Translate

રવિવાર, 31 મે, 2015

ગેસ્ટ બ્લોગ : વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવતર પ્રયાસ


                                                                        -  ડૉ.વંદનાચોથાણી

નિસર્ગ પાસે જવાથી મનુષ્યનું મન શાંત થાય છે.

ખળખળ વહેતું ઝરણું,દરિયાનો ઘુઘવાટ, જંગલનાંપક્ષીઓના કલરવથી માનસનું હ્રદય પુલકીત થાય છે. તણાવમુક્ત થવાનો સૌથી આસાન રસ્તો એટલે નિસર્ગનો સંસર્ગ કરવો. મૃદુતાનો ગુણ મનુષ્યમાં કેળવવાનો રાજમાર્ગ તેમની કિશોરાવસ્થામાં તેમને જીવંતસૃષ્ટિનાં ઉછેર, સંવર્ધન કે સુશ્રુષામાં રોકવામાં આવે તે છે. આવો જ એક પ્રયોગ વેલાસ-શ્રીવર્ધન અને તેના આજુબાજુનાં ગામોમાં થાય છે.

શનિ-રવિની રજાનો સદુપયોગ કરવા અમે શનિવારની સવારે શ્રીવર્ધન તરફ જવા નીકળ્યા. વેલાસ-શ્રીવર્ધન કોંક્ણમાં આવેલું અતિ સુંદર દરિયાકિનારાની નજીક આવેલું ગામ છે. જે મુંબઈથી લગભગ ૧૮૦ કિ.મી. દૂર છે. ત્યાં "સહ્યાદ્રિ નિસર્ગ મિત્ર મંડળ" નામની એક બિનસરકારી સંસ્થા છે જે  દરિયાઈ કાચબા(Turtle) ઉછેર કેન્દ્ર ચલાવે છે. તેમણે દરિયાકિનારે ૩૦x૩૦ ફુટની જગ્યામાં જાળી બાંધી છે. તેમાં ખાડો કરીને દરિયાઈ કાચબાનાં ઈંડાને સંભાળીને મૂકે છે. આ ઈંડા દરિયાકિનારાની અલગ-અલગ જગ્યાઓ પરથી શોધીને લાવવામાં આવે છે. માદા દરિયાઈ કાચબો એક વખતમાં લગભગ ૮૫ થી ૧૫૦ ઈંડા મૂકે છે. આ ઈંડા ભેગા કરીને તેઓ ત્યાં ખાડા ખોદીને સુરક્ષિત રીતે તેમાં મૂકે છે અને એના ઉપર કેટલા ઈંડા આ ખાડામાં મુક્યા છે અને કઈ તારીખે મુક્યા છે તેની કાપલી લાકડીમાં ભરાવે છે.  કુલ ઈંડામાંથી ૪૫-૫૦% બચ્ચા જન્મે છે. ૧૦૦૦ બચ્ચામાંથી એક જ બચ્ચુ પુખ્ત ઉંમર સુધી પહોંચે છે. તેમની પુખ્ત ઉંમર એટલે ૧૫ થી ૧૮વર્ષ. આ બાદ તે જ્યાં જન્મ્યું હોય એ જ જગ્યા પર આવીને પાછું ત્યાં જ ઈંડા મૂકે છે. તેમનો જીવતા રેહવાનો અને પુખ્ત ઉંમર સુધી પહોચવાનો દર ખૂબ જ ઓછો છે. તેથી તેમનું રક્ષણ કરવું જરૂરી બને છે. ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં વેલાસમાં એક ઉત્સવ ઉજવાય છે જેનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો, દરિયાઈ કાચબાનું રક્ષણ કરવાનો અને ઈંડાને સુરક્ષિત જગ્યામાં મૂકવાનો કે જ્યાંથી શિકારીઓ જેવા કે કુતરા, સાપ, નોળિયા, કાગડાઓ, બાજપક્ષી અને મનુષ્યથી તેમને બચાવી શકાય.  -૩ મહિનામાં ઇંડામાંથી  દરિયાઈ કાચબાનું બચ્ચુ બહાર આવે છે, જે તે ખાડામાંથી નીકળીને સપાટી પર આવે છે. નિસર્ગ મિત્ર મંડળના સ્વયંસેવકો ખાડા ઉપર સુંડલો ઢાંકે છે. જે સવારે ૭વાગ્યે અને સાંજનાં ૬ વાગ્યે ખોલે છે અને જુએ છે કે કેટલા બચ્ચા બહાર આવ્યા છે. આ સમયે મુલાકાતીઓ બહારથી જાળીમાંથી જોઈ શકે છે. જો બચ્ચા બહાર નીકળ્યા હોય તો સુંડલામાં નાખીને તેઓ દરિયાકિનારા પર પાણીથી ૧૦૦-૧૫૦ ફુટ બચ્ચાને બહાર મૂકે છે. જ્યાંથી નૈસર્ગિક રીતે જ બચ્ચાઓ દરિયા તરફ ચાલવાનું શરૂ કરે છે અને દરિયામાં જાય છે. મુલાકાતીઓ આજુબાજુથી આ સુંદર દ્રષ્ય-ઘટના જુએ છે,  ફોટો ક્લિક કરે છે અને વીડિયો રેકૉર્ડિંગ કરે છે.

આ ગામમાં પર્યટકોને રહેવા માટે હોમસ્ટે (સ્થાનિક રહેવાસીઓના ઘરમાં રહેવાની સગવડ) છે. એટલે ગામનાં રહેવાસીઓના ઘરે જ ૧૦-૧૫ પર્યટકો રહે છે. ત્યાં ૨ વખત જમવાનું, ૨ વખત ચા અને સવારનો નાસ્તો રૂ|.૪૫૦માંઆપેછે.   અભિનવ પ્રયાસને ટાટા કન્સલટન્સી સર્વીસીઝ સંસ્થાનો સારો એવો સહકાર સાંપડ્યો છે. 

- ડૉ.વંદનાચોથાણી

1 ટિપ્પણી:

  1. ગેસ્ટ બ્લોગ તરીકે ડો.વંદના ચોથાણીનો લેખ 'વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવતર પ્રયાસ' માહિતીપ્રદ રહ્યો.
    - પ્રકાશ સંઘવી

    જવાબ આપોકાઢી નાખો