આજકાલ ફરી, પુન: તેજીને માર્ગે વળેલાં શેરબજાર અને સેન્સેક્સ ચર્ચા માં છે. મુંબઈ શેરબજારનાં નિર્દેશાંક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ના સૂચકાંક 'નિફ્ટી' રોજબરોજ નવી નવી ઊંચાઈ સર કરી રહ્યાં છે. ૨૧૦૦૦ જેટલી ઊંચાઈ ને સ્પર્શ્યા બાદ સેન્સેક્સ ૭૦૦૦ જેટલો નીચો પણ જઈ આવ્યો છતાં ફરી આજે ૧૬૦૦૦ અંક ના સ્તર ને સ્પર્શવામાં તેને દોઢેક વર્ષ જેટલો સમય લાગ્યો. છતાં હવે ફરી જો સેન્સેક્સ થોડાં મહિનાઓમાં જ ફરી તેની સૌથી વધુ ઊંચાઈનો રેકોર્ડ બ્રેક કરી વધુ ઊંચો જાય તો નવાઈ નહિં પામતાં કારણ ભારત એક સુપર - પાવર રાષ્ટ્ર બનશે જ, ૧૦-૨૦ વર્ષનાં ગાળામાં જે રીતે વૈશ્વિક આર્થિક મંદી ના ભરડામાં ભારત ફસાયા વિના આર્થિક વ્રુધ્ધિ નો દર ટકાવી શક્યું અને બીજા દેશો કરતાં અતિ ઝડ્પથી ફરી તેજી ના માર્ગે આગળ વધવા લાગ્યું છે એ જોતાં આ શક્યતા નકારી શકાય નહી.દસ વર્ષ કરતાં પણ ઓછા સમય ગાળામાં સેન્સેક્સ ૩૦૦૦-૪૦૦૦ ના સ્તરે થી ૨૧૦૦૦ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યો અને ફરી ૭૦૦૦ જેટલો નીચો થઈ આજે ફરી ૧૬૦૦૦ જેટલા સ્તરે પહોચ્યો છે આ બધું જાણ્યા -વાંચ્યા પછી હજી તમે શેર અને શેરબજારો વિશે કંઈ જ ન જાણતા હોવ તો આ બ્લોગ પૂર્ણ થયાં બાદ તમારે ચોક્કસ તેનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ અને સક્રિય થઈ જવું જોઈએ. નહિતર તમે ટૂંકા સમય ગાળા માં અને ચતુરાઈ પૂર્વક પૈસા કમાવવાની એક સુવર્ણ તક ગુમાવી બેસશો!
લોકો શેરબજારથી ડરે છે કારણ કે તેઓ માને છે (અને મોટે ભાગે એ સાચું પણ છે) કે એ સટ્ટો છે, જુગાર છે. સાચું. બજારમાં એવા કેટલાક મોટા ખેલાડી બેઠા હોય છે જે આખો દિવસ અને બારેમાસ મોટા મોટા ખેલ ખેલતા હોય છે.કરોડોના શેરની લે-વેચ કરીને તેઓ માર્કેટ ને ધ્રુજાવી શકે છે. પણ જો તમે શેરબજારમાં રોકાણ કઈ રીતે કરવું તેના પાઠ બરાબર શીખી લીધા હોય તો બજારમાં ચાલતાં ખેલની નકારાત્મક અસર તમારા પર થઈ શકે નહી ઉલટાનું એ તમને તમારા રૂપિયા અનેક ગણા વધું કરવાનો માર્ગ પૂરો પાડી શકે! એ પણ કદાચ પૈસા કમાવાના બીજા સાધનો કરતાં ટૂંકા ગાળામાં! આ પણ એક સત્ય છે. ચોક્કસ શેરબજાર માં ખતરો છે. આએક 'રિસ્કી બિઝનેસ' છે પણ 'High Risk High Gain'(ઉંચુ જોખમ ઉંચુ વળતર) એ નાણાં બજારાનો મંત્ર છે! જો તમે સાવધાની પૂર્વક, જ્ઞાન મેળવી લીધાં બાદ ઉત્સાહથી શેરબજારમાં રોકાણ કરશો, ફક્ત આંધળુકિયા કરીને 'ટિપ્સ' પર ધ્યાન આપીને કે રઘવાયા થઈ ને શેરબજર નું કામકાજ નહિ કરો તો, ચોક્કસ શેરબજારમાં સારું એવું કમાઈ શકવાની અઢળક તકો પડેલી છે. શેરબજારમાં કમાઈને જ વોરન બફેટ અને રાકેશ ઝૂનઝૂનવાલા જેવા ચતુર રોકાણકારો, કરોડો રૂપિયા કમાઈ શક્યા છે. તેમણે શેરબજારમાં કમાવા માટેનાં નુસખાં કે કેટલાક મૂળભૂત નિયમો વારંવાર લોકોને સમજાવ્યા છે. હું ૧૦૦ ટ્કા માનું છું કે જો આ નિયમો સાચી રીતે અનુસરવામાં આવે તો તમને શેરબજારમાંથી સારું એવું કમાઈ શકતા કોઈ રોકી શકશે નહિ!
નિયમ-૧ હંમેશા એક ચોક્કસ લક્ષ્યાંક રાખો. અને તમે ખરીદેલા શેર એ લક્ષ્યાંક પૂરુ થતાં જ ચોક્કસ પણે વેચી નાંખો. ઘણાં લોકો લાલચ માં ફસાઈને ખરીદેલ શેર યોગ્ય સમયે વેચી જ શકતા નથી અને કમાવાની સુવર્ણ તક ગુમાવી બેસે છે. તેઓ એવી આશા રાખે છે કે તેમણે ખરીદેલ શેરનો ભાવ ઊંચે ને નીચે જ જતો રહેશે. ઘણી વાર તમારો લક્ષ્યાંક નિર્ધારીત કરેલ ભાવ આવી જાય તેમ છતાં તમે શેર વેચો નહિ અને પછી એ શેરનો ભાવ ગગડવાનું શરૂ થઈ જાય અને અતિ નીચા ભાવે પણ તમે શેર વેચવાનો નિર્ણય લઈ શકતા નથી. આ એક વિષચક્ર સમાન છે. એટલે એમાં ફસાવાને બદલે ચોક્કસ લક્ષ્યાંક રાકો અને એ ભાવ આવતા જ તમારા શેર વેચી દો. ઘણીવાર એવું યે બને કે તમે લક્ષ્યાંક નક્કી કરેલ ભાવમાં શેર વેચ્યા બાદ ભાવ હજી વધું ઘણો ઉચો જાય પણ ત્યારે જીવ ન બાળશો કારણે કે તમે તો તમારા લક્ષ્યાંક જેટલું કમાયા જ છો. તમે કંઈ ગુમાવ્યું નથી અને સંતોષી નર સદા સુખી! બીજાં અનેક એવા શેર બજારમાં મળી રહેશે જે તમને ફરી રોકાણની તક આપશે અને તમે વધુ કમાઈ શકશો.
નિયમ-૨ કયારેય 'ડે ટ્રેડીંગ' ના રવાડે ચડશો નહિં ('ડે ટ્રેડીંગ' એટલે સવારે શેર ખરીદી બપોરે વેચી નાંખવા કે સવારે વેચી બપોરે પાછા ખરીદી લેવા) (ફક્ત એક અપવાદ: જ્યારે તમારો લક્ષ્યાંક એક જ દિવસમાં સિધ્ધ થઈ જાય. એટલે કે જો તમે એક ચોક્કસ શેર કેટલીક સખ્યામાં ખરીદી હજાર રૂપિયા કમાવાનું લક્ષ્ય રાખ્યું હોય અને એકજ દિવસમાં શેરનો ભાવ એટલો વધી જાય કે તમે - તેને એજ દિવસે વેચી હજાર રૂપિયા કમાઈ શકો એમ હોવ તો તમે એમ કરી શકો છો) હંમેશા લાંબા સમય માટે રોકાણ કરતાં શીખો.
નિયમ-૩ હંમેશા સારા શેરોમાં જ રોકાણ કરો. તમે જે શેરોમાં નાણાં રોકવાનું નક્કી કર્યુ તે કંપનીનો અને તેના શેરના ભાવનો ઈતિહાસ જોઈ જાવ, તેનો બરાબર અભ્યાસ કરી લો. ક્યારેય 'ટિપ' પર ભરોસો કરતાં નહિ. રોકાણ કર્યા પહેલા તમારું ઘરકામ બરાબર કરી જજો.
નિયમ-૪ જે શેરનો ભાવ તેની વર્ષની સર્વોચ્ચ સપાટીએ કે તેના જીવનકાળની સર્વોચ્ચ સપાટી એ હોય ત્યારે તેમાં પૈસા રોકશો નહિ. ઉલ્ટું એ તો સમય છે આ શેર વેચવાનો (જો તમારું લક્ષ્યાંક સિદ્ધ થઈ ચૂક્યું હોય તો) જો તમારી પાસે નાણાં પડ્યા હોય અને તમારે એ રોકવા જ હોય તો જે દિવસે શેરબજારમાં મોટું ગાબડું પડે ત્યારે ફંડામેન્ટલી મજબૂત શેરો ખરીદો. અથવા જે શેરના ભાવ વર્ષના તેના સૌથી નીચા સ્તરે હોય કે તેના જીવનકાળના સૌથી નીચા સ્તરે હોય, છતાં તે કંપની ઘણી સારી હોય તો એ કંપનીના શેરમાં તમારાં નાણાં રોકી દો. (આનો અર્થ એવો નથી કે ગમે તેવી ફાલતું કંપનીનો પણ ભાવ જો વર્ષનો સૌથી નીચા સ્તરે હોય તો તેમાં રોકાણ કરી દેવું!)
નિયમ-૫ કોઈ શેરમાં બોનસ મળ્યું હોય કે શેરમાં વિભાજન(સ્પ્લીટ) થયું હોય ત્યારે ભાવ એક્સ-બોનસ કે એક્સ-સ્પ્લીટ થયાં બાદ તેમાં રોકાણ કરો. (જ્યારે કોઈ કંપની ૧:૨ નું બોનસ જાહેર કરે અને તેના શેરનો ભાવ ૩૦ રૂપિયા હોય તો બોનસ મળ્યા બાદ તે કંપનીના શેરનો ભાવ ૨૦ રૂ. થઈ જશે અને તમારી પાસેના શેરની સંખ્યા બે માંથી ત્રણ થઈ જશે. જો દસ રૂપિયાની બેઇઝ પ્રાઈઝ ધરાવતો શેર. રૂ ૧ માં સ્પ્લીટ થવાનો હોય અને તેનો ભાવ હજાર રૂપિયા હોય તો શેરવિભાજન પ્રક્રિયા બાદ તેનો ભાવ ૧૦૦ રૂ. થઈ જાય છે આવે વખતે આ શેર ખરીદી લેવા જોઈએ . તાજેતર માં જ
શ્ની અષ્ટવિનાયક સિનેવિઝનના શેરનું રૂ ૧૦ માંથી રૂ ૧ માં વિભાજન થતાં તેનો ભાવ ૭૦૦માંથી રૂ ૭૦ થઈ હાલમાં રૂ ૬૫ ની આસપાસ છે આ ભાવે આ શેર ખરીદી શકાય
નિયમ-૬ જે દિવસે શેરબજારમાં ખૂબ મોટો ઘટાડો નોધાય ( જેમકે સેન્સેક્સ ૪૦૦ થી ૬૦૦ અંક ઘટી જાય કે નિફ્ટી ૧૫૦-૨૦૦ અંક ઘટી જાય ત્યારે સારીસારી કંપનીના શેર આખ બંધકરીને લઈ લેવા. (સેન્સેક્સ અને નિફ્ટી નિર્દેશાંકોમાં સમાવિષ્ટ શેરો રોકાણ માટે ઉત્તમ ગણાય. દાત: લાર્સન એન્ડ ટુબ્રો, એસીસી, એસ.બી.આઈ ,યુનિટેક, સુઝલોન વગેરે)
નિયમ-૭ જો તમે સારી કંપનીના શેર ખરીદ્યા હોય અને તેનો ભાવ ઘટી જાય (મોટે ભાગે એમ બનતું જ હોય છે!) તો હિમત ન હારશો. ધીરજના ફળ મીઠાં આવે વખતે શેર વેચી નાખવાને બદલે ડર રાખ્યાં વગર જો નાણાંની વ્યવસ્થા હોય તો બીજા થોડાં એજ કંપનીના વધુ થોડાં શેર નીચા ભાવે ખરીદી લો અને તમારો ભાવ સરેરાશ (એવરેજ) કરી નાંખો. શેર સારી કંપનીનો હોઈ તેનો ભાવ ચોક્કસ તમારા ખરીદ ભાવ કરતાં ઊંચે જશે જ. પણ આને માટે તમારે ધીરજ ધરવી પડશે.યાદ રાખો 'સમય બડા હી બલવાન'.
નિયમ- ૮ એક વાર રોકાણ કરવાનું શરૂ કર્યા બાદ, બજારનો , તમે રોકાણ કર્યુ છે તે કંપની નો સતત અભ્યાસ કરતાં રહો (આનો અર્થ એ નથી કે દિવસમાં પાંચ વાર તમે એ શેરનો ભાવ ચકાસ્યા કરો!) (લાંબા ગાળા માટે રોકાણનો નિયમ તો યાદ રાખવાનો જ છે!)
નિયમ- ૯ જો બજારના ભાવિ અંગે અનિશ્નિતતા જણાય તો તમારી પાસે ના શેર થોડાં થોડાં કરીને વેચો કે નવા શેર થોડાં થોડાં કરીને ખરીદતાં જાવ. આમ કરવાનો ફાયદો એ છે કે જો બજાર ઉંચુ ઉંચુ જ જતું રહે તો તમે વધુ સારો ભાવ કમાઈ શકો અને નીચું નીચું પડ્યા કરે તો તમારી ખોટ ઘટાડી શકો . બજાર નીચું જવાનું શરૂ કરે અને તમે થોડાં શેર ખરીદ્યા હોય તો બજાર હજી વધુ નીચુ ગયે તમને બીજા વધુ શેર ખરીદવાની તક રહે છે પણ જો કદાચ અચાનક બજાર પાછું વધવાનું ચાલું કરી દે તો તમે જે નીચા ભાવે ખરીદી કરી હતી તે ભાવે એટલા શેર તો તમારી પાસે આવી ગયા! આમ, તમે બજારની ગમે તેવી સ્થિતીમાં તમારી ખરીદ શક્તિ કરતાં ત્રીજા ભાગનાં શેરની ખરીદી કરી શકો .જેથી બજાર વધુ નીચું ગયે તમને વધુ ખરીદી ની તક મળે અને ઊંચુ જતું રહે તો કમસેકમ ત્રીજા ભાગનાં શેરમાંથી તો તમે કમાણી કરી શકો!
નિયમ-૧૦ ધૈર્યવાન બનો . ઇશ્વરમાં અને સમય માં શ્નધ્ધા રાખો અને શેરબજાર માં વિશ્વાસ રાખો . અને અંર્ગ્રેજીમાં કહે છે ને તેમ, રોકાણ કર્યા બાદ 'Keep Your Fingers Crossed...!'
તમને મારી શુભકામનાઓ! સાચું અને સારું રોકાણ કરો ખૂબ ખૂબ કમાઓ!
(નોધ: આ બ્લોગ માં દર્શાવેલ વિચારો લેખકના પોતાના છે,આ તેમનાં અંગત મંતવ્યો છે.)
રવિવાર, 27 સપ્ટેમ્બર, 2009
શેરબજાર,સેન્સેક્સ અને શેરોમાં ટ્રેડીંગ-રોકાણ વિશે...
લેબલ્સ:
"Rules to follow in Share Market",
"Sher Bazaar",
Investment,
Nifty,
Sensex,
ShareMarket,
Trading
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો