Translate

રવિવાર, 17 માર્ચ, 2013

ચકડોળવાળો

મારી પોણા ત્રણ વર્ષની દિકરીને શનિ-રવિ માંથી એક દિવસે સાંજે ઘરથી થોડે દૂર ચકડોળમાં બેસાડવા લઈ જવાનો નિયમ છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી હું અને મારી પત્ની નિયમિત પાળીએ.એસ,વી. રોડ પર એક બાજુએ સાઈડમાં આ ચકડોળવાળો છેલ્લાં ઘણાં વર્ષોથી ઉભો રહે એટલે મારા મગજમાં એ નોંધાયેલું હતું જ કે આ ચોક્કસ જગાએ નિયમિત ચકડોળ વાળો ઉભો રહે છે.પણ નમ્યા ચકડોળમાં એકલી બેસી શકે એટલી મોટી થઈ એટલે હવે તેને સાહસિક વ્રુત્તિની બનાવવા દર અઠવાડિયે-પખવાડિયે એકાદ વાર ચકડોળમાં બેસાડવા લઈ આવવાનો નિર્ણય કર્યો હતો.


ચકડોળવાળા પાસે બે પ્રકારના ચકડોળ હતાં.એક ઉભું ચાર બેઠકવાળું ચકડોળ જેમાં એક બેઠક પર બે કે ત્રણ બાળકોને સાથે બેસાડી ચકડોળ વાળો પહેલા એક દિશામાં તેમને ફેરવે અને પછી થોડાં રાઉન્ડસ વિરુદ્ધ દિશામાં ફેરવે.કેટલાક બાળકો તાળીઓ પાડી ખુશ થાય તો કેટલાક મોટેથી ભેંકડા તાણી રડવા માંડે. નમ્યાને મેં પહેલેથી થોડી પ્રિપેર કરી રાખી હતી અને તેના નાનકડા મનમાં ચકડોળમાં બેસવા માટે મેં ઉત્સાહ અને ઉત્કંઠા જન્માવ્યા હતાં આથી તે પહેલી વાર બેઠી ત્યારે તે થોડું ગભરાયા બાદ પછી આ ચકડોળના ગોળ ગોળ રાઉન્ડ્સ માણવા લાગી હતી.ચકડોળવાળા પાસે બીજું ચકડોળ આડું હતું જેમાં ઘોડા અને જીપ આકારની બેઠક હતી.અહિં પણ ચકડોળવાળો પહેલા થોડા રાઉન્ડ્સ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે અને પછી તેની વિરુદ્ધ દિશામાં.આમાં કેટલાક બાળકોને ચક્કર આવે. નમ્યાને પણ આ આડા ચકડોળ કરતાં ઉભા ચકડોળમાં બેસવું વધારે ગમે.

ચકડોળવાળો બત્રીસ-પાંત્રીસ વર્ષનો ગુજરાતી માણસ હતો.રંગે શ્યામ પણ મૂછવાળા મોઢા પર હાસ્ય રમતું હોય અને બાળકોને હસીને ચકડોળમાં બેસાડે.ખૂબ નાનું બાળક હોય તો તેને ચકડોળમાં બેસાડવાની સામેથી ના પણ પાડી દે.પહેલી વાર નમ્યાને લઈને ગયેલો ત્યારે તેણે જ સામે થી નમ્યાને બેસાડવાની ના પાડેલી.પણ ત્રણેક મહિના પહેલા નમ્યા થોડી મોટી થઈ અને તેણે પોતે હસતા હસતા ચકડોળમાં બેસવાની તૈયારી બતાવી ત્યારે તેણે નમ્યાને ઉભા ચકડોળમાં બેસાડી અને મેં અને અમીએ વહાલથી ચકડોળ શરૂ થયા બાદ હાથે હલાવી હર્ષની ચિચિયારીઓથી નમ્યાના ઉત્સાહને બિરદાવ્યો હતો.

મોટે ભાગે ચકડોળ વાળો ઉભું ચકડોળ ફેરવે અને તેની પત્ની બાજુમાં જ આડું ચકડોળ ફેરવે.પાસે જ ફૂટપાથ પર તેમના બે બાળકો બેઠાં બેઠાં બિસ્કીટ ખાતા હોય કે રમતા હોય.ચકડોળવાળાના મુખની જેમ તેની પત્નીના મુખ પર પણ સ્મિત રમતું હોય.રાત્રે તેઓ ચકડોળને આ જ જગાએ મૂકી તેને તાળા લગાડી ઘેર જતાં રહે.

હું અને અમી,નમ્યા ચકડોળમાં બેઠી હોય ત્યારે તેને ચિયર કરતાં કરતાં આ ચકડોળવાળા તથા તેની પત્ની સાથે થોડી ઘણી વાતચીત પણ કરી લેતાં.અમને જાણવા મળ્યું હતું કે તેમણે તેમના બાળકોને મ્યુનિસિપલ શાળામાં ભણવા મૂક્યા હતાં.મેં તેમને સલાહ આપી કે તેમને ખૂબ ભણાવજો,ચોક્કસ ભણાવજો.

બે-ત્રણ અઠવાડિયા નિયમિત ચકડોળમાં બેસાડ્યા બાદ એકાદ શનિવારે સાંજે અમે નમ્યાને ચકડોળમાં બેસાડવા નિકળ્યા પણ ચકડોળ તાળા લગાડેલી સ્થિતીમાં જ પડ્યું હતું અને બીજા પણ એક દાદીમા તેમના પૌત્રને લઈ ચકડોળ પાસે આવ્યા હતા.પણ અમે તથા નમ્યા અને તેમનો પૌત્ર એકબીજા સાથે થોડી વાર વાતચીત કર્યા બાદ ત્યાંથી પાછા ફર્યાં.

ત્યારબાદ ત્રણ-ચાર સપ્તાહ હું વ્યસ્ત હોવાને કારણે નમ્યાને ચકડોળમાં બેસાડવા લઈ જઈ શક્યો નહિ.

આજે સાંજે જ્યારે હું નમ્યા અને અમીને લઈ ચકડોળવાળા પાસે ગયો ત્યારે ત્યાં કોઈ નવો યુવાન હાજર હતો. મેં નમ્યાને ઉભા ચકડોળમાં બેસાડી અને ચકડોળના ફેરા પૂરા થયા બાદ પૈસા ચૂકવતી વખતે મેં તે નવા યુવાનને સ્વભાવિક પ્રશ્ન પૂછ્યો કે આ ચકડોળ દર વખતે ચલાવતો હોય છે એ ભાઈ ક્યાં છે?તેણે જવાબ આપ્યો કે એ તો એક મહિના પહેલા જ મરી ગયો.

જવાબ સાંભળી મને એક જબરદસ્ત આંચકો લાગ્યો.મેં તેને પૂછ્યું આમ કઈ રીતે બન્યું.તેણે જે જવાબ આપ્યો એ વધુ દુ:ખ અને આઘાત પહોંચાડનાર હતો.પેલા હસમુખા ચકડોળવાળા માણસે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી.કારણ?મ્યુનિસિપાલ્ટીવાળાએ તેનું ઘર તોડી પાડ્યું હતું અને આથી તે તેના પરિવાર સહિત રસ્તા પર આવી ગયો હતો.કદાચ આ દુ:ખ સહન ન કરી શકવાને કારણે તેણે આવું અંતિમ પગલું ભર્યું હતું.

અને આમ હજારો બાળકોને હસાવનાર અને સાહસિક બનાવનાર મૂછાળા હસમુખા બે નાનાનાના બાળકોના પિતા અને એક યુવાન સ્ત્રીના પતિ એવા ચકડોળવાળાએ અચાનક જીવનનો જંગ હારી જઈ મોત વહાલું કરી લીધું. મારા મનમાં કંઈ કેટલાયે પ્રશ્નો ચકડોળે ચડાવ્યા હતા આ ચકડોળવાળાએ. જીવનની કેવી ક્ષણભંગુરતા...એક માણસને તમે જોતા હોવ ત્યારે એવો વિચાર પણ ન આવે કે કદાચ આ તમે એને છેલ્લી વાર જોઇ રહ્યા છો. મારી આંખ સામે ચકડોળવાળો અને તેની પત્ની,તેના બાળકોની છબી તરવરી રહ્યાં. તેમનું શું થયું હશે? તેઓ હવે શેષ જીવન કઈ રીતે ગાળશે?

ઇશ્વરને પ્રાર્થના કે ચકડોળવાળાના આત્માને શાંતિ આપે અને તેની પત્ની તથા બાળકોને તેમનું શેષ જીવન સારી રીતે જીવવા બળ અને પૂરતા સ્રોત આપી રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો