Translate

રવિવાર, 3 જુલાઈ, 2011

ડોશીમા

              થોડા સમય અગાઉ એક ટૂંકી વાર્તા વાંચવામાં આવી જેમાં એક મુસ્લિમ આયાના તેના પાલકપુત્ર પ્રત્યેના સ્નેહની વાત હતી જેઓ કાળક્રમે છૂટા પડી જાય છે અને વર્ષો બાદ તેઓ જ્યારે પાછા મળે છે ત્યારે મેલાઘેલા કપડા પહેરેલ વૃદ્ધ આપાજાન હવે યુવાન બની ચૂકેલા પાલકપુત્રને તેના દેખાવ-દિદાર સાવ બદલાઈ ગયા હોવા છતાં ક્ષણવારમાં ઓળખી કાઢે છે અને ત્યારે સર્જાયેલા લાગણીભીનાં દ્રષ્યોની વાત મારા સંવેદનાતંત્રને ઝણઝણાવી ગઈ.આ વાર્તાએ વર્ષો પહેલા મારા બાળપણનાં વર્ષોમાં મારા પરિચયમાં આવેલા એક ડોશીમાની યાદ, વીસેક વર્ષ કરતાં પણ વધુ સમય બાદ તાજી કરાવી દીધી.


                હું ત્યારે છ-સાત વર્ષનો હોઈશ.મારી શાળા મારા ઘરથી સાવ નજીક. શાળાનો ઘંટ વાગે તે મારા ઘેર સંભળાય એટલા અંતરે! અને આ શાળા પણ કેવી? તેમાં બિલ્ડીંગ નહિં પણ કતારબદ્ધ કેટલીક ઓરડીઓ આ શાળાના ક્લાસરૂમ્સ. વચ્ચે રસ્તો અને સામસામે આ શાળાના વર્ગો પથરાયેલાં. તેમાંયે એક બાજુ આખી હરોળ એટલે કે સાતઆઠ વર્ગો આ શાળાનાં જ્યારે સામેની બાજુ માત્ર અડધી હરોળ અર્થાત બે-ત્રણ ઓરડીઓ શાળાની,બાકી ની બાજુમાં અડીને જ આવેલી ઓરડીઓમાં લોકોના ઘર. આ શાળામાં નાનીશ્રેણી,મોટી શ્રેણી અને ધોરણ પહેલા તથા બીજા સુધીનાં જ વર્ગો હતાં. આગળના મોટા ધોરણ માટે શાળાનું મોટું બિલ્ડીંગ થોડે દૂર આવેલું,તેમાં જવાનું. મારા શાળા જીવનની શરૂઆત મારા ઘર નજીક આવેલી આ નાનકડી શાળાથી થઈ. અમારો વિદ્યાર્થીઓનો એક નિયમ. જેવી રિસેસ પડે એટલે અમે બધા વર્ગોમાંથી બહાર દોડીને સામે આવેલા ઘરોમાં પાણી પીવા માટે લાઈન લગાવીએ. સામેવાળા ઘરોમાં રહેતા લોકો પણ શાળાના બાળકો માટે એક અલાયદું માટલું ખાસ ભરીને રાખે. અમને એ પાણી પીને અને તે લોકોને નાનકડા વહાલા લાગે એવા ગણવેશબદ્ધ બાળકોને પાણી પીવડાવીને એક સંતોષનો અનુભવ થતો.
                  આ બધા ઘરોમાંથી એક ઝૂંપડા જેવી ઓરડીમાં એક ડોશીમા રહે. આજે આટલા વર્ષો બાદ એમને યાદ કરી રહ્યો છું ત્યારે પણ મારી આંખ સામે તેમનું આબેહૂબ શબ્દચિત્ર ખડુ થાય છે. નાનકડું કદ,ઉંચાઈમાં બટકા,વાને ઘઉંવર્ણા, સફેદ મેલોઘેલો ગુજરાતી ઢબે પહેરેલો સાડલો,જાડા કાચના કાળી ફ્રેમવાળા ચશ્મા અને નાનકડી અંબોડી વાળી હોય છતા વિખરાયેલા સફેદ વાળ અને બોખું મોઢું. તેઓ સિત્તેર-એંશી વચ્ચેની વયના હશે. તેઓ ખૂબ ઓછું બોલતા. ઘરમાં તેમના સિવાય બીજું કોઈ નહિં. કદાચ તેઓ એકલું દુ:ખી જીવન જીવતા એવું મને આજે તેમને યાદ કરતા લાગે છે.


                આ માજીનું નામ મેં ક્યારેય પૂછ્યું નહોતું કારણ એવી કોઈ સૂઝ મને ત્યારે પડતી નહોતી.પણ એક બે વાર તેમના ઘેર મિત્રો સાથે પાણી પીવા ગયો હોઈશ અને પછી તો કોણ જાણે કેમ મને એમના ત્યાં જઈ પાણી પીવાની જ આદત પડી ગઈ. તેમનું ઘર સાવ નાનું અને સાદું હતું અને લાલ માટીના માટલા સિવાય બીજું કંઈ ખાસ રાચરચીલું પણ તેમના ઘરમાં નહોતું. કદાચ એ ડોશીમા કે તેમના ઘર કે માટલાના ખૂબ સ્વચ્છ ન હોવાને કારણે વધુ બાળકો તેમને ત્યાં પાણી પીવા નહોતા આવતા પણ મને તેમના પ્રત્યે એક ગજબની સહાનુભૂતિ કે લાગણી બંધાઈ ગયેલા અને આથી હું તેમને ત્યાં જ પાણી પીવા જતો.અમારો સંબંધ પણ રિસેસમાં પાણી પીવા જાઉં એટલા સમય પૂરતો જ. એ સિવાય ક્યારેય તેમના ઘેર જવાનું થયું નહોતું. પણ આજેય જ્યારે એ ડોશીમાને યાદ કરું છું ત્યારે એક મમતા ભરી સ્નેહાળ લાગણીનો અનુભવ થાય છે.

                પછી તો સમયના વહેણમાં અનેક પરિવર્તન આવ્યા.એ શાળા જ ત્યાં ન રહી જેમાં હું બાળપણમાં ચાર વર્ષ, બીજા ધોરણ સુધી ભણ્યો.આજે ત્યાં એક ચાલ બની ગઈ છે અને લોકો તેમાં રહે છે.સામેની ચાલ પણ ખાસ્સી બદલાઈ ગઈ અને એ ડોશીમા કે તેમના ઘર પણ નથી રહ્યાં.એ ડોશીમા કદાચ જીવતા નહિં જ હોય પણ મારી સ્મૃતિમાં તેઓ હજી અસ્તિત્વ ધરાવે છે અને કદાચ જો એ હયાત હોત અને ત્યાં જ એમના જૂના ઘરમાં રહેતા હોત તો ચોક્કસ હું તેમને ત્યાં પાણી પીવા જાત અને તેમની સાથે પેટ ભરીને વાતો પણ કરત...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો