Translate

રવિવાર, 24 માર્ચ, 2013

ગેસ્ટ બ્લોગ : મારી બારીમાં ખિસકોલી ભાઇ ખિસકોલી

                                                                       - સંદીપ ભાટિયા

મોટી મોટી શિલાઓ એક પર એક ગોઠવી દેવા માત્રથી સેતુ ન બને. વચ્ચે ચપટી ચપટી રેતી ભરવી એ પણ ભારે મહત્વનું. આ વાત જાણે એક રામજી અને બીજી મારી બારીની બહાર સામે સરુનાં વૃક્ષપર દોડાદોડી કરતી એક ઝીણકી ખિસકોલી.    

રામજીએ એને શાબાશી આપતાં પીઠપર પડેલી આંગળીઓની છાપ મને દેખાડવા ઘણી વાર એ પાણીના પાઇપવાટે છઠ્ઠા માળ સુધી ચઢી આવે. સિંગદાણા, રોટલી કે ફળોનાં ટુકડા ને ભાત એના સારુ રસોડાની બારીપાસે મૂક્યા હોય તે ખાય. પાણી પીએ. બધે ભટકી આવીને ગામ આખાની વાતો ગળામાં ભરી બેઠેલા કબૂતર જોડે જરીક ગપસપ કરે. ડોક ઊંચી કરી બારીમાંથી અંદર જુએ. ઘરમાં સાતચાલીસની ચર્ચગેટ ફાસ્ટ પકડવાનો રઘવાટ દોડાદોડી કરતો હોય. બારીની ગ્રિલપર થોડીવાર પોરો ખાઇ એ ફરી નીચે ઊતરી જાય.

એકાદ રવિવારની બપોરે ઘર આખું વામકુક્ષી કરતું જંપ્યું હોય ત્યારે એ કિચનના પ્લેટફર્મપરથી નીચે કૂદી બધે ફરી વળે. ફર્સપર અને ફર્નિચરપર ચક ચક ચીં ચક્ ચીં ની રંગોળી પુરાતી રહે. એનો અવાજ સંભળાતાં જ ચાદર મોં સુધી ખેંચી લઉં. સહેજે હાલ્યાચાલ્યા વગર પડ્યો રહું. જમીનપર આડું પડેલું કોઇ થડિયું સમજી એ મારાપર ચઢી પગથી માથા લગી કૂદાકૂદ કરી મૂકે. ક્યારેક સાવ ખભાપર આવીને બેસે અને મગફળીનો નાસ્તો કરે. ખિસકોલી ટેસથી સિંગનો દાણો ફોલીને ખાતી હોય એનો કાનની સાવ નજીકથી આવતો ઝીણો અવાજ કેવો મજેદાર હોય એ વર્ણવવું મારા ગજાની બહારનું છે.

ખિસકોલી શરીરપર કૂદાકૂદ કરતી હોય ત્યારે ભારે રોમાંચ થાય, પણ સહેજેય હલાય નહીં. જરીકેય હલ્યા કે ખેલ ખતમ. હવે વૃક્ષને કેવું થતું હશે એ થોડુંથોડું સમજાય છે. બારી બહારનું સરુનું વૃક્ષ અમારી અવહેલના, ઘોંઘાટ અને પ્રદુષણને ખમી લઇને પણ કેમ હજી ઊભું રહ્યું છે, હાઇવેની પેલી તરફના નેશનલ પાર્કના જંગલમાં નાસી કેમ નથી છૂટતું એનો હવે ખ્યાલ આવે છે.

સવારના કૂમળા તડકાને ખિસકોલી સાથે ભારે દોસ્તી. પરોઢનું પહેલું કિરણ સરુ વૃક્ષની ડાળને ઝાલી લઇને નીચે ઊતરી આવે. પખીઓએ કોચલાં ફોડીને  નીચે વેરેલાં બીયાં ભેગા કરવામાં ખિસકોલી મશગૂલ હોય. એને માથે કિરણ ટપલી મારે. ખિસકોલીનાં એક પછી એક બધાં રૂવાં સોનાનાં થવા માંડે. એ પૂંછડી ઊંચી કરી ટટ્ટાર ઊભી રહે. કિરણ ડોકપરથી પીઠપર અને પૂંછડીપરથી સરકતું ઊછળીને પાસેના ખાબોચિયામાં જઇ પડે. ખાબોચિયામાં પાણીપર શેવાળની જેમ ફેલાયેલું અંધારું મૂંઝાઇને આઘુંપાછું થવા માંડે. શેવાળની ફાટમાં પરોઢના આકાશનું એક કેસરી ચાંદરણું ચમકી ઊઠે. એને સાત ચાલીસની ચર્ચગેટ ફાસ્ટ પકડવા જઇ રહેલો એક બાબુ પોતાની કીકીમાં ઝીલી લે. ઓફિસમાં પહોંચતાં જ એનો સાથી સામો મળે. ‘ગુડ મોર્નિંગ’ની આપલે થાય. સાથીની આંખમાં પરોઢનું એ પ્રથમ કિરણ પ્રતિબિંબાય. થોડી વારમાં તો આખી ઓફિસમાં બધાના ખિસ્સામાં પરોઢના ઊજાસની એકએક સોનામહોર હોય.

એ સાંજે ઘેર જઇને ઓફિસના બાબુઓને પોતાના બાળકોને વારતા કહેવાનું મન થાય.

- સંદીપ ભાટિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો