પ્રથમ સંતાનનું દરેક દંપતિના જીવનમાં વિશિષ્ટ અને અદકેરું મહત્વ હોય છે. નવ મહિનાના ઇંતજાર બાદ મારી પત્નિ અમીએ વટસાવિત્રી પૂનમની શુક્રવારની સાંજે ૨૫-જૂન-૨૦૧૦ લક્ષ્મીના અવતાર સમી નાનકડા દેવદૂત જેવી લાગતી પુત્રીને - અમારા પ્રથમ સંતાનને જન્મ આપ્યો. હું તો આ ખબર સાંભળી સાતમા આસમાનમાં વિહરવા માંડ્યો અને અમીએ તેમજ મારા તથા અમીના ઘરના બીજા સભ્યોએ આવનાર બાળકીને વધાવી લીધી પણ બીજા ઘણાં સગા-સ્નેહીઓની પ્રતિક્રિયા મને દિકરી આવ્યાના સમાચાર સાંભળી આટલી ખુશીભરી અને હકારાત્મક નહોતી.કેટલાંકે તો અમીની ખબર કાઢવા આવ્યા ત્યારે એવા શબ્દો વાપર્યા કે 'કંઈ વાંધો નહિં, બીજી વાર તો ચોક્કસ દિકરો જ આવશે..' શા માટે આપણો સમાજ હજી એક દિકરી આવ્યાના ખબરને એટલી જ ખુશીથી નથી વધાવતો જેટલી ખુશી એક દિકરાના જન્મના ખબર સાંભળી અનુભવે છે?શા માટે સમાજ હજી આટલો પુત્રઘેલો છે?
અમી ગર્ભાવસ્થા દરમ્યાન તેના પિયર મહેસાણા હતી તેથી હું દર પખવાડિયે તેની સાથે સમય ગાળવા અને તેની તબિયતનું ધ્યાન રાખવા મુંબઈથી મહેસાણા જતો.આ મુલાકાતો દરમ્યાન એક કિસ્સો સાંભળવામાં આવ્યો.અમીની એક સખી પણ ગર્ભવતી હતી અને તેણે ગર્ભપરિક્ષણ કરાવ્યું હતું (આ કાયદેસર એક ગુનો છે છતા કેટલીયે ગેરકાયદેસર વસ્તુઓ બનતી રહેતી હોય છે) અને તેને ખબર પડી કે ગર્ભમાં વિકાસ પામી રહેલ ભ્રુણ દિકરીનું છે ત્યારે તરત તેણે ગર્ભપાત કરાવી નાંખ્યો.સમાજમાં તેણે એવી વાત ફેલાવી કે પોતે પડી ગઈ હોવાથી ગર્ભપાત થઈ ગયો હતો પણ વાસ્તવિકતા જુદી હતી.મને આ કિસ્સો સાંભળી જોરદાર આંચકો લાગ્યો.
ગુજરાતભરમાં ઠેરઠેર 'બેટી બચાવો'ના પોસ્ટર્સ લાગેલા હોવા છતાં,આપણે આજે એકવીસમી સદીમાં પહોંચી ગયા હોવા છતાં એક સ્ત્રીએ,એક માતાએ પોતે આવું પગલું ભરવું પડે એ દુ:ખદ બાબત છે.
આ પ્રસંગ પછી પણ ઘણી વાર મહેસાણા જવાનું થયું અને કોઈ વડીલને હું અને અમી પગે લાગીએ એટલે આશિર્વાદ મળે દેવ જેવો દિકરો તમારે ઘેર પધારે.ક્યારેય કોઇએ એવા આશિર્વાદ નથી આપ્યા કે દેવી જેવી દિકરી કે લક્ષ્મી પધારે.શું એવા આશિર્વાદ ન આપી શકાય કે તમારે ઘેર તંદુરસ્ત બાળક અવતરે,ભલે પછી એ પુત્ર હોય કે પુત્રી? છતાં આજેય વડીલો શામાટે પુત્રવતી ભવ ના જ આશિષ આપતા હોય છે?
શરીરમાં ભગવાન આવે એ વાતમાં હું તો જરાય માનતો નથી.પણ મારા કેટલાક નજીકના સંબંધીઓ જેમના પંડમાં માતાજી પ્રવેશે છે તેમણે તેમજ એક ભુવાજીએ પણ મારા પપ્પા સમક્ષ એવી આગાહી વિશ્વાસપૂર્વક કરી હતી કે મારે ઘેર દિકરો જ જન્મશે.પણ મારી ખુશી બેવડાઈ ગઈ જ્યારે એ બધી આગાહીઓ ખોટી પડી અને મારે ઘેર ફૂલ જેવી કોમળ બાળકીનો જન્મ થયો!
જન્મનાર બાળક ઇશ્વર તરફથી મળતી અણમોલ અને ઉત્તમ ભેટ છે,પછી ભલે એ દિકરો હોય કે દિકરી.તમે જ્યારે તમારા નવજાત શિશુને હાથમાં ઉપાડશો ત્યારે તમે ચોક્કસ મારી આ વાત સાથે સહમત થશો.કુદરતનું એક અદભૂત સર્જન છે તાજું જન્મેલું બાળક.
મારી દિકરીના જન્મ પછી હું મહેસાણામાં મારા સસરાજી સાથે મારી પુત્રીનો જન્મ કરાવનાર ડોક્ટરને મળવા ગયો ત્યારે એક બીજી આઘાતજનક ઘટના મારી સમક્ષ બની.એક સ્ત્રીને બાળકી જન્મી હતી અને કોઈક કોમ્પ્લિકેશન ઉભું થતા તે બાળકીનું ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઈ.જન્મનાર બાળકીના પિતા અને દાદી સામે હાજર થઈ ડોક્ટરે નવજાત શિશુના ઓપરેશનમાટે પરવાનગી માંગી.તે પુરુષે ડોક્ટરને સામો પ્રશ્ન કર્યો : "પહેલા અમને જાણ કરો દિકરો છે કે દિકરી? જો દિકરો હોય તો જ તેનું ઓપરેશન કરો. દિકરી હોય તો તેનું જે થવું હોય તે થવા દો." હજી તેના આંચકાજનક શબ્દોના આઘાતમાંથી બહાર આવું એ પહેલા નવજાત શિશુની દાદી બોલી, "હે ભગવાન, ખોડખાંપણ વાળોયે દિકરો દીધો હોત તો સારું થાત." ભલુ થજો એ ડોક્ટરનું કે ક્રોધે ભરાયા હોવા છતાં વધુ માથાઝીંક કર્યા વગર તે તાજી જન્મેલી બાળકીને ઓપરેશન માટે રવાના કરવા ત્યાંથી ચાલ્યા ગયા.
આજે ઘરડા માબાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેનાર કેટલાય કુપુત્રોના કિસ્સા સાંભળ્યા હશે અને આવા જાકારો પામનાર માબાપને દિકરીએ સધિયારો આપ્યાના પણ કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવા છતા આપણા સમાજના મોટા ભાગના લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિં હોય?એક પુત્રીને પણ પુત્ર જેટલાં જ પ્રેમ અને સન્માનથી આપણો સમાજ ક્યારે આવકારશે?
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
પ્રિય વિકાસભાઇ,
જવાબ આપોકાઢી નાખોતમારી કોલમ "બ્લોગને ઝરૂખેથી" માહિતીપ્રદ હોય છે. ગયે રવિવારે વાંચેલી માહિતી તમારી જ હોય તો તમને જોગમાયાની પધરામણી
બદલ અભિનંદન. તમારી જાણ માટે લખું તો ચાલીસ વરસ પહેલાં મારી પ્રથમ (અને એક્માત્ર પુત્રી) અર્ચનાનો જન્મ થયો ત્યારે અમે
તેની ખુશાલીમાં પેંડા વહેંચ્યા ત્યારે ઘણાને નવાઇ લાગી હતી.અત્યારે તે ગુજ.યુનિ. માં લોક્પ્રિય પ્રોફેસર તરીકે સેવા આપે છે. એ જમાનામાં
અમારે મન દીકરા/દીકરીમાં ભેદ્ નહોતો. તેને બે નાના ભાઇઓ છે.
(છએક વરસ પહેલાં મેં પંદર વરસ સુધી સાપ્તાહિક પૂર્તિમાં પુસ્તક સમીક્ષાની કોલમ "શબ્દલોક" સંભાળી હતી એ તમારી જાણ પૂરતું.)
દિગંબરભાઇ.
Dear Vikasbhai,
જવાબ આપોકાઢી નાખોVery nice article. We find that even educated person behave like this.
દીકરી વિષે જેટલું કહી તેટલું ઓછુ છે. દીકરો-દીકરી એક સમાન ગણી મત ભેદ ન કરવા જોઈએ. પણ આપનો શિક્ષિત સમાજ જ્યાં સુધી જાગવાના નથી ત્યાં સુધી દીકરી/સ્ત્રીને લઈને ઘણા પ્રશ્નો રેહવાના જ છે.
http://vicharshrushti.blogspot.com/2011_02_01_archive.html