Translate

સોમવાર, 19 એપ્રિલ, 2010

શતાબ્દીમાં યાત્રાનો એક યાદગાર અનુભવ

ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.સામાન્ય લાંબા અંતરની ટ્રેનમાં દ્વિતીય વર્ગની બેઠક શ્રેણીની ૨૦૦ રુપિયાથી ઓછી કિંમતની ટીકીટ લઈને તમે આઠ-નવ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો જ્યારે એ.સી. ચેરકાર શ્રેણીની શતાબ્દીની પોણા સાતસો રૂપિયાની ટીકીટ લઈને પણં તમે છ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો.પણ આ એક અનુભવલીધા બાદ તમે સમજી શકશો કે ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.(અને ખિસ્સાને પરવડે તો આ શતાબ્દીનો પ્રવાસ ચોક્કસ માણવા લાયક ખરો!)
થોડા દિવસો પહેલા મારે શતાબ્દીમાં અમદાવાદ જવાનું થયું અને બોરિવલીથી વહેલી સવારે ટ્રેન પકડી એ ક્ષણથી જ મેં આ મુસાફરી માણવાની શરૂઆત કરી દીધી.કદાચ આ ટ્રેનને તાજેતરમાં જ નવા ડબ્બા મળ્યા હતા.હું મારા જે ડબ્બામાં મારી સીટ બૂક કરેલી હતી તેમાં ચડ્યો અને મને એવી લાગણી થઈ જાણે હું વિમાનમાં પ્રવેશ કરી રહ્યો હોઉં.ડબ્બામાં એ.સી. ને કારણે ખુલ્લી બારી ન હતી અને બારીનો કાચ જાડો અને પારદર્શક હતો.પણ બારી ખાસ્સી પહોળી અને બીજી ગાડીઓની સામાન્ય હોય છે તેના કરતા અલગ પ્રકારની હતી.બારી ઉપર સામાન મૂકવા માટે પણ ખાસ પ્રકારના એક્રેલીકના જાડા પારદર્શક સ્ટેન્ડ હતા.બારી પરના ખેંચી શકાય તેવા પડદાંયે સામન્ય રીતે હોય છે તેવા પડદા કરતા અલગ!અંધારામાં વાંચી શકો એ માટે સીટ ઉપર ફક્ત તમારા પૂરતા જ જરૂરી પ્રકાશ ફેંકતી ખાસ લાઈટ્સ,ડબ્બામાંના ટોયલેટ્સ,દરવાજા,બે-બે અને ત્રણ-ત્રણ બેઠકની કતાર અને તેમની વચ્ચેના પેસેજ તેમજ તેના પર પાથરેલી જાજમ આ બધુ ખૂબ જાજરમાન અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા હતા જે તમને એવો અનુભવ કરાવે જાણે તમે વિમાનમાં પ્રવાસ ખેડી રહ્યા હોવ.
વસઈ-નાયગાંવ નજીક ટ્રેન સહેજ ધીમી પડી અને બહાર વસઈની ખાડી પરથી પસાર થતી વેળા સુંદર સૂર્યોદયના દર્શન થયા.શતાબ્દીના એ.સી. કોચની જાડા કાચ ધરાવતી પહોળી મોટી બારીમાંથી આ મનોહર દ્રષ્ય ધરાઈને માણવાની ખૂબ મજા પડી.આ જ વખતે ચા પણ આપવામાં આવી એટલે મારા તો એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર.આ અનુભવ યાદગાર રહ્યો અને તેનો અનુભવ કરતા એવી પણ લાગણી થઈ રહી હતી જાણે હું વિદેશની ટ્રેનમાં બેસી પ્રવાસ કરી રહ્યો હોઉં!
હજી ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં ઉપમા-નાળિયેરની ચટણી અને બ્રેડ-બટર-જામનો બ્રેકફાસ્ટ આવ્યો.
બાજુની બેઠક પર બેસેલ મારો સહપ્રવાસી મુંબઈનો જ એક યુવાન હતો જેની સાથે મેં પાકિસ્તાનથી લઈને રાજકારણ અને ફિલ્મોથી માંડીને શાળાજીવન જેવા અનેક વિવિધ વિષયો પર ચર્ચા કરવાની મજા માણી.તેણે તેના શળાજીવનની એક અતિ રસપ્રદ પ્રવ્રુત્તિની વાત શેર કરી.તે રાજસ્થાનની એક શાળામાં ભણ્યો હતો જ્યાં એવો નિયમ હતો કે રોજ એક વિદ્યાર્થીએ બીજા બધા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડી વાર્તા કહેવાની.આ દ્વારા વિદ્યાર્થીઓને રોજ એક નવી વાર્તા તો સાંભળવા મળતી જ હતી જેનાથી તેમનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થતુ અને જે વિદ્યાર્થી વાર્તા કહે તેને સારા વક્તા બની પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ પ્લેટ્ફોર્મ પણ મળી રહેતું.મને લાગે છે દરેક શાળાએ આ પ્રવ્રુત્તિ અપનાવવી જોઇએ.(કોઇ શાળાના શિક્ષક કે આચાર્ય જો આ બ્લોગ વાંચી રહ્યા હોવ તો આનો તાત્કાલિક અમલ કરવા વિનંતી!)
અમારા રસપ્રદ વાર્તાલાપ વખતે ટ્રેન દ્વારા સમયાંતરે અપાયેલા ચોકલેટ્સ, ફ્રુટજ્યુસના ટેટ્રા પેક વગેરે એ અમને તાજામાજા રાખ્યાં.થોડા સમય બાદ મારા સહપ્રવાસી મિત્રને ઉંઘ ચડી અને તે નિદ્રાધીન થયો.મેં સાથે આણેલું ટૂંકી વાર્તાઓનું પુસ્તક વાંચવુ શરૂ કર્યુ.ત્યાં અમારી પાછળની સીટ પર બેસેલા એક વ્રુદ્ધ સ્ત્રી-પુરુષના સંવાદ મારા કાને પડ્યા.સ્ત્રી ગુજરાતીઓની સ્વભાવગત લાક્ષણિકતાઓ ચર્ચી રહી હતી અને સાથે તેણે શુદ્ધ અંગ્રેજીમાં એમ પણ જણાવ્યું કે તે પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હતી.મને એ સાંભળી નવાઈ લાગી.તેણે વયસ્ક પુરુષ મિત્રને એમ પણ જણાવ્યું કે તેના મુક્ત સમયમાં તેને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે છે.હું આ સન્નારીથી પ્રભાવિત થયો.મારા ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના પુસ્તકોની નવી આવ્રુત્તિ બહાર પડવાની હતી અને મારે તેનું પ્રૂફ-રીડીંગ કરવાનું હોવાથી મારા પુસ્તકો પણ મેં સાથે રાખ્યા હતા.તેમાનું એક મેં તે સન્નારીને વાંચવા આપ્યુ અને તેમનો અભિપ્રાય અને કોઈ સુધારાવધારા જણાય તો તે સૂચવવા કહ્યું.તેણે થોડા પાના વાંચ્યા જે તેને ગમ્યા.પુસ્તકના લેખક તરીકે છાપેલા મારા પૂર્ણ નામમાં રહેલા મારા પિતાના નામ પરથી તેણે તેમને તરત ઓળખી કાઢ્યા અને તેણે બાજુમાં બેઠેલા વયસ્ક મહોદયને મારા પિતાની ઓળખ ખ્યાતનામ કલાકાર તરીકે આપી તેમની સાથે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ વિષે ગોઠડી માંડી.

બ્રેડસ્ટીક્સ અને બટર સાથે ટમેટાનું સૂપ આવ્યું અને ત્યારબાદ તરત સામાન્ય કહી શકાય એવું બપોરનું ભાણું આવ્યું જે મેં એટલું ધીમે ધીમે આરોગ્યું કે હું આઈસક્રીમ ચૂકી ગયો! સમગ્ર યાત્રા ખૂબ આરામદાયક અને માણવાલાયક રહી પણ ગાડી અમદાવાદ થોભી એ પહેલા મેં યાત્રા દરમ્યાન કરેલા બે નિરીક્ષણે મને થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરતો કરી મૂક્યો.મને એ વિચાર અમલમાં મૂકી શકાય એ માટે કોઈ રેલવે સત્તાવાળાને મળવાનું પણ મન થયું પણ એ વિચારો આવ્યા બાદ મને ટ્રેનમાં કોઈ યોગ્ય સત્તાવાળી વ્યક્તિ મળી જ નહિં, એટલે હવે આ વિચારો હું આ બ્લોગ દ્વારા વ્યક્ત કરી રહ્યો છું.એક તો ટ્રેનમાં અપાતી મિનરલ વોટર એટલે કે પીવાના પાણીની પ્લાસ્ટીક બોટલ વિષે.આ બોટલ દરેક યાત્રીની સીટ પર પહેલેથી જ મૂકેલી હોય છે.લગભગ ૭૦ સીટ ધરાવતા એક ડબ્બા ગુણ્યા ૧૨ થી ૧૫ ડબ્બાના કુલ મળીને સાડા આઠસો થી હજારેક યાત્રીને પીવાના પાણીની સરેરાશ એક લેખે ગણીએ તો હજારેક બોટલો આપવામાં આવતી હોય છે.(અને આતો થઈ એક ગાડીની વાત. આવી તો કેટલીય ટ્રેનો રોજ અલગ અલગ માર્ગો પર દોડતી હશે જેમાં કુલ લાખો પ્રવાસીઓને પાણીની બોટલો આપવામાં આવતી હશે.) મેં અમદાવાદ ઉતરતી વખતે નોંધ્યુ કે મોટા ભાગના યાત્રીઓએ ઉતરતી વેળાએ ખાલી બેઠક પર અડધું જ પાણી પીધેલી એ બોટલો ત્યાં જ રહેવા દીધી હતી.હવે જો આ પાણીને બીજા વપરાશમાં ન લેવામાં આવતું હોય તો એ ઘણો મોટો વ્યય ગણાય.આજે આપણે સૌ પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આપણે પાણીનો સભાનતા અને સાવચેતી પૂર્વક ઉપયોગ નહિં કરીએ તો એ દિવસો પણ દૂર નથી જ્યારે આપણે પાણી મેળવવા માટે પણ લાઈનો લગાદવી પડશે અને પાણી મેળવવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. આથી જો કોઈ રેલવે સત્તાવાળા કે તેમની સાથે પરોક્ષ રીતે જોડાયેલ કોઈ વ્યક્તિ આ બ્લોગ વાંચી રહી હોય તો તેને હું વિનંતી કરું છું કે પાણી વેડફાય નહિં અને વધેલા પાણીનો બીજા યોગ્ય વપરાશના કાર્યો માટે ઉપયોગ થાય તેવું કરે એ સંદેશ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડે.પાણીની મોટી બોટલ આપવાની જગાએ નાના કદની બોટલ આપવાનું પણ વિચારી શકાય.
બીજું નિરીક્ષણ હતું ભારે બિનજરૂરી વિજળીના વપરાશ સંદર્ભે.મારા ડબ્બામાં લગભગ ૩૦ જેટલી ટ્યુબલાઈટ્સ હતી.હવે તમે જાતે જ ૧૨ - ૧૫ ડબ્બામાં કુલ કેટલી ટ્યુબલાઈટ્સ હશે તે ગણી લો(અને આવી તો બીજી અનેક દિવસ દરમ્યાન દોડતી ટ્રેનોની ટ્યુબલાઈટ્સ પણ ગણતરીમાં લેજો!)હું વહેલી સવારે ટ્રેનમાં ચડ્યો ત્યારથી લઈને બપોરે એક વાગે અમદાવાદ ઉતર્યો ત્યાં સુધી છએક કલાકના ગાળામાં આ ટ્યુબલાઈટ્સ ચાલુ જ હતી.ગાડીમાં કોઈએ પડદો તો બંધ કર્યો જ નહોતો આથી સુર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ડબ્બામાં પ્રવેશી તેને પ્રકાશિત કરી રહ્યો હતો અને એક પણ ટ્યુબલાઈટની ખરી રીતે તો જરૂર જ નહોતી ત્યારે આખી ગાડીમાંની બધી ટ્યુબલાઈટ્સ બળતી રાખવામાં કેટલી બિનજરૂરી વિજળીનો વ્યય થતો હતો!હવે જો આખા ડબ્બામાં સળંગ ૩૦ ટ્યુબલાઈટ્સની કતારની જગાએ બે ટ્યુબલાઈટ્સ વચ્ચે થોડું અંતર જાળવી કુલ ટ્યુબલાઈટ્સની સંખ્યા અડધી કરી નાંખવામાં આવે, સામાન્ય ટ્યુબલાઈટ્સની જગાએ ખાસ પ્રકારની ઓછી વિજળી વાપરતી ટ્યુબલાઈટ્સ વાપરવામાં આવે તેમજ દિવસ દરમ્યાન આ ટ્યુબલાઈટ્સ બંધ જ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વિજળી/ઉર્જાની બચત કરી શકાય.મારો આ સંદેશ પણ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચશે તો આ બ્લોગ સાર્થક થશે. આપણે સૌએ હવે જવાબદાર નાગરિક બનવાની જરૂર છે અને મૂલ્યવાન એવા પાણી અને વિજળી જેવા ઉર્જાસ્રોતોનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની શરૂઆત કરવાની જરૂર છે તો જ આપણે આપણા સૌની પ્રિય એવી પ્રુથ્વીમાતા પર આપણું જીવન લાંબા ગાળા સુધી ટકાવી શકીશું.

5 ટિપ્પણીઓ:

  1. હજી સુધી મેં મુંબઈ-અમદાવાદ શતાબ્દીમાં પ્રવાસ કર્યો નથી, પણ મારો ભોપાલ-નવી દિલ્હી તેમજ નવી દિલ્હી-અમ્રુતસર શતાબ્દીમાં યાત્રા નો અનુભવ આ બ્લોગમાં વર્ણવ્યા સમાન જ આરામ અને સુખદાયી રહ્યો હતો.ભોપાલ-નવી દિલ્હી વચ્ચે દોડતી શતાબ્દી ભારતની સૌથી ઝડપી ટ્રેન છે જે કલાકે ૧૫૦ કિમીની ઝડપે દોડે છે અને તે પણ યાત્રીઓને અપાતી સુવિધાઓ માટે પ્રખ્યાત છે. ક્યારેક તક મળે તો એમાં પ્રવાસ નો અનુભવ પણ માણવા જેવો ખરો!

    - સરીશ કરોથ (મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો
  2. હું મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી પ્રથમ શતાબ્દી ટ્રેનમાં યાત્રા કરનાર ભાગ્યશાળી પ્રવાસી હતો! એ સમયે તો શતાબ્દી ફક્ત સૂરત અને વડોદરા જ થોભતી હોઈ અમદાવાદ પહોંચવામાં આજે લાગે છે એ કરતાંયે ઓછો સમય લાગતો અને ખૂબ મજા આવતી.પણ હવે રાજકારણીઓની દખલગીરીને લીધે શતાબ્દી પણ ઘણાં બધાં સ્ટેશનોએ ઉભી રહે છે અને જોઇએ એવી મજા આવતી નથી.જો કે એ પ્રથમ યાત્રા દરમ્યાન પણ પ્રવાસીઓને અપાનારી સુવિધાઓ ખૂબ સારી હતી.મને હિન્દી ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન' યાદ આવી ગઈ! હું હવે અમદાવાદ જવા સુર્યનગરી અથવા ગરીબરથ એક્સપ્રેસ ટ્રેન વધુ પસંદ કરું છું કારણ આ ટ્રેનો વચ્ચે બે જ સ્ટેશનોએ થોભે છે અને ઘણાં ઓછા સમયમાં અમદાવાદ પહોંચાડે છે.મને રાજધાનીનો પ્રવાસ શતાબ્દી કરતા વધુ પસંદ છે.
    - સમીર શુક્લ (મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો
  3. તું ચોક્કસ એક દિવસ રેલ્વે મંત્રી બનીશ!!!
    - અનામ

    જવાબ આપોકાઢી નાખો
  4. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. 'શતાબ્દીની યાદગાર સફર'નો બ્લોગ વાંચી એક વાચક મિત્ર ગિરીશ જોશીએ ઇમેલ દ્વારા ફીડબેક આપતાં લખ્યું કે બ્લોગ સારો હતો અને તેઓ પોતે શતાબ્દીમાં છેલ્લા દસ વર્ષથી મુસાફરી કરે છે.પણ તેમની એક ફરિયાદ છે કે આટલા વર્ષોમાં શતાબ્દીમાં અપાતા ભોજન અને નાસ્તામાં કોઈ ફરક નથી.ફક્ત એક ઉપમા ઉમેરાયો છે.બીજી પણ એક વાત ગિરીશભાઈને ખૂંચે છે અને તે છે ૭:૦૦ વાગે શતાબ્દીમાં વાપીથી ચડતા ખાસ માણસોને અપાતી ટ્રીટમેન્ટ.આ લોકો પાસે કન્ફર્મ્ડ ટિકીટ પણ ન હોવાં છતાં તેમને ખાસ વાપીથી આવતા સમોસા, ઢોસા અને શેઝવાન રાઈસ પિરસવામાં આવે છે.તેમને ક્યારેય કોઈ દંડ ફટકારાતો નથી કે નથી. તેઓ ટ્રેન પણ તેમની પોતાની માલિકીની હોય એમ બેફામ વર્તી મોટેથી ઘાંટા પાડે છે અને સીટ પરના હેન્ડલ પર બેસી જાય છે.ટ્રેનનાં વેઇટરો પણ આ ખાસ પેસેન્જરોને સાચવે છે અને ટ્રેન બદલાવા છતાં આ વાપીવાળા મુસાફરોમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.
    ગિરીશભાઈ વધુમાં લખે છે કે બ્લોગમાં છાપેલી કમેન્ટ્સ દ્વારા સમીર શુક્લ સાચું જ જણાવે છે કે શતાબ્દી કરતા હવે સૂર્યનગરી વધુ ઝડપે અને ઓછા સમયમાં અમદાવાદ પહોંચાડે છે પણ સૂર્યનગરી હંમેશા મણિનગર સ્ટેશને પંદર મિનિટ ઉભી રહે છે.

    જવાબ આપોકાઢી નાખો