આમિર ખાનનો એક અતિ સારો
અને રસપ્રદ કાર્યક્રમ 'સત્યમેવ જયતે' સ્ટાર પ્લસ ચેનલ પરથી દર રવિવારે સવારે ૧૧ વાગે
પ્રસારિત થવાની શરૂઆત થઈ છે. આજે તેનો ત્રીજો હપ્તો પ્રસારિત થશે. અત્રે આ બ્લોગની કટારમાં ચર્ચાતા સાંપ્રત સમસ્યારૂપ મુદ્દાઓ જેવા જ કેટલાક અતિ
સંવેદનશીલ પ્રશ્નોની ખૂબ ધ્યાનપૂર્વક રીસર્ચ બાદ વિગતવાર છણાવટ આ કાર્યક્રમ માં કરવામાં આવે છે અને એટલેથી જ અટકી ન જતાં એ સમસ્યાના નિવારણ માટે
કેટલાક નક્કર પગલા અને ઉપાયો પણ એમાં ચર્ચવામાં, દર્શાવવામાં અને યોજવામાં આવે છે. આ કાર્યક્રમ રાતે ૧૦ વાગે પુન: પ્રસારિત કરાય છે.
આ કાર્યક્રમના પહેલા જ એપિસોડમાં આમિરે 'ફીમેલ ફીટીસાઈડ' એટલેકે સ્ત્રી ભ્રૂણહત્યાનો અતિ સંવેદનશીલ મુદ્દો હાથમાં લીધો હતો જે વિશે 'બ્લોગને ઝરૂખેથી...' કટારમાં તા.૪ જુલાઈ ૨૦૧૦ના રવિવારે
મેં 'દિકરી વહાલનો દરિયો' શિર્ષક હેઠળ બ્લોગ લખ્યો
હતો. (જે
આપ આ કટારની વેબસાઈટ પર http://blognezarookhethee.blogspot.in/2010/07/blog-post_05.html આ પાને
વાંચી શકશો.) બીજા હપ્તામાં પણ આમિરે ભાગ્યે જ
ચર્ચાતા પણ આપણા સમાજમાં મોટે ભાગે પ્રવર્તમાન બાળકોના યૌન કે જાતીય શોષણનો અતિ
સંવેદનશીલ મુદ્દો ભારે પુખ્તતા પૂર્વક ચર્ચ્યો હતો.
આમિર સહિત મુલાકાત માટે આમંત્રિત મહેમાન જેની આમિર
મુલાકાત લે છે તથા કાર્યક્રમ લાઈવ નિહાળી રહેલા દરેક દર્શકની આંખ
કાર્યક્રમ દરમ્યાન વારંવાર ભીની થયા વિના રહેતી નથી એ આ કાર્યક્રમની ખાસિયત અને
સફળતા છે. એ
ચોક્કસ આપણને દરેક સામાન્ય નાગરિકને ક્યાંક કોઈક રીતે સ્પર્શે છે.
દર રવિવારે સવારે જન્મભૂમિ પ્રવાસીમાં 'બ્લોગને ઝરૂખેથી...' વાંચવાની સાથે સાથે 'સત્યમેવ જયતે' જોવાનું પણ ચૂકશો નહિં.
* * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૩૧ વર્ષનો એક ફ્રેંચ યુવાન વિન્સેન્ટ બર્નાર્ડ ૨૫૦૦૦
કિલોમીટરનું અંતર સાયકલ પર સવારી કરતા કરતા કાપીને થોડાં મહિના અગાઉ મુંબઈ આવે છે
જેથી તે કેન્સરના દર્દીઓના જીવનમાં હકારત્મક ઉર્જાનો સંચાર કરવાનું પોતાનું મિશન
પૂરું કરી શકે અને આપણાં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા નજીક પોતાની સાયકલ પાર્ક કરી તે
એક ઇન્ટરનેટ કેફેમાં સર્ફીંગ કરી રહ્યો હોય છે ત્યારે તેની સાયકલ પરથી કોઈક તેની
આખા પ્રવાસની મેન્યુસ્ક્રીપ્ટ અને મૂલ્યવાન તસવીરો ચોરી લે છે. તેને પારાવાર વેદના
અને મુંબઈ માટે નફરતનો અનુભવ થાય છે. મને પણ ખૂબ દુ:ખ થાય છે જ્યારે આવી કોઈક
શરમજનક ઘટના મારા શહેરમાં બને છે.
* * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * *
એક વાર જયારે હું બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં
એક મંદિરના આંગણામાં મેં કેટલીક યુવતિ અને સ્ત્રીઓને મોટી સુંદર રંગોળી બનાવતા
જોઈ.દક્ષિણ ભારતીય મંદિરો અને લોકોમાં રંગોળીનું આગવું મહત્વ હોય છે.તેમનો કોઈ
તહેવાર હશે એટલે પેલી મહિલાઓ રસ્તા પર મંદિરના પ્રાંગણમાં રંગોળી બનાવી રહી
હશે.પાછા ફરતી વેળાએ મારું ધ્યાન ફરી રંગોળીની ડિઝાઈન પર ગયું. કોઈએ તેના પર પગ
મૂકી એ રંગોળી અસ્તવ્યસ્ત કરી મૂકી હતી. મને આ જોઈ ખૂબ દુ:ખ થયું.કોઈ પણ વસ્તુનું
સર્જન ખૂબ અઘરૂં હોય છે.લોકો તેના પ્રત્યે આદર કેળવતા ક્યારે થશે?
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
બ્લોગ શું છે? આ કટાર વિશે થોડું...
બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.
આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે
તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે
પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે
રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની
પણ સ્વતંત્રતા ધરાવો છો.
તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં
બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે
ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?
અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ ગુજરાતીમાં
પ્રકાશિત થાય
છે. તમે પણ તમારાં વિચારો-પ્રતિભાવો વગેરે લખી મોકલી શકો છો. યોગ્ય લાગશે તો મહિનામાં એક વાર
ગેસ્ટ-બ્લોગ સ્વરૂપે તે અહિં છપાશે.
આ કટારમાં મહિનામાં ત્રણેક બ્લોગ
મારા પોતાના અને એકાદ બ્લોગ તમારામાંથી જ એકાદ વાચક મિત્રે મોકલાવેલ - ગેસ્ટ બ્લોગ
તરીકે છપાય છે. તમે કંઈ પણ રસપ્રદ એવી બાબત કે વાત આ કટારના માધ્યમથી બીજાઓ સાથે વહેંચવા માગતા હોવ તો તમારા વિચારો સ્વચ્છ
અને સુવાચ્ય અક્ષરે લખી જન્મભૂમિના સરનામે 'બ્લોગને ઝરૂખેથી' એવા મથાળા સાથે મોકલી શકો છો અથવા ગુજરાતીમાં ટાઈપ કરી મારા ઇમેલ એડ્રેસ vikas.nayak@gmail.com પર પણ મને મોકલી શકો છો.
તમે તમારા આ કટાર વિશેના મંતવ્યો/અભિપ્રાય પણ જન્મભૂમિના સરનામે અથવા મારા ઇમેલ એડ્રેસ પર લખી મોકલી શકો છો.
- વિકાસ ઘનશ્યામ નાયક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો