મારું મન હરી લીધું અને તેના પર અમે પસંદગીની મહોર મારી દીધી!
કક્ષમાં તમે કોઈ ભવ્ય કિલ્લાના સુંદર મહેલ જેવા ઓરડામાં આવી ગયા હોવ એવો અનુભવ થતો હતો.બાલ્કનીમાંથી નીચે સ્વિમિંગ પુલનું દર્શન થતું હતું.બાથરૂમ પણ કક્ષમાં હતીતેવી પથ્થરની લાદીનો ફર્શ ધરાવતો સુઘડ અને સુવિધાયુક્ત હતો. કક્ષમાં ટીવી અને એસી જેવી સુવિધાઓ પણ હતી અને કલાત્મક તસ્વીરો તેમજ આકર્ષક ઉંચા લેમ્પ્સ પણ ગોઠવેલા હતાં. અમી અને હિતાર્થ આરામ કરી ફ્રેશ થયા ત્યાં સુધીમાં હું અને નમ્યા સ્વિમીંગની એકાદ કલાક મજા માણી આવ્યાં.
પેકેજમાં માત્ર બ્રેકફાસ્ટ સમાવિષ્ટ હતો જે અમે બીજે દિવસે સવારે લેવાના હતાં. બંગલાની નજીકમાં  જ આવેલી એક હોટલમાં જમ્યાં. વર્ષાની ઝડીઓ વરસી રહી હતી. ખાવાને અતિ પ્રાધાન્ય આપનારોએ અહિ આવવું હોય તો થોડી વધુ તપાસ કરી લેવી. કારણ ખાવાનું સામાન્ય હતું.
જમ્યા એ હોટલ સામે એક વન ઉદ્યાન હતું જેણે મને, મેં ગયે વર્ષે હર્પિંગ ટ્રેલ પર ગયેલો અંબોલીના વન ઉદ્યાનની યાદ અપાવી દીધી જ્યાં મેં ઘણાં સાપ,દેડકા અને અન્ય સરિસૃપો જોયાં હતાં.  બાગમાં લટાર મારવાની મજા આવી. અહિં સારા પ્રમાણમાં વૃક્ષો,છોડવા વગેરે હતાં.પાછળ દરીયો હતો.વરસતા વરસાદમાં અમારા ચાર સિવાય વન ઉદ્યાનમાં કોઈ નહોતું.આખા બાગમાં પરિક્રમા કરી અમે અમારા હોમસ્ટે નિવાસ ખાતે પાછા ફર્યાં.
રૂમ પર પાછા ફર્યાં બાદ મસ્ત મજાની નિંદર માણી. છોકરાઓને પણ જગા અને રૂમ ઘણાં પસંદ આવી રહ્યા હતાથોડી વાર બાદ સાંજે નીચે આવી શિરીનમા સાથે થોડી ગુફ્તગુ કરી. તે એટલાં હેતાળ લાગતા હતા કે તેમના માટે 'મા' નું સંબોધન આપોઆપ લાગી ગયું. તેમનાં બંગલાના પ્રાંગણમાં આરસના ઓટલે બેસીને અમે વાતો કરીઅને ચા-પાણી કરી અમે બોરડીના બીચ પર ફરવા નીકળ્યાં.

(ક્રમશ:)

--------------------------------------------------------

(ભાગ - )

-------------
સાંજ પડવાની તૈયારી હતી.અમે બંગલેથી ચાલતા બોરડી બીચ જવા નીકળ્યાં.થોડે દૂર બીચ પર જવાનો મુખ્ય માર્ગ હતો ત્યાં થઈને ભીની ભીની રેતી પર જઈ પહોંચ્યા.બોરડી બીચ પણ કેળવે,અર્નાલા અને મનોરી બીચની જેમ શાંત અને પ્રમાણમાં ચોખ્ખો દરિયાકિનારો છે.અહિં ભીડ ખાસ નહોતી.અમે રેતી પર ચાલવાનું શરુ કર્યું. કેળવે બીચની જેમ અહિં પણ દરિયા કિનારાની એક તરફ શંકુંદ્રુમના હોય તેવા લાગતાં સરુના વૃક્ષોની હાર હતી જેની છાયામાં ચાલવાની ,બેસવાની કે ઉંઘવાની મજા તમે માણી શકો. વૃક્ષો ખાસ્સા ઉંચા હોય છે અને તેના પાન થડ પર ખાસ્સી ઉંચાઈએથી શરુ થઈ ટોચ સુધી જોવા મળે અને તે લાંબી લાંબી સળી આકારના હોય છે. અમે આવ્યાં ત્યારે તો સાંજ લગભગ પડી ચૂકી હતી એટલે અમે સરુ નીચે બેસવા કે આરામ કરવાની જગાએ દરિયાકિનારાની રેતી પર લટાર મારવું વધુ પસંદ કર્યુંએક જગાએ અહિં દરિયા કિનારાની રેતી પર કોઈક ઝાડનું પાંદડા વગરનું ડાળીઓ ધરાવતું થડ આડું પડેલું કે (ગોઠવેલું?) જોવા મળ્યું જેની અલગ અલગ ડાળીઓ પર અહિના સ્થાનિક કિશોરો મસ્તી કરતાં ટોળ-ટપ્પા મારતાં બેઠાં હતાં.અમે ગયા એટલે તેઓ ટપોટપ ઉતરી દોડીને આગળ ચાલ્યા ગયાં. મેં એકાદ ડાળી પર આસન જમાવ્યુંહિતાર્થને ખોળામાં બેસાડી અને અમી નમ્યાને લઈ પગ પાણીમાં પલાળવા દરીયાના મોજા પાસે જઈ પહોંચી. ભરતી ખાસ નહોતી એટલે પાણીના મોજા મોટા કે વધુ નહોતાં. મા-દિકરીનાં પાણી સાથે ગેલ કરતાં થોડાં ઘણાં ફોટા પાડયાં.સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો.મોટા ભાગના ફોટામાં દૂરની તેમના આકારોની કાળી આકૃતિ ફોટામાં આવી રહી હતીપણ દરિયાકિનારાનું સમગ્ર દ્રશ્ય મનમોહક અને શાંતિ પમાડનારું હતુંથોડી વાર બાદ હું અને હિતાર્થ પણ મસ્તીમાં જોડાયાં અને ખાસ ભીડ હોવાથી અમે મન ભરીને દરિયાકિનારાની રેતી પર દોડયાં પણ ખરાં!સૂરજ દાદાના કેસરી ગોળાને પાણીમાં વિદાય કરી અમે ફરી બંગલે જવા પગ ઉપાડયા.મને શું સુઝયું કે મેં બીજે એક શો ર્ટ કટ વાળા રસ્તે પાછા જવા જીદ કરી.બપોરે મેં વન ઉદ્યાનમાં આંટો મારતી વેળાએ કેટલાક માછીમારોને રસ્તે થઈને આવતાં જોયાં હતાં.અંધારું થઈ જવામાં હતું અને રસ્તો સૂમસામ હતો એટલે અમીને થોડો ડર લાગતો હતો અને સાથે એક કાળું કુતરું પણ અમને કંપની આપતું અમારી સાથે ચાલી રહ્યું હતું એટલે નમ્યાબેન ડરતા ડરતા મારો હાથ સખત રીતે પકડી ચાલી રહ્યા હતા. સરુના પાંદડાઓએ જમીન પર પડી આખી એક ગાદી જેવું સ્તર તૈયાર કર્યું હતું તેની પર ચાલતા ચાલતા અમે વન ઉદ્યાનના બીચ તરફના ભાગ સુધી પહોંચી ગયા.અહિંથી એક પતલી ગલી મુખ્ય રસ્તા સુધી દોરી જતી હતી જ્યાં અમારો ઉતારાનો બંગલો આવેલો હતો. પતલી એવી ગલીમાંથી પસાર થતી વેળાએ આસપાસ કોઈ હોવાથી અમી અને નમ્યા ખૂબ ડરી ગયાં હોવાથી તેમની સ્થિતી જોવા જેવી હતી! હિતાર્થતો હજી ડર શું છે જાણતો નથી! મને રોમાંચ અને સાહસની લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો. આખા રસ્તે હું અમી અને નમ્યાને બિલકુલ ડરવા સમજાવતો સમજાવતો અને નમ્યાને પેલા કુતરા સાથે દોસ્તી કરી લેવાની સલાહ આપતો ચાલતો હતો. રામ જાણે ક્યારે તેનો કૂતરા-બિલાડા પ્રત્યેનો ડર દૂર થશે!
બંગલે પહોંચ્યા ત્યાં સુધી અંધારુ થઈ ગયું હતું. થોડી વાર બહાર વરંડામાં સ્થિત હીંચકે બેઠાં અને ત્યાર બાદ જમવાનો સમય થઈ ગયો હોવાથી પણ ખાસ ભૂખ નહિ હોવાથી બાજુમાં આવેલા એક પાણીપુરીના ઢાબે જઈ બે-ત્રણ પ્લેટ પાણીપુરી અને એકાદ રગડા-પેટીસની મજા માણી. ત્યારબાદ બંગલે આવી સૂઈ ગયાં અને મીઠી નિંદર માણી.
બીજે દિવસે પરિવારને સૂતા રહેવા દઈ હું વહેલી સવારે પેલી પતલી ગલી વાળા રસ્તે થઈ દરિયાકિનારે પહોંચી ગયો અને મેં તાજી હવા શ્વાસમાં ભરતા થોડું જોગિંગ,થોડાં સૂર્યનમસ્કાર અને અન્ય કેટલાક યોગાસનો કર્યાં.પેલાં ઝાડના ઠૂઠા પર બેસી મેડિટેશન પણ કરવાનો પ્રયત્ન કરી જોયો.મજા આવી.ત્યાર બાદ દરિયાકિનારે સરુનાં ઝાડ નીચે મૂકેલી બેન્ચ પર બેસી ઓટના કારણે ખાસા ઉંડા ઉતરી ગયેલાં પાણી સામે જોયા કર્યું.પાસે આવેલા એક ઉંચા વોચટાવર પર ચડી ચારે તરફનું દ્રષ્ય ઉંચાઈએથી માણવા પ્રયાસ કર્યો. રીતે અડધો-એક કલાક એકાંતમાં જાત સાથે પસાર કરી ફરી રૂમે જઈ પહોંચ્યો.
નાહી-ધોઈ ફ્રેશ થયા એટલે શિરીનમાએ આગ્રહ કરી કરી હેવી બ્રેક્ફાસ્ટ કરાવ્યો.ખુબ મજા આવી ચા સાથે ગરમાગરમ વડા,બટાટા-પૌઆ,પપીતાના પરાઠા અને બ્રેડબટરનો નાસ્તો ધરાઈને કરવાની!ત્યાર બાદ છનાભાઈ નામનાં એક રીક્ષાચાલકને શિરીનમાએ અમારે માટે બોલાવી રાખ્યા હતા,જેની રીક્ષામાં બેસી અમે પાસે આવેલા એક ગામ લાવરી પાડા જઈ પહોંચ્યા. રસ્તામાં બંને બાજુએ ચીકુ અને આંબાની વાડીઓ જોવા મળી.રીક્ષામાંથી છનાભાઈએ એક વિશાળ વૃક્ષના થડમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયેલાં ગણપતિના વિશાળ સુંદર સ્વરૂપના દર્શન કરાવ્યાં.થડમાંથી કુદરતી રીતે સૂંઢ જેવો આકાર ઉપસ્યો હતો તેની આસપાસ કોઈ ચિત્રકારે સરસ કેસરી રંગનું ગણપતિનું વિશાળ મુખ ચિતરી જાણે ઝાડને મંદીર અને ગણપતિની મૂર્તિ બનાવી દીધાં હતા. લાવરી પાડામાં છનાભાઈ અમને સંતોષ દોડકા નામનાં વારલી ચિત્ર-કલા-કારને ઘેર લઈ ગયા.વારલી કળા મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસીઓ દ્વારા જળવાયેલી એક સુંદર ચિત્રકલા છે જેમાં ચોખાની પેસ્ટના કુદરતી સફેદ રંગમાંથી વિશિષ્ટ આકારની મનુષ્યાકૃતિઓ તેમજ આદિવાસીઓનાં જીવનમાં ડોકિયા કરાવતી તેમની દૈનિક જીવનની ઘટમાળ,તેમનાં તહેવારો તથા તેમની પરંપરાઓનાં દર્શન કરાવતી ઘટનાઓ સુંદર રીતે ચિતરવામાં આવે છે.આદિવાસીઓના ઝૂંપડાની ગેરુ રંગીત ભીંત પર સફેદ રંગના વારલી ચિત્રો ખુબ આકર્ષક છબી ઉભી કરે છે.સંતોષ દોડકા અને તેમની પત્ની કલ્પના દોડકા આદિવાસી જાતિનાં પણ લાવરીપાડાના સહેજ વિકસીત ગામડા - જાંબુ ગામમાં રહે છે અને વારલી ચિત્રકલા ખુબ સારી રીતે જાણે છે. દંપતિએ મહારાષ્ટ્રની લોકકલાનો વારસો જાળવી રાખ્યો છે અને તેમની મુલાકાત અમારી બોરડી યાત્રાનો અન્ય એક અવિસ્મરણીય ભાગ બની રહી.
પાંત્રીસેક વર્ષની વયના સંતોષ દોડકા બોરિવલીની એક કોલેજમાં પ્યુન તરીકે નોકરી કરે છે પણ ખુબ સારા વારલી ચિત્રકાર છે.અમે તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે તે તો પોતે હાજર નહોતા પણ તેમના મમ્મી ઘરની બહાર ઓટલે બેસી સૂપડાથી ઘઊં સાફ કરી રહેલા જોવા મળ્યાં.  તેમના ઘરની ભીંત પર સુંદર વારલી ચિત્રકામ જોવા મળ્યુંઘરમાં સંતોષના પત્ની કલ્પનાએ અમને, તેમણે બંને પતિ-પત્નીએ દોરેલાં વારલી ચિત્રો બતાવ્યાં તેના વિશે માહિતી પીરસી અને પછી નમ્યાને સફેદ રંગ અને પીંછી આપી કાર્ડ પેપર પર વારલી ચિત્ર દોરતાં શિખવ્યુંમેં અને અમીએ પણ થોડા આકારો દોરી અમારું એક પરીવાર-ચિત્ર ગ્રીટીંગ કાર્ડ તૈયાર કર્યું! અંગ્રેજી માધ્યમમાં છઠ્ઠા ધોરણમાં ભણતી દેવિકા અને સિનિયર કેજીમાં ભણતી દિશા નામની તેમની બંને દિકરીઓને પણ વારલી ચિત્રકલા આવડે છે તેવા પ્રશ્નનાં જવાબમાં કલ્પના દોડકાએ કહ્યું કે મોટી દેવિકાને વારલી ચિત્રો બનાવતા આવડે છે અને તેણે સ્કૂલમાં માટે કેટલાક પુરસ્કાર પણ જીત્યાં છે. અમને ઇનામની ટ્રોફીઓ જોઈ ઘણો આનંદ થયો. કલ્પના દોડકા પાસેથી તેમણે પતિપત્નીએ દોરીને મઢેલ વારલી ચિત્ર ધરાવતી એક તસવીર,કેટલાક વારલી ચિત્રો દોરેલા પૈસા ભેટમાં આપવા વપરાતા કવર વગેરે ખરીદ્યાતેમની સાથે થોડી ઘણી વાતચીત કરી અને ત્યાંથી કંઈક નવું શિખ્યા-જાણ્યાના સંતોષ અને આનંદ સાથે વિદાય લીધી
ફરી પાછા છનાભાઈ અમને બંગલે લઈ આવ્યાં. આસપાસથી થોડી ચીકુ-સ્પેશિયલ મીઠાઈ, થોડી અહિંની વાડીઓમાં પાકેલી કેસર અને આફુસ કેરીઓ વગેરે ખરીદી બંગલે આવ્યાં, જમ્યાં અને થોડો આરામ કરીશિરીનમા સાથે ફરી થોડી ગુફતગુ કરી ચાપાણી પી, છનાભાઈની રીક્ષામાં નાળિયેરી, ખજુરી, લીંબુ, પેરુ, વાંસ, તુલસી, મનીપ્લાન્ટ વગેરે અનેક વનસ્પતિથી હર્યુંભર્યું અને હરિત પ્રાંગણ ધરાવતા ફ્લોરીઅન હોમસ્ટે ને - શિરીનમા અને શાહરુખ ઇરાની ના સુંદર બંગલાને 'આવજો' કરી  દહાણુ રોડ સ્ટેશને આવી ગયાં. સ્ટેશનેથી આમળા જેવા લાગતા અને અલગ રંગના જાંબુ ખરીદ્યા. દહાણુ-ચર્ચગેટ લોકલમાં જાંબુ, તીખું-તમતમતુ વડાપાવ, શિંગ-ચણાં વગેરેની મજા માણતા માણતા બે-અઢી કલાકની પરત મુસાફરી કરી ઘેર આવી ગયાં. સરસ રહી અમારી ટૂંકી બોરડી યાત્રા!
તમારે પણ ફ્લોરીઅન હોમસ્ટેની મુલાકાત લેવી હોય તો રહ્યાં કેટલાક મહત્વનાં નંબર :
 શાહરુખ ઇરાની - ૯૮૨૨૨૭૬૪૨૭    છનાભાઈ રીક્ષાવાળા - ૯૯૨૩૪૭૪૭૨૯ 
સંતોષ દોડકા - ૯૪૨૧૬૨૬૧૫૦

(સંપૂર્ણ)

1 ટિપ્પણી:

  1. રાજન પ્રતાપ (વડોદરા)12 ઑગસ્ટ, 2018 એ 11:55 AM વાગ્યે

    બોરડી ખાતે ટૂંકો પ્રવાસ વાંચીને આ લખવા પ્રેરાયો છું. દર શનિ-રવિની રજા કે પછી એક સાથે આવતી ૨-૩ દિવસની રજાનો ખરેખર સૌએ આ રીતે સદુપયોગ કરવો જોઇએ. આમ કરવાથી ફેફસામાં તાજી હવા ભરાય અને આપણે તાજામાજા થઈ જઈએ. ભારતમાં ફરવા લાયક સ્થળોનો તોટો નથી, તો યે આપણે વિદેશ તરફ દોટ મૂકીએ છીએ. બોરડી પ્રવાસનો બ્લોગ લેખ વાંચી મને ૧૯૫૧-૫૨ની સાલનો એક પ્રસંગ યાદ આવી ગયો. ત્યારે મારા સ્વ.મોટા ભાઈ સુધીર ચંદુલાલ પ્રતાપ બોરડીની સુનાબાઈ પેસ્તનજી હકીમજી હાઈસ્કૂલમાં ૫-૬ વર્ષ ભણીને એસ.એસ.સી. પાસ થયા હતા. ત્યાં તે બોર્ડીંગમાં રહેતા હતા અને સવારે વહેલા ઉઠી પોતાના બધા કામ જાતે જ કરતા. આવી તાલીમ જેને મળે છે તેનું જીવન ઘડતર સરસ રીતે થાય છે. હું પોતે પણ લગભગ છ દાયકા અગાઉ એ હોસ્ટેલની મુલાકાત લેવા બોરડી ગયો હતો. મેં બોરડી બીચ પણ ત્યારે જોયો હતો. તે સમયે ઘોલવડ ઉતરી બોરડી જઈ શકાતું. પાલઘરમાં ૧૯૬૨થી શરૂ કરી ૨૧ વર્ષ સુધી મેં સરકારી નોકરી કરી હતી. શનિ-રવિની રજામાં પાલઘરની આસપાસ પણ સુરુનો બાગ ફરવાલાયક સ્થળ છે. આ સિવાય નજીકમાં વસઈનો કિલ્લો, ગણેશપુરી (સ્વામી નિત્યાનંદનો આશ્રમ) અને વજ્રેશ્વરી વગેરે ફરવા લાયક સ્થળોએ જઈ શકાય.

    જવાબ આપોકાઢી નાખો