Translate

રવિવાર, 24 મે, 2015

મરણ પછીનું માન


"ઉગતા રવિ ને સૌ કોઈ પૂજે..." કહેવતને એક કદમ હજી આગળ લઈ જતા હું કહીશ આપણો સમાજ મનુષ્યની જીવતાજીવ યોગ્ય કદર કરતા તેના મૃત્યુ બાદ તેના માટે ઘણુંબધું કરી છૂટવા તત્પર બની જતો હોય છે.

૪૨ વર્ષ સુધી યાતનામય જીવન કોમામાં રહીને જીવનારી નર્સ અરુણા શાનબાગ આખરે થોડા દિવસ અગાઉ  પરમધામે  જવા રવાના થઈ. ઇશ્વરને ખરા હ્રદયપૂર્વક પ્રાર્થના કે હવે તેના આત્માને શાંતિ બક્ષજે... તેના પર ૧૯૭૩માં બળાત્કાર કરનાર સોહન વાલ્મિકી નામના નરપિશાચને દિવા જેવો સ્પષ્ટ મામલો હોવા છતાં તે સમયે માત્ર સાત વર્ષની સજા ફટકારી છોડી મૂકવામાં આવ્યો. તેના કરતા ગણી લાંબી સજા નિર્દોષ નર્સ અરુણાએ કોમામાં જીવતા રહી ભોગવી. તે સમયે પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે અરુણા સાથે અનૈસર્ગિક સંભોગ થયો હતો છતાં સોહનલાલ પર બળાત્કારની કલમ લગાવાઈ નહોતી અને હવે આટલા વર્ષો બાદ અરુણા ગુજરી ગયા બાદ સોહનલાલને ફરી શોધી તેના પર મર્ડરની કલમ લગાવવાની વાતો ચાલે છે! જોકે એમ થાય તો પણ મને આપણાં ન્યાયતંત્રના કેટલાક તાજેતરના સલમાન ખાન , જયલલિતા, સત્યમના રામલિંગ રાજુ વગેરે નાં દાખલા જોતા લાગે છે સોહનલાલને જામીન મેળવવામાં મુશ્કેલી નહિ પડે! અથવા  નીચલી કોર્ટે તેને સજા ફટકારી તો પણ સર્વોચ્ચ ન્યાયાલયનો અંતિમ નિર્ણય આવતા સુધીમાં તે હજી સુધી કદાચ મરી ગયો નહિ હોય તો તેને કુદરતી મોત વહેલું  આવી જશે!

મહમ્મદ રફી સાહેબને આટલા વર્ષો બાદ મરણોત્તર ભારત રત્ન આપવાનું સૂચન થયું છે. તેમના પ્રત્યે અને તેમની અજોડ મહાન ગાયકી વિષે કોઈ બેમત હોઈ શકે પણ હવે આવા મરણોત્તર સન્માનનો કોઈ અર્થ ખરો? પણ તેમના મૃત્યુના આટલા વર્ષો બાદ? વ્યક્તિ જીવતી હોય ત્યારે તેની યોગ્ય કદર થયાનાં અગણિત દાખલા આજે સમાજમાં પ્રવર્તમાન છે. કેટલાક ઘરડા કલાકારોની સ્થિતી જુઓ. તેમની જીવતેજીવ યોગ્ય કદર કરવાની જગાએ મરણ પામેલી વ્યક્તિનું સન્માન કરવું મારે મત તદ્દન વ્યર્થ છે.

માબાપ જીવતા હોય ત્યાંસુધી તેમને હડધૂત કરી તેમના મરણ બાદ શ્રાદ્ધ વખતે કાગડાઓને ખીર-પુરી ખવડાવી પોતાની ફરજ પૂરી કર્યાં નો સંતોષ માનતા સંતાનો જીવતા જ તેમને સઘળાં સુખસાહ્યબી આપવાનું કેમ નહિ વિચારતો હોય?જો એમ થાય તો બધાં જ ઘરડાંઘર બંધ થઈ જાય.

એક વરવી વાસ્તવિકતા છે કે ઘણી બાબતો,વસ્તુઓ કે વ્યક્તિઓની કિંમત આપણને તેની ગેરહાજરીમાં કે તેને ગુમાવ્યાં બાદ જ સમજાય છે.પણ એ હકીકત જલદી સમજાઈ જાય તો જાગ્યા ત્યારથી સવાર સમજી સામેનાં દરેક પાત્રની વેળાસર કદર કરવામાં બિલકુલ ઢીલ કરવી જોઇએ નહિ.

આવા જ વિષયને લગતી ગુજરાતી કવયિત્રી લતા હિરાણી લિખીત એક અતિ સરળ પણ સચોટ અને અર્થસભર કવિતાઅત્યારે ...જે  મારી કટાર 'ઇન્ટરનેટ કોર્નર'માં હું થોડા સમય અગાઉ રજૂ કરી ગયો છું,  તે 'બ્લોગને ઝરૂખેથી...' ના વાચકો સાથે શેર કરી આજના બ્લોગનું સમાપન કરું છું :

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહી શકું

તું હમણાં ફૂલો મોકલ ને!

 

હું મૃત્યુ પામીશ

 અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહી પડે

તું અત્યારે થોડું રડ ને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહી શકું

તું બે શબ્દો હમણાં બોલ ને !

 

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઈશ

જે હું જાણી નહી શકું

તું મને હમણાં માફ કરી દેને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહી શકું

તું મને અત્યારે યાદ કર ને!

 

હું મૃત્યુ પામીશ

અને તને થશે...

મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો...

તો તું અત્યારે એવું કર ને!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો