Translate

શનિવાર, 23 મે, 2015

ક્રોધ


"અરે દિખતા નહિ ક્યા..." બોલી અતિ ક્રોધમાં મરાયેલા ધક્કાને કારણે પાંસઠેક વર્ષનો વૃદ્ધ આદમી મુંબઈ લોકલના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મારી અને અન્ય પ્રવાસીઓ પર પડતા પડતા રહી ગયો. મને ઝટકો લાગ્યો. કારણ હડસેલો મારનાર સોફેસ્ટીકેટેડ દેખાતો યુવાન વડીલ કરતા અડધી ઉંમરનો હશે. ધક્કો માર્યા બાદ પણ તેના મોઢા પર પસ્તાવાનો છાંટો યે દેખાતો નહોતો. મેં વડીલનો પક્ષ લઈ સહેજ ઉંચા અવાજે પેલા અસંસ્કારી યુવાનને ધમકાવતા કહ્યું કે આવું અમાનવીય વર્તન કરતા પહેલા તેણે સામે વાળી વ્યક્તિની ઉંમર જોવી જોઇએ. તેણે બચાવ કરતા ઉંચા અવાજમાં જ જવાબ આપ્યો કે પેલા માણસે તેના હાથ પર એટલા જોરથી દબાણ આપ્યું કે તેને ફ્રેક્ચર થઈ જાત. બોલતી વખતે પણ તેના ચહેરા પરના ભાવ જરા સરખા પણ બદલાયા નહોતા. ઝંખવાણા પડી ગયેલા પેલા વયસ્કે ધક્કો લાગ્યો કે તરત સામો પ્રતિકાર કરવા હાથ ઉગામવાની કોશિષ કરી હતી પણ ગરમ લોહી ધરાવતા યુવાનિયા સામે નમતુ ઝોખી આખરે તે ડબ્બામાં અંદર ચાલ્યા ગયા. આજુબાજુ ઉભેલા ઘણાં બધાં લોકો આ ઘટનાનાં મૂક સાક્ષી બની રહ્યાં પણ કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.

મારા મિત્રે વર્ણવેલા બીજા એક કિસ્સામાં વિરાર જતી મુંબઈ લોકલમાં ચાલીસેક વર્ષનાં સ્થાનિક ગુંડા જેવા આદમીને ભૂલથી કોઈક તેનાથી દસેક વર્ષ મોટા માણસનો હાથ લાગી ગયો હશે અને તે અસામાજિક તત્વ જેવા જાનવરથીયે બદતર આદમીએ સતત સોળેક મિનિટ સુધી ભરચક ગિર્દી વચ્ચે ચાલુ ટ્રેને મીરારોડ થી નાલાસોપારા દરમ્યાન ઢોર માર માર્યો. આજુબાજુ ઉભેલા ઘણાં બધાં લોકો આ ઘટનાનાં મૂક સાક્ષી બની રહ્યાં પણ કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.

દિલ્હીની સડક પર પાત્રીસ-ચાલીસ વર્ષનો એક માણસ બાઈક પર પોતાના આઠેક અને બારેક વર્ષના બે પુત્રો સાથે જઈ રહ્યો હતો અને તેનું બાઈક અન્ય કોઈ યુવાનિયાઓના બાઈક સાથે ટકરાયું અને તેમની વચ્ચેની સામાન્ય બોલાચાલી મારામારીમાં પરિવર્તીત થઈ ગઈ અને ક્રોધાંધ યુવાનોએ પેલા બે કુમળી વયનાં બાળકોની હાજરીમાં જ તેમની આંખ સામે તેમના પિતાની હત્યા કરી નાંખી.રસ્તા વચ્ચે આ બન્યું એટલે અન્ય લોકો પણ તમાશો જોઈ જ રહ્યા હશે. પણ એમાંથીયે કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.

આજે ક્રોધ લોકોના જીવનનું અવિભાજ્ય અંગ બને ગયો છે અને એ સમાજ માટે ખુબ ભયજનક છે.એ પાછળ વધતી જતી વિકટ પરિસ્થીતી,મોંઘવારી,સમસ્યાઓ,ગિર્દી,ગરમી - વિષમ બનતી જતી રૂતુઓ,તાણ,પ્રદૂષણ વગેરે જેવી અનેકાનેક બાબતો કારણરૂપ હોઈ શકે છે. પણ એ ક્રોધને કારણે લેવાયેલ પગલા કે અપાયેલ પ્રતિક્રિયા બાણમાંથી છૂટેલા તીર સમાન છે.આવેશમાં લેવાયેલ પગલું કોઈની હત્યા પણ કરી શકે છે અને પછી પસ્તાવા સિવાય બીજું કંઈ કરી શકાતું નથી.આથી આપણે સૌએ ક્રોધને કાબુમાં રાખવાનું શિખવાની તાતી જરૂર છે અને સારા અને જવાબદાર નાગરિક તરીકે બે જણ વચ્ચે નજીવી બાબતે ક્રોધને કારણે ઝઘડો થઈ રહ્યો હોય ત્યારે મારે એમાં શું એવું વિચાર્યા વગર તેમને શાંત કરવાની જરૂર છે.અહિં એક જણ વચ્ચે પડશે તો સામાન્ય રીતે પછી બીજા પણ આગળ આવી મધ્યસ્થી કરી ઝઘડો શાંત પાડવાની ચોક્કસ કોશિશ કરશે.

તલવાર કે ધારીયા લઈ મારામારી કરતાં બદ-ઇસમોનાં ઝઘડામાં વચ્ચે પડવું તો મૂર્ખામી ભર્યું ગણાય અને એમાં પોતાનો જાન પણ જવાની શક્યતા રહેલી છે પણ ઉપર વર્ણવ્યાં મુજબના કિસ્સાઓમાં ચોક્કસ વચ્ચે પડી સુલેહ કરાવવાનો પ્રયત્ન ન કરી તો આપણે માણસ કહેવાવાને લાયક નથી.કદાચ એમ કરી આપણે મોટી કમનસીબ ઘટના બનતી રોકવામાં કે કોઈનો જીવ બચાવવામાં સહભાગી બની શકીએ.

એક ઘટનામાં વાંદરા સ્ટેશને બહાર એ.ટી.એમ મશીનમાંથી પૈસા ઉપાડવા જતી વખતે બે વીસ-પચ્ચીસ વર્ષનાં યુવાનોને એકબીજા પર હાથ ઉપાડતાં જોયાં.સાંજે કામેથી પોતપોતાને ઘેર પાછા ફરી રહેલાં મુંબઈ ગરાઓ વચ્ચે છડેચોક ગિર્દી વચ્ચે આમ હાથાપાઈ પર ઉતરી આવેલાં યુવાનોને જોઈ મારા સહીત ત્યાંના રીક્ષાવાળાઓ દોડી આવી વચ્ચે પડ્યાં અને તેમને પૂછ્યું કે તેઓ શા માટે મારામારી કરી રહ્યાં હતાં તો જાણવા મળ્યું કે તેઓ એકબીજાને ઓળખતા નહોતા પણ તેમાનાં એકે કોઈક વસ્તુ આપવા બીજાને મળવાનું હતું અને છેલ્લાં એક કલાકથી પેલો ફોન પર પહેલાને બસ આવું જ છું બસ આવું જ છું કહી ખોટી ખોટી રાહ જોવડાવી રહ્યો હતો અને મગજની નસ ખેંચી રહ્યો હતો.(મને તો નવાઈ લાગી કે એ બુદ્ધુને મગજ જેવી કોઈ વસ્તુ હતે કે?!)આવા ક્ષુલ્લક કારણ સર ઝઘડી રહેલા એ યુવાનો વચ્ચે જો અમે ન પડ્યા હોત તો એમાંનો એક કે કદાચ બંને ચોક્કસ હોસ્પિતલ ભેગા થયાં હોત એ ઝનૂનથી તેઓ મારામારી કરી રહ્યાં હતાં.

ખેર આવા કિસ્સાઓતો રોજેરોજ આપણે સૌ જોતા-અનુભવતા હોઈશું પણ બીજી એક ક્રોધને કાબુમાં રાખવા શિખવતા એક પુસ્તકની વાત સાથે આજનો બ્લોગ પૂરો કરીશ.એ પુસ્તક છે ઘર કરી ગયેલા ક્રોધને ધરમૂળથી ધમરોળી નાંખતી 'પોલિસી'.પંન્યાસ યશોવિજય દ્વારા લિખીત આ પુસ્તકમાં ક્રોધને કાબુમાં રાખતા શિખવતી ખુબ સરળ,રસપ્રદ અને અસરકારક રીત વર્ણવતી સિત્તેર પોલીસી વર્ણવેલી છે.સાથે સચોટ ઉદાહરણીય પ્રસંગો વર્ણવેલા છે જે વાંચવાની મજા પડે એવા છે. તદ્દન વ્યવહારૂ ટીપ્સ દ્વારા ક્રોધને નાથવાનું શિખવતું આ પુસ્તક વાંચીને ચોક્કસ આપણે ક્રોધને કાબુમાં રાખતા તો શીખી શકીશું જ પણ તેમાંથી જીવન જીવવની એક નવી દ્રષ્ટી પણ પ્રાપ્ત થઈ શકે એમ છે.પુસ્તકના પ્રકાશકની પરવાનગી માગવાની છે જો એ મળે તો આ પુસ્તકના કેટલાક અંશ આવતા સપ્તાહે બ્લોગમાં રજૂ કરીશ.

6 ટિપ્પણીઓ:

  1. ક્રોધપૂર્ણ વર્તન પાછળ મારા મતે નીચે જણાવેલા પરીબળો ભાગ ભજવે છે :
    ૧ સંસ્કૃતિનું અવમૂલ્યન
    ૨ તૂટતા જતા સંયુક્ત પરીવાર
    ૩ આપમેળે ઉભો કરેલો 'સ્ટ્રેસ'
    - ડો.ભરત પાલણ

    જવાબ આપોકાઢી નાખો
  2. ક્રોધને કાબુમાં લેવા ઋષિ પતંજલિએ એમના યોગ શાસ્ત્રમાં પ્રાણાયામની સરળ રીત બતાવી છે. એક ઊંડો શ્વાસ લઇ એને મોં વાટે ચાર-પાંચ વાર બહાર ફેકવો. આમ ત્રણ વાર ઉપરા-ઉપરી કરવું. દિવસ માં ફક્ત એક જ વાર આમ કરવાથી દસ દિવસમાં જ ગમે તેટલા ગુસ્સાવાળા મનુષ્યનો ક્રોધ શાંત થઇ જશે. પછી રોજ નહિ કરતા અઠવાડિયા માં ફક્ત એક જ વાર કરવું. આ પ્રયોગ થી ગુસ્સો આવતો જ બંધ થઈ જાય છે!
    - ઇન્દુકુમાર મામતોરા

    જવાબ આપોકાઢી નાખો
  3. ક્રોધ પરનો બ્લોગ લેખ વાંચ્યો અને એ ખુબ ગમ્યો. હકીકતમાં ખરેખર આ લેખમાં લખ્યાં જેવું જ બનતું હોય છે. બ્લોગમાં જણાવેલ પુસ્તક ક્યાંથી મેળવી શકાય?
    - ભારતી સેતા

    જવાબ આપોકાઢી નાખો
  4. ક્રોધ પરનો લેખ ખુબ સરસ હતો પણ ક્રોધને કાબુમાં રાખવો એ અમલમાં મુકવું અઘરું છે એવું લાગે છે. ‘પોલિસી’ પુસ્તક કેવી રીતે મેળવી શકાય?
    - રસીલા બોસમીયા

    જવાબ આપોકાઢી નાખો
  5. હું એક સુપર સિનિયર સિટીઝન છું અને આપની આ કટારનો નિયમિત વાચક છું.મને એમાં છપાતા બધાં જ લેખો વાંચવા ખુબ ગમે છે.તમે બ્લોગમાં ઉલ્લેખ કરેલો તે ક્રોધ પરનું યશોવિજયજી લિખિત પુસ્તક 'પોલિસી' ક્યાં મળી શકે તે જણાવવા વિનંતી.
    - જશવંત કામદાર

    જવાબ આપોકાઢી નાખો
  6. આ પુસ્તક મેળવવા તમે શ્રી શિરીષભાઈ સંઘવીનો ૯૮૯૨૮૭૦૭૯૦ નંબર પર સંપર્ક કરી શકો છો.આ પુસ્તકમાં વર્ણવેલા કેટલાક વિચારો બ્લોગ સ્વરૂપે ટૂંક સમયમાં રજૂ થશે.

    જવાબ આપોકાઢી નાખો