Translate

લેબલ Blog ne zarookhe thee સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Blog ne zarookhe thee સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લોગ : આશા

      ગઈ વખતનાં લોકડાઉન અને અનલોક વખતે સકારાત્મક સિત્તેર જેટલાં લેખોની લોકડાઉન ડાયરી લખી હતી. આ વખતે પણ લખવાની ઈચ્છા થઈ. વિચારો પણ ઘણા આવે છે પણ જ્યારે એ વિચારોને કલમ દ્વારા કાગળ પર ઉતારવા જાઉં છું ત્યારે અચાનક જ કલમની સ્યાહી આંસુ બની જાય છે. મારી આંખ સામે હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલન્સની લાંબી કતારમાં તડપતાં દર્દીઓ દેખાય છે. દવા અને ઇંજેક્શન માટે વલખાં મારતાં દર્દીઓનાં પરિવારજનો દેખાય છે. જે ઓક્સિજનની પ્રકૃતિએ છૂટે હાથે લહાણ કરી છે તે ઓક્સિજન માટે હૈયું કંપાવી દે એવાં તરફડિયાં મારતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અંગત સ્વજનોની ગેરહાજરીમાં જીવ છોડતાં અકળામણ અનૂભવતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. સ્મશાનની બહાર મૃતદેહોની લાંબી કતાર દેખાય છે. મૃત્યુના ભયને અવગણીને દવા, ઇંજેક્શન અને ઓક્સિજનની કાળાબજારી કરતાં લોકોનાં ચહેરા દેખાય છે. સતાની સાઠમારીમાં વ્યસ્ત નેતાઓ દેખાય છે. અત્યંત કફોડી  સ્થિતિમાં જીવતાં લાખો ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં દયામણા ચહેરાઓ દેખાય છે. કામધંધા વગર બેકાર ફરતાં યુવાનોના નિસ્તેજ ચહેરા દેખાય છે. મારી આંખ બોઝિલ થઈ જાય છે. મારે રડી લેવું છે પણ થીજી ગયેલા આંસુઓ આંખમાંથી બહાર નથી આવતાં. મને ચીસ પાડવાનું મન થાય છે પણ

અવાજ નીકળતો નથી. ના, ના મારે પરાકાષ્ઠાએ પહોંચેલા કળિયુગ વિષે નથી લખવું. કંઈ જ નકારાત્મક લખવું નથી પણ સકારાત્મક લખું તો કઈ રીતે? આ ગાઢ અંધકારમાં જયોત પ્રગટાવવી તો કઈ રીતે?

         જે જિંદગીને હું સો વર્ષ જીવવા માંગતો હતો. વૃદ્ધત્વને માણવા માંગતો હતો તે જિંદગી અચાનક જ કેમ નીરસ લાગવા માંડી? જીજીવિષા કેમ ઓસરી ગઈ? મોત કેમ વહાલું લાગવા માંડ્યું? કંઈક મોતનાં વિચારોમાં જ હું ઘરની બહાર નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘૂઘવતા સાગરની સામે આવીને

ઊભો રહ્યો. મારાં મનમાં પણ ન સહન કરી શકાય એવો વિચારોનો ઉત્પાત ચાલી રહ્યો હતો. મારી નિરાશા, મારી ઉદાસી વધુ ગહરી થાય તે પહેલાં

કોઈએ મારી સામે આવીને કહ્યું "પ્રણામ. આપ મને નહીં ઓળખતાં હોવ પણ આપનો મારાં પર એક બહુ મોટો ઉપકાર છે. ગયા વખતની આપની લોકડાઉન ડાયરીએ મને આપઘાતનાં માર્ગથી

પાછો વાળ્યો હતો. આ વખતે પણ ડાયરી ચાલુ કરો

ને? એમનો આભાર માની હું સડસડાટ ઘરે પાછો આવ્યો. કાગળ અને પેન હાથમાં લઈને હું વિચારવા લાગ્યો - હવે મારી આંખની સામે મૃત્યુના ભયને અવગણીને પંદર પંદર કલાક કામ કરતાં ભગવાન સ્વરૂપ ડોકટરોનાં ચહેરા હતાં. દેવી સ્વરૂપ નર્સોનાં

ચહેરા હતાં. કોઈ પણ જાતની સૂગ વગર દર્દીનાં

મળ-મૂત્ર અને ઉલટી સાફ કરતાં દેવદૂત સ્વરૂપ સ્વાસ્થ્યકર્મીઓનાં ચહેરા હતાં. મફતમાં ગરીબોને

અનાજ અને ફળનું વિતરણ કરતાં, મફતમાં ઓક્સિજન ભરી આપતાં, કોઈ પણ જાતના સંબંધ

વગર લાશની અંતિમક્રિયા કરતાં, સતત ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ, પોલીસ અને એવાં તો

કંઈક સેવાના સેંકડો ભેખધારી આત્માઓ જે

પરમાત્માનાં અંશ સ્વરૂપ છે તેમનાં ચહેરા હતાં. ગાઢ

અંધકારને પ્રગટાવતી જયોત મને જડી ગઈ. મેં લખવાનું ચાલુ કર્યું -

ઈશ્ચર, અમારા અક્ષમ્ય અપરાધોની સજારૂપ ચાલી

રહેલાં આ વિસર્જનનાં માહોલમાં પણ તેં તારૂં સર્જન ચાલુ જ રાખ્યું છે. હું પણ સકારાત્મક વિચારોની મારી લેખન શ્રેણી ચાલુ જ રાખીશ. આશાની જયોત સદૈવ પ્રજવલિત રાખીશ. 

બસ, પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. 

   —     રોહિત ખીમચંદ કાપડિયા

મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

સાચો સુપર હીરો - મયૂર શેળકે

     "મયૂર શેળકે એ કોઈ કોશ્ચ્યૂમ નહોતું પહેર્યું કે નહોતો પહેર્યો કોઈ જાદુઈ તાકાત ધરાવતો કોટ પણ તેણે દાખવેલી હિંમત સૌથી તાકાતવાન એવા કોઈ ફિલ્મી સુપરહીરો કરતાં પણ અનેક ગણી વધુ છે. અત્યારના મુશ્કેલી ભર્યા સમયમાં મયૂરે આપણને સૌને શીખવ્યું છે કે આપણે આપણી આસપાસ જ નજર દોડાવવાની છે અને આપણને તેના જેવા લોકોમાંથી આ જગતને એક બહેતર જગા બનાવવાની પ્રેરણા મળી રહેશે." - આ શબ્દો છે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાના, જે તેમણે એક ટ્વીટ દ્વારા શેર કર્યા છે ચાર દિવસ પહેલા.

   ચારેકોર નકારાત્મકતા અને ભયના સામ્રાજ્ય વચ્ચે સાચી માનવતાના દર્શન કરાવતી એક સુખદ ઘટના અઠવાડિયા પહેલા ઘટી. તેની વાત આજના બ્લોગ લેખ થકી કરવી છે.

    સેન્ટ્રલ રેલવેના માથેરાન પાસે આવેલા વાંગણી સ્ટેશન પર આ દિલધડક, હ્રદયંગમ અને પ્રેરણાદાયી ઘટના સત્તરમી એપ્રિલની સાંજે પાંચેક વાગે બની. પૂરપાટ ઝડપે આવતી એક્સપ્રેસ ટ્રેનને સિગ્નલ આપવા રેલવે ટ્રેક પર ઉભેલા પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતા મયૂર શેળકે નામના યુવાને જોયું કે એક અંધ મા નો પાંચ - છ વર્ષનો દીકરો અચાનક રેલવે પ્લેટફોર્મ પરથી નીચે પડી જાય છે અને ટ્રેન તેનાથી સાવ નજીવા અંતરે છે અને કાળની જેમ તેની દિશામાં ધસી રહી છે. મયૂર પાસે વિચારવાનો સમય જ નથી, આથી તે બાળકને બચાવવા સામેથી ધસમસતી ટ્રેન સામે દોડે છે. એક સ્પ્લીટ સેકંડ માટે તેને એવો વિચાર પણ સ્પર્શી જાય છે કે આમા તો એ પોતે મરી જશે... પણ આ વિચાર આવ્યો તેના કરતાં પણ વધુ ઝડપે ધસમસતી ટ્રેન તેને એ વિચાર ઉડાડી દેવા મજબૂર કરી દે છે, માનવતા જીતી જાય છે. મયૂરની આ દ્વિધા રેલવે પ્લેટફોર્મ પર રહેલા કેમેરામાં આબાદ ઝિલાઈ છે, તેના માનવતા મહેકાવતા આ ઉદાત્ત પરાક્રમને પણ રેકોર્ડ કરતી વખતે. પેલા સ્વાર્થી, પોતાનો જીવ બચાવવાનો માર્ગ સૂઝવતા વિચારનો ઘડીના છઠ્ઠા ભાગમાં છેદ ઉડાડી મયુર ફરી બાજુમાં ખસી જવા કે બીજી બાજુ કૂદી પડવાને બદલે ટ્રેનની કે કહો કે મોતની સામે દોડે છે, બાળકને ઉપાડી પ્લેટફોર્મ પર મૂકે છે અને પોતે પણ પ્લેટફોર્મ પર ચડી જાય છે અને એ પછીની માત્ર ગણતરીની પળોમાં પેલી વાયુ વેગે ધસી આવતી ટ્રેન મયુર, પેલા બાળક અને તેની અંધ મા ની સાવ નજીકથી પસાર થઈ જાય છે.

આ અતિ રોમાંચક, સાહસી વિડિયો મેં જ્યારે યૂટ્યુબ પર જોયો ત્યારે મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયા. હ્રદયમાં ઊંડે ઊંડે તેની આ અતિ મહાન, માનવતા છલકતી ચેષ્ટા સ્પર્શી ગઈ. જેને ઓળખતા પણ ન હોઇએ એવી વ્યક્તિ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેવાની હરકત કોઈ અસાધારણ માનવી જ કરી શકે!

   આપણાં સૌ માં બે જણ વાસ કરતા હોય છે - એક સારો જણ અને એક ખરાબ જણ. સતત આપણે સૌ આ આપણી અંદર વસતા બંને જણની વચ્ચેનું યુધ્ધ સાક્ષી ભાવે જોતા - અનુભવતા હોઈએ છીએ. ક્યારેક પેલો ખરાબ જણ જીતી જતો હોય છે તો ક્યારેક સારો જણ. મયૂરના ઉપરોક્ત વર્ણવેલા કિસ્સામાં તેની અંદર વસતાં સારા જણની જીત થઈ અને તે પેલી અંધ મા ના દીકરાનો મસીહા બની ગયો. તેના આ સાહસથી છલકતા મર્દાનગી ભર્યા કૃત્યના ભારોભાર વખાણ થયાં. રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પર આ કિસ્સો ચર્ચી મયુરને બિરદાવ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોતે ફોન કરી મયુરની પીઠ થાબડી. સેન્ટ્રલ રેલવેએ તેને પચાસ હજાર રૂપિયાનું ઈનામ આપ્યું અને સાહેબ આ મહા માનવની માનવતા જુઓ! આ રકમમાંથી અડધી રકમ તેણે પેલા ગરીબ બાળકને આપી દીધી જેનો જીવ તેણે બચાવ્યો હતો! મયુર પોતે પણ કંઈ ગર્ભ શ્રીમંત વ્યક્તિ નથી, પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતો એક સાધારણ આર્થિક સ્થિતી ધરાવતો મહારાષ્ટ્રીયન યુવાન છે. પણ તેની વિચારધારાએ તેને મહા માનવ બનાવી દીધો છે. પહેલા જીવ બચાવ્યો અને પછી પોતાને મળેલા ઈનામમાંથી અડધી રકમ એક અંધ મા ના બાળક ના ભવિષ્ય - ભણતર માટે આપી દેવી આ ઉમદા કાર્ય માટે સોનાનું હ્રદય જોઈએ. આવું માનવતા ભર્યું ઉચ્ચ કાર્ય દેવદૂત જ કરી શકે. મયૂર શેળકે ખરેખર એક દેવદૂત છે. તેને લાખો સલામ!

    મહિન્દ્રાના જાવા બાઈક યુનિટે મયૂર શેળકેને એક બાઈક ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. આ બહાદુરી ભર્યા કિસ્સાની વિગતો અને વિડિયો વાઈરલ થયા બાદ મયૂર પર પ્રશંસા અને ઈનામો નો વરસાદ વરસ્યો છે. પણ મને ખાત્રી છે કે એનાથી મયૂર ચલાયમાન થશે નહીં, બલ્કે ઓર વધુ સારા કાર્યો કરશે.


અમી સ્પંદન

સંકલન એટલે સારી સારી કૃતિઓ ભેગી કરી તેનો તૈયાર કરેલો ગુલદસ્તો. એક ફૂલનું પોતાનું આગવું સૌદર્ય હોય તો ગુલદસ્તામાં આવા અનેક સુંદર ફૂલો ભેગા હાજર હોય! કાવ્ય, પ્રાર્થના /ભજન, બાળકાવ્ય, દેશભક્તિ ગીત, ગરબા /રાસ, દુહા /સુભાષિત અને આરતી એવા સાત સાહિત્ય પ્રકારોની સવાસોથી વધુ કવિઓની નીવડેલી સવા સાતસો જેટલી જૂની - નવી રચનાઓનાં અપૂર્વ સંગ્રહ સમાન એક સુંદર પુસ્તક 'અમી સ્પંદન' થોડાં સમય અગાઉ ભેટમાં મળ્યું. સ્વ. પ્રવિણચંદ્ર ચુનીલાલ દવે આ પુસ્તકના સંકલન કર્તા. સન ૧૯૫૦માં પાંચ વર્ષની વયે ઉઘાડે પગે ને પહેરેલે કપડે તેમના જ્યેષ્ઠ બંધુ સાથે અભ્યાસાર્થે મુંબઈ આવ્યા અને પછી તો નસીબ તેમને ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા પણ લઈ ગયું. સત્તાવીસ વર્ષની ઉંમરે વિદેશમાં નોકરીનો પણ અનુભવ લીધા બાદ ભારત પરત ફર્યા અને અહીં સ્થાયી થયા. સાહિત્ય પ્રત્યેની અદમ્ય લાગણીને લઈને ૧૯૯૩થી અમી સ્પંદનના સંકલનનું કાર્ય હાથ ધર્યું અને અનેક વિટંબણાઓ વટાવી છેક જાન્યુઆરી, ૨૦૦૧માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. જો કે પછી તો આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે અત્યાર સુધી તેનું ૨૮૦૦૦ કરતાં વધુ પ્રત સાથે સત્તર વાર પુનઃ મુદ્રણ થઈ ચૂક્યું છે.

    આ પુસ્તકનું મુખપૃષ્ઠ અતિ કલાત્મક અને આકર્ષક છે. તેના ઉપરના ભાગમાં છ રાગિણીઓનું કોલાજ છે જેમાં રાગ હિંડોળ, દિપક, કુમકુમ, મેઘમલ્હાર, વસંત તથા ગોડકરી છે. ગીત /સંગીતને પ્રદર્શિત કરવાનો આ ભારતીય અભિગમ છે. કોલાજ ચિત્રની નીચેના ભાગમાં પિઆનોની સાત ચાવીઓનું સપ્તક છે. આ સપ્તકના માધ્યમથી અમીસ્પંદનમાં સામેલ કરવામાં આવેલ સાત જુદા જુદા વિભાગોને વાચા આપી છે. પિઆનો પશ્ચિમી ગીત /સંગીતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ પૂર્વ - પશ્ચિમની એકરૂપતા અભિપ્રેત છે. એકવીસમી સદીમાં પૂર્વની પદ્યરચનાઓ પશ્ચિમી વાદ્યો દ્વારા ગુંજી ઉઠે એ ભાવના સાંકળવાનો સંકલનકર્તાનો નમ્ર પ્રયાસ છે.

   આ પુસ્તક સંકલન કર્તા માટે અતિ ખાસ રહ્યું હશે કારણ તેમાં તેમની આઠેક વર્ષના અથાગ પરિશ્રમનો સમન્વય છે. તેમણે એ તેમની સ્વર્ગસ્થ પુત્રી અમી ને અર્પણ કર્યું છે જેણે તેમના જીવનને કિલ્લોલમય કર્યું અને અકળ કારણોસર કિશોરાવસ્થા માં જ જીવન સંકોરી લીધું હતું. અમી ના નામ ને જ એટલે એમણે પુસ્તકના શિર્ષકમાં પણ સમાવિષ્ટ કર્યું છે.

   વર્ષ ૨૦૦૭માં દિવાળીમાં ભેટ આપવા લાયક    ૧૦૦ પુસ્તકોમાં અમી સ્પંદનનો સમાવેશ થયો હતો. પુસ્તકથી શ્રેષ્ઠ ભેટ બીજી કઈ હોઈ શકે? ઘણાં લોકો સ્વજન ગુમાવ્યા બાદ, તેની સ્મૃતિમાં પણ સારા પુસ્તકની લહાણી કરે છે જે એક આવકાર દાયક બાબત છે. મને લાગે છે અમી સ્પંદન પણ ઘણાં લોકો દ્વારા આ રીતે સ્વજનો અને પરિવારજનો સાથે વહેંચાયું હશે.

   સ્વ. કવિ શ્રી મકરંદ દવે એ પ્રથમ આવૃત્તિ વેળાએ અમી સ્પંદનને આનંદ સાથે આવકાર્યું હતું આ શબ્દોમાં : આપણે ત્યાં એવી રચનાઓ છે જે કાવ્યત્વથી સભર હોય પણ ગેયતાને નામે એમાં લયનો મરોડ ન હોય. અને ગેયતા સુગમ હોય ત્યાં કાવ્યત્વની ઉણપ વર્તાઈ આવે જેની સામે સાક્ષર વર્ગ અને સામાન્ય જનતાને ભાવે એવી વાનગી પીરસવાની દૃષ્ટિ છે. તેનું કાર્ય કઠિન બની જાય છે. ઊંડો કવિતા પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઈ શકે. પ્રવીણચંદ્ર ભાઈ નું સહસ્ત્ર વીણા ના તાર છેડવાનું પ્રાવીણ્ય આપણને સૌને એમાં વધુ સ્પંદનો ઝીલવાની પ્રેરણા આપે એવી શુભેચ્છા પાઠવું છું. દરેક કવિની એકાદ રચના આપીને એવી બીજી રચનાઓ વાંચવાની ભૂખ ઊઘડે એવી ભાવના પણ આ સંગ્રહમાં જોવા મળે છે. પુસ્તકોની અપૂર્ણ સંદર્ભ સૂચિ તરફ નજર કરતાં જ ખ્યાલ આવે છે કે કેટકેટલી નદીઓનાં પાણીથી તેમણે આ મંગળ કુંભ ભર્યો છે! આ સંગ્રહમાંથી ખોબલે જળપાન કરી મૂળ સ્ત્રોત ભણી યાત્રા કરવાની વાચકને પ્રેરણા મળશે તો સંકલનકર્તાએ પ્રસ્તાવના માં જે કલ્યાણકારી ભાવના સેવી છે તે ફળીભૂત થશે.

    પ્રિયકાંત મણિયારનું 'આ નભ ઝૂકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે...' , ઈંદુલાલ ગાંધીનાં આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ, ઉમાશંકર જોશીનું ગીત અમે ગોત્યું ગોત્યું, જયંત પાઠકનું દીકરીના લગ્ન પછી ઘરમાં, કલાપીનું ગ્રામ્યમાતા, સ્નેહરશ્મિ ના હાઈકુ વગેરે જેવા ગુજરાતી માધ્યમમાં શાળાજીવનમાં બાલભારતીમાં ભણેલા અનેક કાવ્યો અમી સ્પંદન માં વાંચવા મળ્યાં ત્યારે જાણે શૈશવ ની ગલીઓમાં ફરી ભમવાની એક તક સાંપડી! આવા તો સવાસો થી વધુ કાવ્યો અહીં સમાવિષ્ટ છે. કૃષ્ણ દવે, સ્વ સુરેશ દલાલ વગેરે કવિઓની અદ્યતન કવિતાઓ પણ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે તો બાળકાવ્ય વિભાગમાં તો અમેરિકન લોકગીત પણ મોજૂદ છે. શાળા જીવનમાં ગાયેલાં- સાંભળેલાં આઓ બચ્ચો તુમ્હે.., તૈયાર થઈ જજો, વિજયી વિશ્વ તિરંગા, સારે જહાં સે અચ્છા.., હમ હોંગે કામયાબ... જેવાં દેશ ભક્તિ ગીતો અને ૐ તત્સત્, અખિલ બ્રહ્માંડમાં..., એક જ દે ચિનગારી... વગેરે પ્રાર્થનાઓ પણ વાંચી મન પુલકિત થઈ જાય! પ્રખ્યાત ગુજરાતી ગરબા અને આરતીના શબ્દો વાંચવાનું મન થાય તો એ અમી સ્પંદનમાં મળી રહેશે.

  અમી સ્પંદનના સર્જકના પુત્ર પિનાકિનભાઈ દવે નો આટલી સુંદર અનોખી ભેટ મને આપવા બદલ આભાર! ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ધરાવતાં અને કાવ્યો - ગીતોમાં રસ ધરાવતાં સૌ કોઈ માટે આ પુસ્તક એક શ્રેષ્ઠ ભેટ સાબિત થશે.


રવિવાર, 11 એપ્રિલ, 2021

તમારો ખોરાક પોતાને ઘેર ઉગાડો

     હર્ષ વૈદ્ય એક અર્બન ઓર્ગેનિક ફાર્મર છે એટલે કે શહેરમાં વસતો પોતાનો ખોરાક પોતે અદ્યતન રીતે ખેતી કરી પકવતો યુવાન. વૃંદાવન ઓર્ગેનિક ફાર્મ્સ નામની સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ડાઇરેક્ટર એવા યુવા ઉદ્યોગ સાહસિક યુવાન ટ્રી બોક્સ અને પલક નામના સામાજિક પ્રોજેક્ટ પણ ચલાવે છે અને મારા તમારા જેવા હજારો શહેરીજનોને ઘેર બેઠાં ખેતી કઈ રીતે કરી શકાય અને ઘેર પોતાના શાકભાજી ઉગાડી તાજો, શુદ્ધ ખોરાક પ્રાપ્ત કરી શકાય તે શીખવે છે.

     એકાદ વર્ષ પહેલાં હર્ષે  ટેડ-એક્સ જુહુ ઈવેન્ટમાં પોતે પોતાનો ખોરાક પોતાને ઘેર કઈ રીતે ઉગાડી શકાય તે સમજાવતું વક્તવ્ય આપ્યું હતું તેનો વિડિયો યુ ટ્યૂબ પર જોયો અને તેનો સાર આજે બ્લોગમાં રજૂ કર્યો છે
     
હર્ષ જણાવે છે કે ખેડૂતો આજે ગામડે થી શહેરો તરફ વળ્યા છે અને ખેડૂતોની વર્તમાન પેઢીએ રોજગારી અને નોકરી માટે નવી દિશાઓ તરફ નજર દોડાવવાની શરૂઆત કરી છે. આથી તેમને શહેરી ખેડૂત બનવાનો વિચાર આવ્યો. જો બધાં ખેડૂતો ખેતી છોડી શહેરો ભણી કૂચ કરશે તો આગામી દાયકામાં ભારતીય પરંપરાગત ખેતી નાશ પામશે. પછી ખેતી કરશે કોણ? આપણાં માટે ખોરાક ઉગાડશે કોણ?
 
હર્ષ કહે છે કે આથી આપણે સૌ પોતાનો ખોરાક પોતે પેદા કરવાનો વિચાર અમલમાં મૂકવો જોઈએ. સરળ છે. હર્ષ જણાવે છે કે આપણે બાબતે આત્મનિર્ભર બનવું જોઈએ, આખા વિશ્વ અને પર્યાવરણ માટે નહીં તો, પોતાને અને પોતાના પરિવાર માટે તો અંગે વિચારી જવાબદાર નાગરિક બનવું જોઈએ અને પોતાના ઘેર કિચન ગાર્ડન વિકસાવવું જોઈએ.
પહેલો પ્રશ્ન તો થાય કે શહેરમાં જ્યાં રહેવા માટે પૂરતી જગાનો અભાવ હોય છે ત્યાં વળી ખેતી ક્યાં કરવી, નાનકડાં ઘરમાં ગાર્ડન ક્યાં બનાવવું? શું ઉગાડવું? કઈ રીતે ઉગાડવું?
હર્ષ જણાવે છે કે શહેરમાં મોટા ભાગના લોકો બિલ્ડીંગમાં રહે છે અને દરેક બિલ્ડીંગમાં હજારેક ચોરસ ફૂટની ટેરેસ (અગાશી) તો હોય છે . આટલી જગામાં વીસેક પરિવારો માટે જરૂરી ખોરાક ઉગાડી શકાય છે. હર્ષ કહે છે કે શહેરમાં પ્રદૂષણ ઘણું હોય છે બાબત અહીં 'બ્લેસિંગ ઈન ડિસગાઈસ' સમાન સાબિત થાય છે એટલે કે અહીંની હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘણું વધારે હોય છે જે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે એટલે અહીં વનસ્પતિ ઘણી સારી રીતે ઉગી શકે છે. હર્ષ જણાવે છે કે સરકાર વર્ષ ૨૦૩૪ સુધીમાં એવો કાયદો લાવવાની છે કે દરેક બિલ્ડીંગમાં ટેરેસ ગાર્ડન બનાવવાનું ફરજિયાત હશે. આપણાં માટે પીરસેલી થાળીમાં તૈયાર ભાણે જમવા બેસવા જેવી વાત છે.
  
પોતાનો ખોરાક કઈ રીતે ઉગાડવો વિશે હર્ષ કહે છે કે જેમનામાંથી આપણી ઉત્ક્રાંતિ થઈ એવા આપણાં પૂર્વજોએ ગૂગલ કે અત્યારે પ્રાપ્ય એવી કોઈ સુવિધા વગર ખેતી કઈ રીતે કરવી તે શોધી કાઢ્યું હતું. આજે તો આપણી પાસે માહિતી અને સુવિધાઓનો ખજાનો છે! હર્ષ કહે છે આપણે પહેલા ધોરણથી ઝાડ છોડ વિશે, તે કઈ રીતે ઉગે છે બધું વિજ્ઞાન વિષયમાં ભણ્યા છીએ. આપણને ખબર છે કે વનસ્પતિ ઉગવા માટે માટી, હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર છે અને જે આપણી આસપાસ ભરપૂર માત્રામાં પ્રાપ્ય છે. માત્ર આપણે ધ્યાન પૂર્વક અંગે ક્યારેય વિચાર્યું નથી. સરકારે સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવાનો નિયમ બનાવ્યો છે અને ઘણી સોસાયટીઓમાં રીતે અલગ કરેલા ભીના કચરા માંથી ખાતર બનાવવામાં આવે છે. જરૂર છે વસ્તુ બધાં અમલમાં મૂકવાની અને રીતે તૈયાર થયેલ ખાતર ટેરેસ પર લઈ જઈ તેનો ઉપયોગ ટેરેસ ગાર્ડનમાં કરવા માંડવાની. ઘણું સરળ છે.
હવે જોઈએ શું ઉગાડવું? મીશીગન યુનિવર્સિટીમાં એક રિસર્ચ પેપર રજૂ થયું છે જે જણાવે છે કે શહેરોમાં પ્રાપ્ય ખોરાકમાંથી કયા પદાર્થો સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક છે. પાલક, કોથમીર અને મેથી. પદાર્થો આપણાં રોજબરોજ ના ખાવામાં મોટા પ્રમાણમાં હાજર હોય છે પણ શહેરોમાં તે રેલવેના પાટાની બાજુમાં રહેલી જમીન પર ઉગાડવામાં આવે છે, તેને મનુષ્યના મળમૂત્રનું ખાતર મળે છે અને પાણી? ગટર અને નાળાનાં પાણી દ્વારા તે વિકસાવાય છે અને એમાં ધોઈ તે આપણાં સુધી પહોંચાડાય છે. આવો ઝેરી ખોરાક આપણે વર્ષોથી આપણાં પેટમાં પધરાવતા આવ્યાં છીએ, આપણે આપણાં માંદા માતાપિતાને ખવડાવતાં આવ્યાં છીએ, આપણે આપણાં સંતાનોને ખવડાવતાં આવ્યાં છીએ. તો પછી શા માટે આપણે પાલક, કોથમીર અને મેથી જેવા પદાર્થો આપણાં ઘેર ના ઉગાડીએ, પોતાને અને પોતાના પરિવાર માટે?
 
આજે તો ખેતી કરવા માટે કેટકેટલી આધુનિક પદ્ધતિઓ પ્રાપ્ય છે. હાઈડ્રોપોનિકસ, એરોપોનિકસ, એલ. . ડી. લાઇટ નીચે છોડ ઉગાડવા, બંધ ઓરડામાં ખેતી વગેરે વગેરે. ઈંટ લાવી તેની પાળ બનાવી, તેની વચ્ચે માટી પાથરી ત્યાં શાકભાજી ઉગાડી શકાય. એક સરળ ઉદાહરણ લો. બે ત્રણ ઈંચ જાડી અને મોટી એવી એેક પ્લેટમાં માટી પાથરી દો. તમારા રસોડામાં હશે મસાલા બોક્સમાંથી થોડી મેથી લઈ તેને માટી પર ભભરાવી દો. આને સૂર્ય પ્રકાશની પણ જરૂર નથી. થોડું પાણી છાંટતા રહો અને એક - બે અઠવાડિયામાં તમને મળી રહેશે શુદ્ધ, ઓર્ગેનિક મેથીનો પાક તૈયાર!
  
હર્ષ અને તેના અન્ય પ્રકલ્પો અને પહેલો વિશે વધુ માહિતી આવતા સપ્તાહના બ્લોગલેખમાં જોઈશું