કેથોલિક
યુરોપમાં સેઇન્ટ જોસેફ'સ ડે તરીકે
પણ ઓળખાતો અને ૧૯મી માર્ચે ઉજવાતો, વિશ્વના ૪૦ કરતાં વધુ
દેશોમાં જુદા જુદા દિવસે મનાવાતો 'ફાધર્સ ડે' બ્રિટન અને અમેરિકાના મોટા ભાગના દેશો સહિત ભારતમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે. પિ તૃત્વની ઉજવણી
કરતો, પિતા અને સંતાનો વચ્ચેના સંબંધ સેતુને વધુ મજબૂત કરતો તેમજ સમાજમાં પિતાના પ્રભાવ અંગે જાગરૂકતા ફેલાવતો આ દિવસ આ
વર્ષે ૨૦૧૮માં આજે
૧૭મી જૂને ઉજવાઈ રહ્યો છે. જોગાનુજોગ તાજેતરમાં મારા વાંચવામાં એક સરસ મજાનો
સંદેશ આવ્યો કે તમારા માતાપિતા
માટે દસ-પંદર વાક્યો
તમે જાતે લખો અને તેમને સમર્પિત કરો અને મને આજનો આ બ્લોગ લેખ
ફાધર્સ ડે નિમિત્તે મારા
પિતા શ્રી ઘનશ્યામ નાયકને સમર્પિત કરવાની પ્રેરણા મળી. તમે પણ આજે આ
અનોખી રીતે તમારા પિતા માટે કોઈક સંદેશ જાતે લખી તેમને સમર્પિત કરો અને જુઓ તમને બંનેને કેટલું સારું લાગે છે!
મારી
પપ્પા પ્રત્યેની લાગણી,સદભાવના અને આજના ફાધર્સ ડે નિમિત્તની શુભેચ્છા
હું આજે ફાધર્સ ડે નિમિત્તે આ પત્ર
દ્વારા વ્યક્ત કરું છું :
“વ્હાલા
પપ્પા,
આજે
ફાધર્સ ડે છે. તમને
અનેક ગણી શુભેચ્છાઓ!
તમે
હંમેશા મારા આદર્શ રહ્યા છો. નાનપણથી હું તમને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું, સાદગીપૂર્ણ જીવન જીવતા જોતો આવ્યો છું, ભક્તિ કરતાં, ક્યારેય કોઇનું બુરું ન બોલતા-ચાહતા-કરતા જોતો આવ્યો છું. આ
બધાંની મારા જીવન ઘડતરમાં અતિ હકારાત્મક અસર થઈ છે. આ
બધું જોઈ તે જ પ્રમાણે
આચરણ કરવાની મને પ્રેરણા મળી છે.
એક
કલાકાર - સેલીબ્રીટી હોવા છતાં તમે ક્યારેય અભિમાન કર્યું નથી, સેલીબ્રીટીહૂડનો નશો ક્યારેય તમારા દિમાગ પર છવાયો નથી.
અદેખાઈ-ઇર્ષ્યા વગેરે દુર્ગુણોથી તમે જોજનો દૂર છો. તમે સદાયે સેલીબ્રીટીહૂડ સાથે આવતી બદીઓ-કુટેવોથી દૂર રહી શક્યા છો. આ વિષે તમે
મને ક્યારેય કોઇ ઉપદેશ કે શિખામણ આપ્યાં
નથી પણ
આ બધાં સદગુણો, તમારું આચરણ જોતાં જોતાં મોટો થતાં સાહજીક રીતે જ મારામાં પણ
ઉતરી આવ્યાં છે.
તમે
સવારે ઉઠતાં વેત સારા સંગીત સાથે દિવસની શરૂઆત કરો છો. નાહીધોઈ ધૂપ-અગરબત્તી સાથે ઇશ્વર આરાધના કરો છો એ હું
નાનપણથી જોતો આવ્યો છું અને મારામાં પણ શ્રદ્ધા અને
ભક્તિભાવ ઉતરી આવ્યાં છે. હું કદાચ તમારી જેમ રોજ પાલખા સામે સમય પસાર કરતો નહિ હોઉં, પણ ઇશ્વરમાં હું
યે તમારી જેમ સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું. જીવનમાં
અનેક વાર, કપરા કાળે તમારી કસોટી કરી છે તેનો હું
સાક્ષી રહ્યો છું. પણ આવે સમયે
પણ શ્રદ્ધા ટકાવી ઇશ્વરને સઘળી ચિંતાઓ સોંપી દઈ સારા સમયની
રાહ જોવાનું હું તમારી પાસે જ શિખ્યો છું.
નાનપણમાં
તમે મને ભણતી વખતે કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી, સ્કૂલમાંથી કોલેજમાં કે ત્યાર પછી
મારી સ્વતંત્ર કારકિર્દી શરૂ કરી એ સંપૂર્ણ યાત્રા
દરમ્યાન મને જ્યારે જ્યારે તમારી જરૂર પડી છે ત્યારે ત્યારે
તમે સદાયે મારી પડખે રહ્યાં છો પણ ક્યારેય
મારા કોઈ પણ નિર્ણયમાં તમે
દખલગિરી કરી નથી. કઈ લાઈન લેવી
ત્યારથી માંડી કઈ કોલેજમાં જવું,ક્યાં નોકરી સ્વીકારવી એ બધાં મારા
નિર્ણયો લેવાની તમે મને સદાયે છૂટ આપી છે તેને પરીણામે
જ કદાચ હું આજે જ્યાં છું તે મુકામે પહોંચી
શક્યો છું. કોલેજમાં એડમિશન માટે જરૂરી દસ્તાવેજો લેવા દોડવાનું હોય કે એન્જિનીયરીંગની મસમોટી
ફી ભરવાની હોય એ સઘળું તમે
મારા માટે કોઈ જાતની અપેક્ષા વગર કર્યું છે અને એ
બધાં ઉપકારોનો બદલો હું કઈ રીતે ચૂકવી
શકું? આજે તમારી ઉંમર ૭૪ વર્ષની છે
પણ આજ પર્યંત તમે
દોડતા રહ્યાં છો. લોકો ૫૮ કે ૬૦
વર્ષે નિવૃત્ત થઈ જાય પણ
તમારી કલા-કારકિર્દીની તો વય પણ
એ કરતાં વધુ છે! તમે છેલ્લાં ૬૫ વર્ષથી કલા
ક્ષેત્રે ભેખ ધરી તમારું સઘળું જીવન કલાને સમર્પિત કરી દીધું છે. તમે હમણાં એકાદ પત્રકાર સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તમારી તીવ્ર
ઇચ્છા એવી છે કે તમારા
આયુષ્યનો અંત પણ ચહેરા પર
મેક-અપ સાથે આવે!
તમે એક જીવતી-જાગતી
પાઠશાળા સમાન છો. આટલી મહેનત - સમર્પણ - સમર્પિતતા - કર્તવ્યનિષ્ઠા કોઈ ગુરુ કે સંસ્થા શિખવી
શકે? તમે એ જીવી જાણ્યું
છે અને હું આ બધાં ગુણોનો
સાક્ષી બની એ શિખવાનો અને
મારા જીવનમાં ઉતારવાનો સદાયે પ્રયત્ન કરું છું.
તમે
ક્યારેય કોઈની બૂરાઈ નથી ચાહી અને કાર્યક્ષેત્રે કે અંગત જીવનમાં
કોઈ શત્રુ બનાવ્યો નથી એટલે અને તમારા સરળ, બાલસહજ અને આબાલવૃદ્ધ સાથે હળીભળી જવાના સ્વભાવને લીધે જ કલાજગતનાં તમારા
સૌ સહકલાકારો તમને જે આદર ,પ્રેમ
અને માન-સન્માન આપે છે તે હું
ઘણી વાર જોઉં-અનુભવું છું અને એ બદલ મનમાં
ને મનમાં એક ગૌરવ અને
ધન્યતાની લાગણી અનુભવું છું. આ માન-ધન
તમે કમાયેલ સૌથી મોટો પુરસ્કાર છે.
તમે
તમારો અન્યો સાથે વ્યવહાર અણિશુદ્ધ રાખ્યો છે અને તમારી
પ્રમાણિકતા અને નેકી ઇશ્વરે તમને આપેલી શ્રેષ્ઠ ભેટ છે.તમને જેમાં
રસ હોય તે બાબતોનો ઉંડાણપૂર્વક
અભ્યાસ, જીવનને સદાયે માણતા રહેવાની વૃત્તિ, જીવન પ્રત્યેનો હકારાત્મક દ્રષ્ટીકોણ વગેરે ગુણો આચરી, મને તે અપ્રત્યક્ષ રીતે
શિખવવા બદલ હું તમારો હ્રદયથી આભાર માનું છું. ભીડમાં હોય તેને મદદ કરવી,ગરીબો અને જરૂરિયાતમંદ પ્રત્યે કરુણા દાખવવી, કંજૂસાઈ નહિ પણ કરકસર કરવી,
નાણાંનો સદુપયોગ કરવો આ બધી સારી
ઉપયોગી વાતો પણ તમે મને
શિખવી છે. તમે મારા પિતા છો એ બદલ
હું મારી જાતને સદભાગી સમજું છું.
પપ્પા,
યુ આર ગ્રેટ એન્ડ
આઈ એમ પ્રાઉડ ઓફ
યુ! હેપ્પી ફાધર્સ ડે!! “
એક પુત્રની પિતા પ્રત્યેની લાગણીની ખૂબ સુંદર અભિવ્યક્તિ... દરેક પુત્રના દિલની વાત...
જવાબ આપોકાઢી નાખોખૂબ સરસ રીતે લાગણી વ્યક્ત કરી છે. એક પિતાને પુત્ર પાસેથી આનાથી વધુ શી અપેક્ષા હોય! જીવન સફળ! ઉમદા કલાકાર હોવું એક સિદ્ધિ છે પણ ઉમદા વ્યક્તિ હોવું મોટો આશીર્વાદ છે. May God bless you both and your family 😍
જવાબ આપોકાઢી નાખોખૂબ સરસ લાગણી વાળો પત્ર
જવાબ આપોકાઢી નાખો