Translate

શનિવાર, 2 જૂન, 2018

ગેસ્ટબ્લોગ : ઈશ્વર તારી આ દુનિયા - જીવવા જેવી લાગે છે...

   
- રોહિત ખીમચંદ કાપડિયા

                 ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો છે.નિતી-મતા નું કોઈ મૂલ્ય રહ્યું નથી.આદર્શો ભૂલાઈ ગયાં છે.સિદ્ધાંતો નેવે મૂકાઈ ગયાં છે. પ્રમાણિકતા હાંસીપાત્ર બની છે.પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે.લાગણીઓ થીજી ગઈ છે.સંવેદના સૂકાઈ ગઈ છે.અહીં સગપણ સ્વાર્થનાં છે.અહીં બધે પૈસાની બોલબાલા છે.સીધા સરળ માણસો માટે જિંદગી પ્રશ્ન બની ગઈ છે.મિત્રો પણ દગો કરતાં અચકાતાં નથી.સત્ય લાચાર બન્યું છે.અસત્યની જ જીત થાય છે.ધર્મીને ઘરે ધાડ પડે છે.અધર્મી જલસા કરે છે.ભણતર બિકાઉ બન્યું છે.જીદગી મજાક બની ગઈ છે.અર્થવિહોણી થઈ ગઈ છે.બળાત્કારનાં કિસ્સાઓ રોજ વધતા જાય છે.ચોરી,લૂંટફાટ અને બેંક ગોટાળાઓ હવે નવાઈના નથી રહ્યાં.છાશવારે આતંકવાદીઓ ત્રાટકે છે.સીમા પર નિરંતર ગોળીબાર થયાં કરે છે.કોઈ સનકી શાસનકર્તા એટમબોમ્બનાં બટન પર હાથ રાખીને બેઠો છે તો એનાથી વધુ શક્તિશાળી દુશ્મન વધુ મોટા બટન પર હાથ રાખી બેઠો છે.મોત સસ્તું થઈ ગયું છે.સાચું હાસ્ય દુર્લભ બન્યું છે.આંસુઓમાં સચ્ચાઈ નથી રહી. આ બધું તો ઠીક,પણ ઈશ્વર તારા નામે જ રમત રમાય છે.ધર્મનો જ વેપાર થાય છે.ધર્મના નામે જ પાખંડ થાય છે.ધર્મનાં નામે જ યુદ્ધો થાય છે.અહીં હવાઓમાં નફરતનું ઝહર ફેલાયેલું છે.ઈશ્વર,તારી આ દુનિયા હવે જીવવા જેવી નથી રહી.
                  ' ઈશ્વર તારી આ દુનિયા' વિષે આટલું લખ્યું ત્યાં તો હમણા જ ચાલતાં શીખેલી અને કાલું-ઘેલું બોલતી મારી નાનકડી બેબી પા પા પગલી ભરતી આવી અને મને વળગી પડી.ગળે ભેટતાં એનો પગ મારાં લખવાના મેજ પર રહેલી ફૂલદાનીને લાગ્યો.ફૂલદાનીમાંથી સુવાસ પ્રસરાવતાં પુષ્પો બહાર આવી ગયાં,અને પાણીનાં શીતળ રેલામાં મારું લખેલું લખાણ ભૂંસાઈ ગયું.મનમાં થોડો ગુસ્સો તો આવ્યો પણ બેબલી તો ખીલખીલ હસી રહી હતી.મારો ગુસ્સો ઓગળી ગયો.ફૂલોની મહેંક મને મહેંકાવી ગઈ.પાણીની શીતળતા મને સ્પર્શી ગઈ.મેં ફરીથી લખવાનું ચાલુ કર્યું.
                 અહીં ફૂલો પવનની મંદ મંદ લહેરો સાથે એની સુવાસને પ્રસરાવે છે.અહીં હવા કોઈ પણ જાતની પ્રશંસાની અપેક્ષા રાખ્યા વિના સમસ્ત જીવ સૃષ્ટિને જીવંત રાખે છે.અહીં ખળખળ વહેતા ઝરણાઓ છે.અનેકની પ્યાસ બુઝાવતી નિર્મળ સરિતા છે.અહીં ભીતરમાં કંઈક રત્નો છુપાવીને ઘૂઘવતો રત્નાકર છે.અહીં પર્વતોનું ગાંભીર્યભર્યું મૌન છે.અહીં છાંયડો આપતાં વૃક્ષો છે.અહીં સતત બળીને પ્રકાશ વેરતો સૂરજ છે.અહીં ચન્દ્રની શીતલ ચાંદની છે.અહીં અલૌકિક આકાશ છે.અહીં આકાશ જેવું વિશાળ હૃદય ધરાવતા સંતો છે.અહીં સર્વસ્વનો ત્યાગ કરી સ્વની શોધમાં નીકળેલા સંતો છે.અહીં ગુપ્ત રીતે દાન કરનારાં અનેક દાનવીરો છે.અહીં પરોપકારની ગંગા વહાવનારા સજ્જનો છે.અહીં નિ:સ્વાર્થ સેવા આપનાર સેવાનાં ભેખધારીઓ છે.અહીં ખુશીઓની લહાણ કરનારાં મોજીલા માનવો છે.અહીં કરુણાથી છલકાતા દયાળુ આત્માઓ છે.અહીં માનવતાની મહેંક ફેલાવનાર મુઠ્ઠી ઉંચેરા માનવીઓ છે.અહીં મૌનની ભાષા સમજી શકનાર અને હૃદયની કિતાબને વાંચી શકનારા પ્રેમીઓ છે.અહીં શાંતિનો સંદેશ ફેલાવનાર ફરિશ્તાઓ છે.અહીં નિખાલસ હાસ્ય કરતાં નિર્દોષ શિશુઓ છે.અહીં મમતાની મૂર્તિ સમાન માતાઓ છે. અહીં સંતાનોના સુખ માટે ખુદની ઈચ્છાઓનું ગળું ઘોંટી દેનાર પિતાઓ છે.અહીં મુસીબત સામે એક થઈ ટક્કર ઝીલનારા પરિવારો છે. અહીં જીવનને જીવંતતાથી જીવનારા મહારથીઓ છે.અહીં દેશને માટે બધું જ ન્યોચ્છાવર કરનારા દેશપ્રેમીઓ છે.અહીં દેશને માટે ફના થનારા વીર સૈનિકો છે.અહીં મૃત્યુને મહોત્સવ ગણી સ્વીકારનારા વિરલાઓ છે.અને કદાચ એથી જ અનેક પ્રશ્નો,અનેક તકલીફો,અનેક અવરોધો,અનેક ખરાબીઓ,અનેક વિસંવાદીતાઓ,અનેક નકારાત્મક પરિબળો,અનેક દુઃખો હોવાં છતાંયે ઈશ્વર, તારી આ દુનિયા જીવવા જેવી લાગે છે.
- રોહિત ખીમચંદ કાપડિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો