Translate

Sunday, March 10, 2013

મુસીબતને ગંભીરતાથી ન લેવી

જૂની રંગભૂમિના ગીતોના એક કાર્યક્રમનું સંચાલન કરતી વેળાએ થયેલ એક અનુભવ આજે વર્ણવવો છે. મોટા ભાગના ગીતો કલાકારો પોતે મંચ પર લાઈવ ગાઈને પર્ફોર્મ કરવાના હતાં. પણ ત્રણ ગીતો સી.ડી.માં રેકોર્ડેડ હતા. કોઈ પણ લાઈવ કાર્યક્રમ અનેક લોકોના કો-ઓર્ડીનેશનથી જ શક્ય અને સફળ બને છે.લાઈટ્સ, સેટ્સ, મેક અપ, સાઉન્ડ વગેરે જેવી અનેક બાબતોના સમયાનુસારના સુસંકલન અને સુસંગતિ સાથે જ કાર્યક્રમ ભજવાય તો તે માણવા લાયક બનતો હોય છે. છતાં ઘણી વાર ક્યાંક ક્ષતિ રહી જવા પામતી હોય છે અથવા ઘણી વાર અનેક પૂર્વ તૈયારી છતાં કાર્યક્રમ વચ્ચે કોઈક ખામી કે ક્ષતિ સર્જાતી હોય છે. આવે વખતે કલાકારની ‘પ્રેસેન્સ ઓફ માઈન્ડ’ કસોટીના એરણે ચડતી હોય છે. અમારા કાર્યક્રમમાં સાઉન્ડ સંભાળનાર નવો નિશાળીયો હતો અને કાર્યક્રમ શરૂ થયા પહેલા ટેસ્ટીંગ વખતે માલૂમ પડ્યું કે તેના સી.ડી.પ્લેયરમાં અમારા ત્રણ ગીતો વાળી સી.ડી. વાગી રહી નથી. થિયેટરના સી.ડી.પ્લેયરમાં આ ગીતો વાગ્યા પણ આ સિસ્ટમ જૂની હતી અને તે બરાબર ઓપરેટ કરતાં સાઉન્ડ વાળા ભાઈને આવડતું નહોતું.


તે પોતાની સાઉન્ડ સિસ્ટમમાં રીમોટ વડે સીધા એક ગીત પરથી બીજા ગીત પર જવા ટેવાયેલો હતો અને થિયેટરની જૂની સિસ્ટમમાં ગીતો માત્ર ક્રમાનુસાર જ વાગે તેવી વ્યવસ્થા હતી. તેને સૂચના આપવામાં આવી કે તેણે પહેલું ગીત પૂરું થાય પછી 'પોસ' બટન દબાવી લાઈવ કોમેન્ટરી થવા દેવી અને પછી મંચ પરથી ઇશારો થાય એટલે પાછુ 'પ્લે' બટન દબાવી બીજું ગીત શરૂ કરવું.ત્રીજું ગીત તો મધ્યાંતર પછી વગાડવાનું હતું એટલે તે વિશે વધુ સૂચના ન અપાઈ.પહેલું ગીત તો બરાબર વગાડ્યું.પણ બીજા ગીત વખતે આડા અવળા બટન દબાઈ જતાં તેણે ફરી પહેલું ગીત વગાડવાની શરૂઆત કરી.ભૂલ સમજાઈ જતાં ફરી પ્રયત્ન કર્યો અને બીજું ગીત વગાડવામાં આખરે તેને સફળતા મળી. ઇન્ટરવલ પછી ફરી એ જ ગોટાળો.આ વખતે તો ત્રીજું ગીત વગાડવાનુ હતું પણ સાઉન્ડ વાળાએ બટન દબાવ્યું અને લાઈવ કાર્યક્રમમાં પહેલું ગીત મોટેથે વાગવા માંડ્યું.તે મથ્યો અને આડાઅવળા બટન દબાવ્યા અને બીજું ગીત વાગવા માંડ્યું.ત્રીજા ગીત પર પર્ફોર્મ કરવાનું હતું પણ ભૂલથી, ચારથી પાંચ વાર પહેલા બે ગીતો જ વાગવાની શરૂઆત થતી હતી..સારૂં થયું કે પ્રેક્ષકો ઘણાં સભ્ય હતાં અને તેમણે વધુ હોબાળો ન મચાવ્યો.મારા પિતા એ ત્રીજા ગીત પર પર્ફોર્મ કરવાનું હતું અને ત્યારે આવા ભગા થયાં પણ તેઓ જરાયે વિચલિત થયા નહિ અને તેમણે પોતાની પ્રેસેન્સે ઓફ માઈન્ડ અને રમૂજ વ્રુત્તિ વાપરી આવા ગંભીર પ્રસંગને પણ હળવો બનાવી દીધો.પ્રેક્ષકો સાથે, ચોથી દિવાલ ભેદી તેમણે સીધી વાતચીત કરી તેમને પેટ પકડી હસાવ્યાં.આખરે ચાર-પાંચ નિષ્ફળ પ્રયત્નો બાદ ત્રીજું ગીત વાગ્યું અને પપ્પા તથા બીજા કલાકારોએ પર્ફોર્મન્સ પતાવ્યું અને પ્રેક્ષકોને એ ગમ્યું પણ ખરા!

અહિ પાઠ એ શિખવાનો કે જીવનમાં અણધારી આપત્તિ ગમે ત્યારે અને ખાસ્સી મહેનત અને ચિવટ બાદ પણ આવી ચડી શકે છે પણ એવે સમયે નાસીપાસ કે નિરાશ થયા વગર હસતા હસતા મુસીબતનો સામનો કરવો જોઇએ. મુસીબત વેળાએ ગભરાઈ જવાથી કંઈ વળતું નથી.મગજ શાંત રાખી અને હળવા જ રહી વિચાર કરતાં મુસીબત નો સામનો કઈ રીતે કરવો ત જડી આવે છે.જીવનમાં કોઈ પણ મુસીબત અતિ ગંભીરતાથી લેવાની જરૂર હોતી નથી.

1 comment:

  1. તમે બ્લોગ 'મુસીબતને ગંભીરતાથી ન લેવી' માં સાચું જ કહ્યું છે કે મુસીબત વેળાએ સ્ટ્રેસ્ડ (તણાવયુક્ત) થઈ જવું હિતાવહ નથી,કારણ તે પરિસ્થિતી વધુ બગાડી મૂકે છે.
    આ પ્રકારની પરિસ્થિતી માટે અંગ્રેજીમાં એક રૂઢી પ્રયોગ છે 'મર્ફીઝ લો'. Murphy's Law નું એક સચોટ ઉદાહરણ ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા અને તેના સાથીઓ સાથે ઘટેલી દુર્ઘટના છે જેમાં ઝીણામાં ઝીણી વિગતનું ધ્યાન રાખવા છતાં, પૂરેપૂરી તૈયારી છતાં બધાં જ અંતરીક્ષયાત્રીઓ મૃત્યુ પામ્યાં હતાં.
    - ડો. ભરત પાલન (ઇમેલ દ્વારા)

    ReplyDelete