Translate

બુધવાર, 9 ફેબ્રુઆરી, 2011

મારી બેંગ્લોર યાત્રા

થોડાં દિવસો અગાઉ ઓફિસમાંથી એક ટેક્નિકલ ટ્રેઇનિંગ માટે મારે ઓફિસના મિત્ર વિશાલ સાથે બેંગ્લોર ...ઓહ સોરી! બેંગ્લુરૂ જવાનું થયું. (જોડણીની ભૂલ હોય તો માફ કરશો! મને જૂનું નામ ‘બેંગ્લોર ‘ જ બરાબર લખતા આવડે છે. સમજાતું નથી લોકો શામાટે રૂઢ થઈ ગયેલા નામો બદલાવતા હશે?કોઈ ફરક પડે છે તમે મુંબઈ બોલો કે બોમ્બે કે પછી મદ્રાસ બોલો કે ચેન્ન ઇ!) કર્ણાટક રાજ્યમાં જવાનો મારા માટે આ પહેલવહેલો પ્રસંગ હતો અને બેંગ્લોર જવાનો પણ.મને ફરવાનો શોખ છે એટલે માત્ર બે દિવસ માટે જવાનું હોવા છતાં મને એક નવા પ્રદેશની મુલાકાત લેવાનો ઉત્સાહ હતો! એમાંયે બન્ને દિવસ સવારના નવથી સાંજના સાડા પાંચ સુધી તો અભ્યાસુ બની ટ્રેનિંગ જ અટેન્ડ કરવાની હતી! પણ એક સાંજ તો હતીને, થોડું ઘણું જેટલું ફરી લેવાય, એ માટે!


મંગળ,બુધ બે દિવસની ટ્રેનિંગ માટે સોમવાર સાંજની ફ્લાઈટ બૂક કરાવી હતી ઓફિસમાંથી. યોગ્ય સમયે એરપોર્ટ પહોંચી ફ્લાઈટ પકડી. ફ્લાઈટનો અનુભવ સારો રહ્યો. અહિં એક વાત કરવાનું મન થાય છે.વિમાનમાં જેટલી ચોખ્ખાઈ જળવાય છે એટલી આપણા બીજા વાહનોમાં પણ ન જાળવી શકાય? રાજધાની-શતાબ્દીઓ કે એ.સી. ડબ્બાઓને છોડી લાંબા અંતરની ટ્રેનમાં પ્રવાસ, વિમાન જેવો મનને આનંદ આપનારો ન બનાવી શકાય? બનાવી શકાય, જો આપણે સ્વચ્છતા જાળવવાનો નિયમ લઈએ અને થોડી વધુ શિસ્તનું પાલન કરીએ તો. જો કે થોડા સમય પહેલાં જ એક રમૂજી જણાય એવા સમાચાર વાંચવામાં આવ્યા કે કોઈ એક ફ્લાઈટ, તેમાં ઉંદરમામા નજરે પડતા તાકીદે ઉતારવી પડી અને ચાર કલાકથી પણ વધુ મોડી પડી! પણ આવો જ અભિગમ હોવો જોઈએ. એકાદ નાની સમસ્યાનો પણ તેની જાણ થયે તરત ઉકેલ લાવવો જોઈએ. રાજધાની ટ્રેનમાંથી પણ સેંકડો ઉંદરો પકડાયાનું વાંચવામાં આવ્યું હતું. આ આંકડો સેંકડો સુધી પહોંચ્યો જ શી રીતે? ખેર, મારી મુંબઈથી બેંગ્લોરની ફ્લાઈટમાં, ચોખ્ખાઈ ઉપરાંત એક જ રંગનું આધિપત્ય અને એરહોસ્ટેસીસ ના કૃત્રિમ છતાં સૌજન્યપૂર્ણ સ્મિત અને વ્યવહાર ગમ્યાં. ફ્લાઈટમાં નાસ્તો પણ આવ્યો. દોઢેક કલાકમાં બેંગ્લોર પહોંચી જવાયું.

બેંગ્લોર અમારા બન્ને માટે નવું શહેર હતું. પણ અહિં વ્યવસ્થા ગમી. પૂછપરછ કાઉન્ટર પર બસ અને ટેક્સીના વિકલ્પો, ટિકીટના ભાવ,બસના નંબર સહિત અમને ત્યાંના સ્ટાફે જણાવ્યા. એરપોર્ટ પરના ટોયલેટમાં લોકો પોતાનો સામાન ચોરીના ડર વગર નિર્ભયતાથી એક બાજુ મૂકી ટોયલેટનો ઉપયોગ કરતા જણાયા.મુંબઈમાં મે આ નથી જોયું! એરપોર્ટથી બહાર આવી કોરામંગલા વિસ્તારમાં જવા એ.સી. બસ લીધી, જ્યા એક હોટલમાં અમારે રહેવાનું હતું.બસમાં પણ એક નવી વસ્તુ જોવા મળી. અહિં ડ્રાઈવર સીટ પાસે એક સ્ટેન્ડ હતું જેના પર ઘણાં મુસાફરોએ પોતાનો સામાન મૂક્યો હતો. ઉતરવાના દરવાજા પાસે જ આ સ્ટેન્ડ હોવાથી કોઈ પણ બીજાનો સામાન લઈ સહેલાઈથી ઉતરી જઈ શકે. પણ અહિંયે લોકોએ નિશ્ચિંતપણે પોતપોતાનો સામાન સ્ટેન્ડ પર મૂક્યો હતો.મુંબઈમાં ભીડમાં અને ક્યારેક તો ભીડ ન હોય ત્યારે પણ બસ અને ટ્રેનમાંથી અનેક લોકોના ખિસ્સા કપાયાના દાખલા સાંભળ્યા છે. જ્યારે અહિંના લોકોની નિશ્ચિંતતાથી મને આશ્ચર્ય થયું. બસમાં કંડક્ટરને હિન્દી નહોતુ આવડતુ પણ અમે અંગ્રેજીમાં તેને અમારે જ્યાં જવું હતું એ વિસ્તારની માહિતી આપી અને ત્યાંથી સૌથી નજીક હોય એ સ્ટોપ આવ્યે અમને જાણ કરવાની વિનંતી કરી.એકાદ કલાકની મુસાફરી બાદ કંડક્ટરે અમને, અમારે ઉતરવાનું હતું એ સ્ટોપ આવ્યાની જાણ કરી અને વિશાળ એવા એક મોલ પાસે અમે ઉતર્યા.રાતના સાડા નવ થયા હતા પણ મોલની મોટાભાગની શોપ્સ લગભગ બંધ જ થઈ ગઈ હતી.અમારે જમવાનું હતું તેથી સારી હોટલ માટે આજુબાજુ નજર દોડાવી અને કે.એફ.સી.,ડોમિનોઝ,પિઝા હટ વગેરે જ નજરે પડ્યા. કોઈ લોકલ રેસ્ટોરન્ટ નજરે ચડી નહિં.પિઝા હટમાં ધરાઈને પિઝા ખાધા અને અમારે ઉતરવાનું હતું એ હોટલનો રસ્તો પૂછી અમે બહાર આવ્યા ત્યારે લગભગ સાડા દસ જેવો સમય થયો હતો.પણ રસ્તાઓ સૂના હતા.એકલદોકલ માણસ સિવાય કોઈ નજરે પડતું નહોતું.ઠંડી સારી હતી પણ અહિં મુંબઈમાં તો રાતે એક વાગે પણ તમને રસ્તા પર માણસો નજરે ચડે! અને ત્યાં સાડા દસમાં રસ્તાઓ ભેંકાર થઈ ગયા હતાં! છેવટે થોડુંઘણું રખડ્યા બાદ અમે હોટલ શોધી કાઢી. રૂમ સરસ હતો.બધી સગવડ અને વ્યવસ્થિત રીતે ગોઠવેલી ચીજો મનને એક આનંદ આપી રહી.આપણા ઘરમાં પણ આપણે આટલી ચોખ્ખાઈ અને વ્યવસ્થિતતા કેમ નહિં જાળવી શક્તા હોઈએ? રૂમમાં એક ખૂણે બીનબેગ ગોઠવેલી હતી.તેના પર બેસવાની મજા આવી.બાથરૂમમાં ટુવાલ,નેપકીનની જોડીઓ,સાબુ,શેમ્પૂ,શેવિંગ કીટ,સ્યુઇંગ કીટ(સોયદોરો-બટન વગેરે),મોઇશ્ચરાઈઝર,બેથિંગ કેપ,ટૂથબ્રશ વગેરે ચીજો વ્યવસ્થિત રીતે ગોઠવેલી પડી હતી.ખૂણામાં એક મીણબત્તી અને માચીસ ગોઠવેલા હતા,વિજળી જતી રહે તો અંધારામાં કામ આવે તે માટે. બીજી એક વાત મને ખૂબ ગમી એ હતી આ હોટલનો પર્યાવરણની જાળવણી પ્રત્યેનો અભિગમ.પાણીના નળ પાસે નજરે પડે તેમ તેમણે એક સરસ માહિતી આપતો અને પાણી બચાવવાની તેમજ પાણીના સંયમપૂર્વક વપરાશની વિનંતી કરતો સંદેશ લખ્યો હતો.હૂંફાળા પાણીથી નાહીને શરીરનો થાક ઉતાર્યા બાદ, સવારે ટ્રેનિંગમાં લઈ જવાની વસ્તુઓ અલગ તારવી, આરામદાયી સરસ રીતે ગોઠવેલા બેડ પર લંબાવ્યું. અહિં બેડની બાજુમાં ટેબલ પર ફોન પાસે બીજો એક સરસ સંદેશ લખેલું કાર્ડ નજરે પડ્યું જેમાં લખ્યું હતું કે “રોજ જરૂર ન હોય એવી ચાદરને ધોવામાં દેશભરની હોટલોમાં લાખો લિટર પાણી વેડફાય છે.જો તમે પાણી બચાવવામાં અમારી મદદ કરવા ઇચ્છતા હોવ અને તમારી ચાદર ખરાબ ન થઈ હોય તો આ કાર્ડ તમારા બેડ પર મૂકીને જવા વિનંતી.” આ વાત પણ મને સ્પર્શી ગઈ. મારા મિત્રે ટી.વી. ચાલુ કર્યું અને મેં વાંચવાનું શરૂ કર્યું.આંખ ઘેરાવા લાગી એટલે લાઈટ બંધ કરી દીધી. ઉંઘવાની મજા પડી.

