Translate

Sunday, January 30, 2011

જીવનની ક્ષણભંગુરતા અને અનિશ્ચિતતા

ગુજરાતમાં ચારેક દિવસ રોકાવાનો પ્લાન હતો પણ ઓફિસમાં કંઈક અર્જન્ટ કામ આવી ચડતા એ ટૂંકાવી એક જ દિવસમાં પાછો ફરી રહ્યો છું અને ટ્રેનમાં મારી મમ્મીનો રડમસ અવાજ સંભળાય છે.મારા નાની પરલોક સિધાવ્યાના ખબર મારી મમ્મી મને આપે છે.માતૃશોક ગમે તે વયે આવે, તે વસમો હોય છે.મા દરેકને વહાલી હોય છે અને મા ગુમાવ્યાનું દુ:ખ કદાચ જીવનના સૌથી વધુ દુ:ખોમાંનુ એક ગણી શકાય. આ બ્લોગમાં વાત માના પ્રેમ કે માના મૃત્યુ વિષે નહિં,પણ આપણા જીવનની ક્ષણભંગુરતા અને અનિશ્ચિતતા વિષે કરવી છે.
ઉપર જણાવ્યા મુજબ ઓફિસનું કામ એટલું અર્જન્ટ હતું કે મારે તત્કાલ ક્વોટાનો ઉપયોગ કરી રાતની બે વાગ્યાની ટ્રેનની ટિકિટ બૂક કરવી પડી. અમદાવાદથી રાતે બે વાગ્યાને વીસ મિનિટે આ ટ્રેન ઉપડી મને નવ ચાલીસે વાંદ્રા પહોંચાડવાની હતી. હું ઓફિસમાં પહેરવાના કપડા પણ સાથે લઈને જ નિકળ્યો હતો એવી ધારણા સાથે કે સીધો વાંદ્રા ઉતરી ઓફિસ પહોંચી જઈશ. પણ આપણા ધાર્યા પ્રમાણે બધું થતું હોત તો આજે દુનિયાનો નકશો,વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ હોત.અમદાવાદ સ્ટેશન પર ગાત્રોને થિજવી દે એવી ઠંડીમાં હું એક બાંકડે બેઠો ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો ત્યાં અનાઉન્સમેન્ટ થયું કે મારી ટ્રેન એક કલાક ચાલીસ મિનિટ મોડી આવશે. ટ્રેન આવી બે કલાક મોડી અને એ પણ અગાઉ નિર્દેશ થયા મુજબ પ્લેટફોર્મ ચાર પર નહિં પરંતુ પ્લેટફોર્મ છ ઉપર. આવે વખતે ધીરજની કસોટી થતી હોય છે. ખેર, સવારે નવેક વાગે ટ્રેનમાં વિચાર કરતો હતો કે બોસને એસ.એમ.એસ કરી જણાવી દઉં કે ટ્રેન મોડી પડતા, હું પોણા દસની જગાએ ઓફિસે દોઢ-બે કલાક મોડો પહોંચીશ. ત્યાં મારા ઘરેથી ફોન આવ્યો મારી મમ્મીનો.અતિ રડમસ અવાજ સાંભળતા મને કંઈક અમંગળ ઘટી ગયાના ભણકારા વાગ્યા.તેણે ખબર આપ્યા કે મારા નાની નથી રહ્યા.મમ્મીની તબિયત પણ થોડી નરમગરમ હોવાથી અને મારા પપ્પા હાલમાં કામ સંદર્ભે ગુજરાત ગયા હોઈ હવે મારે મમ્મી સાથે થોડો સમય તો રહેવું જ પડે એવી પરિસ્થિતી ઉભી થઈ.ઓફિસમાં પણ અતિ મહત્વની ટ્રેઇનિંગ હતી પણ તેમાં હવે જઈ શકાય તેમ નહોતું.મૃત્યુને જીવનની (કે કદાચ જીવન બાદની) સૌથી અનિશ્ચિત અને આકસ્મિક ઘટના ગણાવી શકાય. થોડાં સમય અગાઉ મારા એક નજીકના કુટુંબમિત્રની દિકરીના ઘેર પણ અતિ દુ:ખદ આંચકાજનક પ્રસંગ બન્યો.એ બહેન અને તેમની સાત વર્ષની દિકરીને પાછળ મૂકી તેમના સાડત્રીસ-આડત્રીસ વર્ષની વયના પતિનું અકલ્પનીય રીતે મૃત્યુ થયું. સવારે ઘરેથી કોઈક સરકારી કામ માટે અંધેરીમાં એક સરકારી કચેરીમાં તે ગયા હતા અને બહાર માર્ગમાં ઉભા હતા ત્યાં તેમના માથા પર આંબલીના ઝાડની મોટી ડાળી તૂટી પડી અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું.કેટલું આશ્ચર્યકારક અને માન્યામાં ન આવે તેવું.હજી તેમની સાત વર્ષની દિકરીને મૃત્યુનો અર્થ સુદ્ધા નથી ખબર અને ઇશ્વરે તેના પિતાને પોતાની પાસે બોલાવી લીધા.જન્મભૂમિ જૂથ સાથે સંકળાયેલા જાણીતા કટાર લેખક,વિવેચક,કલાકાર અને દિગ્દર્શક એવા સતીશભાઈ વ્યાસ દિગ્દર્શિત ત્રણ એકાંકીઓ ભજવવા દોઢેક મહિના પહેલા અમે વાપી ગયા હતા.પસંદગી નામના એક પ્રહસન એકાંકીમાં હું અને બીજા થોડાં કલાકારો અભિનય કરતા હતા જ્યારે 'ટુ સર,વિથ લવ...' નામની એક એકાંકી એકપાત્રી ભજવાવાની હતી જેમાં અનિલ ઉપાધ્યાય નામના અભિનેતા શિક્ષકના શોષણનો ભોગ બનેલા એક લૂઝર વિદ્યાર્થીની ભૂમિકા અદા કરવાના હતા.અમે બધા કલાકારો સાથે, બે ગાડીઓમાં વહેંચાઈ વાપી પહોંચ્યા હતા.અનિલભાઈ અમારી ગાડીમાં હતા.તેઓ ખાસ મળતાવડા નહોતા પણ એક જ ગાડીમાં આખો દિવસ તેમની સાથે પસાર કર્યો,એક જ નાનકડા મેક અપ રૂમમાં એક મેક સાથે વાતચીતનો વ્યવહાર થયો. તેમનો અભિનય અવ્વલ દરજ્જાનો રહ્યો અને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.અમે બધાએ સાથે હોટલમાં ડિનર લીધું.વાપીથી પરત આવ્યા બાદ બીજા દિવસે સતીશભાઈ પાસેથી પેમેન્ટ લેવાનું હતું ત્યારે પણ હું,અમારા સહકલાકાર શરદ શાહ અને સતીશભાઈ અનિલભાઈને મળ્યા.તેઓ ખૂબ મૂડમાં પણ હતા.(કદાચ એકાદ પેગ લગાવ્યો હશે) થોડી ઘણી શાયરીઓ બોલી સતીશભાઈને કહ્યું મારે આવી તો ઘણી સાહિત્યીક ચીજોનું આદાનપ્રદાન કરવાનું છે અને ત્રીજેજ દિવસે મને શરદભાઈનો એસ.એમ.એસ આવ્યો કે અનિલ ઉપાધ્યાયનું અચાનક હાર્ટ-ફેલ થવાને કારણે મૃત્યુ થયું છે.આઘાત જનક સમાચાર હતાં.અમને સૌ સહકલાકારોને જબરો આંચકો લાગ્યો.

ઉપર મારા નાની લીલાબાના મૃત્યુની વાત કરી તેમની અંત્યક્રિયા વખતે સ્મશાનમાં બાજુમાં એક મારા જેવડા જ જુવાનજોધ યુવકની ઠાઠડી આવી.બસમાં પ્રવાસ કરતા કરતા અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો.

આવા તો આક્સ્મિક મૃત્યુના અનેક કિસ્સાઓ સાંભળવા મળશે.પણ આ બ્લોગથકી એટલું જ ચર્ચવાનું કે મૃત્યુ અફર છે અને ગમે ત્યારે ત્રાટકી શકે છે આથી એક અતિ મહ્ત્વની વ્યવહારિક વાત - આપણાં જીવન નો કોઈ ભરોસો નથી આથી આપણે થોડો ભવિષ્યનો વિચાર કરી આપણા પર આશ્રિત વ્યક્તિઓનું જીવન આપણી ગેરહાજરીમાં પણ વ્યવસ્થિત અને સુખદ જ બની રહે તે સુનિશ્ચિત આપણે કરી લેવું જોઈએ.અર્થાત આપણે સારી જગાએ પૈસાનું રોકાણ કરી રાખવું જોઈએ,લાઈફ ઇન્સ્યુરન્સના યોગ્ય પ્લાનમાં રોકાણ કરતા રહેવું જોઈએ.પત્ની અને સંતાનોને તેઓ પોતાના પગ પર ઉભા રહી શકે, જગતનો અને જીવનમાં આવનારી મુશ્કેલીઓનો તેઓ સામનો કરી શકે એ માટે તેમને હોંશિયાર બનાવવા જોઈએ.

અને બીજું આપણે પ્રત્યેક ક્ષણને એ રીતે જીવવી જોઈએ કે આ ક્ષણ જાણે આપણી છેલ્લી ક્ષણ ન બની રહેવાની હોય.કોઈ સાથે શત્રુતા ન બાંધવી જોઈએ.આપણા સગાસ્નેહી અને મિત્રોને ભરપૂર પ્રેમ આપવો જોઈએ.સ્વપ્નો જોવા જોઈએ અને તેમને પૂરા કરવા મચી પડવું જોઈએ.પેલું એક સરસ ભજન છે ને : 'કાલ કોણે દીઠી છે...'

No comments:

Post a Comment