જન્મભૂમિનાં તંત્રીશ્રી કુંદનભાઈ વ્યાસ સાથે મારે જ્યારે મળવાનું થાય અને હું
તેમની પાસે સારું લખવા માટેની ટીપ્સ માગું ત્યારે તેઓ એક શબ્દ અચૂક કહે "લાઘવ".
આ લાઘવ એટલે ટૂંકું કે ટૂંકાણમાં. ઘણી વાર ટૂંકાણમાં ઘણું કહી શકાતું હોય છે.
એસ.એમ.એસ. કે ટ્વીટરનો તો પાયો જ ટૂંકાણ છે. ૧૬૦ કે એટલા જ અક્ષરોમાં તમારો સંદેશ
લખવાનો.ઘણાં સર્જનાત્મક લોકો આ ટૂંકા સંદેશમાં પણ ઘણું અસરકારક કહી જતા હોય છે.
શાળામાં હતા ત્યારે યાદ હશે પરીક્ષામાં પણ બે પ્રકારે સવાલના જવાબ આપવાનું કહેવાતું
: વિસ્તારમાં અને ટૂંકમાં જવાબ લખો.આમ નાનપણથી જ આપણને ટૂંકમાં આપણી જાતને પ્રગટ કરવાની
તાલીમ આપવામાં આવતી હોય છે.પણ બધા એમાં સફળ થતાં નથી.ટૂંકમાં જવાબ આપવાની કે પોતાની
જાતને દર્શાવવાની પણ એક કળા છે.જો ધ્યાન આપી પ્રયત્ન કરી તો એમાં ચોક્કસ સફળ થઈ શકાય.
મોબાઈલના વ્યાપ અને વપરાશ વધ્યા પછી લોકો ઘણુંખરું ટૂંકમાં કહેતા - લખતા શીખ્યા
છે.અહિ your ને ur કે thanks ને thnks લખીએ એ સંક્ષિપ્ત પર્યાયોની વાત નથી પણ આખે આખો
સંદેશ કે વાત ઓછામાં ઓછાં વાક્યો કે શબ્દોમાં અભિપ્રેત કરવાની વાત કરું છું.
વ્હોટ્સ એપ પર કેટલીક સરસ એક વાક્યની કે ત્રણ-ચાર વાક્યોની વાર્તાઓ વાંચવામાં
આવેલી જે ટૂંકામાં ઘણું કહી જતી હતી.આવી બે ચાર વાર્તા :
·
તે આજે ઘણી ઉત્સાહીત હતી.આખરે ઉનાળાના લાંબા વેકેશન પછી આજે શાળા ફરી ઉઘડવાની
હતી.હવે, ફરી તે ટ્રાફીક સિગ્નલ પર સ્ટેશનરીનો સામાન વેચી શકશે અને તેના માતાપિતા અને
નાના ભાઈ-બહેનોને ભૂખ્યા નહિ સૂવું પડે.
·
આમ તો એ ખ્યાતનામ કલાકાર એક કડક માતા હતી અને પોતાના છ વર્ષના વહાલસોયા બચ્ચાને
એક પણ સીધી લીટી ન દોરી શકવાને કારણે અનેક વાર ઠપકો આપતી,પણ આજે જ્યારે એ વેન્ટીલેટર
પર હોસ્પિટલની પથારી પર સૂતો હતો ત્યારે તે એને પર વાંકીચૂંકી લાઈન દોરવા જ પ્રાર્થી
રહી.
·
તેમણે તેના પિતા લઈ લીધા અને બદલામાં આપ્યો માત્ર દેશનો ધ્વજ.
·
તેમનો પ્રેમ અનોખો હતો.જ્યારે જ્યારે એ તેના પેટ પર લાત મારતો ત્યારે ત્યારે
તે ઘણી રાજી થઈ જતી.જ્યારે જ્યારે એ તેને આ રીતે મારતો તે દરેક વખતે તેનો એના પ્રત્યેનો
પ્રેમ ઉભરાઈ આવતો-બમણો થઈ જતો.હવે એ રાહ જ જોઈ રહી હતી કે ક્યારે એ તેના ગર્ભમાંથી
બહાર આવે અને એ નાનકડા જીવને તે પ્રથમ વાર પોતાના હાથમાં લઈ ચૂમી લે!
યુ ટ્યુબ પર પણ તમને હજારો શોર્ટ ફિલ્મ્સ એટલે કે લઘુ-ફિલ્મો જોવા મળશે.માત્ર
પાંચ-દસ-કે-પંદર મિનિટની આ ફિલ્મો ઘણી વાર તો એટલી અસર કારક હોય છે કે તે તમારા હ્રદય
પર ઉંડી છાપ છોડી જાય છે.તેની સફળતાને લઈને જ દર વર્ષે આવી ફિલ્મો બનાવવાની એક સ્પર્ધા
પણ મુંબઈમાં યોજાય છે જેમાં ભાગ લેવા દેશભરમાંથી એન્ટ્રીસ આવે છે.આ ફિલ્મોના સ્ક્રીનીંગનો
ત્રણ-ચાર દિવસનો કાર્યક્રમ પણ યોજાય છે અને વિજેતા નિવડેલી લઘુ-ફિલ્મોને ઇનામ સાથે
ઘણી વાર બોલિવુડમાં પ્રવેશની તક પણ તેના દિગ્દર્શક-સર્જકને મળે છે.
TTT (ટેરિબલી ટાઈની ટેલ્સ) આવી જ એક કંપની છે જે ખાસ આવી શોર્ટફિલ્મોને પ્રમોટ
અને નિર્માણ સહાય કરે છે. યુ ટ્યુબ પર તેમની અનેક લઘુ કથાઓ જોવા મળશે. આજે જ્યારે લોકો
પાસે બે-ત્રણ કલાક જેટલો સમય આખી મોતે ફિલ્મ જોવા માટે ન હોય ત્યારે ચોક્કસ આ ટૂંકી
ફિલ્મો સારું આકર્ષણ જમાવે છે.
આવી કેટલીક ફિલ્મો યુ ટ્યુબ પર મેં જોઈ છે અને મને એ ગમી છે. તમે પણ જોઈ તમારા
વિચાર - મત વ્યક્ત કરશો તો આનંદ થશે. આ ફિલ્મો ના નામ છે -
અહલ્યા, આફ્ટરગ્લો, અધર્સ, સોપ, ટ્યુબલાઈટ કા ચાંદ, ઇલાયચી, ધેટ સન્ડે, રાસ્તા,
બ્લેક મિરર, દેવતા, બાયપાસ
આજે લાંબી ફિલ્મ કરતાં ટુંકી ફિલ્મ જોવા જેવી અને સમજવા લાયક હોય છે. અગાઉ કોઈ પણ થિયેટરમાં હિન્દી મેન ફિલ્મ ચાલુ કરતા ફિલ્મ ડિવીઝન દારા પાંચ -સાત મિનીટની ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવતા હતા હાલ ટુંકી ફિલ્મ બતાવવાની બંઘ કરી દીઘી છે. આવી ટુંકી ફિલ્મ આજે internet you tube પર જોવા મળે છે. ટુંકી ફિલ્મમાં નવીનતા હોય છે.
જવાબ આપોકાઢી નાખો