સવારે મોબાઈલ પર મૂકેલા એલાર્મે અમને સમયસર જગાડ્યા.તૈયાર થઈ, સવાદિષ્ટ ઇડલી-વડા સંભાર,બ્રેડબટર અને ફળોનો હેવી બ્રેકફાસ્ટ લઈ અમે ટ્રેઇનિંગ માટે જવા રવાના થયા.હોટલની બહાર કંપાઉન્ડમાં નાનકડું મંદિર બનાવ્યું હતું જેમાં દક્ષિણ ભારતીય ઢબની ગણેશની શ્યામ મૂર્તિની સ્થાપના કરી હતી.તેના દર્શન કર્યા.આવી જ એક દેરી રાતે પણ મારી નજરે ચડી હતી.

રીક્ષા પકડી અમે ટ્રેઇનિંગના સ્થળે પહોંચ્યા.અહિં ની રીક્ષામાં એક બાબત ખૂબ ગમી અને એ હતી ત્યાંના મીટરોની પારદર્શકતા.અહિં રીક્ષામાં તમારું ભાડું કેટલું થયું તે રુપિયામાં સ્પષ્ટ પણે દર્શાવાય તેમજ કેટલા કિલોમીટર અંતર કાપ્યું એ આંકડો પણ મીટર દર્શાવે એટલે છેતરાવાની કોઈ શક્યતા જ નહિ. તમારી ભાષા ન જાણતા હોવા છતા રીક્ષાવાળાઓ પણ સભ્યતાથી વાત - વર્તન કરે.રસ્તા પર પણ પાટિયાઓ પર ત્યાંની સ્થાનિક દક્ષિણ ભારતીય ભાષામાં જ લખ્યું હોય પણ સાથે અંગ્રેજી ભાષા લખેલા પાટિયા પણ હોય એટલે અંગ્રેજી જાણતા લોકોને તકલીફ ન પડે.જો બધા જાણતા હોય એવી સામાન્ય ભાષા ન હોત તો આપણી સ્થિતી કેવી હોત?મારા મતે તો અંગ્રેજી અને હિન્દી ભાષા પણ દરેક રાજ્યમાં શાળાના અભ્યાસક્રમમાં શિખવવી જ જોઈએ અને તેમનો ઉપયોગ છૂટથી થવો જોઈએ.

ટ્રેઇનિંગ સેન્ટર છએક કિલોમીટર દૂર હતું.રીક્ષામાંથી અહિંના સ્થાનિક જીવનના થોડાઘણા અંશે દર્શન થયાં.અહિં રસ્તાઓ પહોળા અને મોટા હતા.હરિયાળી પણ ઠીકઠીક પ્રમાણમાં જોવા મળી. ટ્રેઇનિંગ સારી રહી.સાંજે એ પત્યા બાદ અમે ત્યાંના ઓફિસના સ્ટાફ પાસેથી આસપાસ નજીકમાં જોવા જેવા સ્થળોની માહિતી મેળવી લીધી. રીક્ષા પકડી કેમ્પફોર્ટ નામની જગાએ આવેલ શિવમંદીર ગયા.ત્યાં શંકર ભગવાનની ત્રીસેક ફૂટ ઉંચી વિશાળ મૂર્તિના દર્શન કર્યા.ત્યાં બાર જ્યોતિર્લિંગ બનાવેલા તેના દર્શનની તેમજ ફોટા પાડવાની,જૂતા સાચવવાની - એ બધાની થોડાઘણા રૂપિયાની ફી હતી. પણ આ બધા પૈસા માનવતાભર્યા કાજે - વિકલાંગ બાળકોની સારવાર પાછળ ખર્ચાય છે એ જાણી સારું લાગ્યું.મંદિર બહાર પરિવાર માટે થોડી ખરીદી કરી અને પછી અમે જઈ પહોંચ્યા એમ.જી રોડ. રસ્તા પર બોર્ડ વાંચી ખ્યાલ આવ્યો કે આગળ કસ્તુરબા માર્ગ પણ હતો.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કેટલા મહાન હતા કે દક્ષિણ ભારતના આ રાજ્યમાં પણ તેમના અને તેમની પત્નીના નામના માર્ગ મોજૂદ છે એવો વિચાર મને આવી ગયો! ગાંધી બાપુ એક ગુજરાતી હતા એ બાબત પર મને, હું પણ એક ગુજરાતી હોવાનો ગરિમા અને ગૌરવ પૂર્ણ અનુભવ થયો. એમ.જી રોડ પર મુંબઈ કરતાંયે વધુ મોલ્સ-હોટલ્સ અને દુકાનો જોવા મળ્યા.આખા વિસ્તારને લાઈટોથી શણગાર્યો હતો.ખૂબ રખડપટ્ટી કર્યા બાદ એક સરસ મજાની હોટલમાં કેળના પાન પર ભાત અને દાળ-કઢી-રસમ-દહિંનું પારંપારિક ભોજન લીધું.ખૂબ મજા આવી.રીક્ષા પકડી અમારી હોટલના વિસ્તારમાં પાછા ફર્યા ત્યારે ફરી અહિં તો સોપો પડી ગયેલો જોવા મળ્યો. હોટલમાં રૂમમાં પાછા ફર્યા ત્યારે ફરી બધું સુવ્યવસ્થિત ગોઠવાયેલું જોઈ મનને આનંદ થયો.ટેબલ પર બીજું એક કાર્ડ પડ્યું હતું જેના પર લખ્યું હતું :'ચાદર ન ધોવાનો આદેશ આપી અમારા પાણી બચાવવાનાં અભિયાનમાં સહભાગી થવા બદલ તમારો હ્રદયપૂર્વક આભાર!'

આ કાર્ડ વાંચી મને ખૂબ ખુશી થઈ.

બીજે દિવસે સવારે હોટલ છોડતી વેળાએ મેં મેનેજરને તેમના આ પર્યાવરણ લક્ષી અભિગમ બદલ ખાસ અભિનંદન પાઠવ્યા અને ફરી એક વાર ત્યાંના સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટની લિજ્જત માણી અમે સામાન સાથે ટ્રેઇનિંગ સ્થળે જવા રવાના થયા. રસ્તામાં ઓફિસના મિત્રો તથા અમારા પરિવારજનો માટે ત્યાંની પ્રખ્યાત મૈસૂરપાક તેમજ બદામબરફીની મીઠાઈ ખરીદી.

ટ્રેઇનિંગનો બીજો દિવસ પણ સારો રહ્યો અને સાંજે અમે અમારા ટ્રેઇનર સાથે જ તેની કારમાં એરપોર્ટ જવા નિકળ્યા.તેના જણાવ્યા મુજબ અહિં ઘણી વાર ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે આથી અમે જલ્દી નિકળ્યા હતા.એકાદ કલાક સમય પસાર કર્યા બાદ મુંબઈની ફ્લાઈટ પકડી બેંગ્લોર શહેરને આવજો કરી અમે ફરી મુંબઈ આવવા પ્રસ્થાન કર્યું.

બેંગ્લોરની આ ટૂંકી પણ રસપ્રદ યાત્રા મને સદાય યાદ રહેશે!

3 ટિપ્પણીઓ:

  1. like your Report,
    We to do in all city at leaset Rikshw can maintain in so easy task but some education given the all drivers in Gujarat-

    જવાબ આપોકાઢી નાખો
  2. હું બિઝનેસ અર્થે છેલ્લા પાંત્રીસ વર્ષથી મુસાફરી કરું છું.
    તમારો 'બેંગ્લોર યાત્રા' વાળો બ્લોગ વાંચવાની ખૂબ મજા આવી.
    તમે બેંગ્લોરમાં જે હોટલમાં રહ્યાં હતાં તેનું નામ આપશો તો આપનો આભારી રહીશ.
    - જુગલ ગોટેચા

    જવાબ આપોકાઢી નાખો
  3. જુગલભાઈ,
    પ્રતિભાવ આપવા બદલ આપનો આભાર. હું બેંગ્લોરમાં કોરામંગલા વિસ્તારમાં આવેલી
    ‘Nandhana Grand’ હોટલમાં રહ્યો હતો - તે આપની જાણ ખાતર.
    - વિકાસ ઘનશ્યામ નાયક

    જવાબ આપોકાઢી નાખો