Translate

Sunday, November 19, 2017

પદ્માવતી,લવની ભવાઈ... ફિલ્મોનાં વિરોધની નવાઈ

ઉત્તમ ગજાના સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી ફિલ્મના વિરોધના સમાચાર આજકાલ  ભારે ચર્ચામાં છે. નવાઈની વાત છે કે ફિલ્મ હજી પ્રદર્શિત પણ નથી થઈ અને તેને લઈને સંજયજીના માથા અને પદ્માવતીનો રોલ કરનારી અભિનેત્રી દિપીકા પદુકોણનું નાક કાપી લેવાની ધમકીઓ અપાઈ છે! ફિલ્મ બનવી શરૂ થઈ હતી ત્યારથી ડગલે અને પગલે સંજય ભણસાલી માટે એક પછી એક મુશ્કેલીઓની હારમાળા સર્જાઈ છે. તેમના પર અંગત હુમલો, ફિલ્મનો સેટ બાળી નખાયો, પદ્માવતી થીમ પર બનાવાયેલી રંગોળી વિખેરી નંખાઈ અને હવે સંજયજીનું માથું વાઢી લાવનાર ને પાંચ કરોડનું ઇનામ જાહેર કરનાર વિરોધીઓએ ફિલ્મ બને અને પ્રદર્શિત થાય માટે તમામ પ્રયત્નો કર્યાં છે. પણ ભડવીર સંજય ભણસાળીને સલામ કે આટ આટલી મુસીબતો છતાં તેમણે ફિલ્મ પૂરી કરી છે અને હવે જો વિરોધીઓ સફળ નહિ થાય તો પહેલી ડિસેમ્બરે ફિલ્મ રજૂઆત પણ પામશે. હજી જે ફિલ્મ રજૂ નથી થઈ તેના વિરોધને લઈને થિયેટર બાળી મુકાશે,આખું રાજ્ય બંધ પાળશે, ઠેર ઠેર હિંસા આચરાશે આવી ખુલ્લી ધમકીઓ - શું બધું હદ બહારનું નથી જણાતું? વિરોધ સર્જકની સર્જકતાને ગૂંગળાવી નાખવાના પ્રયાસ સમો છે, તેની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમો છે અને સરકારે અને પોલીસે હવે તો વિરોધીઓ સામે જંગ છેડી ફિલ્મ પહેલી ડિસેમ્બરે રજૂ કરવાનો પડકાર ઝીલવો જોઇએ. ભગવાનને પ્રાર્થના કે મારી ડિસેમ્બરમાં રજૂ થયાના બે-ત્રણ દિવસમાં પદ્માવતી ફિલ્મ જોવાની મારી હ્રદયપૂર્વકની ઇચ્છા પૂરી કરે!
લોકોને વિરોધ કરવા માટે કોઈક બહાનું જોઇએ છે બસ એમ ઘણી વાર લાગે છે. બે દિવસ પહેલા રીલીઝ થયેલી અન્ય એક ગુજરાતી ફિલ્મલવની ભવાઈ’ને લઈને પણ તેના શિર્ષકમાં ભવાઈ શબ્દનો ઉપયોગ કરવા બદલ વિરોધ ઉભો કરાયો હતો.અને વિરોધ ઉભો કોણે કર્યો હતો? મને કહેતા સંકોચ થાય છે કે મારી નાયક-ભોજક-બ્રાહ્મણ જ્ઞાતિના કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
વાત એમ છે કે અમારી કોમ વર્ષોથી ભવાઈના વ્યવસાય સાથે સંકળાયેલી રહી છે. અમારી જ્ઞાતિના પ્રણેતા અસાઈત ઠાકરે ગુજરાતી લોકનાટ્ય ભવાઈની શરૂઆત કરેલી અને મારા પરદાદા, દાદા, પિતા અને અનેક વડીલો ભવાઈ કળા સાથે સંકળાયેલા રહ્યાં છે. હું એમ કહેતા ગૌરવ અનુભવું છું કે મુંબઈમાં મારા પિતા ઘનશ્યામ નાયકે કળા મુંબઈમાં હજી સુધી તેના મૂળ સ્વરૂપમાં થોડા ઘણાં પોઝીટીવ ફેરફાર સાથે જીવંત રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યાં છે. ભવાઈ શબ્દ સાથે અમારો એક અનોખો સંબંધ છે પણ શબ્દનો કોઇ સર્જક પોતાની કૃતિના શિર્ષકમાં ઉપયોગ કરે તે બદલ કંઈ જોયા-જાણ્યા વગર કોઈ તેનો વિરોધ નોંધાવે બિલકુલ યોગ્ય નથી. મારા પિતા અને અન્ય એક નાયક યુવાન મૌલિક નાયકે ફિલ્મમાં મહત્વની ભુમિકાઓ ભજવી છે અને તેથી મને ફિલ્મ પ્રદર્શિત થઈ પહેલા તેના સ્પેશિયલ સ્ક્રીનીંગમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને મેં ફિલ્મ ભરપૂર માણી. ફિલ્મ જોયા બાદ મને તેના શિર્ષકને લઈને ઉભો કરાયેલો વિવાદ અને વિરોધ તદ્દન બિનજરૂરી અને ક્ષુલ્લક લાગ્યો. ભવાઈને હલકી ચિતરવાનો કે તેની સાથે ફિલ્મનો દૂર દૂર નો પણ કોઈ સંબંધ નથી. ઉલટાનું દિગ્દર્શન, સંગીત, સંવાદ, કેમેરા, વસ્ત્ર-પરિભૂષા, અભિનય અને દરેકેદરેક પાસામાં મૂઠ્ઠી ઉંચેરી સાબિત થયેલી ફિલ્મના શિર્ષકમાં ભવાઈ શબ્દ હોવા બદલ મને આનંદ અને ગર્વની લાગણી થઈ. ફિલ્મમાં એક પણ ક્ષણ કંટાળા કે ઉદાસી કે અણગમાની અનુભવાઈ અને આખી ફિલ્મ જોતી વખતે ઉત્કૃષ્ટ કક્ષાની અંગ્રેજી કે હિન્દી ફિલ્મ જોતો હોઉં એવી લાગણી અનુભવાઈ. એક યુથફુલ, અમેઝિંગલી રેફ્રેશીંગ ફિલ્મ છે એવો પ્રતિભાવ હું  તેના દિગ્દર્શક સંદીપભાઈ પટેલને આપ્યા વગર રહી શક્યો! અતિ સૌમ્ય, નમ્ર અને ટેલેન્ટેડ એવા સંદીપભાઈ ફિલ્મના પ્રથમ સ્ક્રીનીંગ વખતે અતિ નર્વસ હતાં પણ આમંત્રિત સઘળાં મહાનુભાવોએ એક સ્વરે જ્યારે ફિલ્મને પૂરી થયા બાદ વખાણી ત્યારે તેમના ચહેરા પરનો સંતોષ અને આનંદ જોઈ મને પણ અનેરા હર્ષનો અનુભવ થયો! દિલ ચાહતા હૈ,હમ દિલ દે ચુકે સનમ,દિલ તો પાગલ હૈ જેવી અનેક હિન્દી ફિલ્મો જોતી વખતે જેવી લાગણી થયેલી તેવી પોઝીટીવ ફિલીંગ્સ 'લવની ભવાઈ' જોતી વખતે અનુભવાઈ અને તેમ છતાં એક મૌલિક કૃતિ જોયાનો સંતોષ પણ એટલો અનુભવાયો.ક્યાંય એમ લાગ્યું કે કોઈ સારી કૃતિની કે ફિલ્મની અહિં ક્યાંય કોઈ સીનમાં નકલ કરવાનો પ્રયાસ થયો હોય.

ફિલ્મના બંને હીરો મલ્હાર ઠાકર અને પ્રતિક ગાંધી મારા મિત્રો રહ્યાં છે અને તેમને આટલી સુંદર ફિલ્મમાં માતબર અભિનય કરતા જોઇને મારી ખુશીનો પાર નહોતો! સાથે હીરોઈન આરોહી પટેલના સ્ટ્રોંગ કેરેક્ટરાઈઝેશનને કારણે તેના પણ પ્રેમમાં પડી જવાય એટલો સુંદર તેનો અભિનય, સ્વર અને સ્ક્રીન પ્રેઝેન્સ રહ્યાં. ફિલ્મમાં આરોહીના બોસ ના પાત્રમાં 'કે' તરીકે તેની રીયલ લાઈફ માતા અને ફિલ્મ દિગ્દર્શક સંદીપ પટેલના પત્ની આરતી વ્યાસ પટેલ મારા માટે સરપ્રાઈઝ પેકેજ સમા રહ્યાં! તેમનું પાત્ર મને ખુબ ખુબ ગમ્યું અને તેઓ ફિલ્મના નિર્માતા તો હતાં પણ જ્યારે મેં જાણ્યું કે તેઓ રેડિયો પર જિંદગી એક્સ્પ્રેસ્સ નામનો પ્રેરણાત્મક વાર્તાઓ સંભળાવતો કાર્યક્રમ વર્ષોથી ચલાવે છે અને તેમના વિષય પર પુસ્તક પણ પ્રકાશિત થયા છે ત્યારે તો તેમના પ્રત્યે એક વિશેષ સમ્માન અને આદરની લાગણી પણ અનુભવાઈ. ઉપરાંત મિતાઈ શુક્લા,નેહલ બક્ષી જેવા યુવા સંવાદલેખકો, સચિન-જીગર જેવા હિન્દી ફિલ્મોના સફળ સંગીત દિગ્દર્શકો, તપન વ્યાસની ઉચ્ચ કક્ષાની કેમેરા કલા વગેરેને કારણે લવની ભવાઈ ગુજરાતી ફિલ્મોના સ્તરને ચોક્કસ અનેક ગણું ઉંચુ લઈ જશે એમાં શંકા નથી.  યુવાનો જેની સાથે તરત કનેક્ટ થઈ શકશે અને આબાલવ્રુદ્ધ દરેકને ગમશે એવી પ્રેમના વિષય પરની હળવી રોમેન્ટીક કોમેડી ફિલ્મ દરેક ગુજરાતીએ જોવી જોઇએ!

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ઈલાક્ષી મર્ચંટDecember 2, 2017 at 6:41 AM

    ‘પદ્માવતી અને લવની ભવાઈનો વિરોધ’ એ બ્લૉગ લેખ ખૂબ ગમ્યો. વિરોધના અનેક કારણ હોઈ શકે છે. અમુક લોકો તો તન-મન-ધન થી સાવ ક્ષુલ્લક જણાતી બાબતો પાછળ જાણે આદુ ખાઇ પડી જતાં હોય છે. તો કેટલાક સામે વાળી વ્યક્તિ ડરપોક હોય તો પૈસા પડાવી શકાશે એવી બદ-દાનત થી વિરોધ કરતા હોય છે. તો વળી કેટલાંક લોકો સાવ નવરા હોય વિરોધ દ્વારા સમય પસાર કરતાં હોય છે. પદ્માવતી ફિલ્મ હજી સેન્સર બોર્ડ દ્વારા પાસ થઈ નથી તો તેનો આટલો જોરદાર વિરોધ શા માટે? આ સરાસર અન્યાય છે.

    ReplyDelete