વહેલી સવારે ઉઠવાનો કંટાળો ન આવે અને એલાર્મના રણકારે તરત ઉઠી જઈ પથારી છોડી દે એવું ભાગ્યે જ કોઈ હશે! પણ ઉઠ્યા બાદ તમે કામની શરૂઆત પહેલાં પોતાની જાતને કોઈ નવી પ્રવૃત્તિમાં જોતરી દેશો તો મજા આવશે. આ પ્રવૃત્તિ ગમે તે હોઈ શકે જેમ કે ચાલવા કે જોગિંગ માટે જવું કે કસરત કરવી કે મોટર ડ્રાઈવિંગ શીખવા જવું વગેરે.હું થોડા વર્ષો અગાઉ નિયમિત સ્વિમિંગ કરવા જતો અને સ્વિમિંગ પુલ ઘરથી થોડું દૂર હોવાથી મારું સવારના પહોરમાં વોકિંગ પણ થઈ જતું.આવી જ એક સવારે સ્વિમિંગથી પાછા ફરતી વેળાએ આવેલ વિચાર અને થયેલ અનુભૂતિ આજે આ બ્લોગ થકી તમારી સાથે શેર કરવાં છે.આ અનુભવ જ્યારે જ્યારે હું કોઈ પણ કારણ સર વહેલી સવારે બહાર નિકળું ત્યારે થાય છે.વહેલી સવારના પહોરમાં ઘરની બહાર નીકળીએ ત્યારે માર્ગમાં થતી આનંદની અનુભૂતિ ખૂબ આહ્લાદક,મજેદાર અને તાજગીસભર હોય છે.
વહેલી સવારની હવામાં એક ગજબની તાજગી હોય છે.આ તાજી હવામાં ચાલતી વખતે તમે જાણે ચાર્જ અપ થઈ જાઓ છો.વાહનોની અવરજવર શરૂ ન થઈ હોવાને લીધે તેમના દ્વારા ફેલાતાં પ્રદૂષણના અભાવે વહેલી સવારની હવા શુદ્ધ પણ હોય છે જે તમારા શ્વાસમાં નિયમિત રીતે ભરો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેવામાં પણ ચોક્કસ મદદ મળે.હું મોટે ભાગે ચાલતી વખતે આઈપોડ કે મોબાઈલ ફોન પર સંગીત સાંભળતો હોઉં છું પણ જો તમારા કાનમાં ઇયર ફોન્સ ન પણ હોય તો વહેલી સવારે વાતાવરણમાં, તમારા કાન સાંભળીને આનંદિત થઈ ઉઠે એવું બીજું ઘણું હોય છે.પંખીઓનો કલશોર (શિયાળામાં વહેલી સવારે કોયલનું કર્ણપ્રિય કુ...ઊ...કુ...ઊ), દૂધવાળાઓની સાઈકલની ઘંટડીનો અવાજ, છાપા વહેંચવાવાળાઓની હોહા, શાળાએ જતાં બાળકોનો અવાજ, શેરીની દુકાન કે કોઈકના ઘરમાંથી આવતો રેડિયોનો અવાજ, ક્યાંક કોઈક મંદિરમાંથી આવી રહેલો આરતી અને ઘંટનો નાદ વગેરે વગેરે અનેક સામાન્ય અવાજોનું સંગીત ક્યારેક ધ્યાન આપીને માણવું જોઈએ.
ઘરેથી સ્વિમિંગ પુલ ચાલીને જતાં પચ્ચીસ મિનિટ લાગતી અને કલાક દોઢ કલાક તર્યા બાદ હું પાછો ફરતો હોઉં ત્યારે મુંબઈની શહેરી દોડધામ ઓછેવત્તે અંશે શરૂ થઈ ચૂકી હોય. રસ્તામાં ઘણા, ઓફિસે જવા નીકળેલા નોકરિયાત તેમની કંપની બસની રાહ જોઈને ઉભેલા જોવા મળે. નાહીધોઈ સ્વચ્છ ઇસ્ત્રીબંધ કપડામાં સજ્જ દિવસની શરૂઆત કરી ચૂકેલા આ લોકોને જોઈ મને વિચાર આવે કે મેં તો હજી સવારનો ચાનાસ્તો કે સ્નાનાદિ પણ પતાવ્યા નથી.હું કેટલો બધો મોડો પડી ગયો! અને મારી ચાલવાની ઝડપ આપમેળે વધી જાય! કેટલાંક મારી જેમજ કોઈક પ્રકારની કસરત કરી પરત ફરી રહેલા જિમના કપડામાં સજ્જ લોકો કે જોગિંગ શૂઝ પહેરીને ઝડપભેર ચાલતાં જાડિયા કાકી કે કાકા પણ નજરે પડે! રસ્તામાં અનેક જાતજાતનાં લોકો જોવા મળે. તેમાંના મોટા ભાગનાં, પોતાના દિવસની શરૂઆત કરી રહ્યાં હોય.
પાછા ફરતી વખતે માર્ગમાં, બીજી એક મને ગમતી બાબત છે સવારના સુકુમાર સૂર્યકિરણોને ચહેરા પર ઝીલવાં.
એક વાર આજ રીતે પાછા ફરતી વેળાએ એ મોસમનો પહેલો વરસાદ સવારે પડેલો અને તે મેં મન ભરીને માણ્યો હતો. મારા મોબાઈલ પર વાગી રહેલું ગીત બદલી નાંખી મેં ત્યારે બરસો રે મેઘા મેઘા બરસો રે...કરી નાંખ્યું હતું અને વર્ષાના ટીપાં મારા શરીર પર ઝીલવાની મને જબરી મજા પડી ગયેલી. ઉનાળાની તપ્ત ગરમીથી ત્રાસી ગયેલી ધરા પણ મોસમના આ પ્રથમ ઝાપટાને મારા જેટલો જ માણી રહી હશે,ત્યારે જ તો તેણે ભીની ભીની માટીની મીઠી મીઠી સોડમ વહેતી મૂકી ને! આ સુગંધે તો જાણે સોનામાં સુગંધ ભેળવવા જેવો ઘાટ ઘડ્યો!
અચાનક આવી પડેલ આ વરસાદના ઝાપટા પ્રત્યે જુદા જુદા લોકોએ વ્યક્ત કરેલી ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા જોવાની પણ મને તો મજા પડી! કેટલાંક લોકોએ પલળી ન જાય એ માટે નજીકમાં શરણું શોધવા રીતસર દોટ મૂકી તો વળી કેટલાંક બંને હાથ પ્રસરાવી વર્ષા રાણીને વધાવી જાણે તેનું સ્વાગત કરી રહ્યાં!
અને હજીતો થોડી જ ક્ષણો વિતી હશે ત્યાં તો વાદળા પાછળ સંતાઈ ગયેલા સૂરજ દાદાએ પોતાનું ડોકુ વાદળો વચ્ચેથી બહાર કાઢ્યું અને તડકો છવાઈ ગયો.
મને પેલું બાળપણમાં ખૂબ ગાયેલું વરસાદનુ ગીત ગાવાનું મન થઈ ગયું "આવ રે વરસાદ...ઢેબરિયો વરસાદ ..ઉની ઉની રોટલીને કારેલાનું શાક..!!" (વરસાદ જ્યારે તડકા સાથે પડે ત્યારે ઢેબરિયો ને બદલે અમે 'નાગડિયો વરસાદ’ એમ ગાતાં!)
મેં કેટલાક કૂતરા અને ગાયોને પણ વરસાદમાં પલળતાં જોયાં અને મને એમ લાગ્યું જાણે તેઓ પણ વરસાદ માણી રહ્યાં હોય!
મેં ત્યારેજ નક્કી કરી રાખ્યું હતું કે આ અનુભવ વિષે લખી મારી આ લાગણીઓ મારા અનેક મિત્રો સાથે શેર કરીશ અને આજે થોડા વર્ષો બાદ આ બ્લોગના માધ્યમથી મારા આ વિચારો હું તમારા સૌ સાથે વહેંચી રહ્યો છું.
મને ઘણી વાર એવું લાગ્યું છે કે તમારા ગંતવ્ય સ્થાને પહોંચવાના આનંદ કરતાં પ્રવાસની મજા,માર્ગમાં માણેલી પળોની મજા કંઈક અલગ અને વિશેષ હોય છે.ટ્રેક પર જાઉં ત્યારે પણ આવો અનુભવ ઘણી વાર થયો છે. શું આપણા જીવનનું પણ કંઈક એવું જ નથી? જો જીવનને એક યાત્રા ગણીએ અને સ્વર્ગ કે નરકને અંતિમ સ્થાન તો આ યાત્રાને આપણે ઘણી યાદગાર બનાવી શકીએ - સારા કામ કરીને અને તમને માર્ગમાં જે ભટકાય તેને ખુશી કે સ્મિત માટેનું કોઈક કારણ આપીને!
હું એવી શુભકામના પાઠવું છું કે આપણાં સૌની આ જીવનયાત્રા સુખદ સ્મરણયાત્રા બની રહે..!
રવિવાર, 26 જૂન, 2011
વહેલી સવારે રસ્તામાં ચાલતાં ચાલતાં...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
મને તમારી આ અનુભવ વ્યક્ત કરવાની રીત ઘણી ગમી. એ એટલી સરસ હતી કે હું અહિં ઓફિસમાં બેઠા બેઠા વરસાદ અને આસપાસના પરિસરને માણી રહી,અનુભવી રહી! મને પણ 'બરસો રે મેઘા...' ગીત ખૂબ ગમે છે અને 'નાગડિયા વરસાદ'ના ગીતે મને પણ મારા બાળપણની મીઠી યાદો વાગોળતી કરી મૂકી. વ્યસ્તતા ભર્યા રૂટીનમાં તમારા બ્લોગે મને ચાર્જ કરી દીધી! આભાર.
જવાબ આપોકાઢી નાખોટૂંક સમયમાં જ હું પણ મારો બ્લોગ બનાવીશ અને સૌ સાથે મારા વિચારો વહેંચીશ.
- અમિતા (અમદાવાદ)
અતિ સરળતાથી તમે એક અતિ મહત્વપૂર્ણ સંદેશ આ બ્લોગ થકી વહેતો મૂક્યો છે કે આપણે અંતિમ પરિણામને વધુ પડતુ મહત્વ આપ્યા વિના ફક્ત વર્તમાન ક્ષણોને માણતાં માણતાં જીવવું જોઇએ. મને આ બ્લોગ વાંચવાની મજા પડી. આભાર!
જવાબ આપોકાઢી નાખો- રોહિત (પુણે)