રોજ સવારે વાંદ્રા સ્ટેશને ઉતરી પૂર્વ તરફ આવેલી મારી ઓફિસ જવા માટે પદયાત્રી પુલ એટલે કે ફ્લાય ઓવર બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. વાંદ્રા કુર્લા સંકુલ(બી.કે.સી.)માં ઘણી બધી ઓફિસો આવેલી હોવાથી સવારે પ્રમાણમાં સારી એવી ભીડ વાંદ્રાના આ ફૂટ ઓવર બ્રિજ પર જોવા મળે પણ છતાં કેટલાક લોકો રોજ એક ચોક્કસ સ્થાને આ પુલ પર જોવા મળે. એક વ્રુદ્ધ ભિક્ષુક ડોશી, એક મુસ્લિમ અપંગ ભિક્ષુક, એક અંધ બોખો ડોસો, બે ઉન-આચ્છાદિત કાયા ધરાવતા ઘેટાં, કેટલાક ફેરિયાઓ વગેરે વગેરે. પણ આમાંથી અંધ બોખો ડોસો તેની કેટલીક લાક્ષણિકતાઓને કારણે ખાસ મારૂં ધ્યાન ખેંચે. તેની વાત આજે આ બ્લોગમાં કરવી છે.
એ ડોસો બંને આંખે અંધ. તે રોજ સવારે ચોક્કસ સમય સુધીજ વાંદ્રા સ્ટેશનના પૂર્વ તરફ લઈ જતાં પુલ પર બેસે. તે બંને પગ, ઘૂંટણ સમા વાળી, તે ઉંચા કરી તેની ખાસ અદામાં એક કંતાનની ગુણી પર બેસે અને તન્મયતાથી ડફલી વગાડે. તે શું વગાડતો હશે તે તો કોઈને ખબર નહિં હોય કારણ મુંબઈ નગરીમાં રેલવે સ્ટેશન પર ઉભા રહી આમ સંગીત સાંભળવાની ફુરસદ કોની પાસે હોય? અને ઘોંઘાટભરી સવારની ચહલપહલમાં તેની સાવ ધીમા સ્વરે વાગતી ડફલીનો અવાજ ક્યાં કોઈ સુધી પહોંચવાનો? પણ તે જે તન્મયતાથી ડફલી વગાડે અને એ વગાડતી વખતે જે રીતે મોઢુ હલાવી જાણે પોતાના સંગીતમાં જ ખોવાઈ જાય તે દ્રષ્ય ખૂબ વિશિષ્ટ અને નોખું લાગે! મેં આ ખાસ ક્ષણોની કેટલીક તસવીરો પણ ખેંચી છે અને તેનો એક વિડીઓ પણ મારા મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યો છે. મારી આ બ્લોગની વેબસાઈટ પર આજના બ્લોગમાં તમે એ વિડીઓ જોઈ શકશો.
Video : http://youtu.be/qMOlgK3Xnf4
એ જ્યારે ડફલી વગાડે ત્યારે તેનું મોં ખુલ્લુ હોય અને ત્યારે દેખાય કે તેના મોંમાં એક પણ દાંત નથી. બોખા મોં ને કારણે તે વધુ ગરીબડો લાગે. તેણે પોષાકમાં સફેદ લેંઘો - ઝભ્ભો પહેર્યા હોય અને માથા પર સાવ ઝીણા સફેદ વાળ. તેની બાજુમાં એક સ્ટીલનું નાનું ડોલચુ પડેલું હોય જેમાં લોકો પૈસા નાખે તો ક્યારેક બિસ્કીટ જેવી કોઈક ખાવાની વસ્તુ.તેની પાસે એક લાકડી પડી હોય. અંધ હોવા છતાં તે માત્ર ભીખ માગવાને બદલે સંગીતનો સહારો લઈ ડફલી વગાડી પેટીયુ રળવાનો પ્રયત્ન કરે છે તે બાબતને કારણે મને તેના પ્રત્યે માન ઉપજે છે. મને લાગે છે મેં તેને, દિવસના કોઈ અન્ય સમયે મુંબઈની પશ્ચિમ રેલવે લાઈનના બીજા કોઈ સ્ટેશને પણ જોયો છે.આવા જ, ઉંમરમાં આ ડોસા કરતા ઘણાં નાની વયના,બીજા એક અંધ પુરૂષને પણ મેં સ્ટેશન પર અન્ય વાજિંત્ર વગાડી આ રીતે લોકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરી ગુજરાન ચલાવતો જોયો છે. આ લોકો ઇશ્વરે તેમને આંખોની દ્રષ્ટી ન આપી હોવા છતાં મુંબઈની મોહમાયા ભરી નગરીમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા તેમની જે લાયકાત છે તેનો ઉપયોગ કરી પેટીયુ રળવા પ્રયત્ન કરે છે એ કાબેલે તારીફ છે. નહિતર મુંબઈની ભીડમાં તો બાજુમાં એક તદ્દન સામાન્ય માણસ પણ ચાલતો હોય તેની દરકાર લેવાની પણ કોઈને તમા ન હોય તેવામાં શારીરિક ઉણપ ધરાવતી કોઈ વ્યક્તિ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા કેટલી જહેમત ઉઠાવવી પડતી હશે તેની કલ્પના કરવી સહેલી છે. અંધ બોખા ડોસા જેવી તો કેટકેટલી કહાણીઓ છૂપાયેલી છે આપણી આ મુંબઈ નગરીયામાં!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
પ્રિય વિકાસભાઈ,તમારો ૩૧-માર્ચ-૨૦૧૩ના રવિવારે પ્રગટ થયેલ 'અંધ બોખા ડોસા' વાળો બ્લોગ ગમ્યો.આપણે ગરીબાઈની ચૂંગાલમાંથી છૂટી શકતા નથી એ દુ:ખદ બાબત છે.તમે જે સંવેદના શબ્દો અને વિડીઓ દ્વારા વ્યક્ત કરી છે તે દરેકને સ્પર્શવી જોઇએ.
જવાબ આપોકાઢી નાખો- નિતીન મહેતા (ફેસબુક પર કમેન્ટ દ્વારા)
તમારો 'અંધ બોખા ડોસા' વાળો બ્લોગ ઘણું કહી જાય છે. તમારા સંવેદના સભર દિલને દિલથી સલામ!
જવાબ આપોકાઢી નાખો- શાંતિ શાહ (એસ.એમ.એસ દ્વારા)