Translate

લેબલ 'fathers day' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'fathers day' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 જુલાઈ, 2022

હેપ્પી ફાધર્સ ડે!

વ્હાલા પપ્પા, હેપ્પી ફાધર્સ ડે!

તમે ભવાઈનો વેશ ભજવતા ગાઓ છો :

" તન છોટું પણ મન મોટું

     મારી ખમીરવંતી જાતિ...."

રંગલા તરીકે પાત્ર ભજવતા રંગલીને સંબોધી

તમે એમ પણ ગાયું છે કે "તું ઉંચી ને હું બટકો પણ ભારે વટનો કટકો..."


  આ પંક્તિઓ તમે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. છેલ્લાં એકાદ વર્ષમાં તમે શારીરિક રીતે કદાચ વધુ થોડાં કૃશ બન્યા છો. પણ તમારી આંતરિક તાકાત અને મજબૂત મનોબળના સાક્ષી બન્યા બાદ હું ચોક્કસ કહીશ કે તમે ભલે કદમાં છોટા રહ્યા, પણ મન, હ્રદય, કર્મ અને તમારા સદ્ગુણોથી સામાન્ય માનવીથી મુઠ્ઠી ઉંચેરા છો. મહામારીના આ કપરા કાળમાં કેન્સર જેવી મહામારીનો તમે જે રીતે સામનો કર્યો છે એ જોઈ

મારું તમારા પ્રત્યે માન અનેક ગણું વધી ગયું છે. મુશ્કેલીઓ દરેક જણના જીવનમાં આવે જ છે, પણ એનો સામનો કરવાની તમારી રીત ગજબ છે જેમાંથી હું તો ઘણું શીખ્યો જ છું પણ અન્ય અનેક લોકો પણ એમાંથી પ્રેરણા મેળવે એ માટે આજે આ અંગેની થોડી વાતો બ્લોગના માધ્યમથી શેર કરું છું.

   ગત વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી બાદ બે મહિના સુધી રેડીએશનના ત્રીસ અને કેમોથેરાપીના પાંચ સેશન સહ્યા બાદ આપણે ધાર્યું હતું કે હવે બધું સારું જ થઈ ગયું છે. પણ છ - એક મહિના બાદ ફરી આખા શરીરનું કેન્સર ડીટેક્ટ કરવા માટે કરાતું પેટસ્કેન કરાવતા માલુમ પડયું કે ગળા પાસેથી જે ભાગમાંથી આઠેક ગાંઠ કાઢી હતી, ત્યાં ફરી નાના એવા બે - એક સ્પોટ દેખાય છે. એટલું જ નહીં, ફેફસાંમાં પણ એક - બે નવા સ્પોટ શંકાસ્પદ માલૂમ પડે છે. નિષ્ણાતોના સેકંડ ઓપિનિયન બાદ ફરી કેમોથેરાપીના અમુક સેશન લેવા પડશે એવું નિદાન થયું. શરીર પર ફરી કાપાકાપી કરી બાયોસ્કોપી ન કરવી એવો નિર્ણય આપણે લીધો કારણ ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ એ સમયગાળો હતો ત્યારે. એટલે ખાટલો અને ઓક્સિજન બંને મળવા મુશ્કેલ થાત એ તો ખરું જ પણ તમારા શરીરને પણ ફરી પાછી કાપકૂપ કરી કષ્ટ આપવાનું મને કે ડોક્ટરને યોગ્ય ના લાગ્યું. આથી બીજા કેટલાક ટેસ્ટ કરાવી તાત્કાલિક કેમોથેરાપી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. છેલ્લાં થોડાં સમયમાં આપણાં સૌના જીવનમાં અને વ્યવહારમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. સેકંડ ઓપિનિયનથી માંડી છ મહિના પહેલાં સર્જરીથી કાઢેલી ગાંઠોના નમૂનાના પુનઃ પરીક્ષણની સઘળી પ્રક્રિયા આપણે પોતે ક્યાંય પ્રત્યક્ષ ગયા વગર પતાવી. સઘળાં રિપોર્ટ અને નમૂના કૂરિયર દ્વારા મોકલવા, ઓનલાઇન પેમેન્ટ કરી દેવું આ બધું હવે નવા જીવનની અપનાવી લેવા જેવી રીત સમું લાગ્યું અને એ બધું સરળતાથી પાર પણ પાડયું. એક કેમો સેશન લીધા બાદ ડોક્ટરે, આગળના કેમો વારંવાર હાથમાં સોયો ખોસવાની ઝંઝટમાંથી બચી જવા અને દવા આખા શરીરમાં બરાબર પ્રસરે એ માટે કેમોપોર્ટ બેસાડવાની નાની સર્જરી કરવા સૂચવ્યું અને તમે એ હસતે મોઢે સ્વીકાર્યું અને એ ઓપરેશન કરાવ્યું. કેમોપોર્ટ શરીરમાં બેસાડાતી એવી નાની ડબ્બી હોય જેમાં ઈન્જેક્શનની સોય બેસાડી દવા આખા શરીરમાં અસરકારક રીતે પહોંચાડી શકાય. બોરીવલીની અપેક્સ હોસ્પિટલમાં આ સર્જરી કરી ત્યારે આ મોટી ઘટના પણ સાવ ક્ષુલ્લક લાગી. ઊલટું એ પણ એક યાદગાર પ્રસંગ જેવી ઘટના બની રહી. કદાચ તમે જ મને આ એક અતિ ઉપયોગી મહત્ત્વનો પાઠ શીખવ્યો છે. દરેક ઘટનાને ઉત્સવની જેમ ઉજવવી. એ આખો દિવસ તમારી સાથે ગાળ્યો અને આપણે કેટલી વાતો કરી! થોડું ઝગડ્યા પણ ખરા! જનરેશન ગેપ ભાઈ! એ તો રહેવાનો જ... અને તમે ક્યાં તમારી તંગડી પડવા દો એવા છો!! હોસ્પિટલની જગા ખૂબ સુંદર અને હકારાત્મક હતી , જ્યાં બહાર સુંદર બગીચો બનાવી વચ્ચે ગણેશનું નાનું મંદિર બનાવ્યું હતું અને ખાસ આકર્ષણ સમું હતું કૈલાશપતિ ફૂલનું ઊંચું, સાંકડું વૃક્ષ! આ વૃક્ષ મૂળ તો વિદેશી વૃક્ષ છે પણ તેનું ફૂલ અતિ વિશિષ્ટ હોય છે - લાક્ષણિક સુંદર સુગંધ, પાંચ ઝાંખા લાલ રંગની પાંખડીઓ સાથે વચ્ચે અનેક તાંતણા ફૂલની મધ્યમાં રહેલા શિવલિંગનું જાણે રક્ષણ કરતાં હોય! આ આબેહૂબ શિવલિંગ જેવો આકાર ધરાવતા ભાગને લીધે જ આ ફૂલનું અને ઝાડનું નામ કૈલાશપતિ પડયું છે. અને આ ઝાડનું ફળ કેવું? ભારે મોટો તોપનો ગોળો જોઈ લો! એ જ્યારે જમીન પર પડે ત્યારે ભારે મોટો અવાજ થાય છે એટલે જ આ ઝાડના ફળનું અંગ્રેજી નામ છે - કેનનબોલ. એ જો કોઈ પ્રાણી કે મનુષ્યના માથા પર પડે તો તેના રામ રમી જાય. આ વૃક્ષ - ફૂલ - ફળ - બાગ વગેરેનું સૌંદર્ય માણી શકવા જેટલી સ્વસ્થતા કેળવતા, પપ્પા, તમે જ મને શીખવ્યું છે! હોસ્પિટલની રૂમમાં બાજુમાં એક બોલકા ગુજરાતી સન્નારી હતાં, તેમની સાથે પણ આખો દિવસ આપણે કેટલી બધી વાતો કરી! તેમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. તેમણે કાજલ ઓઝા વૈધની કૃષ્ણાયન નવલકથા મને વાંચવા આપી, તેની પ્રસ્તાવના ખૂબ ગમી અને મને એક નાનકડો ટાર્ગેટ મળ્યો - આ પુસ્તક પૂરું વાંચવાનો! એ ઓપરેશનના એક અઠવાડિયા બાદ બારમી મે એ તમારો જન્મ દિવસ આવતો હતો એ માટે તમારા કલાકાર મિત્ર બાબુલ ભાઈ ભાવસાર નો ફોન પણ મેં હોસ્પિટલ બહારના બાગમાં બેઠા બેઠા અટેન્ડ કર્યો અને તમને સરપ્રાઇઝ આપવા વિડિયો સંદેશ તૈયાર કરવાની યોજના નક્કી કરી!

   હોસ્પિટલમાંથી સર્જરી પતાવી બીજે દિવસે ઘેર આવતાં, એક સારી જગાએથી ઘેર પરત ફરતી વખતે અનુભવાય એવી અકથ્ય લાગણી અનુભવાઈ! પછી તો એ કેમોપોર્ટ દ્વારા પણ એ પછીના ત્રણ કેમો સેશન થયાં અને એ દરેક દિવસ પણ આપણે બાપ - દીકરો જાણે સાથે ઉજવતા હોઈએ છીએ! સાંભળેલું કે કેમો તો ખૂબ પીડાદાયી હોય છે, પણ કાં તો તમારા નસીબ ખૂબ સારા છે કે એ પણ તમને પીડી નથી શકતો અને કાં તો તમે એટલાં મજબૂત છો કે એ પીડા તમારા વર્તન દ્વારા દેખાડતાં નથી.

  બીજી એક સરસ વાત કરું. કેમોના આ સેશન્સ વચ્ચે પણ સમય કાઢી તમે એક દિવસનું તારક મહેતાનું શૂટિંગ ગુજરાત - દમણમાં એક રિસોર્ટ ખાતે કરી આવ્યાં! મને પણ સાથે લઈ ગયા અને આપણને બંનેને એક સરસ ટૂંકો બ્રેક મળી ગયો! નાનકડું વેકેશન થઈ ગયું જાણે બે દિવસ! ત્યાં તમને મળીને તારક મહેતાની આખી ટીમને જે ખુશી થઈ છે એ જોઈ હું તો ગળગળો થઈ ગયો! ત્યાં પોપટલાલ બનતાં શ્યામભાઈ પાઠકનો જન્મ દિવસ ઉજવતી વેળાએ તમારા માટે પણ એક ખાસ કેક મંગાવવામાં આવી અને એ તમે કાપી ત્યારે સૌ એ કેટલી બધી ખુશી વ્યકત કરી અને તમે જલ્દી ફરી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ એવી શુભેચ્છા વ્યકત કરી.

  હવે બે કેમો બાકી છે એ પહેલાં ફરી એક વાર પેટ સ્કેન કરવાનો છે એમાં કેન્સર સંપૂર્ણ નાબૂદ થઈ ગયાનું જ જાણવા મળે એવી પ્રાર્થના સાથે ફરી એક વાર તમને ફાધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!

સોમવાર, 18 જૂન, 2018

ફાધર્સ ડે નિમિત્તે પપ્પાને પત્ર


કેથોલિક યુરોપમાં સેઇન્ટ જોસેફ'સ ડે તરીકે પણ ઓળખાતો અને ૧૯મી માર્ચે ઉજવાતો, વિશ્વના ૪૦ કરતાં વધુ દેશોમાં જુદા જુદા દિવસે મનાવાતો 'ફાધર્સ ડે' બ્રિટન અને અમેરિકાના મોટા ભાગના દેશો સહિત ભારતમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે. પિ તૃત્વની ઉજવણી કરતો, પિતા અને સંતાનો વચ્ચેના સંબંધ સેતુને વધુ મજબૂત કરતો તેમજ સમાજમાં પિતાના પ્રભાવ અંગે જાગરૂકતા ફેલાવતો આ દિવસ આ વર્ષે ૨૦૧૮માં  આજે ૧૭મી જૂને ઉજવાઈ રહ્યો છે. જોગાનુજોગ તાજેતરમાં મારા વાંચવામાં એક સરસ મજાનો સંદેશ આવ્યો કે તમારા માતાપિતા માટે દસ-પંદર વાક્યો તમે જાતે લખો અને તેમને સમર્પિત કરો અને મને આજનો આ બ્લોગ લેખ ફાધર્સ ડે નિમિત્તે મારા પિતા શ્રી ઘનશ્યામ નાયકને સમર્પિત કરવાની પ્રેરણા મળી. તમે પણ આજે આ અનોખી રીતે તમારા પિતા માટે કોઈક સંદેશ જાતે લખી તેમને સમર્પિત કરો અને જુઓ તમને બંનેને કેટલું સારું લાગે છે!
મારી પપ્પા પ્રત્યેની લાગણી,સદભાવના અને આજના ફાધર્સ ડે નિમિત્તની શુભેચ્છા હું આજે ફાધર્સ ડે નિમિત્તે આ પત્ર દ્વારા વ્યક્ત કરું છું :
“વ્હાલા પપ્પા,
આજે ફાધર્સ ડે છે. તમને અનેક ગણી શુભેચ્છાઓ!
તમે હંમેશા મારા આદર્શ રહ્યા છો. નાનપણથી હું તમને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું, સાદગીપૂર્ણ જીવન જીવતા જોતો આવ્યો છું, ભક્તિ કરતાં, ક્યારેય કોઇનું બુરું ન બોલતા-ચાહતા-કરતા જોતો આવ્યો છું.  આ બધાંની મારા જીવન ઘડતરમાં અતિ હકારાત્મક અસર થઈ છે. આ બધું જોઈ તે જ પ્રમાણે આચરણ કરવાની મને પ્રેરણા મળી છે.
એક કલાકાર - સેલીબ્રીટી હોવા છતાં તમે ક્યારેય અભિમાન કર્યું નથી, સેલીબ્રીટીહૂડનો નશો ક્યારેય તમારા દિમાગ પર છવાયો નથી. અદેખાઈ-ઇર્ષ્યા વગેરે દુર્ગુણોથી તમે જોજનો દૂર છો. તમે સદાયે સેલીબ્રીટીહૂડ સાથે આવતી બદીઓ-કુટેવોથી દૂર રહી શક્યા છો. આ વિષે તમે મને ક્યારેય કોઇ ઉપદેશ કે શિખામણ આપ્યાં નથી  પણ આ બધાં સદગુણો, તમારું આચરણ જોતાં જોતાં મોટો થતાં સાહજીક રીતે જ મારામાં પણ ઉતરી આવ્યાં છે.
તમે સવારે ઉઠતાં વેત સારા સંગીત સાથે દિવસની શરૂઆત કરો છો. નાહીધોઈ ધૂપ-અગરબત્તી સાથે ઇશ્વર આરાધના કરો છો એ હું નાનપણથી જોતો આવ્યો છું અને મારામાં પણ શ્રદ્ધા અને ભક્તિભાવ ઉતરી આવ્યાં છે. હું કદાચ તમારી જેમ રોજ પાલખા સામે સમય પસાર કરતો નહિ હોઉં, પણ ઇશ્વરમાં હું યે તમારી જેમ સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું.  જીવનમાં અનેક વાર, કપરા કાળે તમારી કસોટી કરી છે તેનો હું સાક્ષી રહ્યો છું. પણ આવે સમયે પણ શ્રદ્ધા ટકાવી ઇશ્વરને સઘળી ચિંતાઓ સોંપી દઈ સારા સમયની રાહ જોવાનું હું તમારી પાસે જ શિખ્યો છું.
નાનપણમાં તમે મને ભણતી વખતે કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી, સ્કૂલમાંથી કોલેજમાં કે ત્યાર પછી મારી સ્વતંત્ર કારકિર્દી શરૂ કરી એ સંપૂર્ણ યાત્રા દરમ્યાન મને જ્યારે જ્યારે તમારી જરૂર પડી છે ત્યારે ત્યારે તમે સદાયે મારી પડખે રહ્યાં છો પણ ક્યારેય મારા કોઈ પણ નિર્ણયમાં તમે દખલગિરી કરી નથી. કઈ લાઈન લેવી ત્યારથી માંડી કઈ કોલેજમાં જવું,ક્યાં નોકરી સ્વીકારવી એ બધાં મારા નિર્ણયો લેવાની તમે મને સદાયે છૂટ આપી છે તેને પરીણામે જ કદાચ હું આજે જ્યાં છું તે મુકામે પહોંચી શક્યો છું. કોલેજમાં એડમિશન માટે જરૂરી દસ્તાવેજો લેવા દોડવાનું હોય કે એન્જિનીયરીંગની મસમોટી ફી ભરવાની હોય એ સઘળું તમે મારા માટે કોઈ જાતની અપેક્ષા વગર કર્યું છે અને એ બધાં ઉપકારોનો બદલો હું કઈ રીતે ચૂકવી શકું? આજે તમારી ઉંમર ૭૪ વર્ષની છે પણ આજ પર્યંત તમે દોડતા રહ્યાં છો. લોકો ૫૮ કે ૬૦ વર્ષે નિવૃત્ત થઈ જાય પણ તમારી કલા-કારકિર્દીની તો વય પણ એ કરતાં વધુ છે! તમે છેલ્લાં ૬૫ વર્ષથી કલા ક્ષેત્રે ભેખ ધરી તમારું સઘળું જીવન કલાને સમર્પિત કરી દીધું છે. તમે હમણાં એકાદ પત્રકાર સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તમારી તીવ્ર ઇચ્છા એવી છે કે તમારા આયુષ્યનો અંત પણ ચહેરા પર મેક-અપ સાથે આવે! તમે એક જીવતી-જાગતી પાઠશાળા સમાન છો. આટલી મહેનત - સમર્પણ - સમર્પિતતા - કર્તવ્યનિષ્ઠા કોઈ ગુરુ કે સંસ્થા શિખવી શકે? તમે એ જીવી જાણ્યું છે અને હું આ બધાં ગુણોનો સાક્ષી બની એ શિખવાનો અને મારા જીવનમાં ઉતારવાનો સદાયે પ્રયત્ન કરું છું.
 તમે ક્યારેય કોઈની બૂરાઈ નથી ચાહી અને કાર્યક્ષેત્રે કે અંગત જીવનમાં કોઈ શત્રુ બનાવ્યો નથી એટલે અને તમારા સરળ, બાલસહજ અને આબાલવૃદ્ધ સાથે હળીભળી જવાના સ્વભાવને લીધે જ કલાજગતનાં તમારા સૌ સહકલાકારો તમને જે આદર ,પ્રેમ અને માન-સન્માન આપે છે તે હું ઘણી વાર જોઉં-અનુભવું છું અને એ બદલ મનમાં ને મનમાં એક ગૌરવ અને ધન્યતાની લાગણી અનુભવું છું. આ માન-ધન તમે કમાયેલ સૌથી મોટો પુરસ્કાર છે.
તમે તમારો અન્યો સાથે વ્યવહાર અણિશુદ્ધ રાખ્યો છે અને તમારી પ્રમાણિકતા અને નેકી ઇશ્વરે તમને આપેલી શ્રેષ્ઠ ભેટ છે.તમને જેમાં રસ હોય તે બાબતોનો ઉંડાણપૂર્વક અભ્યાસ, જીવનને સદાયે માણતા રહેવાની વૃત્તિ, જીવન પ્રત્યેનો હકારાત્મક દ્રષ્ટીકોણ વગેરે ગુણો આચરી, મને તે અપ્રત્યક્ષ રીતે શિખવવા બદલ હું તમારો હ્રદયથી આભાર માનું છું. ભીડમાં હોય તેને મદદ કરવી,ગરીબો અને જરૂરિયાતમંદ પ્રત્યે કરુણા દાખવવી, કંજૂસાઈ નહિ પણ કરકસર કરવી, નાણાંનો સદુપયોગ કરવો આ બધી સારી ઉપયોગી વાતો પણ તમે મને શિખવી છે. તમે મારા પિતા છો એ બદલ હું મારી જાતને સદભાગી સમજું છું.
પપ્પા, યુ આર ગ્રેટ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ! હેપ્પી ફાધર્સ ડે!! “