થોડાં સમય અગાઉ અમારા એક પાડોશી અમારી ચાલમાં આવેલું તેમનું ઘર વેચી બીજી જગાએ નવા ઘરમાં રહેવા ગયા.આજના ધમાલિયા શહેરી જીવનમાં,કોઈ બિલ્ડીંગમાં આ ઘટના બની હોત તો તેનું કંઈ ખાસ મહત્વ હોત નહિં.પણ હું જ્યાં ચાલમાં રહું છું એ મલાડનો ભાદરણ નગર વિસ્તાર ગુજરાતના કોઈ નાનકડા નગર જેવો જ છે જ્યાં બેઠા ઘાટના મકાનો કતારબંધ ચાલ સ્વરૂપે ગોઠવાયેલા છે.એકાદ ચાલમાં અંદાજે પંદર-વીસ ઘર અને આવી ચાલીસ-પચાસ ચાલ ભાદરણનગરમાં અસ્તિત્વ ધરાવે જ્યાં દરેક ચાલના રહેવાસીઓ વચ્ચે ઘર જેવા સંબંધ જોવા મળે.એટલે અમારી ચાલમાં વર્ષોથી રહેતું એક કુટુંબ જ્યારે તેમનું ઘર વેચી બીજી નવી જગાએ રહેવા ગયું એ પ્રસંગ અમારા અને અમારા બીજા પાડોશી કુટુંબો માટે એક મોટી ઘટના સમાન બની રહ્યો.
ચાલ સિસ્ટમમાં એક ઘરના દરવાજા સામે, સામેની બીજી ચાલના ઘરનો દરવાજો પડે.મોટે ભાગે આખા વિસ્તારમાં ગુજરાતીઓની બહુમતિ હોવા છતાં,મોટા ભાગની ચાલમાં મારવાડી,દક્ષિણ ભારતીય,પંજાબી,ઉત્તર ભારતીય,મુસલમાન જેવી પચરંગી પ્રજા વસતી જોવા મળે અને તેમની વચ્ચે સંપ પણ ગજબનો.ગામ હોય ત્યાં ઉકરડો પણ હોવાનો જ એ ન્યાયે રગડાઝગડા પણ જોવા મળે છતાં લોકો વચ્ચે પ્રેમ અને મૈત્રીભર્યા સંબંધો પણ અહિં ચોક્કસ જોવા મળે.
અમારા જે પાડોશી ઘર ખાલી કરી બીજે રહેવા ગયા તેમનું ઘર અમારા ઘરથી ત્રણ-ચાર ઘર છોડીને આવ્યું હતું.આ કુટુંબનો તેમના અડીને બાજુમાં આવેલા ઘરમાં વસતા કુટુંબ સાથે તેમજ તેમની બરાબર સામે રહેતા બીજા એક કુટુંબ સાથે ખૂબ નજીકના સંબંધો.અમારે પણ આ ત્રણે ઘર સાથે સારો એવો સંબંધ.
જે દિવસે અમારી ચાલમાં પેલું ઘર ખાલી થયું એ દિવસે સવારથી એમાં રહેતા કુટુંબને જવાની ધમાલમાં આખી ચાલમાં અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું.સામે વાળા ભાભીતો મારે ઘેર આવી લાગણીશીલ અવાજમાં તેમના જઈ રહેલા કુટુંબ સાથેના સંબંધોની ખાટ્ટીમીઠી યાદો વાગોળવા લાગ્યા.તેમને એવી ખબર પડેલી કે જઈ રહેલા કુટુંબની બાજુનું ઘર પણ ટૂંક સમયમાં ખાલી થવાનું છે અને એ કુટુંબ પણ બીજે ક્યાંક નવી જગાએ રહેવા જવાનું છે.આથી એ ભાભી ખૂબ ઢીલા પડી ગયેલા.તે હવે એકલા પડી જવાના એવી ચિંતા તેમને સતાવી રહી હતી. અમારી સાથે વાતચીત કરતા કરતા તેમની આંખોમાં ઝળઝળિયા આવી ગયાં.
આ છે ચાલમાં રહેવાની વિશેષતા.અહિં સાચા અર્થમાં સમૂહજીવન જોવા-અનુભવવા મળે છે.તમે તમારા પાડોશી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા થઈ જાઓ છો.તેમના કુટુંબના સભ્યો તમારા ઘરના સભ્યો જેવા બની જાય છે.તમે સારાનરસા પ્રસંગે એકમેકની પડખે ઉભા રહો છો.અડધી રાતે તમને તાત્કાલિક મદદની જરૂર પડે ત્યારે તમારા પાડોશી અહિં ખડે પગે તમારી સેવામાં હાજર થઈ જાય છે.તમે હકથી તેમનું બારણું ખખડાવી શકો છો.તમે ફક્ત જમવામાં બનતી વાનગીઓ જ તમારા પાડોશીઓ સાથે નથી વહેંચતા બલ્કે તેમના સુખદુ:ખના પણ તમે સાથી બની રહો છો. તમારા પાડોશી તમારા જીવનનો એક હિસ્સો બની જાય છે.પેલા ભાભી ઢીલા પડી ગયેલા કારણ તેઓ અનુભવી રહ્યા હતા જાણે તેમના શરીરનો એક હિસ્સો પણ તેમના પાડોશી ભેગો નવી જગાએ રહેવા જઈ રહ્યો હતો.તેમની ભાવુક્તાએ મને, મારી મમ્મી તેમજ બહેનને પણ થોડા ગમગીન બનાવી મૂક્યાં.
પુરુષોતો મોટે ભાગે દિવસ દરમ્યાન ઘરની બહાર, કામે ગયા હોય પણ સ્ત્રીઓ એકલી કે બાળકો સાથે દિવસભર ઘરમાં હોય એટલે પાડોશ સાથે સારો ઘરોબો કેળવે અને તેઓ સાથે જ કામ પણ કરે અને ટોળટપ્પા પણ મારે.ક્યારેક ઘરનો પુરુષ થાક્યોપાક્યો કામ પરથી સાંજે ઘેર પાછો ફરે ત્યારે પાડોશની કોઈ સ્ત્રી તે ઘરમાં બેઠી બેઠી એ પુરુષની પત્ની સાથે શાક સમારતી બેઠી હોય કે ટી.વી. જોતી વાતચીત કરતી હોય અને એ પુરુષને તે પાડોશણની હાજરી ખૂંચે એવું પણ બની શકે. પોતાની પ્રાયવસી જળવાતી નથી એવો અનુભવ એ પુરુષને થાય એવું બની શકે.પણ ત્યારે તેણે એમ વિચારવું જોઇએ કે તેને જેમ ઓફિસમાં સહકર્મચારીઓ સાથે ગપ્પા મારવા ગમે છે તેમ તેની પત્નીને પણ કોઇક તો સાથી જોઇએને મન હળવું કરવા?સાસુ-વહુના કાર્યક્રમો પણ સ્ત્રીઓને એકમેકની સંગતમાં જોવા વધુ ગમે છે!
ચાલ સિસ્ટમમાં મોટે ભાગે બિલ્ડીંગ સિસ્ટમ કરતા વિપરીત ઘરના દરવાજા ખુલ્લા જોવા મળે છે.જેના અનેક ફાયદાઓ છે.ચોરી-લૂંટફાટના બનાવોની શક્યતા ઘટી જાય છે.તમને જ્યારે મૂડ સારો ન હોય ત્યારે કોઈકની કંપની મળી રહે છે.તમે પોતે ઘરે ન હોવ ત્યારે પણ તમારું ઘર સચવાઈ જાય છે,તમારા બાળકો જલ્દી અને સારી રીતે મોટા થઈ જાય છે.
કાલે કદાચ જો હું પણ નવી જગાએ મોટા ઘરમાં રહેવા જઈશ ત્યારે મારી આ ચાલ અને મારા વર્ષો જૂના ઘર,જ્યાં મારો જન્મ થયો હતો અને જ્યાં હું મોટો થયો છું અને આજે જે મુકામ પર છું ત્યાં પહોંચ્યો છું તેમને કદાપિ ભૂલી શકીશ નહિં.
મંગળવાર, 20 જુલાઈ, 2010
ચાલમાં રહેવાની મજા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ચાલીના જીવન વિષે તમારો બ્લોગ વાંચીને હું અત્યંત ભાવ વિભોર બની ગયો.મુંબઈમાં મારા જન્મ પછી ચાલીસ વર્ષો મેં ચાલીમાં ગાળ્યા. તમે નોંધેલી બધી જ સુખદ અને દુખદ અનુભૂતિઓનો , હું પણ સાક્ષી બન્યો છું . મારી સ્મૃતિઓ જાગૃત થઇ ગઈ. મને અતીતમાં ડોકિંયુ કરાવા બદલ આભાર સાથે અભિનંદન .
જવાબ આપોકાઢી નાખોનીતિન વિ મહેતા
અંધેરી , મુંબઈ.