Translate

શુક્રવાર, 12 એપ્રિલ, 2013

ગૂગલ ડૂડલ

ગૂગલ ઇન્ટરનેટ ની દુનિયામાં ખૂબ જાણીતું નામ છે. કોઈ પણ ચીજ, સેવા કે વ્યક્તિ જાણીતી 'બ્રાન્ડ' ત્યારે જ બને છે જ્યારે તે કંઈક નોખું અને ગુણવત્તા ભર્યું પીરસે. સારૂ એટલે ભપકાભર્યું જ ,મોટું કે સવિસ્તર હોવું જોઇએ એ માન્યતાને ગૂગલ સદંતર ખોટી પાડે છે. ગૂગલ એક અતિ સાદી અને સરળ 'સર્ચ એન્જીન' વેબસાઈટ છે. તે ઇન્ટરનેટના મહાસાગરમાંથી તમને જે માહિતી જોઇએ તે પળવારમાં પૂરી પાડે છે. કઈ રીતે? અતિ સરળ છે. તેની ખૂબ સાદી વેબસાઈટના હોમપેજ પર તેના રંગબેરંગી અક્ષરોમાં ખાસ રીતે લખાયેલા નામ વાળા લોગોની નીચે એક ખાનુ(ટેક્સ્ટ બોક્સ) દેખાય,તેમાં તમને જે વિષયની માહિતી જોઈતી હોય તેને લગતા મહત્વના બે ચાર શબ્દો લખો અને બાજુનું 'સર્ચ' બટન ક્લિક કરો અને તે વિષયને લગતી ઢગલા બંધ માહિતી બીજી જ ક્ષણે ગૂગલ તમારી સમક્ષ હાજર કરી દેશે! તે વિષય પરની માહિતી જે જે વેબસાઈટ્સ પર હાજર છે તે તે વેબસાઈટ્સના ચોક્કસ પેજની લિન્ક સાથે જ્યાં તમે માગેલી માહિતી હાજર છે. દા.ત. જેરાર્ડ બટલર નામના હોલિવુડ હીરો અંગે માહિતી જોઈતી હોય તો તેનું નામ ગૂગલના સર્ચ બોક્સમાં ટાઈપ કરો, સર્ચ બટન ક્લિક કરો અને જેરાર્ડ બટલરનો ઉલ્લેખ જે જે વેબસાઈટ પર જ્યાં જ્યાં થયો હશે તેની લિન્ક્સ તમારી સમક્ષ હાજર થઈ જશે, બીજી જ મિનિટે. એ પણ અર્થપૂર્ણ ક્રમમાં! એટલે કે બુદ્ધિશાળી મદદગાર બની ગૂગલ તમને જ્યાંથી તમને જોઈતા વિષયની સૌથી વધુ, યોગ્ય તેમજ સવિસ્તર માહિતી મળી શકે એમ હશે તે સૌથી ઉપર દેખાડશે! જેરાર્ડ બટલરના જન્મથી માંડી,તેની કુટુંબ,તેની પ્રથમ થી માંડી અત્યાર સુધીની બધી ફિલ્મો,તેના જીવનના મહત્વના પ્રસંગો,તેના ફોટોગ્રાફ્સ અને તેના વિષે લગભગ સઘળું જે ઇન્ટરનેટ પર પ્ર્રાપ્ય હશે તે ગૂગલ તમારી સમક્ષ હાજર કરી દેશે! છે ને કમાલ?

        બીજી બે-ચાર ખાસિયત એ છે કે કેટલી અસરકારક રીતે એ તમને મદદ કરે છે એ જુઓ. જેવા તમે જે કોઈ પણ વિષયની માહિતી તમને જોઇએ છે તે ગૂગલના સર્ચ બોક્સ પર ટાઈપ કરવાની શરૂઆત કરશો એવું જ તે તમારી મદદ કરવા કાર્યરત થઈ જશે! તમે જેમ જેમ એક એક અક્ષર ટાઈપ કરતા જશો તેમ તેમ નીચે ડ્રોપ ડાઉન બોક્સમાં એ તમને ટીપ્સ આપવા લાગશે જેથી તમારે એ આખો શબ્દ ટાઈપ ન કરવો પડે! દા.ત. ‘અમિતાભ બચ્ચન’  ટાઈપ કરવા માટે તમે જેવું 'A' દબાવશો કે નીચે 'Axis Bank', 'AirTel','Aadhar card' ,’Air India’ વગરે શબ્દો આપમેળે લખાશે, જેના પર દુનિયાની મહત્તમ વ્યક્તિઓએ આ અગાઉ આ અક્ષરથી શરૂ થતી સર્ચ કરી હશે. એ પણ જે તે પ્રદેશને ધ્યાનમાં રાખીને.એટલે 'A' ટાઈપ કરી તમે ભારતમાં સર્ચ કરતા હશો તો અલગ હિન્ટ્સ અપાશે અને અમેરિકામાં કરો તો જુદી!  છે ને ગ્રાહકને મહત્તમ સંતોષ અને સુખકારી સેવા આપવાનો બેજોડ નમૂનો! જેમ જેમ વધુ અક્ષરો ટાઈપ થતા જશે તેમ તેમ હિન્ટ્સ તમારા વિષયને વધુ ને વધુ અનુરૂપ થતી જશે. અમિતાભના નામ માટે બીજો અક્ષર 'મ' ટાઈપ કરશો એટલે ‘am’ થી શરૂ થનારા,સૌથી વધુ સર્ચ કરાયેલા 'ammyy admin','amazon','amway','amar ujala' જેવા શબ્દો હિન્ટ્સ તરીકે દેખાશે.'ami’ ટાઈપ કરશો એટલામાંતો 'aamir khan','amitabh bachchan','amisha patel', 'amie' જેવા શબ્દો દેખા દેશે જેમાંથી તમે ત્રીજું નામ અમિતાભનું સિલેક્ટ કરો એટલે આખું નામ ટાઈપ કરવાની જહેમત ઉઠાવ્યા વગર 'અમિતાભ બચ્ચન' સર્ચ બોક્સમાં આપમેળે લખાઈ જશે અને નીચે અમિતાભ વિષેની માહિતીનો ખજાનો હાજર!

              અતિ સાદી છતાં સ્ટાઈલીશ અને ઉપયોગી એવા ગૂગલની ખૂબીઓ અને ફિચર્સની વાતો કરવી હોય તો આખી એક સિરીઝ લખી શકાય! પણ આ વેબસાઈટનું બીજું એક સુપર્બ આકર્ષણ છે ‘ગૂગલ ડૂડલ’, જેના વિષે વાત કરી આજનો બ્લોગ પૂરો કરીશ.

       મોટે ભાગે ગૂગલનું નામ આવતાં જ તેના નિયમિત વપરાશકારો સમક્ષ તેનો લોગો આંખ સામે તરવરે જેમાં તેનું નામ રંગબેરંગી અક્ષરોમાં ખાસ ફોન્ટ્સ વાપરી ચોક્કસ રીતે લખેલું હોય. પણ ખાસ દિવસોએ ગૂગલ તેનું નામ લખવાની શૈલી, તેનો લોગો બદલે અને આ નવી આક્રુતિ કે લોગો એટલે ગૂગલ ડૂડલ! ગૂગલની સાઈટ પર જણાવ્યા મુજબ ડૂડલ એટલે ગૂગલ લોગોમાં, રજાઓ,ખાસ પ્રસંગો કે પ્રખ્યાત કલાકારો,માંધાતાઓ અને વૈગ્ન્યાનિકોની વર્ષગાંઠ કે જીવનના મહત્વના અવસરોને ઉજવવા કે તેમને અંજલિ આપવા રસપ્રદ,આશ્ચર્યકારક અને ક્યારેક અચાનક, હંગામી ધોરણે કરાતા પરિવર્તન.

 
    આજના બ્લોગ સાથે જે ગૂગલ ડૂડલનો ફોટો મૂક્યો છે તે આ વર્ષના વેલેન્ટાઈન ડે ના દિવસનું ડૂડલ છે. જ્યોર્જ વોશિંગ્ટન ગેલ ફેરીસ જુનિયર નામના અમેરિકન એન્જિનિયરનો બર્થ ડે(૧૪ ફેબ્રુઆરી,૧૮૫૯) પણ હતો જેણે મૂળ 'ફેરીસ વ્હીલ' ના મોટા પૈડાનું સર્જન કર્યું હતું. આ મહાન સર્જકને અંજલિ આપવા ગૂગલે તેના ખાસ ડૂડલમાં તેના સ્પેલિંગમાં આવતા બે 'O' અક્ષરો ચકડોળના મોટા બે પૈડા વડે દર્શાવ્યા હતાં.અને એજ દિવસે વેલેન્ટાઈન ડે પણ હતો તેથી કલાત્મક રીતે લાલ રંગના દિલને પણ આ ડૂડલમાં આવરી લીધું હતું.કેટલી સુંદર સર્જનાત્મકતા અને નવીનીકરણનો સંગમ!વેલેન્ટાઈન ડે ના આ અતિ આકર્ષક ડૂડલમાં રોમેન્ટીક યુવાન-યુવતિને તો કોઈ પ્રેમકથા પણ છૂપાયેલી દેખાય! ડૂડલ ક્યારેક હલનચલન કરતું પણ જોવા મળે જેમકે આપણે જેની ચર્ચા કરી રહ્યાં છીએ એ 'વેલેન્ટાઈન ડે'ના ડૂડલમાં પણ જાયન્ટ વ્હીલ્સના બે પૈડા આસપાસની બીજી રાઈડ્સ સહિત ફરતાં દેખાય અને આખું ડૂડલ જીવંત ચિત્રકથા સમાન ભાસે! ડૂડલની બીજી વિશેષતા એ છે કે તેના પર ક્લિક કરો એટલે તેનું મહત્વ સમજાવતી બધી વિગતો તમે રીઝલ્ટ પેજ પર વાંચી શકો

       સર્ચ બટનની બાજુમાં રેહેલા ‘I am feeling Lucky’ બટનને દબાવી તમે અત્યાર સુધીમાં ડૂડલની શરૂઆત થઈ તે વર્ષ ૨૦૦૦થી માંડી અત્યાર સુધી પ્રગટ થયેલા બધાં ડૂડલ જોઈ શકશો.


1 ટિપ્પણી:

  1. @VikasNayak (on twitter) : આપની આ કોલમ હું નિયમિત વાંચું છું ગૂગલ ડૂડલ વિષે ઘણી માહિતિ પ્રાપ્ત થઈ વિવિધ વિષયોની જાણકારી આપવા બદ્દલ અબિનંદન્ - નીતિન. વિ. મહેતા (@43_NITIN)

    જવાબ આપોકાઢી નાખો