ગઈ વખતનાં લોકડાઉન અને અનલોક વખતે સકારાત્મક સિત્તેર જેટલાં લેખોની લોકડાઉન ડાયરી લખી હતી. આ વખતે પણ લખવાની ઈચ્છા થઈ. વિચારો પણ ઘણા આવે છે પણ જ્યારે એ વિચારોને કલમ દ્વારા કાગળ પર ઉતારવા જાઉં છું ત્યારે અચાનક જ કલમની સ્યાહી આંસુ બની જાય છે. મારી આંખ સામે હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલન્સની લાંબી કતારમાં તડપતાં દર્દીઓ દેખાય છે. દવા અને ઇંજેક્શન માટે વલખાં મારતાં દર્દીઓનાં પરિવારજનો દેખાય છે. જે ઓક્સિજનની પ્રકૃતિએ છૂટે હાથે લહાણ કરી છે તે ઓક્સિજન માટે હૈયું કંપાવી દે એવાં તરફડિયાં મારતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અંગત સ્વજનોની ગેરહાજરીમાં જીવ છોડતાં અકળામણ અનૂભવતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. સ્મશાનની બહાર મૃતદેહોની લાંબી કતાર દેખાય છે. મૃત્યુના ભયને અવગણીને દવા, ઇંજેક્શન અને ઓક્સિજનની કાળાબજારી કરતાં લોકોનાં ચહેરા દેખાય છે. સતાની સાઠમારીમાં વ્યસ્ત નેતાઓ દેખાય છે. અત્યંત કફોડી સ્થિતિમાં જીવતાં લાખો ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં દયામણા ચહેરાઓ દેખાય છે. કામધંધા વગર બેકાર ફરતાં યુવાનોના નિસ્તેજ ચહેરા દેખાય છે. મારી આંખ બોઝિલ થઈ જાય છે. મારે રડી લેવું છે પણ થીજી ગયેલા આંસુઓ આંખમાંથી બહાર નથી આવતાં. મને ચીસ પાડવાનું મન થાય છે પણ
અવાજ નીકળતો નથી. ના, ના મારે પરાકાષ્ઠાએ પહોંચેલા કળિયુગ વિષે નથી લખવું. કંઈ જ નકારાત્મક લખવું નથી પણ સકારાત્મક લખું તો કઈ રીતે? આ ગાઢ અંધકારમાં જયોત પ્રગટાવવી તો કઈ રીતે?
જે જિંદગીને હું સો વર્ષ જીવવા માંગતો હતો. વૃદ્ધત્વને માણવા માંગતો હતો તે જિંદગી અચાનક જ કેમ નીરસ લાગવા માંડી? જીજીવિષા કેમ ઓસરી ગઈ? મોત કેમ વહાલું લાગવા માંડ્યું? કંઈક મોતનાં વિચારોમાં જ હું ઘરની બહાર નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘૂઘવતા સાગરની સામે આવીને
ઊભો રહ્યો. મારાં મનમાં પણ ન સહન કરી શકાય એવો વિચારોનો ઉત્પાત ચાલી રહ્યો હતો. મારી નિરાશા, મારી ઉદાસી વધુ ગહરી થાય તે પહેલાં
કોઈએ મારી સામે આવીને કહ્યું "પ્રણામ. આપ મને નહીં ઓળખતાં હોવ પણ આપનો મારાં પર એક બહુ મોટો ઉપકાર છે. ગયા વખતની આપની લોકડાઉન ડાયરીએ મને આપઘાતનાં માર્ગથી
પાછો વાળ્યો હતો. આ વખતે પણ ડાયરી ચાલુ કરો
ને? એમનો આભાર માની હું સડસડાટ ઘરે પાછો આવ્યો. કાગળ અને પેન હાથમાં લઈને હું વિચારવા લાગ્યો - હવે મારી આંખની સામે મૃત્યુના ભયને અવગણીને પંદર પંદર કલાક કામ કરતાં ભગવાન સ્વરૂપ ડોકટરોનાં ચહેરા હતાં. દેવી સ્વરૂપ નર્સોનાં
ચહેરા હતાં. કોઈ પણ જાતની સૂગ વગર દર્દીનાં
મળ-મૂત્ર અને ઉલટી સાફ કરતાં દેવદૂત સ્વરૂપ સ્વાસ્થ્યકર્મીઓનાં ચહેરા હતાં. મફતમાં ગરીબોને
અનાજ અને ફળનું વિતરણ કરતાં, મફતમાં ઓક્સિજન ભરી આપતાં, કોઈ પણ જાતના સંબંધ
વગર લાશની અંતિમક્રિયા કરતાં, સતત ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ, પોલીસ અને એવાં તો
કંઈક સેવાના સેંકડો ભેખધારી આત્માઓ જે
પરમાત્માનાં અંશ સ્વરૂપ છે તેમનાં ચહેરા હતાં. ગાઢ
અંધકારને પ્રગટાવતી જયોત મને જડી ગઈ. મેં લખવાનું ચાલુ કર્યું -
ઈશ્ચર, અમારા અક્ષમ્ય અપરાધોની સજારૂપ ચાલી
રહેલાં આ વિસર્જનનાં માહોલમાં પણ તેં તારૂં સર્જન ચાલુ જ રાખ્યું છે. હું પણ સકારાત્મક વિચારોની મારી લેખન શ્રેણી ચાલુ જ રાખીશ. આશાની જયોત સદૈવ પ્રજવલિત રાખીશ.
બસ, પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી.
— રોહિત ખીમચંદ કાપડિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો