Translate

રવિવાર, 25 જુલાઈ, 2021

ગેસ્ટ બ્લોગ : મસાલાની જાહેરાતની બાળ માનસ પર અસર & ગત વર્ષનું વિહંગાવલોકન તથા આગામી વર્ષની આશા

 ગેસ્ટ બ્લોગ : મસાલાની જાહેરાતની બાળ માનસ પર અસર

---------------------------------------------------------------------

હમણાં એક મસાલાની જાહેરાત ટી. વી. અને અન્ય પ્રસાર માધ્યમોમાં જોવા મળે છે.

કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે ધર્મ કે જાતિના ભેદભાવને આધારે નહીં પણ એમાં જે રજૂ થયું છે એ જોઈ મારા મન પર તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે એટલે આ લખવા અને તમારા સૌ સાથે એ અંગેના મારા વિચારો શેર કરવા પ્રેરાઈ છું.

જાહેરખબરમાં કોઈ એક વ્યક્તિ કે જાતિની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. વાત સુહાના મસાલાની જાહેરાતની છે. એક બાળક જે શાકાહારી કુટુંબમાંથી છે  તે પાડોશમાં ઘરનાથી છૂપાવી બિનશાકાહારી વાનગી ખાય છે. આ જોઈ બાળકો પર તેની શું અસર પડે? આમાં બિનશાકાહારી લોકો કે ખોરાકનો વિરોધ નથી. પણ બાળકો ચોક્કસ આ જોઈ ખોટું કરવા પ્રેરાઈ શકે છે, બાલ-માનસ પર આ જાહેરાતની વિપરીત અસર પડી શકે છે. શું આ એડ નાના બાળકને જૂઠું અને તે પણ ઘરનાથી છાનેછપને કરવા પ્રેરિત નથી કરતી ? તે ઉપરાંત આ ચુસ્ત શાકાહારી કુટુંબમાં બિનશાકાહારી પાડોશી માટે અવિશ્વાસનું વાતાવરણ પણ પેદા કરે છે. આનાથી ધાર્મિક અને સંવેદનશીલ લોકોની ભાવનાને પણ ઠેસ પહોંચે છે. જાહેરાતમાં વિવેકભાન હોવું જોઈએ. આ જાહેરાતમાં દાદી સહીત ઘરના સર્વે સભ્યોને બાળકની ભૂલમાં થયેલ કબૂલાતથી આઘાત લાગે છે. જાહેરાત શું સાબિત કરવા માંગે છે? મસાલાના ગુણગાન કરવા માટે આ પ્રકારનો પ્રસંગ દર્શાવવો જરૂરી છે?


- મીના જોશી


-----------------------------------------------


ગત વર્ષનું વિહંગાવલોકન તથા આગામી વર્ષની આશા

-------------------------------------------------------------

સમયની ગતિ અકળ છે. કુદરત અને પરમ તત્ત્વ સામે આપણે ભલે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવીને આપણી જાતને અજેય માનતા હોઈએ, આપણે ભલે ઉંચા ઉંચા શિખરો સર કર્યા હોય, પણ જ્યારે તેની સભાનતા સાથે ઘમંડનો સૂર આવે ત્યારે ગત વર્ષની "કોરોના" મહામારી આપણી તુચ્છતા અને પામરતાનો સચોટ અનુભવ કરાવે છે.

       ગત વર્ષની ફળશ્રુતિ સદા યાદ રહેશે. જેમ સૈનિક પોતાને માટે અજાણ્યા એવાં નાગરિકોની

રક્ષા માટે પ્રાણની આહુતિ આપે છે અને તેમની શહાદતને આપણે માનભેર અંજલિ આપીએ છીએ તેમ "કોરોના" દાનવ સામેના જંગમાં સામાન્ય નાગરિકની ઢાલ તથા કવચ બની રક્ષા કરતા પ્રથમ હરોળમાં કાર્યરત રહી શહીદ થયેલ અસંખ્ય અનામી યોદ્ઘાઓને નત મસ્તક વંદન. આમાં તબીબો, નર્સો, સંરક્ષક અને પોલીસ કર્મચારીઓ,  પરિવહન અને સંચાર સેવા સંચાલકો, શિક્ષક ગણ સફાઇ કામદારો, છુટક કરિયાણાના દુકાનદારો, તથા પ્રાથમિક સેવા પૂરી પાડનાર સર્વ કર્મચારી ગણનો સમાવેશ થાય છે. તેઓની શહીદીની ગરિમા આ હકીકતથી દેવોને માથું નમાવવા પ્રેરે છે કે આ મુઠ્ઠી  ઉંચેરા સ્વયંસેવક યોદ્ઘા છે. મેં ઈશ્વરને નથી જોયા, પણ આ પવિત્ર આત્માઓમાં સદેહે નિહાળ્યા છે. "ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે " એ ભજનમાં સારું લાગે છે, પણ કોરોનાના પ્રત્યક્ષ પરચા જેવો અનુભવ કોઈને ના થાય તેવી મારી ખરા દિલથી પ્રાર્થના છે.

             "કોરોના" દાનવની સામે સમગ્ર વિશ્વનો જનસમુદાય મહદ અંશે સંગઠિત રહીને તેની આંખોમાં આંખ પરોવીને કહે છે,"હા, સમય થોડો વધુ લાગ્યો પણ તું અમારો વાળ પણ વાંકો નહીં કરી શકે ." સાવચેતી અને સભાનતાને આપણા જીવનના અભિન્ન અંગ બનાવવા પડશે. "કોરોના" અવરોધક રસી લીધી અને પાછા હતા એવા થઈ જવાનું  હવે કદાપિ પોસાશે નહીં.

           કોરોનાએ આપણી સંવેદના, અનુકંપા, સુષુપ્ત લાગણીઓને વાચા આપી છે. ઘણી જગાએ સંબંધોની કડવાશ ઓસરી ગઈ છે. જ્યારે ઘણા સમયથી સંપર્ક ન હોય તે પરિચિત તમારી જરૂરિયાત કે સલામતી અંગે પૂછે ત્યારે સાચે જ સારું લાગે છે. આપણે તે વ્યક્તિ માટે મહત્વના છીએ - એવો અહેસાસ થાય છે. મારી જેમ ઘણાંને અનુભવ થયો હશે "પહેલો સગો પાડોશી".

       વર્ષ ૨૦૨૦ પહેલાં આપણે સમય પાછળ આંધળી દોટ મૂકતા, હવે સમય આપણો બંદી છે. ઘરનો મોભી પરિવારની ભૌતિક સુખસગવડ પૂરી કરવામાં વ્યસ્ત હતો, હવે પરિવાર વધુ નજીક આવ્યો છે. ઘરના દરેક સભ્યના યોગદાનનું મૂલ્ય સમજાયું છે. જીવનના ધ્યેયની પરિભાષા બદલાઈ છે. આપણે જીવનની ક્ષણભંગુરતા વિશે સજાગ થયા છીએ, આપણાં અસ્તિત્વ અને જિંદગી માટે ઈશ્વરનો આભાર માનતા થયા છીએ. કોઈ વ્યક્તિ રોગનો કોળિયો બને તે જાણી તરત કહીએ છીએ "ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે તથા પરિવારજનોને અણધારી કારમી વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે." જીવનમાં નાની નાની ખુશીઓ શોધી આનંદ માણતા શીખ્યા છીએ.

        આ કાળમાં ત્રણ ત્રણ પેઢીઓ પોતાની રીતે પરિસ્થિતિનો સામનો કરી રહી છે. તેમની કોઠાસૂઝ વંદનીય છે. નાગરિકોએ ભયને મહાત કરી માનસિક શાંતિ અને આંતરિક શક્તિનો અનુભવ કર્યો છે. આશાનું કિરણ ક્ષિતિજમાં દેખાય છે. યુગલોનો પ્રેમ પરિણયમાં સંપન્ન થયો છે. નવી જીન્દગીની રચના અને આગમન વણથંભ્યા છે. સર્વ બંધુ ભગિનીઓને આ વર્ષ આરોગ્યદાયી તથાા સુખદાયી નીવડે એવી શુુભકામના.

- લતા પ્રકાશ બક્ષી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો