Translate

રવિવાર, 27 માર્ચ, 2011

ગેસ્ટ બ્લોગ : 'સ્મિત......એક ઝરણું'

ગેસ્ટ બ્લોગર : કિશોર દવે

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સ્મિતનો સંગાથ લીધો હશે જ. અને સ્મિતનું વિશાળ સ્વરૂપ એટલે હાસ્ય- એટલે એમ કહેવાની ઈરછા થાય કે સ્મિત એ કલકલ કરતું ઝરણું છે, અને હાસ્ય તે ખળખળાટ દોડતો નદીનો પ્રવાહ છે.


મનુષ્યને જરા પણ ગમતી વસ્તુ થાય કે -પોતાની પસંદગીની વસ્તુ સામે આવે ત્યારે સ્મિત એ સહજ છે. તેનાં ચહેરાનાં સ્નાયુ સ્મિતનું રૂપ લે છે.સ્ત્રીઓના જીવનમાં એક એવો કરૂણ મંગલ પ્રસંગ આવે છે કે જ્યારે કહેવાય છે કે તેની એક આંખમાં હર્ષનાં આસું વહે છે અને એક આંખમાં વેદનાનું સ્મિત નીતરે છે.તે પ્રસંગ એટલે 'કન્યા વિદાય' ; એ પ્રસંગમાં કન્યાને પોતાનું ધર કે જ્યાં તે ઉછરીને મોટી થઈ છેએ ઘરમાં ભાઈ બહેન- માતા પિતા- દાદા દાદીનો પ્રેમ મળ્યો છે

છોડ્તાં દુ;ખ થાય છે એટલે તે વેદનાનું સ્મિત વેરે છે. અને બીજી બાજુ પોતાના નવજીવનની જ્યાં શરૂઆત થવાની છે.એ જાણી બીજી આંખમાં તેને આવનાર સુખની પ્રતિક્ષાનાં આસું આવે છે - તે હર્ષનાં આસું છે. સ્મિતનાં ઝરણાંની વાત કરીએ તો વિશ્નમાં સાચું સ્મિત જોવું હોય તો તે નિર્દોષ નાના બાળકનું- કે જે સ્મિતમાં જીવન છે- આનંદ છે. નિર્દોષ સ્મિતની તસ્વીરો આપણે જોતાં હોઈએ છીએ ત્યારે એટલો આનંદ આવે છે જાણે કે તે તસ્વીર આપણે જોતા જ રહીએ, તે નિર્દોષ સ્મિતની મઝા માણતા જ રહીએ.

સ્મિત એટલે સાંગોપાંગ શુધ્ધતાનું સ્વરૂપ છે. તેમાં કોઈ ભેળ સેળ નથી પર્વતમાંથી નીકળતા ઝ્રરણાંનું પાણી કેટલું શુધ્ધ હોય છે તે તમે કદી જોયું છે? બસ એવીજ શુધ્ધતા-પારદર્શકતા સ્મિતમાં રહેલી છે.પ્રત્યેક માનવી જ્યારે પોતાની મનપસંદ વસ્તુ જુએ છે-માણે છે ત્યારે તે ખડખડાટ હસે પરંતુ તે કરતાં તે માત્ર મીઠુ સ્મિત હોઠ પર લાવીને સામા માણસાને ખુશ કરી શકે છે. એટલે એનો અર્થ એમ નહી કે માણસોએ કદી હાસ્ય ન કરવું પરંતુ માત્ર જરાક હોઠ મલકાવીને વેરેલું સ્મિત પેલા હાસ્ય કરતાં વધુ કામ કરી શકે -સામી વ્યક્તિ પર સંયમની શુધ્ધતાની છાપ પાડી શકે.

આ સર્વમાં કેટલીક વખતે આપણે જોઈ શકીએ છીએ કે જે માનવી પારદર્શક નથી હોતો તેનાં સ્મિતમાં પણ તે કંજુસાઈ કરે છે અને હોઠ પર સ્મિત લાવે તો પણ તે બનાવટી લાગે છે. એટલે માનવીએ એ પ્રકારનાં સ્મિત પારખવાની પણ કળા શીખવી જોઈએ હાસ્યની પણ એક દુનીયા છે આપણા સિધ્ધ હસ્ત લેખકો શ્રી જ્યોતિન્દ્ર દવે, શ્રી ધનસુખલાલ મહેતા, શ્રી તારક મહેતા વગેરેના હાસ્ય લેખ વાંચશું તો તેમાં પણ સ્મિત જેવુંજ શુધ્ધ અને નિર્દોષ હાસ્ય આપણે માણી શકીશું તેમના પ્રત્યેક લેખમાં કાંઈક એવુંજ તત્વ હોય છે કે તમે એકલાં એકલાં તેમનાં પુસ્તકો વાંચશો તો તમે હસ્યા વિના રહી ન શકો!

માનવીના જીવનમાં જ્યારે દુ;ખની પળો આવે છે- ત્યારે સહજ રીતે માનવી આસું સારે છે દુ;ખનો પ્રભાવ વધારે હોય તો જોરજોરથી રડી પડે છે. ત્યારે તેને સાંત્વન આપી શાંત કરવો પડે છે.માનવ જીવનમાં સુખ અને દુ:ખ એ બંને ત્રાજવાનાં બે પલ્લાં છે.એ પલ્લાંને કેમ સમતોલ રાખવા એ માનવીની ફરજ બની રહે છે. સુખ આવે ત્યારે છકી જવું કે બીજાનું અપમાન કરવું અને દુ:ખ આવે ત્યારે માત્ર એકલા બેસી રૂદન કરવું એ યોગ્ય વર્તન નથી.જીવનમાં સુખની પળોને કઈ રીતે માણવી એ આવડવું પણ ખૂબ જરૂરી છે.કેટલીક વખતે બીજાના મુખ પર સુંદર સ્મિત જોઈને આપણાં ચહેરા પર પણ સ્મિત રેલાઈ આવે છે. સુખ અને સંતોષના નિરાળા સ્મિતની તો વાત જ શી કરવી કારણ સુખ અને સંતોષ હોય ત્યાં શાંતિ અને આબાદી પણ હોય જ!આપણે સૌએ એવાં જ કામ કરવા જોઈએ જેના થકી દરેકના ચહેરા પર સ્મિત રેલાય. જીવનમાં એક ખાસ સ્થાન સ્મિત તથા નિર્ભેળ હાસ્યનું છે.કેટલીક વ્યક્તિઓના ચહેરા પર આવું સ્મિત સદાય ફરકતું જ હોય એટલે ગમે ત્યારે કોઈક તસ્વીરકાર આવી વ્યક્તિનો ફોટો પાડે ત્યારે તેણે કહેવું ન પડે કે 'સ્માઈલ પ્લીઝ...' અને આવી વ્યક્તિનો ફોટો જોતાં તમને તેના સ્મિતમાં પેલાં શુદ્ધ અમ્રુત જેવાં પાણીના કલકલાટ કરતાં ઝરણાંનું પ્રતિબિંબ દેખાશે. ચાલો તો આવું સુંદર સ્મિત આપણે બધાં મોઢા પર ધારણ કરી લઈએ!

- કિશોર દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો