Translate

Wednesday, March 9, 2011

ભાગીને લગ્ન

થોડા સમય પહેલાં એક કિસ્સો સાંભળવામાં આવ્યો.એક ગુજરાતી બ્રાહ્મણ યુવક એક જૈન મારવાડી બુકીની છોકરીને ભગાડી ગયો. આ કિસ્સામાં પણ યુવક-યુવતિ ભાગ્યા હતાં તો પરસ્પરની સંમતિથી જ,છતાં કહેવાય એમ કે છોકરો ભગાડી ગયો.હવે છોકરીનો બાપ થોડા બીજા પણ આડા અવળા ધંધા ધરાવતો હતો અને તેણે ધમકી આપી કે તે પોતાની દિકરીને ભગાડી જનાર યુવકને જીવતો નહિં છોડે.પછી એણે ખરેખર એમ કર્યું કે નહિં એતો ખબર નથી પણ આજે આ બ્લોગ થકી આ એક અતિ સંવેદનશીલ મુદ્દો ચર્ચવો છે.


જ્યારે કોઈ યુવક ભોળી અને નાદાન એવી યુવતિને બદ ઇરાદાથી ભગાડી જાય ત્યારે એ તો ચોક્કસ ખોટું જ ગણાય પણ ઘણાં કિસ્સઓમાં માબાપ બન્ને યુવક-યુવતિ એકબીજા માટે યોગ્ય હોય,એકબીજાને પસંદ કરતા હોય અને લગ્ન કરી સાથે જીવન ગુજારવા માગતા હોય તો એમાં ખોટું શું છે?ફક્ત ગ્ન્યાતિ જુદી હોવા જેવી ક્ષુલ્લક બાબતને લીધે અથવા પોતે જ પોતાના સંતાન માટે યોગ્ય સાથીની પસંદગીનો દુરાગ્રહ સેવી માબાપ તેમના સંતાનોનો વિરોધ કરે ત્યારે તે સંતાનો પાસે ભાગી જવા સિવાય બીજો વિકલ્પ બચે છે ખરો?શા માટે આવું જક્કી વલણ અપનાવવું જોઇએ માબાપે.

મારી ઓફિસમાં મારી સાથે જ કામ કરતા એક ઉત્તરભારતીય યુવકની પ્રેમકહાણી સંભળાવું.તમને એમાં ચોક્કસ રસ પડશે.તેને પોતાનાથી તદ્દન ભિન્ન સંસ્કૃતિ ધરાવતી પંજાબી યુવતિ સાથે પ્રેમ થઈ ગયો.સારો અભ્યાસ કર્યા બાદ ભારતની અગ્રગણ્ય કંપનીઓમાં સારા સ્થાને નોકરી કરી પ્રમાણમાં સારો કહી શકાય એવો પગાર ધરાવતા યુવકને પોતાની દિકરી ખરા હ્રદયથી ચાહતી હોવા છતાં માત્ર અલગ ગ્નાતિના હોવાને કારણે માબાપને શામાટે વાંધો હોવો જોઇએ?સંતાનો કંઈ તમારા ચાવી ભરીને મન ફાવે તેમ નચાવી શકો એવાં રમકડાં છે?ઉંમરલાયક થયા પછી તેમને તેમના આગવા સ્વતંત્ર નિર્ણયો લેવાની છૂટ આજના દરેક સમજુ માબાપે આપવી જ જોઇએ.જેમાં યોગ્ય જીવનસાથીની પસંદગીનો નિર્ણય પણ આવી ગયો.હા અહિં નાદાનીમાં કરેલ યુવાનીના જોશમાં વિજાતીય પાત્રના આકર્ષણથી કરેલ ખોટી પસંદગીનો પક્ષ લેવાનો મારો બિલકુલ ઇરાદો નથી.પણ હું મારા ઓફિસના મિત્ર જેવા લાયક અને સમજુ યુવક-યુવતિઓના કિસ્સાઓમાં જ તેમનો પક્ષ લઈ,તેમની પેરવી કરી રહ્યો છું.મારા ઓફિસના મિત્રે બે-ત્રણ વર્ષ સુધી રાહ જોઈ,યુવતિના જૂનવાણી માતાપિતાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ આખરે તેઓ ન માન્યા અને તેમણે દિકરીની સગાઈ બીજી જગાએ કરી દીધી.હવે મારા ઓફિસના મિત્ર પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો.તે એ પંજાબી યુવતિને તેના શહેરમાંથી ભગાડી ગયો.તેઓ વીસેક દિવસ સાથે રહ્યા.યુવતિના માબાપે ખૂબ ધમપછાડા કર્યા.દિકરી પોતાની સાથે તેમની આનબાનશાન લઈ ગઈ હોય તેમ સમાજના ડરથી દિકરીને પાછી પોતાને ઘેર લઈ આવવા તેમણે શક્ય એટલા બધા પ્રયાસ કરી લીધા.છેવટે તેની માએ મરણપથારીએ હોવાનું નાટક સુદ્ધા કર્યું અને તેઓ દિકરીને છળકપટ પૂર્વક પાછી પોતાને ઘેર લઈ જવામાં સફળ રહ્યાં.પણ એમ કંઈ મારો ઓફિસનો મિત્ર પણ ગાંજ્યો જાય એવો નહોતો.તેણે યુક્તિ-પ્રયુક્તિ દ્વારા બીજી વાર તે છોકરીને ભગાડી જવામાં સફળતા મેળવી.તેમની પ્રેમકથા કોઈ ફિલ્મી વાર્તાથી બિલકુલ કમ નહોતી!તેમણે સાદાઈથી કોર્ટમાં લગ્ન પણ કરી લીધા અને આજે આ સત્ય ઘટનાના છ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ તેઓ સાથે છે અને સુખથી પણ છતાં એક છૂપા ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.શું તેમના અરમાન નહિં હોય મોટા વિધિપૂર્વકના લગ્નનાં?જેમાં બન્ને પક્ષના સગાસંબંધીઓ નાચે-ગાય-મ્હાલે?પણ જિદ્દી રૂઢિચુસ્ત માબાપની નાસમજીને કારણે તેઓ એ સુખથી વંચિત રહી ગયાં.

પ્રાચીન સમયમાં વર્ણવ્યવસ્થા બનાવાયેલી ફક્ત કામની કે વ્યવસાયની વહેંચણી અર્થે પણ તેને આજલગી વળગી રહી સંતાનોને દુ:ખી કરવા અને ક્યારેક તો ઝનૂની બની પોતાની મરજી વિરુદ્ધ જઈ ભાગી ગયેલા સંતાનોનું કાસળ સુદ્ધા કઢાવી નાખવાની નિર્દયતા આચરનાર જક્કી,ક્રૂર અને અમાનવીય માબાપોને તો ભગવાન પણ કઈ રીતે માફ કરી શકે?

ઉપર જે પહેલા યુવાનની વાતથી આજના બ્લોગની શરૂઆત કરી તેની સાથે પણ મારા ઓફિસના મિત્રવાળી ઘટનાનું જ પુનરાવર્તન થયું.અહિં છોકરીના પપ્પા પોતાની વગ વાપરી તેને આ યુવાન પાસેથી પાછી મેળવવામાં સફળ રહ્યા.પણ જ્યારે તેમણે યુવાન સમક્ષ પોતાની દિકરી સાથેના ડિવોર્સ એટલે કે છૂટાછેડાના પેપર્સ પર સહી કરવા ફરમાન કર્યું ત્યારે યુવાને ચાલ ચાલી.તેણે યુવતિના પિતાને પોતાની સહી આપવા એક જગાએ બોલાવ્યા અને છોકરી ઘરમાં એકલી પડી એટલે તેને બીજી વાર તેના ઘેરથી ઉઠાવી લીધી!હજી છોકરીના પપ્પાને ચેન પડતું નથી.પોતાના ઈગોને તે દિકરીના સ્નેહ કરતા વધુ મહત્વ આપે છે કે પછી છોકરો પોતાની દિકરી દ્વારા પોતે એકઠું કરેલું મબલખ કાળું નાણું હડપી જશે એવો તેમને ડર છે,યુવાને તે સસરાની મિલ્કતને હાથ પણ અડાડશે નહિં,એવી ખાતરી આપવા છતાં.જે હોય તે પણ મારા મતે તો તેમણે દિકરીને અને તેની પસંદગીને અપનાવી જ લેવા જોઇએ.


તમે શું માનો છો?

1 comment:

  1. વિકાસભાઈ,
    તમારા વિચારો વાંચવા ગમે છે. એ વાંચ્યા પછી ખૂબ સારું લાગે છે. તમારા વિચારો વહેંચવા બદલ તમારો આભાર.

    - વર્ષા ગુપ્તા

    ReplyDelete