મુંબઈનાં
ઉત્તર ભાગમાં આવેલ આરે
વિસ્તાર એ ગણ્યાંગાંઠ્યાં બચવા
પામેલા હરિત વિસ્તારોમાંનો એક
છે જેને મુંબઈના ફેફસા
સમો ગણી શકાય. અહિં
૨૫૦૦થી વધુ ઝાડ કાપી
પ્રસ્તાવિત મેટ્રોનું શેડ બનાવવાનો વિચાર
કરાયો હતો જેનો પર્યાવરણ
પ્રેમીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો
છે અને પરિણામે સરકારે
પણ આ વાત પર
વધુ વિચાર કરવાનું નક્કી
કરી તત્પૂરતો આ પ્લાન માંડી
વાળ્યો છે. આશા છે
વેલેન્ટાઈન ડેનાં બીજા દિવસની
રવિવારની સવારે આ અંગેની
વિરોધ પ્રદર્શન માટે યોજાયેલી રેલી
રંગ લાવે અને આરેનાં
હજારો લીલછમ વૃક્ષો બચી જવા
પામે.
એ જ સવારે હું સપરિવાર અન્ય એક પર્યાવરણ સમીપે પ્રકૃતિનો ખોળો ખૂંદવાના કાર્યક્રમનો હિસ્સો બન્યો જે અમારા માટે યાદગાર બની રહ્યો.
એ જ સવારે હું સપરિવાર અન્ય એક પર્યાવરણ સમીપે પ્રકૃતિનો ખોળો ખૂંદવાના કાર્યક્રમનો હિસ્સો બન્યો જે અમારા માટે યાદગાર બની રહ્યો.
આ
કાર્યક્રમ એટલે મુંબઈનાં કેટલાક
પર્યાવરણવિદ વૃક્ષપ્રેમી મિત્રોએ બનાવેલા ગ્રુપ 'TAW' દ્વારા
આયોજિત નિસર્ગનાં સાન્નિધ્યમાં લટાર - નેચર ટ્રેઈલ - ટ્રી
અપ્રિસિયેશન વોક. આ ગ્રુપ
નિયમિત રીતે આ પ્રકારની
વોક્સનું આયોજન રવિવારની સવારે
મુંબઈનાં બચી ગયેલાં હરિત
વિસ્તારોમાં કે બાગ-ઉદ્યાનોમાં
યોજે છે. છેલ્લાં પાંચ
વર્ષમાં તેમણે આવી પચાસ
કરતાં વધુ વોક્સનું આયોજન
કર્યું છે. હેતુ સામાન્ય
લોકોમાં વૃક્ષો
પ્રત્યે પ્રેમ અને જાગરૂકતા ફેલાવવાનો - આપણી
આસપાસનાં મૂક હરિત મિત્રો
- ઝાડો ને જાણવાં,મળવાનો
અને તેમને અપ્રિશિયેટ કરવાનો
જે આ ગ્રુપનું નામ પણ યથાર્થ
રીતે સૂચવે છે. ડો.ઉષા
દેસાઈ, રેની વ્યાસ,કેટી,શુભદા,ડો.શીલા,
હુતોક્ષી વગેરે નિસર્ગપ્રેમી મહિલાઓએ ટ્રી
અપ્રિસિયેશન વોક્સની શરૂઆત કરી હતી હવે વધુ અને વધુ
લોકો આ વોક્સમાં જોડાતા રાજેન્દ્ર અને વિપ્લવ જેવા મિત્રો પણ ડો.ઉષાની ટીમમાં જોડાયા
છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(BNHS)માં ચાલતા વનસ્પતિશાસ્ત્ર,જૈવિક વિવિધતા,જંતુઓનો
અભ્યાસ,પક્ષીઓનો અભ્યાસ,સરિસૃપ તેમજ દ્વિચર પ્રાણીઓનો અભ્યાસ વગેરે જેવા નિસર્ગ-સંબંધિત
કોર્સ કરતી વેળા આ બધાં નિસર્ગપ્રેમી મિત્રો એકબીજાને નિયમિત મળતાં અને તેઓ ઘણાં સમય
સુધી આપણાં શહેરનાં હરિત વિસ્તારોની મુલાકાતે પણ સાથે જતાં.આ ટ્રેઈલ્સ દરમ્યાન તેમને
મળેલાં આનંદ અને જ્ઞાનની વહેચણી તેમનાં ઘણાં મિત્રો અને સાવ અજાણ્યા લોકો પોતાની સાથે
કરવાની માંગણી કરવા લાગ્યાં અને આથી તેમણે ટ્રી અપ્રિસિયેશન વોક્સની
શરૂઆત કરી. પ્રથમ TAW વોક
૨૦૧૦ના એપ્રિલમાં સાગર ઉપવન (BPT ગાર્ડન) ખાતે યોજાઈ હતી ત્યારથી અત્યાર સુધી લગભગ
૫૦૦થી વધુ લોકો આ વોક્સમાં જોડાઈ ચૂક્યાં છે.
આ
વોક્સમાં પર્યાવરણ વિશે જ્ઞાન
મેળવવા ઇચ્છતાં કે વનસ્પતિશાસ્ત્ર
માં રસ ધરાવતાં ૨૫-૫૦ લોકો ગ્રુપનાં એક-બે નિષ્ણાતો સાથે બે-ત્રણ કલાક હરિયાળા ઝાડ-પાન
વચ્ચે ચાલે છે અને આપણી આસપાસ જ ઉગેલાં પણ આપણે અત્યાર સુધી જેની સામે ધ્યાનથી જોયું
પણ નહિ હોય તેવાં વૃક્ષો
વિષે રસપ્રદ માહિતી આપે છે. આ વોક્સ દરમ્યાન ઝાડપાન વિશેની સામાન્ય
રસ પડે તેવી વાતો જ ચર્ચવામાં આવે છે અને સૂક્ષ્મ ટેક્નિકલ બાબતોની ચર્ચા કરવામાં આવતી
નથી જેથી વિષયવસ્તુ રસપ્રદ બની રહે.લોકોને વોક દરમ્યાન સંપર્કમાં આવનારા દરેક ઝાડની
વિશિષ્ટ લાક્ષણિકતાઓથી માહિતગાર કરાવાય છે જેમકે ઘોસ્ટ ટ્રીના થડની વિચિત્ર છાલ,અમલતાસનાં
સુંદર ફૂલો,હલ્દુના ભિન્ન આકાર ધરાવતા પર્ણો વગેરે.દરેક ઝાડના મૂળ ઉદગમસ્થાનની પણ માહિતી
આપવામાં આવે છે જેથી કયા વૃક્ષો
દેશી અને કયા વિદેશી તેનો આપણને ખ્યાલ આવે. તેમની
વૈદકીય તેમજ ઔદ્યોગિક ઉપયોગિતાની પણ ચર્ચા તેમની સાથે કોઈ પૌરાણિક કે ધાર્મિક વાત જોડાયેલી
હોય તો તેના સહિત કરવામાં આવે છે.
મને
રાણીબાગની એ લટાર દરમ્યાન
અનેક જવલ્લે જ જોવાં
મળતાં તો કેટલાક રોજબરોજ
નજરે ચડતાં વૃક્ષો વિષે ક્યારેય
ન વાંચેલી - જાણેલી રસપ્રદ માહિતી પ્રાપ્ત થઈ.
અમારી સાથે વયસ્ક મૃદુભાષી વનસ્પતિશાસ્ત્રી
ગુજરાતી સન્નારી ડો.-પ્રો. ઉષા
દેસાઈ અમારા આગેવાન હતાં.
કોઇને પણ જોતાં જ
ગમી જાય એવા પ્યારા,
કદમાં બટકા અને તેમનાં સિગ્નેચર કોટ
-પેન્ટ - હેટનાં પોષાકમાં સજ્જ ઉષામાને
હું અગાઉ આ કટારમાં
જેના પર એક બ્લોગ
પોસ્ટ લખી હતી તેવા
નિસર્ગપ્રેમી મિત્રોનાં વ્હોટ્સ એપ ગ્રુપ 'નેચર
વર્લ્ડ' થકી ઓળખું પણ
રાણી બાગની વોક બાદ
મારા તેમનાં પ્રત્યેનાં પ્રેમ
અને માન ઓર વધી
ગયાં. અતિ રસાળ શૈલીમાં
તેઓ એક પછી એક
ઝાડનો પરિચય કરાવતાં ગયાં
અને એટલું જ નહિ
તેમણે એ વૃક્ષો સાથે સંકળાયેલી ધાર્મિકથી લઇ ,ભૌગોલિક અને
વૈજ્ઞાનિક માહિતી શક્ય
એટલી સરસ રીતે રજૂ
કરી. અમે
લગભગ પચ્ચીસ કરતાં વધુ
વૃક્ષો બે કલાકની નેચર
ટ્રેલ દરમ્યાન નિહાળ્યાં.તેમનાં ફૂલો,ફળો
અને પાન તેમજ થડની વિવિધતાં
આટલા બારીકાઈથી આ અગાઉ ક્યારેય
જોયા નહોતાં.
રાણીબાગમાં ઘૂમતાં ઘૂમતાં કૈલાસપતિ,રોઝ ઓફ વેનેઝુએલા, વડ જેવાં જ પાન ધરાવતાં રબર, કૃષ્ણ વડ,અશોક,યુકેલિપ્ટસ,ફણસ,બાઓબાબ,ખજૂર,બકુલ,કોકો,તમન ,વર્ષાવૃક્ષ ,ઉર્વશી વગેરે અનેક વૃક્ષોને જોવા-જાણવા ની અને તેમનાં ફળ-ફૂલ વિષે પ્રત્યક્ષ માહિતી મેળવવાની ખૂબ મજા આવી.અમારી સાથે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓથી માંડી વયોવૃદ્ધ વનસ્પતિપ્રેમી,વનસ્પતિનિષ્ણાતો, ડોક્ટર્સ તેમજ ફોટોગ્રાફરોથી માંડી ગૃહિણીઓ પણ આ વોકમાં સામેલ હતાં. કૈલાસપતિનાં વિચિત્ર મોટાં ફૂલ અને
બદબૂ ધરાવતાં કડક મોટાં ફળ,કોકોનાં થડ અને ડાળીમાંથી
જ સીધા ઉગતાં ફૂલ-ફળ, રોઝ ઓફ
વેનેઝુએલાનાં ઝૂમખામાં ઉગતાં સુંદર લાલ
ફૂલ, બાઓબાબ નાં હાથીના
પગ જેવા જાડાપાડા થડ
તો કૃષ્ણ વડના પર્ણનાં
છેડે વાટકી જેવો વિશિષ્ટ આકાર
ધરાવતાં પાન ,અશોક અને
ઉર્વશીનાં અનુપમ સૌંદર્ય ધરાવતાં પુષ્પો
જોઇ ક્યાંક આશ્ચર્ય તો
ક્યાંક બેહદ ખુશી તો
ક્યાંક અનેરી ધન્યતાનો અનુભવ
થયો. ઉષામાનાં મોંએ આ ઝાડોનાં
અટપટાં વૈજ્ઞાનિક નામો અને દેશ-વિદેશની
આ ઝાડો સાથે સંકળાયેલી કિંવદિતીઓ-કથાઓ સાંભળવાની અને
આમાંના કેટલાક ઝાડ
મૂળ વિદેશનાં હોવા છતાં તેઓ
ભારતમાં કૈ રીતે આવ્યાં
તેનો રસપ્રદ ઇતિહાસ જાણવાની
ખુબ મજા આવી. વોકને
અંતે અમને સૌને બે
જૂથમાં વહેંચી ઉષામાએ પ્રશ્નોત્તરી
સ્પર્ધા યોજી અને અમે
બંને જૂથોએ સઘળાં પ્રશ્નોનાં
ખરા ઉત્તર આપી ઉષામાને
ખુશ કરી દીધાં!
આ
ઇવેન્ટનો ગ્રુપ ફોટો અને
અમે જોયેલાં વૃક્ષોનાં-ફળ્-ફૂલોનાં-થડ-પાનનાં રંગબેરંગી ફોટા
તમે ફેસબુકનાં ગ્રુપનાં પેજ પર જઇ
જોઇ શકશો.આગામી ટ્રી
અપ્રિસિયેશન વોકની માહિતી પણ
તમને ત્યાંથી મળી શકશે. રવિવારની
સવારે મોડે સુધી ગાદલામાં
ભરાઈ રહેવા કરતાં એકાદ
વાર નિસર્ગનાં સાન્નિધ્યમાં લીલોતરી વચ્ચે શુદ્ધ હવા
શ્વાસમાં ભરી,લટાર મારતાં
મારતાં વૃક્ષો વિશેની રસપ્રદ
માહિતી મેળવવાની તક ઝડપવા જેવી
ખરી!
નિસર્ગ ના સાંનિધ્ય માં ...ખૂબ જ રસપ્રદ લેખ. વિવિધ પ્રકાર ના ઝાડપાન ની માહિતી મળી. ખરેખર કુદરત ના સાનિધ્ય માં સમય પસાર કરવાની આ તક ઝડપી લેવા જેવી છે. આરે કૉલોની ના વૃક્ષો કાપવાનો વિચાર એક દુખદ બાબત છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાયેલો વિરોધ એકદમ યોગ્ય છે. સહુ એ તેને સહયોગ આપવો જ રહ્યો. ઈશ્વરે ભરપૂર કુદરતી સંપત્તિ આપી છે પરંતુ આપણે જ તેનું જતન નથી કરી શક્યા.
જવાબ આપોકાઢી નાખો- નેહલ દલાલ
લેખ ખૂબ રસપ્રદ રહ્યો.પ્રો.ઉષા દેસાઈનું કામ પ્રશંસનીય છે.મને આવી નેચર ટ્રેઈલ પર જવું ચોક્કસ ગમશે.
જવાબ આપોકાઢી નાખો- અનિલ શાહ