Translate

શનિવાર, 5 માર્ચ, 2011

ગેસ્ટ બ્લોગ : ફેબ્રુઆરી

ગેસ્ટ બ્લોગર : મૈત્રેયી મહેતા
--------------------------------
આમ તો આજકાલ ફેબ્રુઆરી મહિનો ,વેલેન્ટાઇન્સ" ડે માટે વધારે જાણીતો થઇ ગયો છે. ભારતીય પરંપરા પ્રમાણે , હિંદુ પંચાંગ મુજબ સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં મહા મહિનાના દિવસો આવે... મહા મહિનામાં વસંત પંચમીનો ઉત્સવ આવે. ...મદનોત્સવ..... મદન એટલે કામદેવ ,અને કામદેવનો ઉત્સવ એટલે મદનોત્સવ.... કામદેવ ના તીર ,ક્યુપીડના બાણ જેને વાગે... તે પોતાના વશમાં ના રહી શકે... પછી તે ગમે તે હોય... વિશ્વામિત્ર ઋષિ હોય કે પછી યુવા પેઢી હોય ....એક વાર કામદેવના બાણ વાગે પછી તે પ્રેમ વિહ્વળ બને જ બને....માત્ર શ્રીકૃષ્ણ જ કામદેવ ને પોતાના વશમાં રાખી શકે...


આપણે કહીએ છીએ ને કે કે love is in the air .....હા... વસંત ઋતુની હવામાં જ પ્રેમનું સંગીત ગુંજે છે..મંજરી મહોરે છે... પ્રેમ પાંગરે છે.. મહોરવાની ,પાંગરવાની ઋતુ એટલે જ વસંત...વસંત ઋતુમાં કૃષ્ણ આરાધના માટે પુષ્ટિ સંપ્રદાયની હવેલીઓમાં ,હવેલી સંગીતમાં વસંત અને બહાર રાગ પર આધારિત રચનાઓ ગવાય છે...

ફેબ્રુઆરી મહિનામાં એટલે મહા મહિનામાં, સુદ તેરશના દિવસે વિશ્વકર્મા જયંતી પણ આવે છે.. વિશ્વકર્માના પાંચ મુખપુત્રો બ્રમાંર્શી કહેવાય છે જેઓ કલાકૃતિઓના નિર્માતા છે..

વસંત પંચમી વિષે અને વેલેન્ટાઈન્સ ડે વિષે ઘણું ઘણું લખાયું છે ... તો ચાલો આપણે આજે ફેબ્રુઆરી મહિના વિષે વાત કરીએ... જોકે ફેબ્રુઆરી મહિનો તો હવે પૂરો થવા આવ્યો.... છતાં પણ....

ફેબ્રુઆરી મહિના વિષે વાત કરીએ તો વર્ષના બાર મહિનામાં સહુથી નાનામાં નાનો મહિનો એટલે ફેબ્રુઆરી મહિનો... તેના ૨૮ કે લીપ યરમાં ૨૯ દિવસો... લીપ યર ની ગણતરી વિષે પણ સહુ જાણે છે... પણ રોમન કેલેન્ડરમાં આમ તો પહેલાં દસ જ મહિના હતા. પણ પછી જયારે ગણતરીઓ કરીને વર્ષમાં દસમાંથી બાર મહિના કરવામાં આવ્યાં ત્યારે ન્યૂમાં પોમ્પીલસે જાન્યુઆરી સાથે ફેબ્રુઆરી મહિનો જોડી દીધો.

** ફેબ્રુઆરી શબ્દ , " FEBRUA " ... ફેબ્રુઆ પરથી આવે છે. તેનો અર્થ વસંત પહેલાં કરતી સાફસફાઈ કે શુદ્ધિકરણ ની પરંપરા..ફેબ્રુઆરી મહિનો " sol monath " કે કેક નો મહિનો પણ ગણાતો. ઈશુને ફેબ્રુઆરી મહિનામાં કેક ધરાવવામાં આવતી. કોબીચને આથો આપીને તેમાંથી બનાવવામાં આવતી કેકની પ્રથા પરથી સ્પ્રાઉટ કેક તરીકે પણ ફેબ્રુઆરી મહિનો જાણીતો હતો.

**લીપ યર સિવાય ફેબ્રુઆરીમાં સૌથી ઓછા ૨૮ દિવસો હોવાને કારણે , વેલ્શમાં તેને Y MISBACH .... એટલે કે નાનકડા મહિના તરીકે ઓળખાતો..

** શેક્સપીયરના જમાનામાં આશરે ૪૦૦ વર્ષ પહેલાં ,વર્ષના બીજા મહિનાને ફીવારેલ તરીકે ઓળખતાં . અને તેના ૧૦૦ વર્ષ પછી આઈઝેક ન્યુટન ના જમાનામાં ફેબૃઈર તરીકે અને છેલ્લા ૧૦૦ વર્ષથી આપણે સહુ ફેબ્રુઆરી તરીકે જાણીએ છીએ. ..



*** બીજી ફેબ્રુઆરીએ કેન્ડલ માસ ડે તરીકે ઉજવાય છે. ખ્રિસ્તી દેવળોમાં આખા વર્ષ દરમ્યાન વપરાતી મીણબત્તીઓ , બીજી ફેબ્રુઆરીને દિવસે દેવળમાં લાવવામાં આવતી. અને તે મીણબત્તીઓને આશીર્વચનોથી અભિમંત્રિત કરાતી.....તેથી બીજી ફેબ્રુઆરીને ફેસ્ટીવલ ડે ઓફ કેન્ડલ્સ કહેવાય છે. ઈશુ ખ્રિસ્તે , જગતને અંધકારમાંથી જ્ઞાનપ્રકાશ દ્વારા માર્ગદર્શન આપીને રસ્તો ચીંધ્યો, આથી ખ્રિસ્તી દેવળોમાં પ્રાર્થના વખતે ખ્રિસ્તીઓને આ વાતની યાદ અપાવવા અને ઈશુ ખ્રિસ્ત તેમને સાથે જ છે તે દર્શાવવા , મીણબત્તીઓ પ્રગટાવાય છે. ...

૮ મી ફેબ્રુઆરી ૧૮૫૫ ના રોજ એક બનાવ બન્યો...ઈંગ્લેન્ડમાં એક અવનવો બનાવ.. ! સાધારણ ડેવોનના નાના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં પુષ્કળ હિમવર્ષા થઇ. કડકડતી ઠંડીમાં લોકો પોતાના ઘરોમાં ધાબળા અને રજાઈઓ ઓઢીને લપાઈ રહ્યા. બીજે દિવસે સવારે અવનવું દ્રશ્ય જોવા મળ્યું. ... બહાર પડેલા બરફમાં માઈલો સુધી હજારો પગલા પડ્યા હતા. ! ખેતરો ,બાગ-બગીચાઓ, ગામડાઓમાં... ચોતરફ, મિલો સુધી બસ પગલા જ પગલા...લોકો તો ડરી જ ગયા... આખા દેશમાં આ સમાચાર ફેલાઈ ગયા. લોકોને થયું કે જરુર આ પગલા શેતાન ના જ છે..! લંડનના અખબારોમાં પણ આ સમાચાર છપાયા, અને બરફ ઓગળી જાય તે પહેલા તેની રીતસર તપાસ પણ હાથ ધરી..મઝાની વાત એ છે કે હજુ સુધી આ રહસ્ય ઉકેલી શકાયું નથી.... કે એ પગલા કોના હતા !

**૧૨ થી ૧૪ મી ફેબ્રુઆરીના દિવસો જાન્યુઆરી પાસેથી ઉછીના લીધેલા દિવસો ગણાવાય છે..

*** સ્નોડ્રોપ નામનું ફૂલ , ફેબ્રુઆરી મહિનામાં જ ઉગે છે.અને તેને આશાનું પ્રતિક મનાય છે.. એક માન્યતા મુજબ ,આદમ અને ઈવને , ગાર્ડન ઓફ ઈડનમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યાં ત્યારે સ્નોડ્રોપ ફૂલ આશાનું પ્રતિક બન્યું. જયારે ઈવ ને ખાતરી થઇ ગઈ કે હવે કાતિલ શિયાળાનો અંત જ નહીં આવે ત્યારે એક એન્જલે પ્રગટ થઈને થોડાક બરફને સ્નોડ્રોપ ફૂલ માં ફેરવી નાખી ને ખાતરી આપી કે શિયાળા પછી વસંત જરૂર આવશે....દુખ પછી સુખ જરૂર આવશે..... સ્નોડ્રોપ્સને કેન્ડલમાસ બોલ્સ તરીકે પણ ઓળખે છે. વળી લેટીન માં ગેલેન્થસ એટલે કે મિલ્કફ્લાવર પણ કહે છે.

**ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ફૂટબોલ વધારે રમાય છે...શ્રોવ ટ્યુઝડે ના રોજ રમાતી ફૂટબોલની રમતમાં કોઈ નિયમ નથી હોતો..તે રમત આપણાં દેશમાં રમાતી ફૂટબોલ ની રમત કરતાં જુદી હોય છે ! કંઈ રીતે ખબર છે ?શ્રોવ ટ્યુઝ ડે ના રોજ નક્કી કરેલા સમયે, દેવળમાં ઘંટનાદ થતાં જ લોકો ઘરની બહાર નીકળે છે અને ફૂટબોલ ફેંકવામાં આવે છે,અને ફૂટબોલની વિશાળ રમત શરુ થાય છે.. ઘણી વાર આ રમત માટે ટ્રાફિક પણ બંધ કરવો પડે છે... ઇંગ્લેન્ડ માં આજે પણ કેટલેક ઠેકાણે આ રમત રમવામાં આવે છે. તે ઉપરાંત દોરડા કુદવાની રમત પણ રમવામાં આવે છે...

**કિસિંગ ફ્રાઇડે : શ્રોવ વીકના શુક્રવારે ઈંગ્લીશ વિદ્યાર્થીઓ સજા કે દંડ ના દર વિના છોકરીઓને કિસ કરવાની છૂટ મળતી.... ! આ પ્રથા ૧૯૪૦ સુધી ચાલુ હતી....

લેઈસેસ્ટરશાયરમાં ,સીલેબીમાં કિસિંગ ફ્રાઇડેના રોજ પુરુષો પોતાને ગમતી સ્ત્રીને ચુંબન કરવાની ઓફર કરે અને જો તે સ્ત્રી ઇનકાર કરે તો તે લોકો તે સ્ત્રીને ચીમટો ભરી શકતા .... !

**૨૨ મી ફેબૃઅરીને થીંકીંગ ડે તરીકે ઓળખે છે. સ્કાઉટ અને ગાઈડ મુવમેન્ટના સભ્યો , સ્થાપક સ્થાપક લોર્ડ અને લેડી રોબર્ટ બેડન પોવેલને યાદ કરે છે.

** ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સોમવારને પ્રેસિડેન્ટ દિન તરીકે ઉજવાય છે..

** ૨૯ મી ફેબ્રુઆરી ... દર ચાર વર્ષે આવતાં આ દિવસનું ખાસ મહત્વ છે. લીપ યરમાં જ આવતો આ દિવસ , વર્ષની ગણતરી માટે બહુ જ મહત્વનો છે... ૨૯ મી ફેબ્રુઆરી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સદગત મોરારજી દેસાઈ નો જન્મદિન છે.આપણે જાણીએ છીએ. ફેબ્રુઆરી મહિનામાં જન્મનારા માણસોમાં ૧૮૪૭ ની ૧૧ મી ફેબ્રુઆરીએ થોમસ એડીસન નો જન્મ થયો હતો. તેમને એક હજારથી વધારે શોધો કરી હતી, તેમાંથી ફોનોગ્રાફ અને મોશન પિક્ચર પ્રોજેક્ટર નો સમાવેશ થાય છે. બ્રિટનના જાણીતા નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ ,૭ મી ફેબ્રુઆરી ૧૮૧૨ ના રોજ જન્મ્યા હતા. તેમની લખેલી નવલકથા " ગ્રેટ એક્સ્પેકટેશન "વિષે આપણે બધા જાણીએ છીએ.તે ઉપરાંત જાણીતા ઈંગ્લીશ નિબંધકાર જ્હોન રસ્કિન અને રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશીન્ગ્ટન , રીચાર્ડ નિકસન, વૈજ્ઞાનિક ચાલ્સ ડાર્વિન , ગેલીલિયો, વગેરે ફેબ્રુઆરીમાં જન્મ્યા હતા.

******ફેબ્રુઆરી માં જન્મેલા લોકો માટે એમીથીસ્ટ બર્થ સ્ટોન લકી ગણાય છે. જયારે પ્રીમોર્સ ફ્લાવર લકી ફૂલ ગણાય છે.

***ફેબ્રુઆરીને બ્લેક હિસ્ટ્રી મન્થ પણ કહે છે. આમ જોઈએ તો ગુલામી પ્રથા એ આપણો માનવ જાતનો કડવો ભૂતકાળ છે. આજે લોકશાહી પ્રથા વિશ્વમાં લોકપ્રિય બનતી જાય છે છતાં આજે પણ આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર આવી નથી શકતા. આપણે ભૂતકાળમાં પાછું વાળીને જોઈએ ત્યારે આપણને હવે શરમ આવે છે કે અશ્વેત અથવા નબળા કે વંચિત ,દલિત લોકો પર કેટકેટલા અત્યાચારો કરવામાં આવ્યાં છે ! આપણે આપણી જ માણસ જાતના અન્ય લોકોને , માણસોને ગુલામ બનાવી તેમની પાસે કાળી ગુલામી કંઈ રીતે કરાવી શકીએ ?પોતાની જાતને શિક્ષિત અને આધુનિક ગણાવતા લોકો વંચિતોનું અપમાન કઈ રીતે કરી શકે ? લોકોને મારી કઈ રીતે નાખી શકે ?બાળકો અને સ્ત્રીઓ નું શોષણ કઈ રીતે કરી શકે ? વિશ્વભરમાં અશ્વેતોને અધિકાર અપાવવા થયેલી બધી જ ક્રાન્તિઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પ્રેરણા સ્રોત રહ્યાં છે. માર્ટીન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, સરહદ ના ગાંધી ને નામે જાણીતા ખાન અબ્દુલ ગફારખાન ... વગેરે માનવ જાત માટે મુક્તિના પ્રણેતાઓ રહી ચુક્યા છે. માર્ટીન લ્યુથર કિંગ, જુનીઅર માનવ અધિકારની ઝુંબેશની પ્રેરણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીમાંથી લઈને દુનિયાભરના અશ્વેતો પ્રત્યેની સુગ ઓછી કરીને ગોરાઓ કે સફેદ ચામડી વાળાઓમાં દરેક માનવ વચ્ચે સમાન પ્રેમભાવ ઉભો કરવાની કોશિશ કરી. આજે અમેરિકામાં ગોરા અને કાળાઓ વચ્ચે ભેદ ઉભો કરનારને દંડ, સજા અને કેદ થઇ શકે છે. સમગ્ર પૃથ્વી ગ્રહ પર જન્મેલી માનવ જાત વચ્ચેનો રંગભેદ શરમ જનક બાબત છે. આપણે સહુએ તે ભેદ નાબુદ કરવો જોઈએ. માણસ માટે તેનો રંગ નહીં પણ તેના ગુણો જ મહત્વપૂર્ણ ગણવા જોઈએ. આ શિખામણ આપણને પણ લાગુ પડે છે. આપણે ભારતવાસીઓ આજે પણ ગોરી ચામડી વાળાઓને જોઇને અભિભૂત થઇ જઈએ છીએ. બાહ્ય સુંદરતાનું પોતાનું આગવું સ્થાન છે તેની ના નહીં પણ આંતરિક સુંદરતા જ ખરી સુંદરતા છે. રંગભેદ કે કોઈ પણ પ્રકારના ભેદ વિષે ઘણું ઘણું લખાયું છે, ઘણી ફિલ્મો અને સ્તાવેજી ફિલ્મો પણ બની છે. વિદેશોમાં દોડી જતાં આપણાં લોકો પણ આવા ભેદ નો ભોગ બને જ છે ...... પણ....

શું આપણે આવા દરેક પ્રકારના ભેદ ને દરેક સ્થળેથી નાબુદ ના કરી શકીએ ? આપણાં ઈતિહાસમાંથી પ્રેરણા લઈને આપણી ભાવી પેઢીને કોઈ પણ પ્રકારના રંગભેદ ને વશ નહીં થવા જાગૃત કરીએ, બાળકોને કેળવીએ.... સમગ્ર માનવ જાત એક જ છે...અને સમગ્ર પૃથ્વી એક કુટુંબ... વસુધૈવ કુટુંબક્મ .....

આ લેખ વિષે આપણાં મંતવ્યો જાણવા આતુર છું... આપના પ્રતિભાવો mainakimehta@ yahoo .co .in પર જરૂર મોકલજો.અરે હા, ફેબ્રુઆરી મહિનામાં જ હોં ....

- મૈત્રેયી મહેતા


1 ટિપ્પણી:

  1. Dear shri Vikasbhai,
    Warm greetings to you. I send my almost immediate response to your highly informative article on the month "FEBRUARY" in to-day's J. PRAVSI. You have been a regulator contributor to Sunday's J. PRAVASI & I welcome your writings.
    - Subhash Mehta

    જવાબ આપોકાઢી નાખો