Translate

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

શોભાજી અને તેમની દીકરીની અનોખી લગ્ન કંકોત્રી

     શોભા એમનું નામ. રઘુનાથ એમના પતિ અને તેમને એક ની એક દીકરી જેનું નામ સ્વાતિ. જો કે શોભાજી એ તો સ્વાતિના ઘણાં પિતરાઈ ભાઈ બહેનોને પણ સ્વાતિ સાથે જ ઉછેર્યા છે - કોઈને અમુક મહિનાઓ સુધી તો કોઈકને પંદરેક વર્ષ જેટલાં લાંબા ગાળા સુધી.શોભાજીનું વ્યક્તિત્વ જ એટલું પ્રેમાળ અને આકર્ષક કે તેમની સાથે રહેવું બધાં ને ગમે! માત્ર માણસો ને જ નહીં, બિલાડીઓને પણ! મુંબઈ માહિમના માળા જેવા મકાનમાં જ્યાં તેઓ રહે છે, તેમણે અત્યાર સુધી ઘણી બધી બિલાડીઓ પાળી છે.

  શોભાજી સ્નાતક, તેમના પતિ પણ સ્નાતક અને સ્વાતિ અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક. 

ઘણાં વર્ષોથી શોભાજી પહેલાંથી દસમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતનું ટયુશન આપે છે. શોખ ખાતર. સમય પસાર કરવા ખાતર. એમાંથી કેટલાંક વિદ્યાર્થીઓ ફી ભરે અને કેટલાંક જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે કંઈ ના પણ આપે. 

  ભણાવવા સિવાય શોભાજીને ઊનની વસ્તુઓ બનાવવાનો અને કથીરમાંથી કંચન બનાવવાનો એટલે કે નકામી વસ્તુઓ, કચરામાંથી ઉપયોગી સુંદર વસ્તુઓ બનાવવાનો પણ શોખ. 

 મારી ઓળખાણ શોભાજી સાથે વોટ્સ એપ પરના 'નેચર વર્લ્ડ' ગ્રુપ પર થઈ. અમે બંને પ્રકૃતિને ખૂબ ચાહીએ. એટલે પ્રકૃતિ પ્રેમી અનેક સભ્યો ધરાવતા આ ગ્રુપ પર દસેક વર્ષ અગાઉ મળ્યાં બાદ આજે પણ અમે સંપર્કમાં રહીએ. અગાઉ એકાદ બ્લોગ લેખમાં મારી બારી બહારના ઉંબર ના ઝાડ વિશેની રસપ્રદ માહિતી મને શોભાજી એ જ આપી હતી. હું કે ગ્રુપનો અન્ય કોઈ પણ સભ્ય કોઈક નવું પક્ષી, પ્રાણી, જંતુ કે વનસ્પતિ જોઈએ અને તેનું નામ જાણવું હોય કે તેના વિશે માહિતી જોઈતી હોય તો તેનો ફોટો કે વર્ણન ગ્રુપ પર પોસ્ટ કરીએ એટલે તરત કોઈક નિષ્ણાત મેમ્બર તે પક્ષી, પ્રાણી, જંતુ કે વનસ્પતિ વિશેની માહિતી જવાબમાં મોકલી આપે. એ નિષ્ણાત લોકોની પેનલમાં એક અગ્રેસર સભ્ય એટલે શોભાજી! 

   પર્યાવરણ પ્રત્યે પ્રેમ સાથે જ તેની કાળજી અને જતન પણ શોભાજી એટલાં જ રાખે. પર્યાવરણ પ્રેમ, જાળવણી અને સંવર્ધન દાખવતી તેમની એક ચેષ્ટા મને એટલી ગમી ગઈ કે એની માહિતી તમારા સૌ સાથે શેર કરવા આજનો આ બ્લોગ લખ્યો છે. 

તેમની એકની એક દીકરી સ્વાતિના લગ્નની આમંત્રણ પત્રિકા તેમણે પરિવાર સાથે મળી હાથે તૈયાર કરી હતી. છે ને મજેદાર અને રસપ્રદ વાત? ચાલો વિગતે જણાવું. 

  આ લગ્ન તેઓ ખૂબ અંગત પરિવારજનો ને જ આમંત્રણ આપી સાદાઈથી ઉજવવા ઈચ્છતા હતા. તેમનું મિત્ર-વર્તુળ ખૂબ બહોળું હોવા છતાં તેઓ લગ્નમાં ઝાઝી ભીડ નહોતા ઈચ્છતા. કોરોના નો ઓછાયો ત્યાં સુધી સદનસીબે પડ્યો નહોતો! પણ તેઓ માને છે કે લગ્ન મૂળભૂત રીતે એક કૌટુંબિક પ્રસંગ છે અને તેમાં અંગત પરિવારજનોની હાજરી જ હોવી જોઈએ. 

તેઓ તમિળ બ્રાહ્મણ કુટુંબમાં ઉછર્યા હતા જેમાં જૂના જમાનામાં લગ્નો દિવસો સુધી ચાલતા. એ જમાનામાં જ્યારે વર વધૂ એ એકમેક ને જોયા પણ ન હોય! પણ અહીં તેમની પાંત્રીસ વર્ષની પુત્રી પરણવા જઈ રહી હતી તેના કરતાં ઉંમરમાં નાના એવા મલયાલી છોકરાને, જેને તે ચારેક વર્ષથી ઓળખતી હતી. આમ તો સ્વાતિ ની વિચાર ધારા એવી હતી કે તે લગ્ન પ્રથામાં માનતી જ નહોતી. પણ છેવટે વિનીત તેના જીવનમાં આવ્યો અને અંતે તેણે લગ્ન ગાંઠે બંધાવવા મન મનાવી જ લીધું. 

   લગ્નની તૈયારીઓ શરૂ થઈ. એક પણ એ. સી. હોલ ખાલી નહોતો ત્યારે એવી લગ્નોની મોસમ હતી. પણ વર્ષો પહેલાં ૧૯૭૬ માં જ્યાં શોભાજી પોતે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં એ હોલ તપાસ કરતાં ખાલી હોવાનું જણાયું અને એ બુક કરી લેવાયો. 

ઐયંગર કુટુંબની લગ્ન પ્રણાલિ મુજબ તો લગ્ન દિવસો સુધી ચાલે આથી શોભાજીના પરિવારે વિનીતના નાયર પરિવાર મુજબની લગ્ન રીત અનુસરવાનું નક્કી કર્યું. માત્ર દસ મિનીટમાં લગ્ન પૂરાં! ભપકાદાર સજાવટ માટે ફૂલો અને અન્ય વસ્તુઓનો બગાડ નહીં. સાદાઈથી લગ્ન. 

   આમંત્રિત મહેમાનો ખૂબ ઓછાં હોવાથી પહેલાં તેમણે વિચાર્યું હતું કે આમંત્રણ પત્રિકા સીડ પેપર (ઝાડછોડનાં બીજમાંથી બનાવેલ કાગળ) પર છપાવવી. મુંબઈના હોર્નિમાન સર્કલ પાસે આવા કાગળ ઘણી જાતના મળી રહે - ગલગોટા, તુલસી વગેરેના બીજ મિશ્રિત કાગળ. શોભાજી ઉત્સાહ ભેર એ લઈ તો આવ્યા અને નજીક માં એક જગા એ તેમણે આ કાગળ બરાબર માપ મુજબ કપાવી પણ રાખ્યાં. પણ હવે તેના પર છાપ કામ કરવા પ્રેસ શોધી ના જડી. એક જણ તૈયાર થયો આ ખાસ પ્રકારના કાગળ પર કંકોત્રી છાપવા, પણ તેણે શરત મૂકી કે બે જ રંગ નો છપાઈ માટે ઉપયોગ થઈ શકશે. સ્વાતિ અને શોભાજીને એ ન રૂચ્યું. સ્વાતિ ચિત્રકલામાં નિપુણ અને શોભાજીના અક્ષર સારા. આથી મા-દિકરીએ નક્કી કર્યું કે પોતે જ લગ્નની આમંત્રણ પત્રિકાઓ હાથે તૈયાર કરશે. 

ઓનલાઇન જઈ થોડી ઘણી આઈડિયા મેળવી અને જુદીજુદી ડિઝાઇનના ગણતરીના કાર્ડ પોતે જ તૈયાર કરી નાખ્યાં બંનેએ! મર્યાદિત પરિવારોને હાથોહાથ એ પત્રિકાઓ વહેંચી પણ આવ્યાં. 

દૂર વસતાં પરિવારજનોને વોટ્સ એપ પર આમંત્રિત કરી દીધાં. 







  સામાન્ય રીતે આપણને મળતી લગ્નની આમંત્રણ પત્રિકાઓ પસ્તી ભેગી કે કચરામાં જતી હોય છે. પણ શોભાજીએ હાથે તૈયાર કરેલાં કાર્ડ કૂંડામાં નાખો એટલે એમાંથી છોડ ઊગે અને પર્યાવરણ તમારા ઘરમાં પ્રવેશે, તેની તમને માયા બંધાય. આ હતો તેમનો શુભાશય. 

તેમણે ઘણી વાર મિત્રો અને પર્યાવરણ કાર્યકર્તાઓ સાથે ખાસ વિસ્તારોમાં જઈ પર્યાવરણ અંગે અને વૃક્ષારોપણ વિશે જાગૃતિ ફેલાવવાનું શુભ કાર્ય કર્યું છે. આસપાસનાં બાળકોને તે હજી પણ જીવન, પર્યાવરણમિત્ર બની કઈ રીતે જીવવું તે અંગે શીખવે છે. આ બાળકો એ ટિપ્સ તેમના જીવનમાં અનુસરે ત્યારે એ જોઈ શોભાજી ભારે આનંદ અને પરમ સંતોષની લાગણી અનુભવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો