Translate

લેબલ 'satyamev jayate' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'satyamev jayate' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 20 મે, 2012

સત્યમેવ જયતે


          આમિર ખાનનો એક અતિ સારો અને રસપ્રદ કાર્યક્રમ 'સત્યમેવ જયતે' સ્ટાર પ્લસ ચેનલ પરથી દર રવિવારે સવારે ૧૧ વાગે પ્રસારિત થવાની શરૂઆત થઈ છે. આજે તેનો ત્રીજો હપ્તો પ્રસારિત થશે.  અત્રે આ બ્લોગની કટારમાં ચર્ચાતા સાંપ્રત સમસ્યારૂપ મુદ્દાઓ જેવા જ કેટલાક અતિ સંવેદનશીલ પ્રશ્નોની ખૂબ ધ્યાનપૂર્વક રીસર્ચ બાદ વિગતવાર છણાવટ આ કાર્યક્રમ માં કરવામાં  આવે છે અને એટલેથી જ અટકી ન જતાં એ સમસ્યાના નિવારણ માટે કેટલાક નક્કર પગલા અને ઉપાયો પણ એમાં ચર્ચવામાં, દર્શાવવામાં અને યોજવામાં આવે છે. આ કાર્યક્રમ રાતે ૧૦ વાગે પુન: પ્રસારિત કરાય છે.
આ કાર્યક્રમના પહેલા જ એપિસોડમાં આમિરે 'ફીમેલ ફીટીસાઈડ' એટલેકે સ્ત્રી ભ્રૂણહત્યાનો અતિ સંવેદનશીલ મુદ્દો હાથમાં લીધો હતો જે વિશે 'બ્લોગને ઝરૂખેથી...'  કટારમાં તા.૪ જુલાઈ ૨૦૧૦ના રવિવારે મેં 'દિકરી વહાલનો દરિયો'  શિર્ષક હેઠળ બ્લોગ લખ્યો હતો. (જે આપ આ કટારની વેબસાઈટ પર  http://blognezarookhethee.blogspot.in/2010/07/blog-post_05.html  આ પાને
વાંચી શકશો.)  બીજા હપ્તામાં પણ આમિરે ભાગ્યે જ ચર્ચાતા પણ આપણા સમાજમાં મોટે ભાગે પ્રવર્તમાન બાળકોના યૌન કે જાતીય શોષણનો અતિ સંવેદનશીલ મુદ્દો ભારે પુખ્તતા પૂર્વક ચર્ચ્યો હતો.
આમિર સહિત મુલાકાત માટે આમંત્રિત મહેમાન જેની આમિર મુલાકાત લે છે તથા કાર્યક્રમ લાઈવ નિહાળી રહેલા દરેક દર્શકની આંખ કાર્યક્રમ દરમ્યાન વારંવાર ભીની થયા વિના રહેતી નથી એ આ કાર્યક્રમની ખાસિયત અને સફળતા છે. એ ચોક્કસ આપણને દરેક સામાન્ય નાગરિકને ક્યાંક કોઈક રીતે સ્પર્શે છે.
દર રવિવારે સવારે જન્મભૂમિ પ્રવાસીમાં 'બ્લોગને ઝરૂખેથી...' વાંચવાની સાથે સાથે 'સત્યમેવ જયતે'  જોવાનું પણ ચૂકશો નહિં.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 

૩૧ વર્ષનો એક ફ્રેંચ યુવાન વિન્સેન્ટ બર્નાર્ડ ૨૫૦૦૦ કિલોમીટરનું અંતર સાયકલ પર સવારી કરતા કરતા કાપીને થોડાં મહિના અગાઉ મુંબઈ આવે છે જેથી તે કેન્સરના દર્દીઓના જીવનમાં હકારત્મક ઉર્જાનો સંચાર કરવાનું પોતાનું મિશન પૂરું કરી શકે અને આપણાં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા નજીક પોતાની સાયકલ પાર્ક કરી તે એક ઇન્ટરનેટ કેફેમાં સર્ફીંગ કરી રહ્યો હોય છે ત્યારે તેની સાયકલ પરથી કોઈક તેની આખા પ્રવાસની મેન્યુસ્ક્રીપ્ટ અને મૂલ્યવાન તસવીરો ચોરી લે છે. તેને પારાવાર વેદના અને મુંબઈ માટે નફરતનો અનુભવ થાય છે. મને પણ ખૂબ દુ:ખ થાય છે જ્યારે આવી કોઈક શરમજનક ઘટના મારા શહેરમાં બને છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 
એક વાર જયારે હું બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક મંદિરના આંગણામાં મેં કેટલીક યુવતિ અને સ્ત્રીઓને મોટી સુંદર રંગોળી બનાવતા જોઈ.દક્ષિણ ભારતીય મંદિરો અને લોકોમાં રંગોળીનું આગવું મહત્વ હોય છે.તેમનો કોઈ તહેવાર હશે એટલે પેલી મહિલાઓ રસ્તા પર મંદિરના પ્રાંગણમાં રંગોળી બનાવી રહી હશે.પાછા ફરતી વેળાએ મારું ધ્યાન ફરી રંગોળીની ડિઝાઈન પર ગયું. કોઈએ તેના પર પગ મૂકી એ રંગોળી અસ્તવ્યસ્ત કરી મૂકી હતી. મને આ જોઈ ખૂબ દુ:ખ થયું.કોઈ પણ વસ્તુનું સર્જન ખૂબ અઘરૂં હોય છે.લોકો તેના પ્રત્યે આદર કેળવતા ક્યારે થશે?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 

બ્લોગ શું છે?   આ કટાર વિશે થોડું...

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.
આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.
તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?
અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ ગુજરાતીમાં પ્રકાશિત થાય છે. તમે પણ તમારાં વિચારો-પ્રતિભાવો વગેરે લખી મોકલી શકો છો. યોગ્ય લાગશે તો મહિનામાં એક વાર ગેસ્ટ-બ્લોગ સ્વરૂપે તે અહિં છપાશે.
આ કટારમાં મહિનામાં ત્રણેક બ્લોગ મારા પોતાના અને એકાદ બ્લોગ તમારામાંથી જ એકાદ વાચક મિત્રે મોકલાવેલ - ગેસ્ટ બ્લોગ તરીકે છપાય છે. તમે કંઈ પણ રસપ્રદ એવી બાબત કે વાત આ કટારના માધ્યમથી બીજાઓ સાથે વહેંચવા માગતા હોવ તો તમારા વિચારો સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખી જન્મભૂમિના સરનામે 'બ્લોગને ઝરૂખેથી' એવા મથાળા સાથે મોકલી શકો છો  અથવા ગુજરાતીમાં ટાઈપ કરી મારા ઇમેલ એડ્રેસ  vikas.nayak@gmail.com  પર પણ મને મોકલી શકો છો. તમે તમારા આ કટાર વિશેના મંતવ્યો/અભિપ્રાય પણ જન્મભૂમિના સરનામે અથવા મારા ઇમેલ એડ્રેસ પર લખી મોકલી શકો છો.
- વિકાસ ઘનશ્યામ નાયક

સોમવાર, 5 જુલાઈ, 2010

દિકરી વ્હાલનો દરિયો...

પ્રથમ સંતાનનું દરેક દંપતિના જીવનમાં વિશિષ્ટ અને અદકેરું મહત્વ હોય છે. નવ મહિનાના ઇંતજાર બાદ મારી પત્નિ અમીએ વટસાવિત્રી પૂનમની શુક્રવારની સાંજે ૨૫-જૂન-૨૦૧૦ લક્ષ્મીના અવતાર સમી નાનકડા દેવદૂત જેવી લાગતી પુત્રીને - અમારા પ્રથમ સંતાનને જન્મ આપ્યો. હું તો આ ખબર સાંભળી સાતમા આસમાનમાં વિહરવા માંડ્યો અને અમીએ તેમજ મારા તથા અમીના ઘરના બીજા સભ્યોએ આવનાર બાળકીને વધાવી લીધી પણ બીજા ઘણાં સગા-સ્નેહીઓની પ્રતિક્રિયા મને દિકરી આવ્યાના સમાચાર સાંભળી આટલી ખુશીભરી અને હકારાત્મક નહોતી.કેટલાંકે તો અમીની ખબર કાઢવા આવ્યા ત્યારે એવા શબ્દો વાપર્યા કે 'કંઈ વાંધો નહિં, બીજી વાર તો ચોક્કસ દિકરો જ આવશે..' શા માટે આપણો સમાજ હજી એક દિકરી આવ્યાના ખબરને એટલી જ ખુશીથી નથી વધાવતો જેટલી ખુશી એક દિકરાના જન્મના ખબર સાંભળી અનુભવે છે?શા માટે સમાજ હજી આટલો પુત્રઘેલો છે?
અમી ગર્ભાવસ્થા દરમ્યાન તેના પિયર મહેસાણા હતી તેથી હું દર પખવાડિયે તેની સાથે સમય ગાળવા અને તેની તબિયતનું ધ્યાન રાખવા મુંબઈથી મહેસાણા જતો.આ મુલાકાતો દરમ્યાન એક કિસ્સો સાંભળવામાં આવ્યો.અમીની એક સખી પણ ગર્ભવતી હતી અને તેણે ગર્ભપરિક્ષણ કરાવ્યું હતું (આ કાયદેસર એક ગુનો છે છતા કેટલીયે ગેરકાયદેસર વસ્તુઓ બનતી રહેતી હોય છે) અને તેને ખબર પડી કે ગર્ભમાં વિકાસ પામી રહેલ ભ્રુણ દિકરીનું છે ત્યારે તરત તેણે ગર્ભપાત કરાવી નાંખ્યો.સમાજમાં તેણે એવી વાત ફેલાવી કે પોતે પડી ગઈ હોવાથી ગર્ભપાત થઈ ગયો હતો પણ વાસ્તવિકતા જુદી હતી.મને આ કિસ્સો સાંભળી જોરદાર આંચકો લાગ્યો.
ગુજરાતભરમાં ઠેરઠેર 'બેટી બચાવો'ના પોસ્ટર્સ લાગેલા હોવા છતાં,આપણે આજે એકવીસમી સદીમાં પહોંચી ગયા હોવા છતાં એક સ્ત્રીએ,એક માતાએ પોતે આવું પગલું ભરવું પડે એ દુ:ખદ બાબત છે.
આ પ્રસંગ પછી પણ ઘણી વાર મહેસાણા જવાનું થયું અને કોઈ વડીલને હું અને અમી પગે લાગીએ એટલે આશિર્વાદ મળે દેવ જેવો દિકરો તમારે ઘેર પધારે.ક્યારેય કોઇએ એવા આશિર્વાદ નથી આપ્યા કે દેવી જેવી દિકરી કે લક્ષ્મી પધારે.શું એવા આશિર્વાદ ન આપી શકાય કે તમારે ઘેર તંદુરસ્ત બાળક અવતરે,ભલે પછી એ પુત્ર હોય કે પુત્રી? છતાં આજેય વડીલો શામાટે પુત્રવતી ભવ ના જ આશિષ આપતા હોય છે?
શરીરમાં ભગવાન આવે એ વાતમાં હું તો જરાય માનતો નથી.પણ મારા કેટલાક નજીકના સંબંધીઓ જેમના પંડમાં માતાજી પ્રવેશે છે તેમણે તેમજ એક ભુવાજીએ પણ મારા પપ્પા સમક્ષ એવી આગાહી વિશ્વાસપૂર્વક કરી હતી કે મારે ઘેર દિકરો જ જન્મશે.પણ મારી ખુશી બેવડાઈ ગઈ જ્યારે એ બધી આગાહીઓ ખોટી પડી અને મારે ઘેર ફૂલ જેવી કોમળ બાળકીનો જન્મ થયો!
જન્મનાર બાળક ઇશ્વર તરફથી મળતી અણમોલ અને ઉત્તમ ભેટ છે,પછી ભલે એ દિકરો હોય કે દિકરી.તમે જ્યારે તમારા નવજાત શિશુને હાથમાં ઉપાડશો ત્યારે તમે ચોક્કસ મારી આ વાત સાથે સહમત થશો.કુદરતનું એક અદભૂત સર્જન છે તાજું જન્મેલું બાળક.
મારી દિકરીના જન્મ પછી હું મહેસાણામાં મારા સસરાજી સાથે મારી પુત્રીનો જન્મ કરાવનાર ડોક્ટરને મળવા ગયો ત્યારે એક બીજી આઘાતજનક ઘટના મારી સમક્ષ બની.એક સ્ત્રીને બાળકી જન્મી હતી અને કોઈક કોમ્પ્લિકેશન ઉભું થતા તે બાળકીનું ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઈ.જન્મનાર બાળકીના પિતા અને દાદી સામે હાજર થઈ ડોક્ટરે નવજાત શિશુના ઓપરેશનમાટે પરવાનગી માંગી.તે પુરુષે ડોક્ટરને સામો પ્રશ્ન કર્યો : "પહેલા અમને જાણ કરો દિકરો છે કે દિકરી? જો દિકરો હોય તો જ તેનું ઓપરેશન કરો. દિકરી હોય તો તેનું જે થવું હોય તે થવા દો." હજી તેના આંચકાજનક શબ્દોના આઘાતમાંથી બહાર આવું એ પહેલા નવજાત શિશુની દાદી બોલી, "હે ભગવાન, ખોડખાંપણ વાળોયે દિકરો દીધો હોત તો સારું થાત." ભલુ થજો એ ડોક્ટરનું કે ક્રોધે ભરાયા હોવા છતાં વધુ માથાઝીંક કર્યા વગર તે તાજી જન્મેલી બાળકીને ઓપરેશન માટે રવાના કરવા ત્યાંથી ચાલ્યા ગયા.
આજે ઘરડા માબાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેનાર કેટલાય કુપુત્રોના કિસ્સા સાંભળ્યા હશે અને આવા જાકારો પામનાર માબાપને દિકરીએ સધિયારો આપ્યાના પણ કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવા છતા આપણા સમાજના મોટા ભાગના લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિં હોય?એક પુત્રીને પણ પુત્ર જેટલાં જ પ્રેમ અને સન્માનથી આપણો સમાજ ક્યારે આવકારશે?