Translate

ગુરુવાર, 15 એપ્રિલ, 2010

સંગીત

કોઈ મને પૂછે કે મને શેનો શેનો શોખ છે તો મારા જવાબમાં સંગીત અચૂક હોય! સંગીતનો શોખ કદાચ મને ગળથૂથીમાં મળ્યો છે એમ કહી શકાય.મારા વડદાદા,દાદા,પિતા અને કાકાઓ સૌ સંગીતના રસિયા જ નહિં પણ વ્યવસાયિક ધોરણે પણ સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે.હું ભલે હજી સુધી વ્યવસ્થિત તાલીમ લઈ સંગીત શીખી શક્યો નથી પણ એક દિવસ ચોક્કસ વ્યવસ્થિત તાલીમ લઈ ગાતા અને એકાદ વાજિંત્ર વગાડતા શિખવાની ઇચ્છા મારા મનમાં હજી સચવાઈને પડેલી છે ખરી!

સંગીતમાં ચોક્કસ એક જાદુ છે.તે મૂડ સુધારવાની તાકાત તો ધરાવે જ છે પણ એથીયે વિશેશ તમે જ્યારે દુખી હોવ અને એકાંત ઇચ્છતા હોવ ત્યારે પણ તે તમારો મિત્ર બનવાની ક્ષમતા ધરાવે છે અને તમને એ પરિસ્થિતીમાં ટકી રહેવાનું બળ પૂરુ પાડે છે. હું જ્યારે શાંતિથી મારું મનપસંદ એવું કોઇ ગીત કે સંગીત સાંભળું છું ત્યારે હું એક અજબની ધ્રુજારી, અજબના સ્પંદનો અનુભવું છું.એ ત્યારે મારા હ્રદયને ઝંકૃત કરી મૂકે છે, મારા મસ્તિષ્કના કોઈક એવા કોષોને સ્પર્શે છે જે મને સ્વર્ગીય સુખની અનૂભુતિ કરાવે છે.

એ. આર. રહેમાન મારા સૌથી પ્રિય સંગીતકાર છે. તેમના કેટલાક ગીતો સાંભળતી વખતે એટલા સમય માટે હું આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યો જાઉં છું. રહેમાનના સંગીતમાં એવું કોઈક ઇશ્વરીય તત્વ છે જે સીધુ મારા (અને ગયા વર્ષે ઓસ્કાર જીત્યા બાદ તો વિશ્વભરના લાખો લોકોના) હ્રદયને સ્પર્શે છે.તેમનું 'રોજા','બોમ્બે', 'તાલ',’ ૧૯૪૭ અર્થ’, 'રંગીલા','સપને','દિલ સે' જેવી ભારતીય ફિલ્મનું સંગીત હોય કે 'બોમ્બે ડ્રીમ્સ' કે 'જય હો'જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે રચેલું સંગીત હોય, એ બીજા બધા સંગીતકારોના સંગીત કરતા જુદું જ તરી આવે છે જેમા રહેમાનની એક વિશેષ છાંટ સાંભળવા, અનુભવવા મળે છે.

કેટલાક ગીતો રાતે સાંભળવા ગમે એવા હોય છે તો કેટલાક વહેલી સવારે.મારા પપ્પાને પણ સંગીતનો જબરો શોખ છે.તે સવારે ઉઠી ભજનની કેસેટ કે રેડિયો ચાલુ કરી પાછા બેડ પર આડા પડી સંગીત માણે છે. આંખો બંધ હોય પણ તેમના એક પગ પર ચડાવેલ બીજા પગ નો અંગૂઠો, વાગતા ગીત સાથે તાલ મિલાવતો હલતો જોવો એ મારો નિત્યક્રમ છે! અમારા ઘરે આઠ થી દસ જૂદાજૂદા રેડિયા-ટેપ રેકોર્ડર-સીડી પ્લેયર હશે! દિવસના મોટા ભાગ દરમ્યાન મારા ઘરમાં સંગીત રણકતુ જ રહેતું હોય છે. મારી બહેનો અને પત્ની પણ સંગીતના ખૂબ શોખીન છે. મમ્મીને જ સંગીતમાં ખાસ રસ ન હોવાથી પપ્પા ક્યારેક તેને ઔરંગઝેબ કહી ને ચિડવે છે!

મારા ઘરે વાગતા પ્રભાતિયામાં મારુ સૌથી પ્રિય ગીત છે 'જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે...'. એ સાંભળતી વેળાએ હું મનમાં નૃત્ય અચૂક કરી લઉં છું! ઘણી વાર આ ગીત પર કૃષ્ણ બની નાગની ફેણ પર ચડી લાઈવ પરફોર્મ કરવાની એક અદમ્ય ઇચ્છા થઈ આવે છે! લતાબાઈના કંઠે ગવાયેલા ભજનો કે બીજા કેટલાક ગુજારાતી પ્રાર્થના કે ભક્તિગીત સાંભળી દિવસની શરૂઆત થાય એથી વધુ સારું બીજુ શું હોઈ શકે? રાતે મને જમ્યા પછી વોક લેતી વખતે ધીમુ કે શાંત પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે.
'એ દિલે નાદાન...' કે 'ચુપકે સે લગ જા ગલે રાત કી ચાદર તલે...' જેવુ. ખાસ સ્થળોએ ખાસ પ્રકારનું સંગીત સાંભળવાની પણ મજા જ કંઈક જૂદી હોય.જેમકે પર્વતપરના કોઈક સ્થળે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું 'ક્યુ નયે લગ રહે હૈ...' કે લકી અલીનું 'ગોરી તેરી આંખે કહે..' મને યાદ છે એન્જિનીયરીંગ ડીગ્રી વખતે વાંગણી ખાતે આકાશદર્શન માટે ફિલ્ડટ્રીપમાં ગયેલો ત્યારે આખી રાત અંધારામાં ખુલ્લા ખેતરમાં ઘાસ પર સૂતા સૂતા તારાઓ નિહાળતી વખતે માચીસ ફિલ્મના ગીતો અને બીજા મારા પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે. આવી તો બીજી પણ ઘણી યાદો છે - જેમકે લોહગઢની ઓવરનાઈટ ટ્રેકિંગ વખતે સાંભળેલા ગીતો અને પર્વતની ટોચે ગુફા બહાર વહેલી સવારે સુર્યોદય વેળાએ ભૈરવી ફિલ્મનું 'ૐ નમ: શિવાય..' ગીત કે હરિશ્ચંદ્રગઢની મુશ્કેલ ઓવરનાઈટ ટ્રેક વખતે રાત્રે ગાયેલા અને સાંભળેલા અને પાછા ફરતી વેળાએ માર્ગમાં વચ્ચે થોભી થોભીને સાંભળેલા ગીતોએ મનમાં જે સ્પંદનો અને લાગણીઓ ઉભા કરેલા તે પણ હું આજેય એવા જ અનુભવી શકુ છું. ક્યારેક ઘરે પણ એકલો મારી રૂમમાં કે ગેલેરીમાં ઉભાઉભા ‘તક્ષક’ કે ‘લેકિન’ કે ‘રુદાલી’ના ગીતો સાંભળવા ખૂબ ગમે તો ક્યારેક ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘સાવરિયા’,’ઝુબેદા’,‘મીનાક્ષી’ ના સુમધુર ગીતો તો વળી ક્યારેક ‘સરદારી બેગમ’ની ઠૂમરીઓ પણ સાંભળવા એટલા જ ગમે!
મને દક્ષિણ ભારતીય સંગીત કે કાર્ણાટિક સંગીત પ્રત્યે પણ અપ્રતિમ લગાવ છે. ‘મોર્નિંગ રાગા’ ફિલ્મની તરજો જ મારા હાલના મોબાઈલ રીંગ અને મેસેજ ટોન પર ગૂંજે છે. આ સંગીત પણ સીધુ મારા આત્મા સાથે જોડાય છે, મને અદભૂત માનસિક શાંતિ આપે છે, મને એક નવી જ દુનિયામાં લઈ જાય છે.આ પ્રદેશની સંસ્કૃતિ,રીતભાત,મંદિરો,પરંપરાઓ અને સંગીત બધા સાથે હું કોઈ અજબ પ્રકારની આત્મિયતા ધરાવું છું, જાણે કોઈક પૂર્વ ભવનું લેણું ન હોય એ બધા સાથે મારું એમ! દક્ષિણ ભારતમાં સંગીતનું એક અનેરું મહત્વ છે. ત્યાં કુટુંબોમાં બાળકોને નાનપણથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાય છે અને તેઓ એક ચોક્કસ સ્તર સુધી નું સંગીત શીખીલે ત્યાર બાદ તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન ત્યાંના એકાદ મંદિરમાં યોજાય છે. આવા એક-બે કાર્યક્રમ માણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ દરેક વખતે એક અનેરા ભક્તિભાવમાં તરબોળ થઈ અનેરી ધન્યતા અનુભવી છે મેં. ત્યાંની સ્ત્રીઓ માટલાનો વાજિંત્ર તરીકે સુંદર પ્રયોગ કરી જાણે છે અને ત્યાંની સ્ત્રીઓ શરણાઈ,ઢોલક કે સિતાર,વાંસળી જેવા દરેક પ્રકારના વાદ્યો લયબદ્ધ રીતે વગાડી જાણે છે - તેમાં પારંગત હોય છે. આપણે ત્યાંની ફાલ્ગુની પાઠક નો ઝીણો અવાજ તો મને ગમે જ છે પણ તેની સાથે નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ બોલાવનાર હેમાંગિની જેવો ભાતિગળ ઘેરો અવાજ મને વિશેષ પ્રિય છે અને એટલે જ કદાચ આવા સ્વરમાં ગવાયેલા હાલના 'ઇક તારા....' અને 'સસુરાલ ગેંદા ફૂલ...' જેવા ગીત પણ મને બેહદ પ્રિય છે.
સૂફી સંગીત, નાટ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પ્રકારના સંગીતની વાત અને મીઠાશ જ નિરાળાં છે.
સંગીતનો મહિમા અને તે મને જે હદે પ્રિય છે તેનું વર્ણન કદાચ એક બ્લોગમાં કરવું અશક્ય છે.પણ જેની શરૂઆત થાય તેનો અંત પણ નિશ્ચિત જ હોય એ લેખે આ બ્લોગ સંગીત ને અંજલિ આપતા પૂર્ણ કરુ છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો