Translate

Thursday, May 17, 2018

ગુજરાતી ફિલ્મ - રેવા


નવેમ્બર ૨૦૧૭માં ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' વિશે એક બ્લોગપોસ્ટમાં લખ્યું હતું. ગત અઠવાડિયે સુંદર ફિલ્મે ૨૫ અઠવાડિયા સળંગ ચાલી રજત જયંતિ પૂરી કરી. છે એટલી મજાની ફિલ્મ! દસ-બાર વર્ષ પછી રજત જયંતિ પૂરી કરવાનું બહુમાન મેળવનાર આ ગુજરાતી ફિલ્મ લવની ભવાઈની આખી ટીમને હાર્દિક અભિનંદન! લવની ભવાઈ બાદ આવેલી અન્ય એક ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઈએ' પણ ટેક્નિકલી એક મજબૂત ફિલ્મ હતી અને પણ મને ગમેલી.
સારી ફિલ્મની ખૂબી હોય છે કે તેની ભાષા કોઈ પણ હોય - હિન્દી,અંગ્રેજી,મરાઠી કે ગુજરાતી પણ તમે તેની સાથે કનેક્ટ થઈ શકો છો,તેને માણી શકો છો. બસ શરત એટલી છે કે તે બધાં ખાતાઓમાં શ્રેષ્ઠ હોવી ઘટે - ફિલ્માંકન,સંગીત,સંકલન,દિગ્દર્શન,પટકથા વગેરે વગેરે. હવે વટથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મોનો યુગ ફરી આવ્યો છે! દર મહિને - બે મહિને સારી ગુજરાતી ફિલ્મ રજૂ થાય છે અને હિટ પણ જાય છે.
ગત માસે રિલિઝ થયેલી વધુ એક ગુજરાતી ફિલ્મ 'રેવા' થોડી મોડી જોઈ  પણ મને અનહદ ગમી. હ્રદયસ્પર્શી અને વિચારશીલ એવી ફિલ્મ મૂળ ધ્રુવ ભટ્ટ લિખિત ગુજરાતી નવલકથા 'તત્વમસી' પર આધારીત છે. નવલકથા તો  મેં વાંચી નહોતી પણ ફિલ્મ જોયા બાદ તરત ઓનલાઈન ઓર્ડર કરી દીધી છે. જેના પર આધારીત કૃતિ આટલી સરસ છે તે મૂળ નવલકથા તો કેટલી રસપ્રદ હશે!
રેવા જોતા જોતા મને બે-ત્રણ સારી હિન્દી ફિલ્મોની યાદ આવી ગઈ. એક હતી શાહરુખ ખાન અભિનીત સવદેશ તો બીજી હતી આમિર ખાન અભિનીત લગાન.  રેવા જોતા જોતા ક્યાંય કચાશ લાગે. એમાં કેટલાક દ્રષ્યો તો એટલી સુંદર રીતે શૂટ કરાયા છે કે જે તમારા મન પર અમીટ છાપ છોડી જાય. ફિલ્મના મોટા ભાગનાં ગીતો પણ જેણે લખ્યાં છે અને પટકથા સહ-લેખક તરીકેની પણ ફરજ બજાવનાર ફિલ્મનો મુખ્ય અભિનેતા ચેતન ધનાણી ફિલ્મનો હીરો છે તો 'રેવા' એટલે કે નર્મદા નદી પણ જાણે ફિલ્મનું એક મુખ્ય પાત્ર બની રહે છે જેની મુખ્ય ધરીની આસપાસ ફિલ્મની વાર્તા પરિક્રમા કરે છે. ફિલ્મમાં નર્મદા મૈયાની પરિક્રમા - પરકમ્મા પણ એક મુખ્ય અંશ - મુદ્દો છે જેના વિશે ઘણાંને ફિલ્મ દ્વારા જાણવા મળ્યું હશે. દિવસે નર્મદા તરીકે ઓળખાતી નદીનું રાતનું સ્વરૂપ રેવા તરીકે ઓળખાય છે એવી માહિતી પણ ફિલ્મના એક ડાયલોગ દ્વારા મળે છે.
ફિલ્મની હીરોઈન મોનલ ગજ્જર ખુબ સુંદર લાગે છે અને તે ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં ખુબ શોભે છે. અન્ય સહાયક અભિનેત્રીઓમાં રુપા બોરગાઓકર અને સેજલ શાહ પણ નોંધપાત્ર રહે છે. યતિન કાર્યેકર, દયા શંકર પાંડે જેવા હિન્દી ફિલ્મો-ટીવીના કલાકારો પણ ફિલ્મને વધુ જોવાલાયક બનાવે છે. તો પ્રશાંત બારોટ,મુનિ ઝા,અભિનય બેન્કર,અતુલ મહાલે,ફિરોઝ ભગત જેવા કલાકારો નો અભિનય ફિલ્મને વધુ માણવાલાયક બનાવે છે. મારા મિત્ર ગુજરાતી ફિલ્મોના સુપરહીટ હીરો મલ્હાર ઠાકર અને 'વ્હાલા' મનોજ શાહ અતિથિ ભુમિકામાં સરપ્રાઈઝ પેકેજ સમા બની રહ્યાં! ફિલ્મના સંવાદોમાં આદિવાસી ભાષાનો પ્રયોગ,વસ્ત્ર પરિભૂષા  માણવા ગમે એવા છે.
 રાહુલ ભોલે અને વિનિત કનોજિયાના નામ મેં તો ફિલ્મના દિગ્દર્શક તરીકે પહેલી વાર સાંભળ્યા,પણ તેમણે ફિલ્મ ચિત્રીત કરવામાં જે મહેનત ઉઠાવી છે તે પ્રશંસનીય છે અને ફિલ્મની દરેક ક્ષણોમાં એ આબાદ ઝીલાય છે. સંગીત અને સિનેમેટોગ્રાફી ફિલ્મને વધુ ઉંચા સ્તરે લઈ જાય છે.  ફિલ્મ માટે પસંદ કરાયેલા લોકેશન્સ - જંગલ, ગામડાં, પહાડ, ઘાટ, નદી, મંદીરો વગેરે અતિ નયનરમ્ય છે. મેં ક્યાંક વાંચ્યું કે ફિલ્મની ટુકડીએ અમુક દ્રષ્યોનું ફિલ્માંકન કરવા અનેક રાતો જંગલમાં અને નદી કિનારે સૂમસામ વિસ્તારમાં વિતાવી હતી પણ તેમની મહેનત લેખે લાગી છે. કેટલાક દ્રષ્યો સંમોહક અસર ઉભી કરે છે જેમ કે નર્મદા મૈયાને જે રીતે બિત્તુબંગાની જોડી તીર-કામઠાનો ઉપયોગ કરી સાડી ઓઢાડે છે, નદી વાંકાચૂકા રસ્તે ભેડાઘાટ પાસેથી પસાર થતાં યાત્રીઓને નૌકા વિહાર કરાવે છે, કાલીમાતાના દર્શન માટે હીરો ગુફાઓમાં જાય છે, બિત્તુબંગાની જોડી ખંડિત થાય છે, હીરો પોતાની પરકમ્મા પ્રારંભે છે, રેવામા પોતે નાનકડી બાળકી સ્વરૂપે આવી તેને વિરલ અનુભૂતિ કરાવે છે અને તેનો જાન બચાવે છે વગેરે. છેલ્લે એક દ્રષ્ય જ્યારે હીરો તેની માતા સમાન રેવા મૈયાના ખોળે પોતાનું ખોળિયું જાણે સમર્પિત કરી દેતો હોય તેમ આકાશ ભણી તાકતા નદીના પાણી પર સૂઈ જાય છે તે મારા માટે તો ફિલ્મની સર્વશ્રેષ્ઠ ક્ષણ બની રહી જેમાં ભૂરા રંગના પ્રભાવે મારા મન પર એવી ભૂરકી નાંખી કે દ્રષ્ય માનસપટ પરથી કલાકો સુધી હટતું નહોતું!
ફિલ્મના નિર્માતા પરેશ વોરા અને ફિલ્મ સાથે સંકળાયેલા દરેકે દરેક કસબી-કલાકારો અને અન્ય ટીમ મેમ્બર્સને સલામ, સલામ, સલામ! મોટા પડદે જોવા લાયક ફિલ્મ હજી જોઇ હોય અને સારી ફિલ્મો જોવાનો શોખ ધરાવતા હોવ તો અચૂક રેવા ફિલ્મ જોવાની તક ઝડપી લેશો.

1 comment:

  1. ખૂબ સચોટ વર્ણન, ફિલ્મ શબ્દશ:યાદ આવી ગઈ જાણે !

    ReplyDelete