ગયા ફેબ્રુઆરી મહિનામાં આયુષ્યના ૫૦ વર્ષ પૂરા કરી 'વન પ્રવેશ' કર્યો. નિયમિત યોગ, સમુદ્ર કિનારે રોજ ચાલવું, સાદો ખોરાક, પૂરતી ઊંઘ, શાંત જીવન , આધ્યાત્મિક વાંચન - આ બધી દિનચર્યાને કારણે એક ભ્રમ ઉભો થયો હતો કે કોરોના મને નહિ અડી શકે. કોરોના સામે લડવાનાં મારા પોતાના ઉપાય - અખતરા કરતો રહ્યો. મિત્રો અને શુભેચ્છકોની સલાહ અવગણી મેં રસ્સી ન લીધી.
કોરોનાનો ભય હોવા છતાંય, એપ્રિલ 2021ની શરૂઆતમાં બેંકની ત્રણ શાખાઓમાં જઈને ઓડિટ પૂરું કર્યું. મે મહિનાની પાંચમી તારીખે દીકરીની સૂંઘવાની શકિત ગાયબ થઇ ગઈ. બીજા દિવસે કુટુંબના ચારે સભ્યોએ કોવિડ ટેસ્ટ કરાવી લીધો. મારો, પત્નીનો અને દીકરીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એક માત્ર ૧૩ વર્ષના દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તરત જ દીકરા
ને અમારા જૂના ઘરે મોકલી દીધો.
હવે કોરોના વિરૂદ્ધ અમારી લડાઈ શરુ થઈ. પત્ની અને દીકરીને ખાસ લક્ષણો દેખાયા નહિ, પરંતુ ડોકટરના કહેવા પ્રમાણે દવાઓ ચાલુ કરી. મને તાવ આવ્યો હતો, જે છ-સાત દિવસ પછી પણ ૯૯ થી ૧૦૦ ની વચ્ચે રહ્યા કરતો હતો. છાતીના HRCT Score અને CRP લેવલના આધારે મને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી.
શુભેચ્છકો તરફથી એવી સલાહ મળી કે પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમાં દાખલ થજે, કારણ માત્ર એટલું જ કે સરકારી હોસ્પિટલમાં દવા અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. અંધેરી-પૂર્વમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ થવાની ખાસ ભલામણ કરવામાં આવી હતી.
૧૩મી મે ની રાતે એડમિશન નિશ્ચિત થતા, એમ્બ્યુલન્સ માં એકલો હિન્દી ફિલ્મોના જૂના ગીતો ગણગણતો સેવન હિલ્સ હોસ્પિટલ પહોંચી ગયો. એમ્બ્યુલન્સમાંથી ઉતરતા જ સિક્યુરીટી સ્ટાફે હોસ્પિટલમાં રેજીસ્ટ્રેશન છે કે નહિ તે ચકાસી લીધું. કોઈ મોટા ઇવેન્ટમાં આવ્યો હોઉં એવો અહેસાસ થતો હતો. મારા જેવા અનેક કોવિડ દર્દીઓની સેવા માટે આખી ફોજ ઉભી હતી. એ દિવસે, યુદ્ધના સૈનિકો માટે જે આદર થાય, એવો જ આદર હોસ્પિટલના આ સેવકો માટે થયો કારણકે પોતાની જાનની પરવા કર્યા વિના તેઓ અમારી સેવા માટે ઉભા હતાં.
મારી પાસે રહેલ રોકડા, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સિક્યુરીટી પાસે જમા કરાવવા પડ્યા, હોસ્પિટલમાં ઉપર આ બધી વસ્તુ લઇ જવાની પરવાનગી ન હતી. આધાર કાર્ડ, ફોર્મ અને બીજી વિગતો લીધા બાદ મને સાતમા માળે, બ્લોક નંબર ૧૫ માં એડમિશન આપવામાં આવ્યું. એક રૂમમાં ચાર પલંગો હતા. રાતે ૧૦ વાગે મારા પલંગ પર પહોંચતા જ મને રાત્રિ જમણ માટે વિનંતી કરવામાં આવી, પરંતુ હું જમીને આવ્યો હોવાથી મેં ના પાડી.
બીજે દિવસે લગભગ બધી ટેસ્ટ કરી લેવામાં આવી અને રિપોર્ટના આધારે દવાઓ નક્કી કરી લેવામાં આવી. સવારથી ચા, નાસ્તો, બપોર નું જમણ, સાંજની ચા, નાસ્તો, સૂપ, રાતનું જમણ અને રાતે દૂધ આપવામાં આવતું હતું. ખરું કહું તો પાણી માંગો તો દૂધ મળે એવી વ્યવસ્થા હતી. મીનરલ વોટરની અડધા લિટરની બાટલીઓ જથ્થામાં સહુની રૂમની બહાર રાખવામાં આવી હતી. કોઈ જ નિયંત્રણ નહીં.
ડૉક્ટર, નર્સ અને સહાયકો સહુનો ગંભીર વાતાવરણમાં પણ હસમુખો ચહેરો, ના કોઈ અપેક્ષા, માત્ર સેવા.
મારા ધાર્યા પ્રમાણે સહુની વય ૨૦ થી ૩૦ વર્ષ હતી. ક્યારેય કોઈ નર્સ કે સહાયકે કોઈ દર્દી સાથે ઉંચા અવાજે વાત નહોતી કરી. દર્દીઓને હોસ્પિટલના પેસેજમાં ફરવાની છૂટ હતી. કોઈ બંધન નહિ, દર્દી ચાહે ત્યારે પોતાની રૂમમાંથી બહાર નીકળી શકતો .
એક દર્દીએ ખાવાનું નહિ ખાવાની જીદ પકડી ત્યારે, એક સેવિકાએ પોતાના હાથેથી દર્દીને જમાડ્યો. ત્યારે મને થયું કે આવા સંજોગોમાં પણ સેવિકા પોતાની જાતની ફિકર કર્યા વિના, દર્દી ભૂખ્યો ના રહે તેનું ધ્યાન રાખતી હતી. મને વિચાર આવ્યો કે કદાચ આ જ કારણ હશે નર્સ મોટે ભાગે સ્ત્રી જ હોવાનું. માનવતાનો ઉત્તમ અનુભવ થયો.
સેવક પાસેથી જાણવા મળ્યું કે BMC ના કુલ ૧૮૦૦ પલંગો હોસ્પિટલના ત્રીજા થી છઠ્ઠા માળ સુધી ફેલાયલા છે. મેં જોયું કે અમારા વોર્ડના કુલ ૪૫ દર્દીઓમાંથી રોજ સાત થી આઠ દર્દીઓને ઘરે જવાની પરવાનગી આપવામાં આવતી હતી. દર્દીઓ સાજા થઇ રાજી ખુશીથી ઘરે જવા નીકળતા હતા.
મારી દવાનો ડોઝ પૂરો કર્યા પછી મને પણ સલાહ સૂચન સાથે રજા આપવામાં આવી. રજા મળ્યા પછી BMC દ્વારા ફ્રી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી.(ટોલ ફ્રી નંબર:૧૮૦૦૧૨૦૯૯૭૪)
સાત દિવસનું હોસ્પિટલ રોકાણ,ડોક્ટર,નર્સ અને સેવકોએ આપેલી ઉત્તમ સેવા , વિવિધ રિપોર્ટ, દવાઓ , જમવાનું આદિ ખર્ચ છતાં હોસ્પિટલે મારી ચિકિત્સા વિનામૂલ્યે કરી. સાવ મફત કે જેનો હું હક્કદાર નથી. પણ પછી સમજાયું કે આ મફત નથી, સરકારે આપણને આપેલું કર્જ છે જે આપણે આપણી રીતે આજુબાજુના જરૂરિયાત વાળા લોકો, હોસ્પિટલના કર્મચારીઓ વગેરેને મદદ કરીને ઉતારવાનું છે.
સ્વાભાવિક રીતે આપણે હંમેશા સરકારી નેતાઓ અને સરકારી બાબુઓની ટીકા જ કરીએ છીએ. પણ સેવન હિલ્સ હોસ્પિટલના મારા આ અનુભવથી કહી શકું કે આટલી સફળ રીતે વ્યવસ્થા કરવામાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મહાપૌર, ધારાસભ્યો, વિધાનસભ્યો, નગરસેવકની દીર્ઘદ્રષ્ટિ અને ડોક્ટર્સ, નર્સ, સેવકો સહુનો મોટો ભાગ - ભોગ છે.
કોવિડ દર્દીઓ માટે સેવન હિલ્સ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવા અને ત્યાં સેવા આપનાર સહુને મારા શત શત પ્રણામ!
- રૂપેશ કજારિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો