બારમાસીના પણ અનેક છોડ અહિ હતા અને તેમાં રહેલા ઔષધિય ગુણોની તેમણે મને માહિતી
આપી જેની મને કલ્પના પણ નહોતી.અન્ય પણ ઘણાં ઔષધીય છોડ તેમણે ઉછેર્યાં છે જે તેમણે મને
બતાવ્યાં.એક ઝાડના છોડ પર લાલ મંકોડાઓનો માળો જોઇ મને ઘણી નવાઈ લાગી.પાંદડા એકમેક પર
સીવી એ મંકોડાઓએ પોતાની આખી વસાહત એ માળો સર્જી ઉભી કરી હતી.જો કે એ લાલ મંકોડા જોઈ
મને થોડો ડર પણ લાગ્યો.કદાચ તેઓ ઘણી મોટી સંખ્યામાં હશે એટલે?એ જો કરડે તો બૂરા હાલ
થાય એવું મને લાગ્યું!
તો વળી થોડે દૂર અતિ દુર્લભ એવા લાલ સુંદર ભાત ધરાવતા હેલિકોનિઆ (જેને ગામમાં
લોકો તેના આકારને કારણે પોપટ પણ કહે છે) ફૂલોનો ગુચ્છ જોઈ મંકોડા ભૂલાઈ ગયાં. તો ત્યાં વળી એક પહેલી વાર જોઈ રહ્યો હતો એવા એક
કાબરનાં કદનાં તપખીરીયા પક્ષીનું ગીત સાંભળી તેના તરફ ધ્યાન પરોવ્યું. અહિં પ્રક્રુતિનું
સારું એવું વૈવિધ્ય જોવા મળ્યું જેનું પ્રોફેસર સાહેબ સારી રીતે જતન કરે છે.
બાગમાં ફર્યાં બાદ સમય થયો જમવાનો.ડો.સોલંકીના પત્નીએ હાથે બનાવેલી સ્વાદિષ્ટ
રસોઈ ખાવાની ખુબ મજા પડી.કેરીના રસ વગર તો ઉનાળાનું જમણ કઈ રીતે પુરું થાય? બંગલામાં
એક ડોર્મીટરી જેવો મોટો ખંડ છે જ્યાં ઘણાં લોકો પાર્ટી કે ફેમિલી ફંકશન ઉજવે છે. અહિં
રાત રોકાઈ શકાય એવી પણ વ્યવસ્થા છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અહિ પિકનિક કરવા પણ આવે
છે.પ્રકૃતિ- સૌંદર્ય સિવાય અન્ય ખાસ આકર્ષણ છે અહિ યોજવામાં આવતી એક્ટીવીટીઝ.
જેની મજા મેં ભોજન બાદ થોડો આરામ ફરમાવ્યા બાદ માણી. સૌ પ્રથમ ડો.સાહેબ મને લઈ
ગયા - રેન ફોરેસ્ટમાં લટાર મારવા! રેન ફોરેસ્ટ એટલે આસપાસ સુંદર વેલ-વનસ્પતિથી ઢંકાયેલ
લીલાછમ રસ્તા પરથી પસાર થતા તમારા પર કૃત્રિમ વર્ષા થાય તેવી વ્યવ્સ્થા કરી બનાવેલો
ખાસ પટ્ટો.અહિથી પસાર થતી વખતે વન્ય પશુપક્ષીના રેકોર્ડેડ અવાજ પણ એવી રીતે સંભળાય
જાણે તમને લાગે સાચે જ તમે કોઈ ગાઢ જંગલમાં આવી ગયા હોવ!
રેન ફોરેસ્ટ માંથી બહાર નીકળ્યા બાદ સામે મોટા ઓટલા પર રેનડાન્સની વ્યવસ્થા છે.
ડાન્સ કરવાની મજા પડે તેવા ગીતો લાઉડસ્પીકર પર વાગતાં હોય તેના તાલે માથા પર ફૂવારામાંથી
વરસતા પાણીમાં નાચવાની મજા કોને ન પડે? વરસાદ પડતો હોય કે ન પડતો હોય પણ આ ઓટલા પર
માથા પરથી પડતું ફુવારાનું પાણી તમને વરસાદ પડી રહ્યો હોય એવી અનુભૂતિ ચોક્કસ કરાવે
અને પલળતા પલળતા નાચવાની મજા કંઈક ઓર જ છે!
ભીના થયાં બાદ વડીલ વડલાનાં વૃક્ષ પર બનાવેલ બર્મીસ બ્રીજની એક્ટીવીટી રોમાંચક
બની રહે. જમીનથી ખાસ્સી ઉંચાઈએ હવામાં ઝૂલતા સાંકડા દોરડાના પુલ પર માથે લટકતા દોરડાને
પકડી સામે વડલા પર બનાવેલ માંચડા પર ઝૂલતા
ઝૂલતા જવાની મજા તમે પોતે આ એક્ટીવીટી કરો ત્યારે ખબર પડશે કેટલી મજેદાર છે! માંચડા
પરથી નીચે આવવા માટે પણ દોરડાની મોટી જાળ બનાવેલી હતી જેના પર સૂતા-પડતા-આખડતા નીચે
આવવાનું!
ઝૂલતા બર્મીસ બ્રિજ પર થી ઉતર્યા બાદ હજી સાહસિક વૃત્તિ કરવાનું મન થતું હોય
તો પહોંચી જાવ પોન્ડ ક્રોસિંગ કરવા! નાનકડા તળાવમાં ઘણાં બધાં કમળ ખીલેલા જોવા મળશે
અને આ કાદવ ભર્યા પોન્ડની ઉપર બાંધેલા દોરડા પર લટકી તમારે એ પોન્ડ ક્રોસ કરવાનું. સો કિલો વજન ધરાવતી વ્યક્તિ પણ મન હોય તો આ એક્ટિવીટી કરી શકે. તમારી કમર પર અને પગ
માંથી સુર ક્ષા બેલ્ટ પસાર કરી તેને દોરડા પર ભરાવેલી પુલીના પૈડામાં ભરાવી દે અને
તમારે સૂતા હો કે બેઠા હો એવા પોઝમાં દોરડું સરકાવતા સરકાવતા તળાવના એક છેડે બાંધેલા
ઉંચા પ્લેટફોર્મ થી બીજે છેડે ઉંચા ઝાડ પર બાંધેલા દોરડા ના બીજા છેડા સુધી પહોંચી,
ફરી પાછું પહેલા છેડા તરફ પાછા ફરવાનું. વચ્ચે થાકી ગયા તો ચિંતા નહિ કરવાની. પુલી
સાથે બાંધેલા બીજા દોરડાથી અટેન્ડન્ટ તમને પાછા ખેંચી લેશે! ખુબ રોમાંચક અને મજેદાર
છે આ એક્ટિવીટી!
અહિંથી થાક્યા એટલે થાક ઉતારવા સામે રેનડાન્સના ઓટલા નીચે દાદરા પર બનાવેલ પાણીના
કૃત્રિમ ધોધ નીચે બેસીને ઠંડા પાણીની ધાર તમારા માથા પર ઝીલવાની! અહાહા, આ મજા તમે
બીજા કોઈ પણ આનંદ સાથે સરખાવી શકો નહિ! પાણીની ધાર સપાટ લાંબા પથ્થર પરથી પડી રહી હોય
એટલે તમે તેની નીચે બેસી માથું, ઉપરથી પડી રહેલી પાણીની સપાટ લાંબી ધાર પાછળ લઈ જુઓ
તો સામે પાણીની કાચ જેવી પારદર્શક દિવાલ જોવા મળે. આ ધોધ નીચે બેસી દુનિયાના બધા દુખો
થોડી ક્ષણ ભૂલી જઈ પ્રકૃતિમય થઈ જવાના આનંદથી હજી ધરાયા ન હોવ તો જમણી બાજુએ દ્રષ્યમાન
થતી ઉલ્હાસ નદી તરફ આગળ વધો. અહિં કિનારા પર થોડી ઉંચાઈએ એક તરફ બેસવા માટે થોડા લાકડાના
બાંકડા ગોઠવેલા છે જેના માથે નાળિયેરીના પાન અને ઘાસના છાપરા ગોઠવી મનોહર જગાનું નિર્માણ
ડો.સોલંકીએ કર્યું છે. અહિ લોકો બર્થડે પાર્ટી
ઉજવવા પણ આવે છે કે રાત વાસો કર્યો હોય ત્યારે કેમ્પ ફાયરની મજા માણવા પણ આવે છે. સુંદરતાની
દ્રષ્ટીએ આ જગા વિષ્ણુબાગની શ્રેષ્ઠતમ જગા બની રહે છે! થોડી ઉંચાઈ પર હોવાને લીધે અહિ
બાળકો માટે રોકક્લાઈંબીંગની વધુ એક સાહસિક એક્ટીવીટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વિષ્ણુબાગ જવું હોય તો તેની વેબસાઈટ http://www.vishnubaaug.in/ ની મુલાકાત લઈ ડો.સોલંકી નો 9604893616 / 9869067698 નંબર પર સંપર્ક કરો. આ
નેચર બેઝ્ડ થીમ પાર્કની મુલાકાત ચોક્કસ એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે તેની ગેરન્ટી!
(સંપૂર્ણ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો