Translate

લેબલ 'nature walk' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'nature walk' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

કુદરત સાથે કનેક્શન

   આખા બ્રહ્માંડમાં પૃથ્વી એવો ગ્રહ છે જેના પર જીવન ધબકે છે. તેનું કારણ અહીં જીવન ટકી શકે એવા પરિબળો અને સંયોગો મોજૂદ છે. આ પરિબળો અને સંયોગોનું જ એક નામ છે કુદરત. કુદરતને આસ્તિક ભગવાન કહેશે તો નાસ્તિક વિજ્ઞાન. પણ આ કુદરત એક એવી જોઈ, સ્પર્શી અને અનુભવી શકાય એવી હકીકત છે જે જીવન ના અસ્તિત્વ માટે કારણભૂત છે. જ્યાં સુધી આ કુદરત આપણાથી રૂઠેલ નથી ત્યાં સુધી જ આપણે સુરક્ષિત છીએ. કુદરત ક્યારેક રૂઠે ત્યારે થયેલી તારાજીના અનેક ઉદાહરણ આપણે તાજેતરમાં જોયેલા છે. કુદરત રૂઠે એ માટે જો કે મોટે ભાગે આપણે જ જવાબદાર પણ છીએ. લોભ ને ના હોય થોભ અને આંધળા અને સ્વાર્થી વિકાસ માટેના લોભે જ કુદરત ને આપણાથી રૂઠવાના સંયોગો ઉભા થયા છે.

   ખરું જુઓ તો આપણે પણ કુદરતનો જ એક અંશ છીએ, કુદરતનો જ એક ભાગ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બલ્કે આ પૃથ્વી પર નો પ્રત્યેક સજીવ - પશુ, પંખી, જંતુ, વનસ્પતિ વગેરે અને નિર્જીવ તત્વો જેવા કે માટી, પહાડ, ઝરણાં, નદી, સાગર, જંગલ વગેરે સૌ કુદરતના ભાગ છે અને તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મેક પર આધાર પણ રાખે છે. આ હકીકત આપણે મનુષ્યોએ ખાસ સમજી લેવાની છે, કારણ તેના સિવાય ના અન્ય કોઈ જીવ કુદરતને જાણતા કે અજાણતા નુકસાન પહોંચાડતા નથી. પણ મનુષ્યે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના વિકાસ માટે અન્ય જીવો અને કુદરતને નુકસાન પહોંચાડવા પાછું વળી જોયું નથી. જંગલો કાપી, દરિયા પૂરી તેણે ઊંચી ઈમારતો બાંધી છે. પ્રાણીઓ ને ગુલામ બનાવી તેમની પાસે થી પોતાનું કામ કઢાવ્યું છે, તેમનો કત્લેઆમ કરી ખોરાક તરીકે અથવા અન્ય ચીજ વસ્તુઓ બનાવી ઉપયોગ કર્યો છે. કચરો - ગંદકી ફેલાવ્યા છે. પ્રદૂષણમાં એટલો વધારો કર્યો છે કે એ જ તેના જીવનને જોખમમાં મૂકનાર રોગોનું કારણ બન્યું છે.

   કુદરત સાથે તાદાત્મ્ય સાધીએ તો તેના અનેક લાભ આપણને મળી શકે એમ છે. શહેરમાં વસતાં લોકો માટે તો ઘરની બારી બહારનું ઝાડ કે નજીકનો બાગ જ કુદરતનું સ્વરૂપ. પણ તેની સાથે પણ જો શહેરીજન તાદાત્મ્ય કેળવે, એક કનેક્શન બનાવે તો તેને ઘણાં લાભ મળી શકે એમ છે. રોજ જરૂર છે થોડો સમય આ માટે ખાસ ધ્યાન આપી ફાળવવાની.

   અત્યારે કોરોનાના કપરા કાળમાં આ કનેક્શનની ખાસ જરૂર છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા કે સુધારવા. ઘરમાં ને ઘરમાં રહી આપણે કંઈક અંશે બહાવરા થઈ ગયા છીએ, કંટાળી ગયા છીએ, હતાશ - નિરાશ થઈ ગયા છીએ ત્યારે કુદરત આપણી વહારે આવી શકે એમ છે. દોઢ - બે વર્ષ પહેલાં આપણે મોટે ભાગે ઘરની બહાર રહેતાં કે જતા - આવતા, ત્યારે જાણ્યે અજાણ્યે આપણે કુદરત સાથે કનેક્શન જાળવી શકતા. પણ પેન્ડેમિકના કારણે આપણે ફરજીયાત ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પડી છે ત્યારે આપણું કુદરત સાથેનું કનેક્શન તૂટી જવા પામ્યું છે. એક અભ્યાસ મુજબ, આ કનેક્શન તૂટી જવાને કારણે પણ આપણી હતાશા અને નિરાશામાં વધારો થયો છે. કુદરત સાથેનું કનેક્શન આપણી સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે. જેટલા આપણે કુદરતની વધુ સમીપ જઈશું, એટલું વધુ તંદુરસ્ત અને સુખી આપણું જીવન બની રહેશે. જ્યારે તમે કુદરત સાથે જોડાઓ છો ત્યારે તમે જે જે અડો છો, જુઓ છો, સાંભળો છો, અનુભવો છો તેની સીધી અસર તમારા મૂડ પર થાય છે. એ તમારા ચેતાતંત્ર, મજ્જાતંત્ર અને રોગપ્રતિકાર ક્ષમતા પર સારી અસર કરી શકે છે. જો તમે સુંદર દ્રશ્ય જુઓ તો તમારી ધ્યાન ધરવાની અને કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી તમારું મન તાજગી અનુભવી નવા અને વધુ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. જો તમે હરિયાળી વચ્ચે કે આસપાસ વધુ લીલોતરી જગામાં રહેતા હોવ તો તમારી સર્જનાત્મકતા અને કાર્ય ઉત્પાદકતામાં નોંધનીય વધારો જોવા મળે છે. જો તમે આ ઈચ્છતા હોવ તો તમારે વચ્ચે વચ્ચે બ્રેક લઈ આવી વધુ કુદરતી સૌંદર્ય કે સામીપ્ય ધરાવતી જગાએ થોડાં સમય માટે જતાં રહેવું જોઈએ.

   કુદરતનું સાંનિધ્ય આપણને રોજબરોજની મુશ્કેલીઓ, તણાવ અને ઉચાટ વગેરે માંથી થોડા સમય માટે દૂર જવામાં મદદ કરે છે. એ તમને ક્રોધ પર નિયંત્રણ રાખવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે અને માનસિક હકારાત્મકતા અને આનંદી લાગણીઓ વધારવામાં સહાય કરે છે. કુદરત સાથે નિકટતા બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા અને સ્નાયુઓમાં તાણ ઘટાડે છે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આણે છે. શાંત અને સુખી થવાની આ એક અતિ સરળ અને અસરકારક રીત છે. માત્ર પાંચ મિનિટ માટે કુદરત સાથે ગાળેલી ક્ષણો પણ તમારી ઉત્પાદકતા કલાકો માટે વધારી કે સુધારી શકે છે.

   પહાડો, નદીઓ કે જંગલો પાસે વારંવાર જવાનું શક્ય ન હોય તો કઈ રીતે કુદરત સાથે કનેક્શન ટકાવી શકાય? જવાબ છે તેને તમારી નજીક લઈ આવી! ઘરમાં નાનકડો બાગ બનાવો, જગાના અભાવે એ શક્ય ન હોય તો નાનકડા કૂંડામાં છોડ ઉગાડો, તેને ઉછેરો, તેની માવજત કરો, તેનો વિકાસ નિહાળો. તેમાં ફૂલ, ફળ કે શાક ઉગશે ત્યારે એ જોઈ, તેને સ્પર્શી પણ તમે કુદરત સાથે તાદાત્મ્ય કેળવ્યાની લાગણી પ્રત્યક્ષ અનુભવી શકશો. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, તાજી હવા, કુમળો તડકો, માટી, લીલોતરી આ બધાં પણ કુદરતના સ્વરૂપ છે.


તે તમે ઘરે રહીને પણ માણી શકો છો. ઘાસ પર ચાલો. માટીમાં રમો, આંગળીઓને ભીની માટી નો સ્પર્શ થવા દો. વહેલા ઉઠો. વહેલી સવારે કે સાંજે ચાલવા જાઓ. માટીના વાસણો વસાવો. પંખીઓનો કલરવ, દરિયાના મોજાનો ઘૂઘવતો ધ્વનિ, નદીઓનો ખળખળ સ્વર વગેરે રેકોર્ડ કરી કે ઓનલાઈન જઈ સાંભળો. ઘરમાં છોડ - વેલા વગેરે વાવો. રોજ તેને પાણી પાઓ. ઉંડા શ્વાસ લો. તારા નિહાળો. બારી ખુલ્લી રાખો. સ્વચ્છ હવા અને સૂર્ય પ્રકાશ ઘરમાં આવવા દો. કુદરત સાથે કનેક્શન બનાવો અને જુઓ જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

રવિવાર, 7 એપ્રિલ, 2019

ઝાડ-છોડ સાથે વાત

તમારા ઘરમાં તમે એકાદ નાનો છોડ પણ વાવ્યો હોય તો તમે નસીબદાર છો. આમ કહેવા માટે મારી પાસે સબળ કારણ છે. અમેરિકામાં તાજેતરમાં એક સંશોધન થયું છે જેના તારણ મુજબ જો તમે રોજની ઓછામાં ઓછી વીસ મિનિટ પ્રકૃતિના સાનિધ્યમાં ગાળો તો એ તમારી તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, એનાથી તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે અને સ્ટ્રેસ (તણાવ) પેદા કરતાં કોર્ટીસોલ હોર્મોનનું પ્રમાણ ભારે માત્રામાં ઘટાડે છે. એ તો જગજાહેર હતું કે કુદરતના ખોળામાં તમે જેટલો વધુ સમય પસાર કરો, જેટલા તમે પ્રકૃતિ સાથે વધુ જોડાયેલા હોવ એટલું વધુ સારું પણ ચોક્કસ કેટલો સમય એ અંગે નક્કર પુરાવા નહોતા. સાઇકોલોજીના જર્નલ ફ્રંટીઅરમાં જો કે હવે સત્તાવાર નોંધવામાં આવ્યું છે કે જો શહેરમાં રહેતો મનુષ્ય પણ માત્ર વીસ મિનિટ એવી જગામાં પસાર કરે જ્યાં તેને કુદરત નજીક હોવાનો અહેસાસ થાય તો તેના સ્ટ્રેસ લેવલમાં ભારે ઘટાડો થાય છે. હવે દવાની ટીકડીઓ ગળવા કરતા આવી ‘નેચર પીલ્સ’ લેવાથી જ સ્વાસ્થ્ય સારું રહેવાનું હોય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે?
  કુદરતની નજીક હોવ એવો અહેસાસ કરાવે તેવી જગા જો કે મુંબઈ જેવા શહેરમાં ગોતવી થોડું મુશ્કેલ સાબિત થઈ શકે! પણ એ અશક્ય તો નથી જ! ઓફિસમાં સવારે જતી વેળાએ કે લંચબ્રેકમાં લીલોતરી ધરાવતા વિસ્તારમાં ચક્કર મારો કે ત્યાંથી થઈને તમારો રોજનો માર્ગ બનાવી દો તો એ શક્ય બને પણ પછી એ ચાલતી વેળાની થોડી ક્ષણો માનસિક રીતે આસપાસની લીલોતરી સાથે જોડાયાનો અનુભવ કરતાં કરતાં પસાર કરવાની, નહીં કે મોબાઇલ પર આંગળા ફેરવતા ફેરવતા! એ વીસ મિનિટ ચાલતાં ચાલતાં 'પ્લાન્ટ મેડીટેશન' કરવાનું, અન્ય સઘળી ચિંતાઓ, જવાબદારીઓ વિસારે પાડી દેવાની. જેને ચાલવાની તકલીફ હોય એ લીલોતરી વચ્ચે બેસીને પણ વીસ મિનિટ પસાર કરી શકે. નહીં આમાં મોંઘીદાટ દવાઓનો ખર્ચ કે નહીં તેમની આડ અસર વગેરે જેવી કોઈ ચિંતા. મફતમાં નેચર પીલ્સ લો અને સ્ટ્રેસથી મુક્તિ મેળવો અને તંદુરસ્તીમાં સુધારો અનુભવો! હવે ઓફીસની કે ઘરની આસપાસ આવો કોઈ હરિત પટ્ટો ન હોય તો શાંત તળાવ,નદી કે સરોવર કાંઠે બેસીને પણ તમે કુદરતની નજીક હોવાની લાગણી અનુભવી શકો.પણ જો આવું કોઇ જળાશય પણ નજીકમાં ન હોય તો  યા તો નેશનલ પાર્ક જેવી જગાએ વહેલા ઉઠીને જવાનો નિયમ કરો, ઘરની આસપાસનાં સારી એવી લીલોતરી ધરાવતાં બગીચામાં જાવ અથવા એ પણ શક્ય ન હોય તો ઘરમાં ગાર્ડન બનાવો. એટલે મેં કહ્યું કે જો તમારા ઘરમાં તમે એકાદ નાનો છોડ પણ વાવ્યો હોય તો તમે નસીબદાર છો.
      એ તો વૈજ્ઞાનિક સત્ય છે કે વનસ્પતિ પણ સજીવ છે પણ જ્યાં ઝાડ છોડ હોય ત્યાં પોસિટીવ એનર્જી વહે છે, ઓક્સિજનનું પ્રમાણ પણ ત્યાં વધુ હોઈ એ તમારા શરીરમાં જતી શુદ્ધ હવાનું પ્રમાણ વધતા તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. એક મિત્ર ની વાત મને યાદ આવે છે. એ કહે છે કે તમારા ઘેર વાવેલા છોડ સાથે કે ઘરની આસપાસ ઉગેલા ઝાડ સાથે મૈત્રી બાંધો, તેની સાથે વાત કરો! આનાથી તેનો વિકાસ તો વધુ સારો થશે જ પણ તમારું સ્ટ્રેસ લેવલ ઘટતાં અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેતા તમને પણ એ ઝાડ-છોડ કરતા પણ વધુ ફાયદો થશે. આવો પોતાને માટેનો ઓછામાં ઓછો વીસ મિનિટ નો સમય આપણે કાઢવો જ જોઈએ. ઘરમાં ઝાડ છોડ વાવ્યા હોય તો તેની માવજતમાં પણ થોડો ઘણો સમય તો એમ જ પસાર થઈ જાય, જેમકે તેને પાણી નાખવામાં, તેને સ્પર્શવામાં, તેના પર નવાં ફૂલ કે ફળ આવ્યાં હોય તો તેને નીરખતા વિસ્મય પામવામાં, તેનાં પર કોઈ પ્રકારની જીવાત તો નથી થઈ તેની ચકાસણી કરવામાં, તેને ખાતર પૂરું પાડવામાં વગેરે. હાલ માં મેં મારે ઘેર ભીંડો વાવ્યો છે અને તેના પર દસ - બાર ભીંડા બેઠાં પણ છે! હું મારો આનંદ શબ્દોમાં વર્ણવી નથી શકતો જે એમને જોઈને અનુભવાય છે! હવે એ યોગ્ય સમયે ઉતારી એનું શાક ઘેર બનાવી ખાવા માટે હું અતિ ઉત્સુક છું! મારા ઘરની સામે એક મોટું ઝાડ છે તેના પર આવતાં ચકલી જેવા એક સુંદર પક્ષીના અવાજની નકલ કરવાની મને મજા આવે છે તો બીજી બારી પાસે સામેની ભીંતેથી ઉગી આવેલા કિશોર પીપળાના ઝાડની ડાળી બરાબર મારી બારી સામે ડોકિયું કરતી જોઈ મને એવો જ વિચાર આવે છે જાણે એ મેં બારી પાસે લટકાડેલા દીવો મૂકવાના નાનક્ડા મંદીર બોક્સ
સાથે મિત્રતા બાંધવાના,તેની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરતું હોય! હું મારા ઘેર દસ-બાર કૂંડામાં વાવેલા છોડો સહિત આ બંને ઝાડ સાથે પણ વાતચીત કરી લઉં છું!
જ્યારે જ્યારે ઘેર ઉગાડેલા છોડ પર ફૂલ ઉગે ત્યારે એ દરેક વેળાએ જોઈને એક નવસર્જન કર્યાની અજબ ની સંતોષની લાગણી અનુભવાય છે. તુલસી, મની પ્લાન્ટ વગેરે છોડ તો ઘર આંગણે કે ઘરની અંદર વાવી આપણે ચોક્કસ ઘરની હવામાં વધુ ઓક્સિજન ભેળવી શુદ્ધ હવા શ્વાસમાં લઈ શકીએ પણ હવે તેની સાથે થોડો વધુ સમય પસાર કરી, તેને મિત્ર બનાવી તેની સાથે વાત પણ કરવાનો નિયમ કરીએ અને આ 'નેચર પીલ' દ્વારા સ્વાસ્થ્ય સુધારીએ.

સોમવાર, 9 માર્ચ, 2015

નિસર્ગનાં સાન્નિધ્યમાં...ટ્રી અપ્રિસિયેશન વોક


મુંબઈનાં ઉત્તર ભાગમાં આવેલ  આરે વિસ્તાર ગણ્યાંગાંઠ્યાં બચવા પામેલા હરિત વિસ્તારોમાંનો એક છે જેને મુંબઈના ફેફસા સમો ગણી શકાય. અહિં ૨૫૦૦થી વધુ ઝાડ   કાપી પ્રસ્તાવિત મેટ્રોનું શેડ બનાવવાનો વિચાર કરાયો હતો જેનો પર્યાવરણ પ્રેમીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને પરિણામે સરકારે પણ વાત પર વધુ વિચાર કરવાનું નક્કી કરી તત્પૂરતો પ્લાન માંડી  વાળ્યો છે. આશા છે વેલેન્ટાઈન ડેનાં બીજા દિવસની રવિવારની સવારે અંગેની વિરોધ પ્રદર્શન માટે યોજાયેલી રેલી રંગ લાવે અને આરેનાં હજારો લીલછમ વૃક્ષો બચી જવા પામે.
સવારે હું સપરિવાર અન્ય એક પર્યાવરણ સમીપે પ્રકૃતિનો ખોળો ખૂંદવાના કાર્યક્રમનો હિસ્સો બન્યો જે અમારા માટે યાદગાર બની રહ્યો.

કાર્યક્રમ એટલે મુંબઈનાં કેટલાક પર્યાવરણવિદ વૃક્ષપ્રેમી મિત્રોએ બનાવેલા ગ્રુપ 'TAW' દ્વારા આયોજિત  નિસર્ગનાં સાન્નિધ્યમાં લટાર - નેચર ટ્રેઈલ - ટ્રી અપ્રિસિયેશન વોક. ગ્રુપ નિયમિત રીતે પ્રકારની વોક્સનું આયોજન રવિવારની સવારે મુંબઈનાં બચી ગયેલાં હરિત વિસ્તારોમાં કે બાગ-ઉદ્યાનોમાં યોજે છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે આવી પચાસ કરતાં વધુ વોક્સનું આયોજન કર્યું છે. હેતુ સામાન્ય લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને જાગરૂકતા ફેલાવવાનો - આપણી આસપાસનાં મૂક હરિત મિત્રો - ઝાડો ને જાણવાં,મળવાનો અને તેમને અપ્રિશિયેટ કરવાનો જે ગ્રુપનું નામ પણ યથાર્થ રીતે સૂચવે છે. ડો.ઉષા દેસાઈ, રેની વ્યાસ,કેટી,શુભદા,ડો.શીલા, હુતોક્ષી વગેરે નિસર્ગપ્રેમી મહિલાઓએ ટ્રી અપ્રિસિયેશન વોક્સની શરૂઆત કરી હતી હવે વધુ અને વધુ લોકો આ વોક્સમાં જોડાતા રાજેન્દ્ર અને વિપ્લવ જેવા મિત્રો પણ ડો.ઉષાની ટીમમાં જોડાયા છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(BNHS)માં ચાલતા વનસ્પતિશાસ્ત્ર,જૈવિક વિવિધતા,જંતુઓનો અભ્યાસ,પક્ષીઓનો અભ્યાસ,સરિસૃપ તેમજ દ્વિચર પ્રાણીઓનો અભ્યાસ વગેરે જેવા નિસર્ગ-સંબંધિત કોર્સ કરતી વેળા આ બધાં નિસર્ગપ્રેમી મિત્રો એકબીજાને નિયમિત મળતાં અને તેઓ ઘણાં સમય સુધી આપણાં શહેરનાં હરિત વિસ્તારોની મુલાકાતે પણ સાથે જતાં.આ ટ્રેઈલ્સ દરમ્યાન તેમને મળેલાં આનંદ અને જ્ઞાનની વહેચણી તેમનાં ઘણાં મિત્રો અને સાવ અજાણ્યા લોકો પોતાની સાથે કરવાની માંગણી કરવા લાગ્યાં અને આથી તેમણે ટ્રી અપ્રિસિયેશન વોક્સની શરૂઆત કરી. પ્રથમ TAW વોક ૨૦૧૦ના એપ્રિલમાં સાગર ઉપવન (BPT ગાર્ડન) ખાતે યોજાઈ હતી ત્યારથી અત્યાર સુધી લગભગ ૫૦૦થી વધુ લોકો આ વોક્સમાં જોડાઈ ચૂક્યાં છે.

આ વોક્સમાં પર્યાવરણ વિશે જ્ઞાન મેળવવા ઇચ્છતાં કે વનસ્પતિશાસ્ત્ર માં રસ ધરાવતાં ૨૫-૫૦ લોકો ગ્રુપનાં એક-બે નિષ્ણાતો સાથે બે-ત્રણ કલાક હરિયાળા ઝાડ-પાન વચ્ચે ચાલે છે અને આપણી આસપાસ જ ઉગેલાં પણ આપણે અત્યાર સુધી જેની સામે ધ્યાનથી જોયું પણ નહિ હોય તેવાં વૃક્ષો વિષે રસપ્રદ માહિતી આપે  છે. આ વોક્સ દરમ્યાન ઝાડપાન વિશેની સામાન્ય રસ પડે તેવી વાતો જ ચર્ચવામાં આવે છે અને સૂક્ષ્મ ટેક્નિકલ બાબતોની ચર્ચા કરવામાં આવતી નથી જેથી વિષયવસ્તુ રસપ્રદ બની રહે.લોકોને વોક દરમ્યાન સંપર્કમાં આવનારા દરેક ઝાડની વિશિષ્ટ લાક્ષણિકતાઓથી માહિતગાર કરાવાય છે જેમકે ઘોસ્ટ ટ્રીના થડની વિચિત્ર છાલ,અમલતાસનાં સુંદર ફૂલો,હલ્દુના ભિન્ન આકાર ધરાવતા પર્ણો વગેરે.દરેક ઝાડના મૂળ ઉદગમસ્થાનની પણ માહિતી આપવામાં આવે છે જેથી કયા વૃક્ષો દેશી અને કયા વિદેશી તેનો આપણને ખ્યાલ આવે. તેમની વૈદકીય તેમજ ઔદ્યોગિક ઉપયોગિતાની પણ ચર્ચા તેમની સાથે કોઈ પૌરાણિક કે ધાર્મિક વાત જોડાયેલી હોય તો તેના સહિત કરવામાં આવે છે.

મને રાણીબાગની લટાર દરમ્યાન અનેક જવલ્લે જોવાં મળતાં તો કેટલાક રોજબરોજ નજરે ચડતાં વૃક્ષો વિષે ક્યારેય વાંચેલી - જાણેલી રસપ્રદ  માહિતી પ્રાપ્ત થઈ. અમારી સાથે વયસ્ક મૃદુભાષી  વનસ્પતિશાસ્ત્રી ગુજરાતી સન્નારી ડો.-પ્રો. ઉષા દેસાઈ અમારા આગેવાન હતાં. કોઇને પણ જોતાં ગમી જાય એવા પ્યારા, કદમાં બટકા અને તેમનાં સિગ્નેચર કોટ -પેન્ટ - હેટનાં પોષાકમાં સજ્જ  ઉષામાને હું અગાઉ કટારમાં જેના પર એક બ્લોગ પોસ્ટ લખી હતી તેવા નિસર્ગપ્રેમી મિત્રોનાં વ્હોટ્સ એપ ગ્રુપ 'નેચર વર્લ્ડ' થકી ઓળખું પણ રાણી બાગની વોક બાદ મારા તેમનાં પ્રત્યેનાં પ્રેમ અને માન ઓર વધી ગયાં. અતિ રસાળ શૈલીમાં તેઓ એક પછી એક ઝાડનો પરિચય કરાવતાં ગયાં અને એટલું નહિ તેમણે વૃક્ષો સાથે સંકળાયેલી ધાર્મિકથી લઇ ,ભૌગોલિક અને વૈજ્ઞાનિક માહિતી શક્ય એટલી સરસ રીતે રજૂ કરી.  અમે લગભગ પચ્ચીસ કરતાં વધુ વૃક્ષો બે કલાકની નેચર ટ્રેલ દરમ્યાન નિહાળ્યાં.તેમનાં ફૂલો,ફળો અને પાન તેમજ થડની  વિવિધતાં આટલા બારીકાઈથી અગાઉ ક્યારેય જોયા નહોતાં.
 

 

રાણીબાગમાં ઘૂમતાં ઘૂમતાં કૈલાસપતિ,રોઝ ઓફ વેનેઝુએલા, વડ જેવાં પાન ધરાવતાં  રબર, કૃષ્ણ વડ,અશોક,યુકેલિપ્ટસ,ફણસ,બાઓબાબ,ખજૂર,બકુલ,કોકો,તમન ,વર્ષાવૃક્ષ ,ઉર્વશી વગેરે  અનેક વૃક્ષોને જોવા-જાણવા ની  અને તેમનાં ફળ-ફૂલ વિષે પ્રત્યક્ષ માહિતી મેળવવાની ખૂબ મજા આવી.અમારી સાથે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓથી માંડી વયોવૃદ્ધ વનસ્પતિપ્રેમી,વનસ્પતિનિષ્ણાતો, ડોક્ટર્સ તેમજ ફોટોગ્રાફરોથી માંડી ગૃહિણીઓ પણ  વોકમાં સામેલ હતાં કૈલાસપતિનાં વિચિત્ર મોટાં ફૂલ અને બદબૂ ધરાવતાં કડક મોટાં ફળ,કોકોનાં થડ અને ડાળીમાંથી સીધા ઉગતાં ફૂલ-ફળ, રોઝ ઓફ વેનેઝુએલાનાં ઝૂમખામાં ઉગતાં સુંદર લાલ ફૂલ, બાઓબાબ નાં હાથીના પગ જેવા જાડાપાડા થડ તો કૃષ્ણ વડના પર્ણનાં છેડે વાટકી જેવો વિશિષ્ટ આકાર ધરાવતાં પાન ,અશોક અને ઉર્વશીનાં અનુપમ સૌંદર્ય  ધરાવતાં  પુષ્પો જોઇ ક્યાંક આશ્ચર્ય તો ક્યાંક બેહદ ખુશી તો ક્યાંક અનેરી ધન્યતાનો અનુભવ થયો. ઉષામાનાં મોંએ ઝાડોનાં અટપટાં વૈજ્ઞાનિક નામો અને દેશ-વિદેશની ઝાડો સાથે સંકળાયેલી કિંવદિતીઓ-કથાઓ સાંભળવાની અને આમાંના કેટલાક  ઝાડ મૂળ વિદેશનાં હોવા છતાં તેઓ ભારતમાં કૈ રીતે આવ્યાં તેનો રસપ્રદ ઇતિહાસ જાણવાની ખુબ મજા આવી. વોકને અંતે અમને સૌને બે જૂથમાં વહેંચી ઉષામાએ પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજી અને અમે બંને જૂથોએ સઘળાં પ્રશ્નોનાં ખરા ઉત્તર આપી ઉષામાને ખુશ કરી દીધાં!
                                 
ઇવેન્ટનો ગ્રુપ ફોટો અને અમે જોયેલાં વૃક્ષોનાં-ફળ્-ફૂલોનાં-થડ-પાનનાં રંગબેરંગી ફોટા તમે ફેસબુકનાં ગ્રુપનાં પેજ પર જઇ જોઇ શકશો.આગામી ટ્રી અપ્રિસિયેશન વોકની માહિતી પણ તમને ત્યાંથી મળી શકશે. રવિવારની સવારે મોડે સુધી ગાદલામાં ભરાઈ રહેવા કરતાં એકાદ વાર નિસર્ગનાં સાન્નિધ્યમાં લીલોતરી વચ્ચે શુદ્ધ હવા શ્વાસમાં ભરી,લટાર મારતાં મારતાં વૃક્ષો વિશેની રસપ્રદ માહિતી મેળવવાની તક ઝડપવા જેવી ખરી!