Translate

રવિવાર, 13 ફેબ્રુઆરી, 2011

હેપ્પી વેલેન્ટાઈન ડે..!

વહેલી સવારે ઓફિસ જતા માર્ગમાં એક સરસ મજાનું હ્રદયસ્પર્શી દ્રષ્ય જોવા મળ્યુ.


"ચાલ બેટા, ખાઈ લે જો..." મમતાપૂર્વક કાન પર હાથ ફેરવી એ સ્ત્રી ખેંચી જ ગઈ જાણે એને! કોને? તેના પુત્ર કે પતિને નહિં...ઓટલા પર બેઠેલા એક શ્વાનને! હા...કૂતરાને! આજ્ઞાકારી પુત્રની જેમ તે કૂતરું ઉભું પણ થયું અને કાળજીપૂર્વક તે સ્ત્રીએ એને દૂધમાં બોળેલ રોટલી ખવડાવી! તે સ્ત્રીની આંખોમાં ડોકાતા લાગણીભીના ધોધને મેં નિહાળ્યો. શું કહેશો આ લાગણીને? પ્રેમ જ તો ! અઢી અક્ષરના આ શબ્દને સાંભળી પહેલી કલ્પના યુવાન-યુવતિ વચ્છેના સ્નેહની જ આવે. પણ પ્રેમનું ફલક એથી ઘણું વિશાળ છે...પ્રેમ ફક્ત બે માણસ વચ્ચે જ નહિં, માણસનો બીજા સજીવ પ્રાણી કે પછી વનસ્પતિ પ્રત્યે પણ હોઈ શકે છે.વનસ્પતિ સાથે? હા...ચિપ્કો આંદોલન વિષે સાંભળ્યું કે વાંચ્યું છે? પોતાના પરિસરમાંના વૃક્ષોનું નિકંદન ન નિકળી જાય એ માટે ઉત્તરાખંડ વિસ્તારની સ્થાનિક રહેવાસી સ્ત્રીઓએ વૃક્ષોને ચિપકી જઈ વૃક્ષો કાપતા પહેલા પોતાના પ્રાણ હરી લેવાનું આહ્વાન આપી જે આંદોલન છેડ્યું હતું તે 'ચિપ્કો આંદોલન' તરીકે ઇતિહાસમાં સ્થાન પામ્યું.અહિં આ જાતિનો વનસ્પતિ પ્રત્યેનો અસામાન્ય પ્રેમ પ્રતીત થાય છે.તમારા ઘરમાં તુલસી ક્યારો છે? શહેરમાં તુલસી ક્યારો તો સાસ-બહુની ડેઇલી સોપમાં જ જોવા મળે! પણ જો તમારા ઘેર નાના સરખા કૂંડામાં પણ તુલસી રોપ્યા હશે તો તમારી માતા કે પત્ની કે બહેન કેટલા જતનપૂર્વક તેને પાણી પીવડાવે છે,તેની નજીક દીવો-અગરબત્તી સળગાવે છે- એ જોજો. આ ભક્તિભર્યો પ્રેમ જ છે.

સાચા પ્રેમની અસર જાદુઈ હોય છે. પ્રેમથી તમે સામા પ્રેમી પાત્રને જાણે વશ કરી લો છો! ઉપર જે કૂતરાની વાત કરી તેને પેલી સ્ત્રીએ પ્રેમપૂર્વક મનુષ્યની ભાષામાં, ઉઠી પોતાની સાથે આવવા કહ્યું ત્યારે કૂતરું તો મનુષ્યની ભાષાના શબ્દો ન સમજતું હોવા છતાં ફક્ત પ્રેમથી દોરાઈ રોટલી-દૂધની ડીશ તરફ પેલી સ્ત્રી સાથે ચાલીને ગયું. તે વખતે કૂતરાના હાવભાવ જોવા જેવા હતા.એક્દમ ગરીબડું, ડાહ્યુડમરું થઈ તે પેલી સ્ત્રીને અનુસર્યું અને તેણે આપેલ ખોરાક આરોગી ગયું!

માનવી અને પ્રાણીઓ વચ્ચેના પ્રેમની 'જુમો અને વેણુ' જેવી અનેક વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન પામી છે.તો આ વિષય પર ઘણી ફિલ્મોયે બની છે.

મેં વાંચ્યું છે વૃક્ષો પણ તમારા પ્રેમને સમજે છે. જો તમે તમારા ઘરમાં વાવેલ નાના છોડ-વેલ સાથે પ્રેમથી વર્તશો, તેને ભાવપૂર્વક પાણી પીવડાવશો,તેની સાથે પ્રેમથી વાતચીત કરતા કરતા તેના પર હાથ ફેરવશો તો તેની વૃદ્ધિ ઝડપી અને વધુ સારી રીતે થશે.

હવે જો પ્રાણી અને વનસ્પતિ પર પણ પ્રેમની આવી જાદૂઈ અસર થતી હોય તો માનવી પર પ્રેમ કેવું કામણ કરી શકે એ તમે કલ્પી શકો છો!

એક ગુજરાતી કવિની પ્રખ્યાત પંક્તિ મને યાદ આવે છે: ‘શું હોત જીવન આ જો વિશ્વ પ્રેમના રંગે રંગાયું ન હોત?’

ખરેખર એક ખૂબ સુંદર અનુભૂતિ છે પ્રેમ.પણ પ્રેમમાં માલિકીપણાંની ભાવના પ્રવેશે ત્યારે તેનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે.પ્રેમ તો મુક્તિ ઝંખે છે.પ્રેમ અભિવ્યક્તિ પણ ઝંખે છે.

વેલેન્ટાઈન દિવસ આવી રહ્યો છે ને? કહીદો તમારા પ્રેમીજનને કે તમે તેમને ખૂબ ચાહો છો.એકાદ નાની ભેટ પણ આપો તો તો તમારું પ્રિય પાત્ર તમારા પ્રેમમાં ઓળઘોળ થઈ જશે! તહેવારો, વેલેન્ટાઈન ડે જેવા દિવસો અભિવ્યક્તિ માટે જ તો હોય છે.તમારા જીવનની ઘટમાળમાં એક સરખી નીરસ કૃત્રિમતા દૂર કરવા જ તો આવા દિવસો ઉજવવાની પરંપરા ચાલી આવે છે વિશ્વભરમાં. આનંદ,ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવા જોઈએ આપણે આ દિવસો.

વેલેન્ટાઈન ડે નો દિવસ ફક્ત પ્રેમી-પ્રેમિકા જ ઉજવી શકે એવો કોઈ નિયમ નથી. આ દિવસે તમે જેને પણ ખરા હ્રદયથી ચાહતા હોવ તેને વિશ કરી શકો, તેને તમારા તરફથી નાની કે મોટી પ્રેમ વ્યક્ત કરતી ભેટ આપી શકો.પછી એ વ્યક્તિ તમારી મમ્મી,બહેન કે તમારા પપ્પા કે ભાઈ પણ હોઈ શકે કે તમારો અંગત મિત્ર પણ હોઈ શકે!

તો પ્રેમની અભિવ્યક્તિના આ દિવસની સોનેરી તક ગુમાવી ન બેસતા! અને ખરા દિલથી તમારા દરેક્ક સ્નેહીજનને વિશ કરજો "હેપ્પી વેલેન્ટાઈન ડે..!"

મારા સૌ વાચકો પ્રત્યે મને અપાર પ્રેમ છે અને તેથી તમને સૌ વાચકમિત્રોને મારા તરફથી "હેપ્પી વેલેન્ટાઈન ડે..!"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો