Translate

મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

સાચો સુપર હીરો - મયૂર શેળકે

     "મયૂર શેળકે એ કોઈ કોશ્ચ્યૂમ નહોતું પહેર્યું કે નહોતો પહેર્યો કોઈ જાદુઈ તાકાત ધરાવતો કોટ પણ તેણે દાખવેલી હિંમત સૌથી તાકાતવાન એવા કોઈ ફિલ્મી સુપરહીરો કરતાં પણ અનેક ગણી વધુ છે. અત્યારના મુશ્કેલી ભર્યા સમયમાં મયૂરે આપણને સૌને શીખવ્યું છે કે આપણે આપણી આસપાસ જ નજર દોડાવવાની છે અને આપણને તેના જેવા લોકોમાંથી આ જગતને એક બહેતર જગા બનાવવાની પ્રેરણા મળી રહેશે." - આ શબ્દો છે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાના, જે તેમણે એક ટ્વીટ દ્વારા શેર કર્યા છે ચાર દિવસ પહેલા.

   ચારેકોર નકારાત્મકતા અને ભયના સામ્રાજ્ય વચ્ચે સાચી માનવતાના દર્શન કરાવતી એક સુખદ ઘટના અઠવાડિયા પહેલા ઘટી. તેની વાત આજના બ્લોગ લેખ થકી કરવી છે.

    સેન્ટ્રલ રેલવેના માથેરાન પાસે આવેલા વાંગણી સ્ટેશન પર આ દિલધડક, હ્રદયંગમ અને પ્રેરણાદાયી ઘટના સત્તરમી એપ્રિલની સાંજે પાંચેક વાગે બની. પૂરપાટ ઝડપે આવતી એક્સપ્રેસ ટ્રેનને સિગ્નલ આપવા રેલવે ટ્રેક પર ઉભેલા પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતા મયૂર શેળકે નામના યુવાને જોયું કે એક અંધ મા નો પાંચ - છ વર્ષનો દીકરો અચાનક રેલવે પ્લેટફોર્મ પરથી નીચે પડી જાય છે અને ટ્રેન તેનાથી સાવ નજીવા અંતરે છે અને કાળની જેમ તેની દિશામાં ધસી રહી છે. મયૂર પાસે વિચારવાનો સમય જ નથી, આથી તે બાળકને બચાવવા સામેથી ધસમસતી ટ્રેન સામે દોડે છે. એક સ્પ્લીટ સેકંડ માટે તેને એવો વિચાર પણ સ્પર્શી જાય છે કે આમા તો એ પોતે મરી જશે... પણ આ વિચાર આવ્યો તેના કરતાં પણ વધુ ઝડપે ધસમસતી ટ્રેન તેને એ વિચાર ઉડાડી દેવા મજબૂર કરી દે છે, માનવતા જીતી જાય છે. મયૂરની આ દ્વિધા રેલવે પ્લેટફોર્મ પર રહેલા કેમેરામાં આબાદ ઝિલાઈ છે, તેના માનવતા મહેકાવતા આ ઉદાત્ત પરાક્રમને પણ રેકોર્ડ કરતી વખતે. પેલા સ્વાર્થી, પોતાનો જીવ બચાવવાનો માર્ગ સૂઝવતા વિચારનો ઘડીના છઠ્ઠા ભાગમાં છેદ ઉડાડી મયુર ફરી બાજુમાં ખસી જવા કે બીજી બાજુ કૂદી પડવાને બદલે ટ્રેનની કે કહો કે મોતની સામે દોડે છે, બાળકને ઉપાડી પ્લેટફોર્મ પર મૂકે છે અને પોતે પણ પ્લેટફોર્મ પર ચડી જાય છે અને એ પછીની માત્ર ગણતરીની પળોમાં પેલી વાયુ વેગે ધસી આવતી ટ્રેન મયુર, પેલા બાળક અને તેની અંધ મા ની સાવ નજીકથી પસાર થઈ જાય છે.

આ અતિ રોમાંચક, સાહસી વિડિયો મેં જ્યારે યૂટ્યુબ પર જોયો ત્યારે મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયા. હ્રદયમાં ઊંડે ઊંડે તેની આ અતિ મહાન, માનવતા છલકતી ચેષ્ટા સ્પર્શી ગઈ. જેને ઓળખતા પણ ન હોઇએ એવી વ્યક્તિ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેવાની હરકત કોઈ અસાધારણ માનવી જ કરી શકે!

   આપણાં સૌ માં બે જણ વાસ કરતા હોય છે - એક સારો જણ અને એક ખરાબ જણ. સતત આપણે સૌ આ આપણી અંદર વસતા બંને જણની વચ્ચેનું યુધ્ધ સાક્ષી ભાવે જોતા - અનુભવતા હોઈએ છીએ. ક્યારેક પેલો ખરાબ જણ જીતી જતો હોય છે તો ક્યારેક સારો જણ. મયૂરના ઉપરોક્ત વર્ણવેલા કિસ્સામાં તેની અંદર વસતાં સારા જણની જીત થઈ અને તે પેલી અંધ મા ના દીકરાનો મસીહા બની ગયો. તેના આ સાહસથી છલકતા મર્દાનગી ભર્યા કૃત્યના ભારોભાર વખાણ થયાં. રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પર આ કિસ્સો ચર્ચી મયુરને બિરદાવ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોતે ફોન કરી મયુરની પીઠ થાબડી. સેન્ટ્રલ રેલવેએ તેને પચાસ હજાર રૂપિયાનું ઈનામ આપ્યું અને સાહેબ આ મહા માનવની માનવતા જુઓ! આ રકમમાંથી અડધી રકમ તેણે પેલા ગરીબ બાળકને આપી દીધી જેનો જીવ તેણે બચાવ્યો હતો! મયુર પોતે પણ કંઈ ગર્ભ શ્રીમંત વ્યક્તિ નથી, પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતો એક સાધારણ આર્થિક સ્થિતી ધરાવતો મહારાષ્ટ્રીયન યુવાન છે. પણ તેની વિચારધારાએ તેને મહા માનવ બનાવી દીધો છે. પહેલા જીવ બચાવ્યો અને પછી પોતાને મળેલા ઈનામમાંથી અડધી રકમ એક અંધ મા ના બાળક ના ભવિષ્ય - ભણતર માટે આપી દેવી આ ઉમદા કાર્ય માટે સોનાનું હ્રદય જોઈએ. આવું માનવતા ભર્યું ઉચ્ચ કાર્ય દેવદૂત જ કરી શકે. મયૂર શેળકે ખરેખર એક દેવદૂત છે. તેને લાખો સલામ!

    મહિન્દ્રાના જાવા બાઈક યુનિટે મયૂર શેળકેને એક બાઈક ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. આ બહાદુરી ભર્યા કિસ્સાની વિગતો અને વિડિયો વાઈરલ થયા બાદ મયૂર પર પ્રશંસા અને ઈનામો નો વરસાદ વરસ્યો છે. પણ મને ખાત્રી છે કે એનાથી મયૂર ચલાયમાન થશે નહીં, બલ્કે ઓર વધુ સારા કાર્યો કરશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો