Translate

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...

    આજે મધર્સ ડે છે. માતાનો મહિમા કરવાનો દિવસ... આ દિવસની સર્વે માતાઓને હ્રદયપૂર્વક ની શુભેચ્છાઓ!!!

જો કે માતાની કદર કંઈ એક દિવસ પૂરતી જ ન કરવાની હોય. જેમ આજની બ્લોગપોસ્ટના શિર્ષક  માટે જેની પ્રથમ પંક્તિનો ઉપયોગ કર્યો છે એવા કવિ શ્રી બોટાદકર રચિત અતિ પ્રખ્યાત કાવ્યમાં જેમ વાંચવા મળે છે તેમ જગ થી જુદી છે જેની જાત રે, તેવી માતાની કદર તો કરવા આખો જન્મારો ઓછો પડે. તેની મહિમા કરવા તો એક કાવ્ય તો શું આખું પુસ્તક પણ ઓછું પડે. આ કાવ્યમાં જ કવિ એ લખ્યું છે તેમ ગંગાના નીરમાં વધ - ઘટ થઈ શકે પણ માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો જ રહે છે. તેમ સંતાનની માતા પ્રત્યેની કાળજી, પ્રેમ, આદર વગેરેમાં પણ તસુ ભાર જેટલો ઘટાડો ન થવો જોઈએ. માતા પ્રત્યે સંતાને પણ મમતા સદાકાળ જાળવી રાખવી જોઈએ.

એક નાનકડી કથા વોટ્સ એપ પર વાંચી.

ભણવા માટે દૂર ગયેલા દિકરાએ માતાને પત્ર લખ્યો કે અહિં મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પણ પત્ર વાંચીને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું કારણ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુથી શાહી ખરડાયેલી હતી.

   અહીં તો જો કે મા માટે પુત્રની ખરી સ્થિતી કળી જવા નિશાની મોજૂદ હતી - ખરડાયેલી શાહી. હકીકતમાં આવી કોઈ નિશાની મોજૂદ ન હોય તો પણ કોઈ અકથ્ય, અદ્રશ્ય જોડાણ થી મા ને જાણ થઈ જ જતી હોય છે જ્યારે તેનું સંતાન મુશ્કેલીમાં હોય. આવે ટાણે મા એ કરેલી દુઆ અને પ્રાર્થનાને લીધે સાચે સંતાનની મુશ્કેલી દૂર થઈ ગયા ના વાસ્તવિક કિસ્સા નોંધાયા છે.

   સંતાન ખરાબ પાકે પણ મા ની મમતા તેના સંતાન પ્રત્યે ક્યારેય ઓછી થતી નથી. મધર ઈન્ડિયા ફિલ્મના અંતમાં નરગીસ જેમ તેના વંઠેલ પુત્રની હત્યા કરી નાંખે છે તેવું કદાચ ફિલ્મ માં જ બનતું હશે, બાકી હકીકતમાં તો ચોર ની મા ક્યારેય પોતાના ચોર પુત્ર ને પણ ચોર નહીં ગણાવે!

   મધર્સ ડે સૌ પ્રથમ વાર વર્ષ ૧૯૦૮માં અમેરિકા માં ઉજવાયો હતો. અન્ના જાર્વિસ નામની મહિલાએ તેની માતા એન રીસ જાર્વિસની સ્મૃતિમાં વેસ્ટ વર્જિનિયા ખાતે આવેલ સેન્ટ એન્ડ્રુસ્ મેથોડિસ્ટ ચર્ચમાં એક સ્મારક બંધાવ્યું હતું જે આજે આંતરરાષ્ટ્રીય મધર્સ ડેનું મંદિર બની ચૂક્યું છે. એન રીસ જાર્વિસ એક શાંતિ કાર્યકર્તા હતી. તેની પુત્રી અન્ના જાર્વિસનું સ્વપ્ન હતું કે તેની માતાની સ્મૃતિમાં અને આખા જગતની માતાઓનાં સન્માનમાં એક ખાસ દિવસ ઉજવાય અને ત્યારે જાહેર રજા પાળવામાં આવે. માતાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ અન્ના જાર્વિસનું આ સ્વપ્ન પૂર્ણ થયું. પછી તો જગત ભરમાં માતાનું સન્માન કરવા આ દિવસની ઉજવણી શરૂ થઈ. લંડનમાં આ દિવસ માર્ચ ના ચોથા રવિવારે તો ભારતમાં એ મે મહિના ના બીજા રવિવારે ઉજવાય છે. ગ્રીસમાં એ બીજી ફેબ્રુઆરી એ ઉજવાય છે.

   અત્યારે લોક ડાઉન જેવી સ્થિતીમાં તો તમને માતા સાથે મને - કમને મા સાથે રહેવાની તક મળી છે તો તેને માટે આજે કંઈક વિશેષ કરો! તેને ભેટ આપો, ભરપૂર વહાલ કરો, તેના માટે કંઈક બનાવો, તેની સાથે જુની યાદો વાગોળો અને આજનો દિવસ તેની સ્મૃતિમાં કાયમ રહી જાય એવી રીતે એ ઉજવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો