Translate

રવિવાર, 27 મે, 2012

'આશા' અમર રહો !

ઘણી વાર આપણે કોઈક વ્યક્તિને મળીએ ત્યારે આપણી અને તેમની 'વેવલેન્થ' એટલી મળતી હોય કે આપણને તેમની સાથે વાતચીત કરવી, તેમની સાથે સમય પસાર કરવો ખૂબ ગમે. આવી વ્યક્તિને મળીએ અને તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરીએ ત્યાર બાદ મન એક અજબ પ્રકારની હળવાશ અનુભવે. આવી વ્યક્તિ કોઈ એકલદોકલ સ્ત્રી કે પુરુષ હોઈ શકે કે કોઈ પતિ-પત્નીની બેલડી પણ હોઈ શકે કે પછી કોઈ આખો પરિવાર પણ હોઈ શકે. તેમની મુલાકાત લેવાનું આપણને વારંવાર મન થાય.


આવી બે-ચાર વ્યક્તિઓને હું પાછલા થોડા સમય દરમ્યાન મળ્યો અને તેમાનાં એક એટલે ૯૬ વર્ષના એક માજી - આશાબેન મહેતા જેમની મેં તાજેતરમાં મુલાકાત લીધી. ખરું જોતા તો તેમને માટે યુવતિ શબ્દનો ઉપયોગ પણ યથાર્થ ગણાય કારણ આ વિદૂષી વયોવૃદ્ધ મહિલાનો આટલી ઉંમરે ઉત્સાહ અને સ્ફૂર્તિ એક યુવતિને પણ શરમાવે એવા છે. આ માજીએ આ ઉંમરે એક પુસ્તક લખ્યું છે જેમાં તુલસી વિશેની ક્યારેય ન વાંચેલી માહિતીનો સંગ્રહ છે. તેમની મુલાકાત જન્મભૂમિમાં અને દરેક અગ્રણી ગુજરાતી અખબારમાં છપાઈ ચૂકી છે. ઇન ફેક્ટ આ મુલાકાત વાંચીને જ મેં તેમને મળવાની અને તેમના પ્રેરણાત્મક વ્યક્તિત્વને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમણે એ માટે સંમતિ દર્શાવતા હું પહોંચી ગયો તેમના ઘેર તેમની રૂબરૂ મુલાકાત લેવા! એ મુલાકાત વિશે અને તેમના વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ વિશે ચર્ચા કરવી છે આજના બ્લોગમાં.

આશા બેનને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે ઓપરેશન વેળાએ આશાબેન નહિં, પરંતુ ડોક્ટર ગંભીર થઈ ગયેલા.તેમણે વાતાવરણ હળવું કરવા અને આશા બેનનો ડર(જે ખરી રીતે હતો જ નહિં!) ઓછો કરવા કહ્યું "માજી હજી ચાર વર્ષ ખેંચી કાઢી સેન્ચૂરી તો પૂરી કરશો ને?" આશા બેન કહે "ના..." બધા ગંભીર થઈ ગયાં ત્યાં ટહૂકો કરતા આશા બેન બોલ્યા "ભગવાનની માળામાં કેટલા મણકા હોય? (પૂરા ૧૦૮!) એટલા તો પૂરા કરવા જ પડે ને?!!" યે હુઈ ના બાત! ઓપરેશન જેવા ગંભીર સમયે પણ આશા બેનની આવી બુદ્ધિશાળી રમૂજ સાંભળી સૌ કોઈ મન મૂકીને હસી પડ્યા! આને કહેવાય એટીટ્યૂડ!

તેમના જમાનામાં ઇન્ટર જેટલું ભણેલા વયોવૃદ્ધ આશાબેન આજે પણ સ્પષ્ટ બોલે તેમાં અનેક અંગ્રેજી શબ્દો સાંભળવા મળે! તેમને સાંભળવા મને બહુ મીઠ્ઠુ લાગ્યું! મારી પત્ની પણ તેમની અતિ મોડર્ન વિચારસરણી ધરાવતી વાતો સાંભળી દંગ રહી ગઈ.

આશા બેન ભાવનગરની શાળામાં શિક્ષિકા અને ત્યારબાદ આચાર્યા તરીકે ફરજ તો બજાવી જ ચૂક્યા છે પણ રસપ્રદ વાત એ છે કે તેઓ ત્રણ વર્ષ માટે ધ્રાંગધ્રા રાજ્યની રાજકુંવરીને તેના રાજમહેલમાં જઈ ભણાવવા પ્રશિક્ષિકાની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે.

તેમનું પેન્શન શરૂ થયું ત્યારનો એક મજેદાર કિસ્સો તેમના પુત્રે કહી સંભળાવ્યો. પેન્શન શરૂ કરતાં પહેલાં વેરિફીકેશન માટે નિયમ મુજબ એક મહારાષ્ટ્રીયન બેન્ક ઓફિસર તેમના ઘેર આવ્યો અને તેમને મળ્યા બાદ તેણે આશાબેનને ફોર્મ પર અંગૂઠાની છાપ મારવા કહ્યું. તેણે ધારેલું આશા બેન નિરક્ષર મોટી ઉંમરના અશક્ત માંદા ડોશી હશે! આશાબેને તો તેની પાસે પેન માગી! તેને નવાઈ લાગી. આશાબેને અંગ્રેજીમાં પોતાની સહી કરી. જ્યારે એ જોયું ત્યારે તો પેલા ઓફિસરના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું :’માજી આપ અંગ્રેજી લિખ સક્તે હો?’ આશાબેને અંગ્રેજીમાં જ જવાબ આપ્યો 'આઈ કેન નોટ ઓન્લી રાઈટ ઈંગ્લીશ બટ અલ્સો ટોક ઇન ઈંગ્લીશ!' પેલાની તો બોલતી જ બંધ થઈ ગઈ! અને આ ત્રણ ઝટકા ઓછા હોય એમ જ્યારે તે ઓફિસરે જોયું કે આશા બેન સ્વસ્થતા પૂર્વક ચાલી-ફરી શકતા હતા ત્યારે તેણે પૂછ્યું : ‘ઓલ્ડ લેડી, યુ કેન વોક? આશા બેને માસ્ટરસ્ટ્રોક સમો જવાબ આપ્યો :’આઈ કેન વોક, આઈ કેન રન, આઈ કેન જમ્પ એન્ડ આઈ કેન ક્લાઈમ્બ અલ્સો!’ (હું ચાલી જ નહિં, દોડી પણ શકું છું, કૂદી પણ શકું છું અને ચઢી પણ શકું છું!) આમ હાજરજવાબીપણું અને રમૂજ વૃત્તિ તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલા છે!

મેં તેમને પૂછ્યું આજે મનુષ્યની સરેરાશ જીવવાની વય કેમ ઘટી ગઈ છે? તેમણે તરત જવાબ આપ્યો આજે માનવી જીવે છે જ ક્યાં? સતત ભાગતો રહે છે! અનેક ટેન્શનો માથે લઈને. તેણે પોતાની તણાવયુક્ત જીવનશૈલી અતિ બનાવી મૂકી છે. સ્વસ્થ ખાઈ પીને જીવનમાં શિસ્ત અને ચોક્કસ નિયમોનું પાલન કરીએ તો સાત્વિક અને લાંબુ જીવન જીવી શકાય.

બીજી એક ખૂબ સુંદર વાત આશાબેને કરી કે જીવન સાચા અર્થમાં જીવી જાણવું જોઇએ ફક્ત વર્ષો સાથે વય પસાર કરવાને બદલે.અને એમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે નાની નાની વાતોમાં આનંદ શોધવાનો.તેઓ બાળક સાથે બાળક જેવા થઈ જાય!એટલે જ તેમના પૌત્રપૌત્રીઓને તેમની સાથે ખૂબ જ ગોઠે!જીવનમાં નાની નાની વસ્તુઓને માણનાર કદી દુ:ખી થતો નથી.આજનો માનવી ભયંકર ટેન્શનમાં જીવે છે.

આશાબેન સવારે છ વાગે અચૂક ઉઠી જાય. ખાવા પીવાનું ચોક્કસ સમયે. શક્ય એટલું પોતાનું કામ આ ઉંમરે પણ પોતે જ કરવાનો તેઓ આગ્રહ રાખે છે. ચોકસાઈ,વ્યવસ્થા,સુઘડતા અને સ્વચ્છતાના ચુસ્ત હિમાયતી એવા તેઓ આજના યુવાનોને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. તેમને વાંચનનો, કળા તથા ક્રાફ્ટ,સંગીત અને રસોઈનો ખૂબ શોખ.

૮૫ વર્ષની વયે, તુલસી પ્રત્યે ખૂબ લગાવ હોવાથી અને જિજ્ઞાસા ભર્યા સ્વભાવને લઈને તેમણે વિષ્ણુ વલ્લભા અર્થાત તુલસી પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને આ વિષેની સામાન્ય માણસ ન જાણતો હોય એવી માહિતી એકઠી કરી. ૯૫મા વર્ષે તેમણે તુલસી પર પુસ્તિકા લખી. આ તેમના દ્રઢ મનોબળ,ગ્ન્યાનપિપાસા , કાર્યરતતા અને રચનાત્મકતાની પ્રતિતી કરાવે છે. તેમના પુત્રો પણ તેમના જેટલા જ ઉત્સાહી. તેમણે તુલસીની ક્યારેય ન જોઈ હોય એવી દુર્લભ તસવીરો (જેમાં તુલસી, દેવી તરીકે પોપટના વાહન સહિત આપણને આશિર્વાદ આપતા, સ્ત્રી જેવા દેહધારી રૂપે દ્રષ્યમાન થાય છે) શોધી કાઢી અને આશાબહેને ભેગી કરેલી તુલસી વિષેની અમૂલ્ય માહિતી સુંદર સચિત્ર પુસ્તિકા રૂપે પ્રકાશિત કરી જેની બે આવૃત્તિ બહાર પડી ચૂકી છે.

આશાબેન નો ઉત્સાહ, તેમની વાત કરવાની છટા, તેમના પોઝિટીવીટી અને ઓવર ઓલ વ્યક્તિત્વથી હું પ્રભાવિત થઈ ગયો અને મેં મનોમન પ્રાર્થના કરી કે ઇશ્વર ખરેખર તેમને માળાના ૧૦૮ મણકા જેટલી સંખ્યા કરતાંયે વધુ વયનું દીર્ઘાયુષી સ્વસ્થ જીવન બક્ષે અને તેઓ સદાયે પોતાના શોખ અને મનપસંદ કાર્યોમાં આનંદપૂર્વક વ્યસ્ત રહી બીજા અનેક લોકો માટે પ્રેરણાની મૂર્તિ સમાન બની રહે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો