Translate

રવિવાર, 7 જૂન, 2015

યાદ રાખવાની સરળ અસરકારક પદ્ધતિ


શાળા ઉઘડવાનો સમય શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થશે અને ફરી આવશે પરીક્ષાઓ અને ભણેલું યાદ રાખવાની મોસમ! હું શાળામાં હતો ત્યારે અમને ઇતિહાસ-ભૂગોળ અને ગુજરાતી વિષયો અતિ રસપ્રદ રીતે શિખવતા મારા પ્રિય શિક્ષક સી.ડી.આશર સાહેબે સૂચવેલી ભણેલું યાદ રાખવાની એક અતિ અસરકારક પદ્ધતિ આજે બ્લોગ દ્વારા સૌ સાથે શેર કરીશ. વિદ્યાર્થીઓને તો કામમાં લાગશે પણ આપણને સૌને પણ રોજબરોજનાં જીવનમાં નાનીમોટી અનેક વસ્તુઓ-વાતો યાદ રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

પદ્ધતિ છે યાદ રાખવાની બાબતને આપણી મનપસંદ અન્ય વાત-વસ્તુ કે ઘટના સાથે જોડી દેવાની. આમ કરવાથી મૂળ વસ્તુનું નવી બાબત સાથે જોડાણ અસરકારક રીતે મગજમાં જડાઈ જશે અને પાછું યાદ કરવાની વેળા આવ્યે સાથે જોડેલી બાબતને લઈને મૂળ વાત  સહેલાઈથી યાદ કરી શકાશે.

 ઉદાહરણ દ્વારા વાત વધુ સારી રીતે સમજી શકાશે. મારા ગુરૂ શ્રી આશર સાહેબે ભણાવેલ કેટલાક પાઠ બે દાયકા કરતાં વધુ સમય વિતી જવા છતા હજી આજે પણ યાદ છે એની વાત કરું. ભૂગોળમાં હકીકત યાદ રાખવાની હતી કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. પણ કઈ દિશાથી કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમ થી પૂર્વ તરફ? યાદ રાખવું અઘરૂ છે - કન્ફ્યુઝિંગ છે. પણ આશર સાહેબે આ એવી રીતે યાદ કરાવ્યું કે જીવન ભર ભૂલી નહિ શકાય! તેમણે આ યાદ રાખવા સરળ મંત્ર આપ્યો 'પૃથ્વી પપૂ'! રમૂજી વાતો સરળતાથી યાદ રહેતી હોય છે! પપૂ એટલે પસ્ચિમ થી પૂર્વ તરફ! હવે 'પ્રુથ્વી પપૂ' એ રીતે આ ભૌગોલિક ઘટના યાદ રાખીએ પછી એ ભલા કોઈ રીતે ભૂલી શકાય?!

બીજો આવો જ ભૂગોળનો એક પાઠ પવન ક્યારે કઈ દિશાથી કઈ દિશા તરફ વહે છે એ યાદ રાખવા માટેનો હતો. શબ્દો 'દિદજ' અને 'રાજદ' યાદ રાખવા અતિ સરળ છે જે એ માહિતી સંગ્રહે છે કે પવન દિવસે દરિયા તરફથી જમીન તરફ (દિદજ) અને રાતે જમીન તરફથી દરિયા તરફ વાય છે.    

આમ ઘણાં બધાં શબ્દો કે વસ્તુઓનો સમૂહ ક્રમમાં યાદ રાખવાનો હોય ત્યારે તે દરેક નાં પ્રથમ અક્ષર ચોક્કસ ક્રમમાં યાદ રાખવાથી એ આખો સમૂહ તેના મૂળ ક્રમમાં યાદ રાખવાનું સરળ થઈ પડે છે.મેઘધનુષનાં સાત રંગ 'જાનીવાલીપીનાલા' (જાંબલી,નીલો,વાદળી,લીલો,પીળો,નારંગી અને લાલ) (English માં VIBGYOR) શબ્દ યાદ રાખી સરળતાથી યાદ રાખી શકાય છે.  

કેટલીક વાર જોડાણ વિરોધી કે નકારાત્મક સ્વરૂપનું પણ હોઈ શકે છે.જેમકે ગુજરાતી  વ્યાકરણમાં ચોપાઈ અને દોહરો છંદ પૈકી  ચોપાઈ માં ચોવીસ અંક ન હોય એટલે પંદર અંક વાળો છંદ ચોપાઈ અને ચોવીસ અંક વાળો દોહરો એમ યાદ રાખી શકાય.

આજ રીતે કોઈક તારીખ કે આંકડા યાદ રાખવાના હોય ત્યારે તેને તમારા કે તમારા મિત્ર,સ્નેહીજન વગેરેનાં જન્મતારીખ કે અન્ય કોઈ મહત્વનાં અંક સાથે જોડી સહેલાઈથી યાદ રાખી શકાય છે.જેમકે ૧૯૫૭ની સાલ હું કઈ રીતે યાદ રાખીશ?૧૯ મારી જન્મ તારીખ છે અને તેને ત્રણ સાથે ગુણતા ૫૭ આવે! એટલે ૧૯૫૭ યાદ રાખવા હું આ યુક્તિ યાદ રાખીશ. ‘૨૦૯૧૦૭૫૬૪૩’ આવો મોટો નંબર મારો કોઈ અગત્યનો ખાતા નંબર હોય તો તે યાદ રાખવા મોટા ભાગના મુંબઈના ટેલિફોન નંબર જેમ ૨ થી શરૂ થાય છે તેમ આ નંબર પણ '૨' થી શરૂ થાય છે પછી '૦૯' અને '૧૦' ક્રમમાં આવતી સંખ્યાઓ ત્યાર બાદ આવતા '૭૫૬૪૩'  મારા ઘરના ફોન નંબરનાં છેલ્લાં પાંચ અંક છે એમ યાદ રાખી હું આ આખો મોટો નંબર  યાદ રાખી શકીશ.

કયા મહિનામાં ૩૧ અને કયા મહિનામાં ૩૦ દિવસ આવે એ યાદ રાખવા હાથની મૂઠ્ઠી વાળી આંગળીને પંજા સાથે જોડતાં ભાગમાં છેડે જ્યાં ટેકરો બને તે ૩૧ દિવસનો મહિનો અને જ્યાં ખાડો કે ખાંચો આવે ત્યાં ૩૦ (અથવા  ફેબ્રુઆરીમાં ૨૮ કે ૨૯) દિવસ આવે.જાન્યુઆરીથી ગણવાની શરૂઆત કરો અને ચકાસો!જૂલાઈ પર એક હાથની મૂઠ્ઠીની ગણતરી ૩૧ દિવસનાં  મહિના સાથે પૂરી થાય એટલે બીજા હાથની પણ ૩૧ દિવસના ઓગષ્ટ સાથે શરૂ! ૩૧ કે ૩૦ કેટલા દિવસનો મહિનો એ અનિયમિત ક્રમમાં આવતા મહિનાનાં દિવસોને લીધે યાદ રાખવું અટપટું બની જાય પણ હાથની મૂઠ્ઠી વાળી આ તરકીબથી એ સરળતાથી યાદ કરી શકાય.

આમ ઘટના,નંબર,વાત કે વસ્તુને અન્ય યાદ રહી જાય  એવી અન્ય  બાબત સાથે સાંકળી તેને સરળતાથી યાદ રાખી શકાય છે.

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત7 જૂન, 2015 07:40 AM

    નમસ્તે વિકાસભાઈ હું તમારી કોલમ બ્લોગને ઝરુખેથી જ.પ્રવાસીમાં નિયમિત રીતે વાંચું છું તમે દરેક વખતે જે જુદા જુદા સબ્જેક્ટ ની સુંદર રજૂઆત તમારી કોલમમાં કરો છો એ વાંચીને ખરેખર! આફરીન થઇ જવાય છે. આજ રીતે ‘લગે રહો ‘ એવી શુભકામના.
    - હરગોવિંદ ડી સોની દુબઈ (યુ.એ.ઈ.)

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત14 જૂન, 2015 05:58 AM

    વિકાસભાઈ, યાદ રાખવા તમારા શિક્ષકોએ શીખવેલી પદ્ધતિનો લાભ મને પણ મળ્યો છે.
    આઠમા ધોરણમાં અક્શાંસ-રેખાંશનો વિષય હતો. આડી અને ઊભી રેખાઓમાં કઈ રેખા અક્શાંસ અને કઈ રેખાંશ એ સમજાતું ન હતું. દવેસાહેબ ન તકલીફ જણાવતાં તેમણે કહ્યું: અક્શાંસમાં અક્શ એટલે આંખ શબ્દ આવે છે. એટલે એક આંખથી બીજી આંખ દોરાતી આડી રેખા તે અક્શાંસ. આજે પંચાવન વર્ષ પછી એ જ વ્યાખ્યા મને કામ આવે છે.
    વર્ષ ૧૯૬૦માં મેટ્રિકની પરીક્ષામાં મારો સીટ નં.૧૭૨૩૫ હતો. એ રીતે યાદ રાખ્યું છે: ૧૭x૨+૧
    વિષુવવૃતની ઉત્તરે અને દક્ષિણે કર્ક અને મકરવૃત આવેલા છે, પણ કયું વૃત્ત ઉત્તરમાં ને કયું દક્ષિણમાં એ યાદ કરવાની રીત: મારા કચ્છ વચ્ચેથી પસાર થાય તે કર્ક વૃત્ત.
    પહેલાં મારી પાસે MTNLનો ફોન હતો, જેનો નંબર ૮૦૮૧૬૯૯ હતો. યાદ રાખવાની રીત: ૮+૮=૧૬ એમ ૮૦૮૧૬ અને ૧૦૦-૧=૯૯ આમ ૮૦૮૧૬૯૯ થયું.
    - જયસિંહ સંપટ

    જવાબ આપોકાઢી નાખો